- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
'મોર એના પીંછાથી સરસ લાગતો હોય એ કબૂલ. પરંતુ એ પીંછાનો ભાર જ એને આકાશમાં કબૂતર આદિની જેમ ખૂબ ઊંચે જવા નથી દેતો. બસ, એ જ રીતે વ્યક્તિ કદાચ દેખાડા-ફટાટોપથી પોતાને ભલે મોટી-મહાન દેખાડે. પરંતુ એના અહંકારનો ભાર જ એને વાસ્તવિક પ્રગતિનાં-આત્મકલ્યાણનાં આકાશમાં ઊંચે ઊડવા ન દે.'
સંસ્કૃતભાષાની એક કમાલ કરામતો પૈકી એક કરામત એ છે કે એમાં એક જ શબ્દનાં અલગ અલગ અર્થવૈવિધ્ય મળી શકે છે. એ પણ કેટલીક વાર વિપુલ પ્રમાણમાં મળે. આપણે ઉદાહરણરૂપે એક શબ્દ જોઈએ 'અવર્ણ.લ્લ સંસ્કૃત વ્યાકરણ મુજબ એનો એક અર્થ થાય છે સ્વરૂપે રહેલ અ-આ અને એનાં અન્ય ફેરફારો. હવે આ જ 'અવર્ણ' શબ્દનો બીજો અર્થ આનાથી સાવ જ વિપરીત થાય છે 'નિંદા.' અવર્ણવાદ એટલે નિંદા. આ સિવાય પણ 'અવર્ણ'ના અન્ય અર્થો છે ખરા.
આજથી આપણે ચાર લેખ એવા શબ્દો પર કેન્દ્રિત શરૂ કરીશું કે જેના પ્રથમાક્ષર 'અવર્ણ'થી એટલે કે અ અથવા આ-થી શરૂ થતા હોય અને એ શબ્દોથી નિર્દિષ્ટ અવગુણો જો આપણાં જીવનમાં ઘર કરી જાય તો એનાથી જગતમાં આપણો અવર્ણવાદ અર્થાત્ નિંદા જ થાય. આવો, આપણે શરૂ કરીએ 'અવર્ણ'થી આરંભાતા એ ચાર શબ્દો પર વિચારયાત્રા.
(૧) અહંકાર : 'અ'અક્ષરથી શરૂ થતો આ અવગુણ એવો ખતરનાક છે કે એનાથી મહાન વ્યક્તિઓ ય આ સંસારમાં નિંદા-ટીકા જ નહિ, સર્વનાશ પણ પામી છે. શું ત્રિખંડાધીશ્વર રાજા રાવણ કે શું મહાબલી કુરુરાજ દુર્યોધન : આ અને આના જેવી અનેક શક્તિશાળી વ્યક્તિઓ સૃષ્ટિમાં ઘોર અપભ્રાજના-નિંદા પામી છે, ઉપરાંત અંતે સર્વસ્વ ગુમાવીને રહી છે.
અહંકારી વ્યક્તિ માટે ચિંતકોએ કરેલ ઘણા બધાં રસપ્રદ-વાસ્તવિક નિરીક્ષણો પૈકી એક મજાનું વાસ્તવિક નિરીક્ષણ આ છે કે ''અહંકારી વ્યક્તિ ફુલાઈ શકે છે, પરંતુ ફેલાઈ શકતી નથી.'' ફેલાવું એટલે પોતાના સદ્ગુણોથી વિસ્તાર પામી અન્યોનાં હૈયે પ્રતિષ્ઠિત થવું અને ફેલાવું એટલે એડી-ચોટીનું જોર લગાવી પોતાનું કદ માતબર હોવાનો દેખાડો સર્જવો. અહંકારી વ્યક્તિ અન્યોનાં હૈયે પ્રતિષ્ઠિત થવારૂપ ફેલાવો નથી પામતી. બલ્કે કદના દેખાડારૂપ ફુલાઈ જલ્દી જતી હોય છે. પછી એની હાલત ફૂલીને ઢમઢોલ થતાં ફુગ્ગા જેવી બને. ફુગ્ગો ફુલે ખરો. પરંતુ એને ફૂટીને સાવ ખલાસ થઈ જવા માટે એક જ ટાંકણીનો સ્પર્શ કાફી થઇ જાય. ટાંકણીની એક જ અણી અડે અને ફુગ્ગાનું દેખાડાનું કદ કાયમી ખતમ. રાવણના અહંકારના ફુગ્ગાને રામચન્દ્રજીનાં સામર્થ્યની ટાંકણી સ્પર્શી, તો દુર્યોધનના અહંકારના ફુગ્ગાને પાંડવોનાં સામર્થ્યની ટાંકણી સ્પર્શી. પરિણામ એ આવ્યું કે બન્નેનાં જીવન કાયમી ધરાશાયી થઈ ગયા. અહંકાર પતનનું-સર્વનાશનું આવું ખતરનાક કારણ હોવાથી કવિઓએ અનુભૂતિની સરસ વાત કરી છે કે :
અહં રે અહં તું જા ને મરી,
પછી જે બાકી રહે તે હરિ....
