- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- જૈન ધર્મની બે બાબતોના ઉલ્લેખ આ અહિંસાના સંદર્ભમાં કરીએ. એક એ કે પ્રભુ મહાવીરદેવે શ્રમણોના પાંચ મહાવ્રતોમાં અને શ્રાવકોના પાંચ અણુવ્રતોમાં સર્વપ્રથમ સ્થાન અહિંસાને-હિંસાના ત્યાગને આપ્યું છે. બીજી વાત એ કે ચૌદસો ચુમ્માલીશ ગ્રન્થોના સર્જક મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એમના 'અષ્ટકપ્રકરણ' ગ્રન્થમાં લખ્યું છે કે ''અહિંસા સાધ્યધર્મ છે અને સત્ય વગેરે ચાર સાધનધર્મ છે.'' સાધન ધર્મ એ કહેવાય કે જેના દ્વારા સાધ્યધર્મ સુધી પહોંચાય...
હાથ જેમ પરાક્રમનું પ્રતિક છે એમ પ્રબળ પુરુષાર્થનું પણ પ્રતિક છે. એટલેજ પુરુષાર્થનો મહિમા દર્શાવતી પેલી કહેવતમાં હાથનો ઉલ્લેખ આમ કરાયો છે કે ''અપના હાથ... જગન્નાથ.'' એ કહે છે કે હાથનો (જાતમહેનતનો) આધાર એટલે જાણે જગન્નાથનો આધાર !
હાથનો પુરુષાર્થ ગલત ન હોય, બલ્કે સમ્યક્ હોય એ માટે આપણે છેલ્લા ત્રણ લેખથી હાથને કેન્દ્રમાં રાખીને સાત સૂત્રોની વિચારયાત્રા કરીએ છીએ. આજે એમાં વિચારીશું છટ્વા અને સાતમા ક્રમની બાબતો.
(૬) આ હાથથી કોઈ જીવની હિંસા નહિં કરું, બલ્કે જીવદયા કરીશ:- ભારતીય પરંપરાના કોઈ પણ ધર્મનું હાર્દ તપાસો તો ત્યાં મૌલિક પ્રતિષ્ઠા અહિંસાની જ નિહાળવા મળશે. જ્યાં ક્યાંક 'બલિ' ના નામે પશુ હિંસા જોવા મળે તો એ પ્રવેશી ગયેલી વિકૃતિ છે. બાકી મૂલ પોત તો સર્વત્ર 'અહિંસા પરમો ધર્મં' નું છે.
જૈન ધર્મની બે બાબતોના ઉલ્લેખ આ અહિંસાના સંદર્ભમાં કરીએ. એક એ કે પ્રભુ મહાવીરદેવે શ્રમણોના પાંચ મહાવ્રતોમાં અને શ્રાવકોના પાંચ અણુવ્રતોમાં સર્વપ્રથમ સ્થાન અહિંસાને-હિંસાના ત્યાગને આપ્યું છે. દશવૈકાલિકઆગમમાં શ્રમણોના મહાવ્રતસંદર્ભમાં આ પંક્તિ લખાઈ છે કે ''તત્થિમં પઢમં ઠાણં, મહાવીરેણ દેસિઅં.'' મતલબ કે મહાવીરપ્રભુએ પ્રથમ સ્થાન અહિંસાનું ફરમાવ્યું છે. બીજી વાત એ કે ચૌદસો ચુમ્માલીશ ગ્રન્થોના સર્જક મહાન જૈનાચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એમના 'અષ્ટકપ્રકરણ' ગ્રન્થમાં લખ્યું છે કે ''અહિંસા સાધ્યધર્મ છે અને સત્ય વગેરે ચાર સાધનધર્મ છે.'' સાધન ધર્મ એ કહેવાય કે જેના દ્વારા સાધ્યધર્મ સુધી પહોંચાય. બહુ સરલ શબ્દોમાં સમજાવીએ તો સાધનધર્મ માર્ગ છે અને સાધ્યધર્મ મંઝિલ છે ! આના પરથી સમજી શકાય છે કે સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ કરતાં ય અહિંસાનું સ્થાન કેવું સર્વોપરિ છે.
