- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''જો વિલંબનીતિ ન અપનાવીને ગુસ્સાની-ક્રોધની અવસ્થામાં જ કોઇ ઉતાવળું પગલું ભરાઈ જાય તો એમાં પરિસ્થિતિનો વાસ્તવિક ક્યાસ ન નીકળી શકે અને સરવાળે પસ્તાવાનો સમય આવે. એક મજેદાર સુવાક્ય આ સંદર્ભમાં યાદ રાખવા જેવું છે કે જે ગુસ્સામાં ઉતાવળાં પગલાં ભરે છે એને પસ્તાવા માટે નિરાંતનો સમય મળી રહે છે.''
પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વના પડઘમ સર્વત્ર ગુંજી રહ્યા છે. આ મહાપર્વ આત્મકલ્યાણની આલબેલ પુકારતા એક એવા દોષને-દુર્ગુણને નાથવાનો નિર્દેશ કરે છે કે જે વ્યક્તિની સર્વાંગીણ ખાનાખરાબી નોંતરે છે. એ ભયાનક દુર્ગુણ એટલે ક્રોધ. એ વ્યક્તિના આ લોકમાં દુશ્મનોની પરંપરા સર્જે છે, તો વ્યક્તિના પરલોકમાં દુર્ગતિની પરંપરા સર્જે છે. ક્રોધ વ્યક્તિના બાહ્ય જીવનમાં સંઘર્ષો-સમસ્યાઓની હારમાળા સર્જે છે, તો વ્યક્તિનાં અભ્યંતર જીવનમાં અશાંતિની આગ સર્જે છે.
પર્યુષણામહાપર્વ આ કાતિલ ક્રોધને નાથવા 'જો ઉવસમઈ તસ્સ અત્થિ આરાહણા' જેવાં સચોટ ઉપદેશવચનો ફરમાવે છે. આપણે એ લક્ષ્યમાં રાખી પ્રતિવર્ષ પર્યુષણામહાપર્વ પ્રસંગે ક્રોધને કંટ્રોલમાં લેવા અવનવા પ્રેક્ટીકલ ઉપાયોની વિચારણા કરીએ છીએ. આજે એ ઉપક્રમમાં ગત લેખની વિલંબનીતિનું થોડું અધિક વિશ્લેષણ કરી આગળ વધીશું.
વિલંબનીતિ - આમ તો સામાન્ય નિયમ એ છે કે જીવનમાં જે કાર્યો કરવા ધાર્યા હોય એમાં વિલંબનીતિ ન રાખવી, બલ્કે ત્વરિતતા રાખવી. વિલંબનીતિ આળસુનું પ્રતીક અને ત્વરિતતા ઉદ્યમનું-પુરુષાર્ષશીલતાનું પ્રતીક સામાન્યપણે મનાય છે. એક કાવ્યપંક્તિ તો ત્યાં સુધી કહે છે કે:
કાલ કરે સો આજ કર,
આજ કરે સો અબ;
અવસર બીતા જાયેગા,
ફિર કરોંગે કબ?
અમારી વાત કરીએ તો અમે દરેક કાર્ય બનતી શક્યતાએ ત્વરિત જ કરવાનો અભિગમ રાખીએ છીએ. જેથી કાર્ય સમયસર થાય અને ઘણાં બધાં કાર્યોનો જમેલો ન થાય. કાર્યો પેન્ડીંગ રાખનારને ઘણાં કાર્યોનો જમેલો થઇ જતો હોય છે. વિલંબનીતિનાં આવાં અનેક નુકસાનો હોવા છતાં ક્રોધ માટે વાત એ છે ત્યાં વિલંબનીતિ સુયોગ્ય બાબત છે. ગુસ્સાની સ્થિતિમાં ત્વરિત પ્રતિભાવ લાભદાયક નથી, બલ્કે બહુ મોટો નુકસાનકારક છે. જરા સમજીએ આ વાત.