વ્યક્તિનાં જીવનમાં અહંકાર ઘણ બધાં કારણે પ્રવેશે છે અને પછી અડ્ડો જમાવી દે છે. આપણે એમાંના કેટલાક કારણોનું વિશ્લેષણ કરીએ :
સંપત્તિ : સંપત્તિનો એક પર્યાયવાચી શબ્દ છે દોલત. શ્લેષ કરીએ તો આ શબ્દનો અર્થ થાય દો-લત અર્થાત્ બે લાત. મતલબ કે સંપત્તિને બે વાર લાત મારવાની આદત હોય છે. એ જ્યારે વ્યક્તિનાં જીવનમાં આવે ત્યારે પહેલી લાત પીઠમાં લગાવે. પીઠમાં લાત વાગવાથી સાવ માયકાંગલા-નગણ્ય લોકો પણ એકદમ ટાઈટ-અક્કડ થઈ જાય. મગતરા જેવા માનવો ય જાણે મગરૂબીનો અવતાર બની જાય ! એથી વિપરીત, લક્ષ્મી જાય ત્યારે છાતીમાં લાત મારે. એનાથી ભલભલા અક્કડ-અભિમાનીઓ ય સાવ હતાશ-ઢીલા થઈ જાય. આ રસપ્રદ ચિંતન એ સમજાવવા સક્ષમ છે કે સંપત્તિ વ્યક્તિને મોટે ભાગે કેવી અહંકારી બનાવી દે છે. બહુ મર્યાદિત લોકો એવા હોય છે કે જે સંસ્કાર-સદ્ગુરુસંસર્ગ-અનુભવ જેવાં કારણે આ દોષથી બચે. કરવી છે આની પ્રતીતિ ! તો વાંચો આ મસ્ત કથા :
પિતાના અવસાન બાદ નાની વયે વિશાલ સંપત્તિનો માલિક બનેલ યુવાન પુત્ર સાવ બિનઅનુભવી હતો. ન ધંધાની સુઝ હતી, ન આસપાસ જામેલી સ્વાર્થી ખુશામતખોરોની ટીમથી બચવાની સુઝ હતી. વળી અહંકારનો પાર નહિ. એમાં જે થવાનું હતું એ જ થયું. યુવાન નુકસાનીમાં ગયો અને આર્થિક રીતે પાયમાલ થઈ ગયો. રસ્તામાં કોઈ મળે તો ય મુખ ફેરવી દે એવી ઉપેક્ષિત હાલત એની થઈ ગઈ. યુવાનને હવે દુનિયાના સાચા રંગનો અનુભવ થયો.
સમય કોઈનો એકસરખો હોતો નથી. વ્યાપારમાં કમાણીની તક ઝડપતાં યુવાનનાં જીવનમાં હવે ફરી સંપત્તિની રેલમછેલ થઈ. પણ એ હવે ઠોકરો ખાઈને ઘડાઈ ગયો - બદલાઈ ગયો હતો. સંપત્તિ કેમ સચવાય એ તો એ શીખ્યો જ, પરંતુ ખુશામતખોરોની ટોળી ન જામે એ ય એ શીખ્યો. પરાકાષ્ઠા ત્યાં આવી કે હવે એ રસ્તા પરથી પસાર થાય ત્યારે, પહેલા મુખ ફેરવનારા હવે એમ બોલવા લાગ્યે કે 'કેમ છો શેઠ ?' યુવાન રહસ્યમય ઉત્તર આપે કે ''કહી દઈશ.'' પેલા આશ્ચર્ય અનુભવે કે અમે તો શેઠને પૂછીએ છીએ, એ વળી કોને કહેશે ?