આ અહિંસાધર્મને જીવનમાં આત્મસાત્ કરવા આપણે એ સંકલ્પબદ્ધ થઈએ કે મારા હાથ નાના-મોટા કોઈ જીવોના લોહીથી તો નહિ ખરડીશ, બલ્કે મોતના મુખમાં હોમાઈ રહેલા જીવોને બચાવવા આ હાથનો ઉપયોગ કરીશ. ભૂતકાલીન એવી કૈંક સત્ય ઘટનાઓ ઇતિહાસગ્રન્થોમાં અંકિત છે કે જેમાં જીવોની રક્ષા માટે જીવદયાના જ્યોતિર્ધરોએ ખુદના જાનને કુરબાન કરવાની સજ્જતા દાખવી હોય. ખબર છે ગુજરાતના મહાન સમ્રાટ અને પરમ આર્હત કુમારપાલની પેલી અદ્ભુત જીવનઘટના ?
કલિકાલસર્વજ્ઞા મહાન જૈનાચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના સત્સંગથી સમ્રાટ કુમારપાલ બારવ્રતધારી જૈન શ્રાવક બની ગયા હતા. અહિંસાના તેઓ એ હદે ઉપાસક બની ગયા હતા કે એમનાં રાજ્યમાં 'માર' શબ્દ બોલવો પણ ગુનો બનતો. એમનાં આ સજ્જડ અહિંસાપ્રવર્તનનાં પ્રથમ વર્ષે જ જોરદાર કસોટી સર્જે એવી ઘટના બની. આસો માસનો સમય. પાટણના કંટકેશ્વરીદેવીના પૂજારીએ આવીને સમ્રાટને નિવેદન કર્યું કે 'દેવી કંટકેશ્વરીને દર વર્ષે આસો માસની સાતમે સાતસો, આઠમે આઠસો ને નોમે નવસો ચોપગા પશુઓનો બલિ ચડાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. એ જો તોડશો તો દેવી કોપાયમાન થશે.'
એક જ ક્ષણમાં મહારાજા કુમારપાલે અસંદિગ્ધ ઉત્તર આપ્યો: 'બલિનાં નામે પણ એકે ય પશુની હિંસા નહિ કરવા દેવાય. ધર્મ ક્યારેય હિંસાને પુરસ્કૃત ન કરે.' દેવીના ચમત્કાર અને નારાજગીની વાતો સામે ય કુમારપાલ અચલ-અડગ રહ્યા અને એ વર્ષે બલિની-હજારો પશુઓની હિંસાની કુપ્રથા જડબેસલાક બંધ રહી. એક પણ પશુની કતલ ન થઈ. આસો સુદી સાતમ-આઠમ-નોમ ત્રણેય દિવસ પસાર થઈ ગયા અને સમય આવ્યો નોમની મધ્યરાત્રિનો.
સમ્રાટ કુમારપાલના શયનખંડમાં એ રાત્રિએ કંટકેશ્વરી દેવી પ્રત્યક્ષ થઈ. બલિપ્રથા બંધ કર્યાના ક્રોધમાં-ગુસ્સામાં એણે કુમારપાલને સખત શિક્ષા કરવાનો નિર્ધાર દર્શાવ્યો. કુમારપાલે નમ્રભાવે બે હાથ જોડી દેવીને કહ્યું : 'જ્યાં સુધી મારામાં પ્રાણ છે ત્યાં સુધી એક પણ પશુની હિંસા-હત્યા થવા નહિ દઉં. આપ અબોલ જીવોની પણ માતાનાં સ્થાને છો. માતા પોતાનાં સંતાનોને સલામત રાખે, એનું લોહી ન રેડે.' અહંકારમાં ઉન્મત્ત અને ધાર્યુ કરાવવા જીદે ચડેલી દેવી કંટકેશ્વરીને કુમારપાલનાં સત્ય વચન ઘા પર મીઠું ભભરાવવા જેવા લાગ્યા. એણે ગુસ્સામાં કુમારપાલ પર શક્તિપ્રહાર એવો કર્યો કે કુમારપાલનો દેવાંશી દેહ ગલત કુષ્ઠરોગથી ગ્રસ્ત થઈ ગયો. કુમારપાલને જોરદાર શિક્ષા કર્યાનો સંતોષ માણી દેવી અંતર્ધાન થઈ ગઈ.