જ્યારે વ્યક્તિ ગુસ્સામાં-આવેશમાં હોય ત્યારે શું યોગ્ય છે કે શું અયોગ્ય? શું કર્તવ્ય છે કે શું અકર્તવ્ય? એનો પરિપક્વ વિચાર કરવાની એની મનઃસ્થિતિ નથી હોતી. એની માનસિકતા ત્યારે આવેશ-આક્રોશ જે પ્રમાણે દોરવે તે પ્રમાણેના આકરાં-ઉતાવળાં પગલાં લઇ લેવાની હોય છે. ખબર છે ઊકળતા પાણી અને ઠરેલ પાણી વચ્ચેનો તફાવત ? પાણી જ્યારે ગેસ-ચૂલા પર ઊકળતું હોય ત્યારે એમાં વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ બરાબર જોઇ ન જ શકે. એ જ પાણી ચૂલા પરથી ઊતરી તપેલા વગેરેમાં સ્થિર થઇ ગયું હોય-ઠરી ગયું હોય ત્યારે એમાં વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ ખૂબ સરસ-યથાવત્ જોઇ શકે. વ્યક્તિની મનઃસ્થિતિનું પણ આવું જ છે. એ જ્યારે ક્રોધગ્રસ્ત-આવેશગ્રસ્ત હોય ત્યારે એમાં પરિસ્થિતિનું સાચું-યથાર્થ પ્રતિબિંબ ઝીલી નથી શકાતું. એથી વિપરીત મનઃસ્થિતિ જ્યારે શાંત-ઠરેલ હોય ત્યારે પરિસ્થિતિનું સાચું આકલન-સાચો ક્યાસ નીકળી શકે છે. વિલંબનીતિ મનની ક્રોધગ્રસ્ત-ઊકળાટભરી અવસ્થાને શાંત થવા દે-ઠરવા દે છે. એ પછી તો નિર્ણય-લેવાતુ પગલું લગભગ યોગ્ય દિશાનું હોય છે.
જો વિલંબનીતિ ન અપનાવીને ગુસ્સા-ક્રોધની અવસ્થામાં જ કોઇ ઉતાવળું પગલું ભરાઈ જાય તો એમાં પરિસ્થિતિનો વાસ્તવિક ક્યાસ ન નીકળી શકે અને સરવાળે પસ્તાવાનો સમય આવે. એક મજેદાર સુવાક્ય આ સંદર્ભમાં યાદ રાખા જેવું છે કે ''જે ગુસ્સામાં ઉતાવળાં પગલાં ભરે છે એને પસ્તાવા માટે નિરાંતનો સમય મળી રહે છે.'' ગુસ્સામાં લેવાતું ઉતાવળું પગલું ક્યારેક કેવું પસ્તાવાજનક બની રહે એ જાણવું છે ? તો વાંચો આ પ્રાચીન કથાઃ
દેશદેશાવરમાં ભમતો એક વણઝારો મોટા સાર્થ સાથે એક શહેરમાં આવ્યો હતો. એને ત્યાંના રાજાએ એટલી વ્યાપારિક સુવિધાઓ કરી આપી કે વણઝારો રાજા પ્રત્યે કૃતજ્ઞાભાવથી છલકાઈ ઉઠયો. જવાના સમયે એણે કૃતજ્ઞાાભાવથી-ઋણ અદા કરવાની બુદ્ધિથી રાજાને પોતાનો પ્રિય કૂતરો ભેટમાં આપી દીધો. કૂતરો એકદમ વફાદાર, ચોરોને જોતાવેંત વાતાવરણ ગજવી દે તેવો અને જો ચોરી થઇ ચૂકી હોય તો ચોરના સગડ પરખવામાં નિષ્ણાત હતો. રાજા ખુશ થઇ ગયા આ ભેટથી. જો કે કૂતરાને વણઝારા પ્રત્યે એટલો જોરદાર-તીવ્ર લગાવ હતો કે એ આ ઘટનાક્રમથી દુઃખી દુઃખી થઇ ગયો. એ વણઝારા સામે જોઇ જોઇને રડી રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરતો રહ્યો. પરંતુ એનું ધરાર કાંઇ ન ચાલ્યું. વણઝારો એને ઇશારાથી સમજાવતો હતો કે હવે તારા કાયમી માલિક આ રાજા છે.