પાંચ-સાત વાર આવું બન્યા પછી એકે હિંમત કરી પૂછયું : ''શેઠ ! અમે તો તમારા ખબર-અંતર પૂછીએ છીએ. તમે કોને કહેવાનું જણાવો છો?'' યુવાન માર્મિક હસતા બોલ્યો : ''મને પાકી ખબર છે કે આ ખબરઅંતર મારા નહિ, મારી સમૃદ્ધિના પુછાય છે. બાકી થોડા માસ પૂર્વે તો તમે મારાથી મુખ ફેરવી લેતા હતા. જે સંપત્તિનાં કારણે તમે આ પૂછો છો એ સંપત્તિ પાસે જઈ તિજોરીના રૂપિયાઓને હું કહી દઉં છું કે ''આજે કાંતિલાલે-શાંતિલાલે તમારા ખબર-અંતર પૂછયા છે ! બસ, એટલે હું બોલું છું કે કહી દઈશ.'' પેલા સ્વાર્થી તત્ત્વો શરમથી નીચું જોઈ રહ્યા.''
આ યુવાનમાં હવે સંપત્તિની અક્કડતા-અહંકાર ન આવ્યો એમાં અનુભવ કારણ હતો. સત્સંગસંસ્કાર વગેરે આનાથી ય ચડિયાતા કારણો છે.
સ્થાન : કેટલાકને ઉચ્ચ સ્થાન-હોદ્દો મળે એટલે જાણે સાતમે આસમાને એ પહોંચી જાય. કોઈ સંસ્થાનું પ્રમુખપદ મળે કે ચેરમેનશીપ મળે, કોઈ મીનીસ્ટર બને કે પ્રાઈમમીનીસ્ટર બને : પછી જાણે કે બીજાઓને ઓળખતા જ ન હોય એમ ઉપેક્ષાભર્યો-તુચ્છ વ્યવહાર કરે. એ ભૂલી જતા હોય છે કે કોઈ પણ પદ કાયમી નથી, આજે છે તો કાલે નથી. માટે પદનો મદ ન હોય. બીજી બાબત એ કે પદ સેવાથી જ સાર્થક થાય, અહંકારથી કદાપિ નહિ...
શ્રુત : શ્રુતનો અર્થ છે જ્ઞાાન-પાંડિત્ય. આનું અભિમાન ઘણાને હોય છે અને અવસર આવ્યે 'મારું પાંડિત્ય કેવું છે' એ બતાવી દેવા ઘણા તલસતા હોય છે. અરે ! કેટલાક તો જ્ઞાાન ન હોય તો ય આભાસ રચવા-દેખાડા કરવા તડપતા હોય. જ્ઞાાન ન હોય ત્યાં તો ખરું જ, પરંતુ જ્ઞાાન ન હોય ત્યાં ય અભિમાન ન હોવું જોઈએ. કેમ કે એ અહંકારથી લોકમાં અપ્રિયતા-પરલોકમાં દુર્ગતિ આદિ નુકસાનો છે. આ ઉપરાંત બીજી વાત એ કે 'શેરના માથે સવાશેરલ્લ કહેવત મુજબ શ્રુતમાં-જ્ઞાાનમાં અન્યો આપણાથી શ્રેષ્ઠ પણ હોઈ શકે છે. તો પછી અભિમાન શેનું ? જ્ઞાાન ઉપરાંત વ્યાવહારિક આવડતનું પણ આ જ કારણોસર અભિમાન ન કરાય.
સૌંદર્ય : ક્યાંક શારીરિક સુંદરતાના અભિમાન હોય છે. પરંતુ એ સૌંદર્ય સંધ્યાના બદલાતા રંગો જેવું-મેઘધનુષ્ય જેવું છે. ભલે એ લાગે ચિત્તાકર્ષક, પરંતુ એનું અસ્તિત્વ થોડી ક્ષણો પૂરતું જ હોય છે. એમ સુંદરતાનું અસ્તિત્વ પણ બહુ બહુ તો યુવાનીમાં કેટલાક વર્ષો સુધી જ હોય છે. પછી એ સૌંદર્ય ચાંદીનો ઢોળ ઊતરી ગયેલ વાસણ જેવું કદ્રૂપ થઈ જાય. એથી જ શાયરીમાં લખાયું છે કે ''ન રૂપ રહેગા, ન જવાની રહેગી...'' ચાર દિનની ચાંદનીના વળી અભિમાન શા?
છેલ્લે એક મસ્ત વાત : મોર એના પીંછાથી સરસ લાગતો હોય એ કબૂલ. પરંતુ એ પીંછાનો ભાર જ એને આકાશમાં કબૂતર આદિની જેમ ખૂબ ઊંચે જવા નથી દેતો. બસ, એ જ રીતે વ્યક્તિ કદાચ દેખાડા-ફટાટોપથી પોતાને ભલે મોટી-મહાન દેખાડે. પરંતુ એના અહંકારનો ભાર જ એને વાસ્તવિક પ્રગતિનાં-આત્મકલ્યાણનાં આકાશમાં ઊંચે ઊડવા ન દે.