શયનખંડમાં એકાકી કુમારપાલને દેહ ખરાબ રીતે રોગગ્રસ્ત થયાની ચિંતા ન હતી. બલ્કે એ ચિંતા હતી કે અજ્ઞાની-અણસમજુ વર્ગ આ ઘટનાનું અર્થઘટન ખોટું કરશે કે 'કુમારપાલ અહિંસાનું પાલન કરાવવા ગયાં તો દુઃખી થઈ ગયા.' આ રીતે અહિંસાધર્મ પર આંગળી ચિંધાય તે એમને હરગિજ મંજૂર ન હતું. વિચારમંથનના અંતે એમણે વહેલી પ્રભાતે ગુરુદેવ કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્ય પાસે જઈ માર્ગદર્શન લેવાનો નિર્ણય કર્યો.
રાજધાની પાટણનગરનું જનજીવન જાગે તે પૂર્વે સમ્રાટ કુમારપાલ ગુરુદેવ હેમચન્દ્રાચાર્યના ઉપાશ્રયનમાં પ્રવેશ્યા. ત્યાં એમણે નવું આશ્ચર્ય અનુભવ્યું કે ઉપાશ્રયના એક બંધ ખંડમાંથી સ્ત્રીનાં રૂદનનો અવાજ આવતો હતો. હેમચન્દ્રાચાર્ય જેવા ઉત્કૃષ્ટ ચારિત્રધરની અને એમના શિષ્યોની વસતીમાં વહેલી પ્રભાતે કોઈ સ્ત્રી હોય અને એ રડતી હોય એ ઘટનાક્રમ જ ન સમજાય તેવો હતો. વિસ્મિત કુમારપાલ ગુરુદેવને પૂછે તે પૂર્વે જ હેમચવન્દ્રાચાર્યનો ઘોષ ગુંજ્યો: 'એ ખંડમાંથી જે સ્ત્રીનો રૂદનસ્વર આવે છે એ અન્ય કોઈ નહિ, તને ખોટી રીતે શિક્ષા આપનાર કંટકેશ્વરીનો છે. મેં એને મંત્રશક્તિથી એ ખંડમાંથી મુશ્કેટાટ બાંધી દીધી છે. તારા જેવા અહિંસાના પૂજારીને કોઈ ખોટી રીતે રંજાડે તો એને શિક્ષા આપવી અમારું કર્તવ્ય છે, આ ધર્મરક્ષા છે.'
દૈવીશક્તિને નાથવાની હેમચંદ્રાચાર્યની અપ્રતિમ મન્ત્રશક્તિ અને જાગૃત પ્રતિભા પર કુમારપાલ ઓવારી ગયા. ગુરુદેવ કુમારપાલને બંધ ખંડ તરફ દોરી ગયા. દ્વાર ખૂલતાં જ કુમારપાલે પિંજરે પુરાયેલ પંખિણી જેવી દયનીય સ્થિતિમાં કંટકેશ્વરીને નિહાળી. ગુરુદેવે દેવીને આદેશ કર્યો: 'જીવદયાના જ્યોતિર્ધર સમ્રાટ કુમારપાલની ક્ષમા માંગી એમનો રોગ તું દૂર કર અને ભવિષ્યમાં કદાપિ બલિની માંગ નહિ કરવાનું વચન આપ. તો જ તારો છૂટકારો અહીંથી થશે.'
આખરે પરાજિત દેવીને ઝૂકવું પડયું. કુમારપાલની કાયા એમણે પૂર્વવત્ નિરોગી કરી દીધી અને ભાવિમાં ક્યારેય પશુબલિ ન માંગવાનું વચન આપ્યું. એ પછી જ હેમચન્દ્રાચાર્યની માન્ત્રિક પકડમાંથી એનો છૂટકારો થયો ! જીવરક્ષા કાજે જાનકુરબાનીનું સત્વ-શૌર્ય દાખવનાર કુમારપાલની આ અહિંસાગાથા અમર બનીને ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત થઈ ગઈ.
(૭) આ હાથોની રેખામાં સિદ્ધશિલાનું દર્શન કરી સિદ્ધશિલાપ્રાપ્તિનું લક્ષ્ય રાખીશ:- હસ્ત કેન્દ્રિત ચાર લેખની આ લેખમાળાના પ્રારંભે આપણે એક સૂત્ર ટાંક્યું હતું કે 'પ્રભાતે કર દર્શનમ્' એ સંસ્કૃત સૂત્રનો ખરો સંબંધ આ સાતમી બાબત સાથે છે. જૈન પરંપરામાં એક શિરસ્તો છે કે વ્યક્તિ પ્રભાતે ઊઠે ત્યારે શ્રી નવકારમન્ત્રનું પવિત્ર સ્મરણ કરે અને પછી બન્ને હાથ સવળા રાખી હસ્તરેખા અર્ધચન્દ્રાકાર બને એ રીતે નિહાળે. આ અર્ધ ચન્દ્રાકાર હસ્તરેખા જેવો જ દેખાવ છે સિદ્ધશિલાનો અર્થાત્ મોક્ષે પધારેલ અનંતાનંત સિદ્ધાત્માઓનાં શાશ્વત સ્થાનનો.