વણઝારો વિદાય થયો. એનો સાર્થ પાંચેક દિવસ આગળ વધી ગયો. ત્યાં એક દિવસ સવારે તંબૂ બહાર બેસેલ વણઝારાએ દૂરથી દ્રશ્ય નિહાળ્યું કે એનો પ્રિય કૂતરો દોડતો દોડતો આવી રહ્યો છે. વણઝારાને ગુસ્સો આવ્યો કે 'બેવફા! હમણાં જ તને બતાવી દઉં બેવફાઇનો અંજામ.' દોડતો-ખુશ થતો કૂતરો જેવો નજીક આવ્યો કે વણઝારાએ આંખના પલકારમાં એના પર તોતિંગ પથ્થર ઝીંક્યો. એ મર્મસ્થાને વાગવાથી ક્ષણવારમાં જ તરફડીને કૂતરો મૃત્યુ પામ્યો. ગુસ્સા-ઉતાવળમાં આ કરી તો દીધું. પણ હવે વણઝારાનાં મનમાં કાંઇક ખોટું થયાનો અહેસાસ થયો.
અચાનક એની નજર કૂતરાના ગળા પર બાંધેલ સંદેશપત્ર પર ગઈ. કુતૂહલથી એ ખોલી એણે વાંચ્યો. એમાં રાજાએ લખ્યું હતું કે, ''આ કૂતરો અમારે ત્યાં આવ્યાના ત્રીજા દિવસની રાત્રે એણે મહેલ ગજાવી દઇ મોટી ચોરી અટકાવી દીધી. ચોરો તમામ પકડાઈ ગયા. જો એણે આ ભેદ ન પકડયો હોત તો ક્રોડો રૂ.નું ઝવેરાત ચોરાઈ જાત. ત્રણ જ દિવસમાં એણે જે ઋણ ચૂકવ્યું એનાથી ખુશ થઇ હું પ્રસન્નતાથી આ કૂતરો પરત કરુ છું. આમ પણ કૂતરાને તમારા વિના ગમતું નથી. એ ય રાજી થશે.'' પત્ર વાંચતા જ વણઝારાના પસ્તાવનો પાર ન રહ્યો. એ રડી રહ્યો કે ગુસ્સામાં ઉતાવળું પગલું લેવાના બદલે થોડી ધીરતા ધરી હોત-વિલંબ કર્યો હોત તો આ અનર્થ ન થાત ને ? પરંતુ હવે એની પાસે પસ્તાવા સિવાય કંઇ બચ્યું ન હતું કૂતરા માટે.
ગુસ્સાની ક્ષણોમાં વિલંબ નીતિ-સમયક્ષેપ ન કરાય તો કેવા કાયમી નુકસાનો થાય તે આ કથા સરસ સમજાવી જાય છે. માટે ગુસ્સા સમયે વિલંબનીતિ આવશ્યક-ઉપકારક છે...
- મૌન. મહદંશે જેટલો સંક્લેશો-પારસ્પરિક ઘર્ષણો-મનદુઃખ થાય તે તેનાં મૂળમાં વાણી છે. ક્યાંક મહાભારતની દ્રૌપદીની જેમ વિચાર્યા વિના બોલાયેલ શબ્દો સંઘર્ષને જન્મ આપે છે, તો ક્યાંક ચર્ચામાં આવતા આગ્રહો-અપશબ્દો-ગરમીભર્યા વચનો સંઘર્ષને જન્મ આપે છે. પહેલા 'આમ જ થશે'નો આગ્રહ. પછી આક્ષેપો-અપશબ્દો-બોલાચાલી, પછી મારામારી યા મનદુઃખ અને અંતે વૈમનસ્ય-વિરોધ-વૈર: લગભગ આ ક્રમે ગુસ્સો-ઝઘડો વિસ્તરતો હોય છે. એટલે જ, ઝઘડામાં જીભની ખતરનાક ભૂમિકા વિશે સરસ કટાક્ષવાક્ય લખાયું છે, જ્યારે જીભ દિલ પર ઇજા કરી શકે છે. તલવાર કાલાંતેર કટાય છે, જ્યારે જીભ કદી કટાતી નથી.''
જો ગુસ્સાની ક્ષણોમાં બોલ બોલ કરવાના બદલે મૌન રાખવામાં આવે તો કેટલા ય સંઘર્ષો આપોઆપ અટકી જાય. એટલે જ સંસ્કૃતમાં ઉક્તિ છે કે ''મૌનિનઃ કલહો નાસ્તિ.'' મતલબ કે મૌન ધરનારને કલહ ન હોય. કરવી છે આ સૂક્તિની સત્યતાની પ્રતીતિ ? કો વાંતો આ રમૂજી છતાં પ્રેરક કથા:
ખાનદાન પરિવારની કન્યા લગ્ન કરીને શ્વશુરગૃહે આવી પછી થોડા જ દિવસોમાં એની જિંદગી સામે કઠિન પ્રશ્નો સર્જાઈ ગયા. એ હતી તો સુશીલ-ચારિત્રવાન. પરંતુ સ્વભાવની તડફડ કરનારી હતી. ગુસ્સે થાય એટલે બુમાબુમ કરીને તમાશો સર્જે. શ્વશુરગૃહના બધા જ સભ્યો જરા પણ ઊંચા અવાજે ન બોલવાની આદત ધરાવતા હતા, શાંત હતા. એ નવવધૂની આ હરકત બરદાસ્ત કરી શકે એમ ન હતા. છ માસમાં તો વાત ત્યાં સુધી આવી ગઈ કે પુત્રવધૂને કાયમ પિતૃગૃહે મોકલી દેવી. ખાનદાન નવવધૂને આ સ્થિતિ મંજૂર ન હતી. કેમ કે એનાથી પિતાની ઇજ્જતના ધજાગરા થાય.
એ દિવસોમાં કોઇ સંત એ નગરમાં આવ્યા. ક્લેશથી ત્રસ્ત પુત્રવધૂએ એમની પાસે રડતાં રડતાં કરમકહાની રજૂ કરીને કોઇ મન્ત્ર-ચમત્કારિક વસ્તુ માંગી કે જેથી પિયર જવાની નોબત ન આવે. પૂરી કહાની ધ્યાનથી સાંભળી સંતે બીજે દિવસે એને બોલાવી નાની ચમત્કારિક સળી આપતા કહ્યું: ''જ્યારે ઘરમાં ઝઘડાની શરૂઆત થાય ત્યારે તુર્ત ડબ્બીમાંથી આ સળી કાઢી મુખમાં મૂકી દેવી. આટલું કરવાથી ધીમે ધીમે ચમત્કાર એવો સર્જાશે કે તારે પિયર જવાનો વારો નહિ આવે. હા, પણ એક શર્ત કે આ સળી એક વાર પણ નીચે ન પડવી જોઇએ. તો જ એનો 'પાવર' ટકશે.'' પુત્રવધૂએ સંતની તમામ સૂચના મન્ત્રની જેમ યાદ રાખી લઇ એનો અમલ કર્યો. એક વર્ષમાં તો ઝઘડા ગાયબ થઇ ગયા અને પુત્રવધૂ ઘરમાં પ્રિય થઇ ગઇ. પિયર મોકલવાની વાત સાવ ભુંસાઈ ગઈ.
વર્ષ બાદ સંત પુનઃ એ નગરમાં આવ્યા ત્યારે પુત્રવધૂએ એમનો આભાર માનવા જઇ સળી ખરેખર ચમત્કારિક હોવાનું વર્ણવ્યું. સંતે હસીને કહ્યું: ''બેટા! ચમત્કાર આ સળીનો નહિ, તારી જીભનો છે. મુખમાં સળી હોવાથી તું બોલતી બંધ થઇ ગઇ એનો આ ચમત્કાર-આ શાંતિ છે !'' શાંતિનાં ક્ષેત્રે મૌનનો શો મહિમા છે તે આ દૃષ્ટાંત સમજાવી જાય છે...આપણે આવા આવા ઉપાયો દ્વારા ગુસ્સાને નિયન્ત્રણમાં લઇ ક્ષમાધર્મ આત્મસાત્ કરીએ તે પર્યુષણાનો પાવન સંદેશ.