આ હસ્તદર્શન સમયે દરેક જૈન એમ વિચારે કે 'એ સૌભાગી ક્ષણ મારી પણ એવી આવે કે જેમાં સર્વ કર્મનો-સંસારનો ક્ષય કરી હું પણ આ સિદ્ધશિલામાં સ્થાન પામું.' કારણ કે તમામ ત્યાગ-તપ-ધર્મસાધનાનું અંતિમ ફળ-અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ સિદ્ધશિલાપ્રાપ્તિ જ છે. ખુદ ધર્મશાસ્ત્રો-ધર્મોપદેશકો જ આ લક્ષ્ય વારંવાર મજબૂતપણે ઘુંટાવે છે. જેમકે 'સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ' પંક્તિ. એમાં એવી પ્રાર્થના છે કે 'હે સિદ્ધભગવંતો ! મને સિદ્ધિ-મુક્તિની પ્રાપ્તિ કરાવો.'
યાદ રહે કે લક્ષ્ય વિનાનો પ્રવાસ જેમ ઇષ્ટપ્રાપ્તિની દ્રષ્ટિએ નિરર્થક છે તેમ લક્ષ્ય વિનાની ધર્મસાધના ય ઇષ્ટ પ્રાપ્તિની દ્રષ્ટિએ ઝાઝી કારગત નથી હોતી. ધર્મસાધનાનું અનંતર લક્ષ્ય ક્રોધાદિ દોષનાશનં અને ક્ષમાદિ ગુણવિકાસનું રખાય, કોઈ તેવી વિશિષ્ટ પરિસ્થિતિમાં સમાધિ ટકાવવા એને અનુરૂપ લક્ષ્ય હોય; પરંતુ કાયમી અને સર્વોત્કૃષ્ટ લક્ષ્ય તો સિદ્ધિપદનું-મોક્ષપ્રાપ્તિનું જ હોય. ખબર છે જૈન રામાયણમાં આવતો રાવણની પરમાત્માભક્તિનો પેલો બેજોડ પ્રસંગ ?
અષ્ટાપદમહાતીર્થ પર પૂર્ણ તન્મયભાવે પ્રભુ સમક્ષ રાણી મંદોદરી નૃત્ય કરી રહી છે અને રાજાધિરાજ રાવણ વીણા બજાવી રહ્યો છે. મંદિરમાં એ બે સિવાય કોઈ ન હતું અને ભાવોલ્લાસ ચરમસીમાએ હતો. અચાનક વીણાનો તાર તૂટયો તો રાવણે લઘુલાઘવી કળાથી નસ જોડી દઈ રંગમાં ભંગ ન થવા દીધો ! આ અદ્ભુત ભક્તિ બાદ રાવણ બહાર નીકળે છે ત્યાં મંદિરના સ્તંભ પાછળથી ધરણેન્દ્રયક્ષરાજ પ્રગટ થઈ કહે છે: 'રાજા રાવણ ! તારી આ અજોડ પ્રભુભક્તિ પર ફિદા છું. જે જોઈએ તે માંગ.' સામે દેવેન્દ્ર હોવા છતાં રાવણ કંઈ માંગતો નથી. દેવેન્દ્રનો ખૂબ આગ્રહ જારી રહ્યો ત્યારે રાવણે કહ્યું: 'મારે તો સિદ્ધપદ-મોક્ષ જોઈએ છે. એ આપવાની તમારી ગુંજાયેશ નથી.' પ્રસન્ન દેવેન્દ્રએ આખરે વિના માંગ્યે રાવણને 'અમોઘ વિજયા' મહાશક્તિ આપી.
હાથની સાત બાબતોના વિવરણસમાપનમાં છેલ્લે એક વાત કે 'સશક્ત હાથ મળે તે પુણ્યનું પરિણામ છે.. હાથ સત્કાર્યમાં વપરાય તે સમજણનું પરિણામ છે.'


