- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- આજે ય આવાં સુકૃતોનાં સર્જનમાં આરાધકોની ખંત અને કૌશલ્ય નિહાળાય છે. વર્ધમાનતપની મોટી ઓળીઓ કરનાર કે શ્રુતાભ્યાસમાં મગ્ન સંયમીઓ કેટલા સમયમાં કેટલી ઓળી કે કેટલા ગ્રન્થોનું વાચન કરવું તેનો ચાર્ટ રાખે તે એમની ચીવટનું ખંતનું દ્યોતક છે. તો 'કરેમિ ભંતે' જેવા નાનકડાં સૂત્ર પર અઠયાવીશ હજાર શ્લોક પ્રમાણ ગ્રન્થ સર્જનાર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણની એ ક્ષુતભક્તિ એમનાં કૌશલ્યની દ્યોતક છે.
બે જ પંક્તિની નાનકડી શાયરીમાં સરસ રજૂઆત કરાઈ છે કે:-
પતન બહુત આસાન હૈ, મગર ઉત્થાન કઠિન હૈ;
ધ્વંસ બહુત આસાન હૈ, મગર નિર્માણ કઠિન હૈ...
ઉત્તુંગ સીધા ચડાનની સીડી પર આરોહણ કરવું હોય તો પ્રત્યેક પગથિયે પુરુષાર્થની સજ્જતા કેળવવી પડે. તો જ વ્યક્તિ ટોચ સુધીનું ઉત્થાન કરી શકે. પણ પતન પામવું હોય તો ? તો ફક્ત એક જ પગથિયું ચૂકવું પડે. એક જ પગથિયું ચૂકે એટલે વ્યક્તિ ઉપરથી સીધી નીચે. એ પણ એવી રીતે કે પછી જલ્દી ઉત્થાન મુશ્કેલ બની જાય. માટે ઉત્થાન સ્પષ્ટપણે કઠિન છે.
બસ, આ જ રીતે ધ્વંસ પણ ખૂબ આસાન છે. 'બોમ્બ બ્લાસ્ટ' કરવામાં આવે કે તુર્ત આખેઆખી ઇમારત ધરાશાયી થઈ જાય અને આગ ચંપાય એટલે આખેઆખો ગ્રન્થ ભસ્મસાત્ થઈ જાય. પરંતુ એ જ ઇમારત કે ગ્રન્થનાં નિર્માણ માટે વર્ષોનાં વર્ષો વહી જતા હોય છે. માટે નિર્માણ પણ સ્પષ્ટપણે કઠિન છે.
આ નિર્માણનો જે પર્યાયવાચી શબ્દ છે એ જ આપણી ત્રણ શબ્દો આધારિત ત્રણ લેખની ચિંતન યાત્રામાં આજે બીજા શબ્દરૂપે આવી રહ્યો છે.
(૨) સર્જન:- નિર્માણનો પર્યાયવાચી શબ્દ છે આ સર્જન. ક્યાંક મંદિરોનાં સર્જન થાય છે, તો ક્યાંક મહેલાતોનાં સર્જન થાય છે; ક્યાંક કલાકૃતિઓનાં સર્જન થાય છે, તો ક્યાંક ગ્રન્થોનાં-પુસ્તકોનાં સર્જન થાય છે. સર્જન કોઈ પણ હો: એમાં કેટલીક મૌલિક બાબતો અપેક્ષિત હોય છે.
પહેલી બાબત છે ધીરજ. સર્જન જો નમૂનેદાર ચિત્તાકર્ષક બનાવવું હોય તો એના માટે દીર્ઘ સમયનો ભોગ આપવાની તત્પરતા રાખવી જ પડે. તાજમહેલ જેવું વિશ્વનું અજાયબ સર્જન ન તો રાતોરાત થયું હોય છે, ન તો જાદુઈ લાકડી ફેરવવાથી થયું હોય છે. એના માટે ઉત્તમ શિલ્પકારોનું રાત-દિવસનું મનોમંથન અને હજારો શ્રમજીવીઓનો વર્ષો સુધીનો પરસેવો સિંચાયો હોય છે. એક શકવર્તી ગ્રન્થનાં સર્જન માટે ય એના વિદ્વાન સર્જકને જિંદગીનાં દસ-વીશ-ત્રીશ વર્ષો આપી દેવા પડતા હોય છે. ત્યારે ઉલ્લેખનીય ગ્રન્થસર્જન થતું હોય છે. અરે ! વ્યક્તિઓની ક્યાં વાત કરવી ? કુદરત પણ ધીરજના આ નિયમને આધીન પ્રવર્તે છે. એથી જ બાળકનાં જન્મ માટે એ નવ-નવ માસનો દીર્ઘ કાળ લે છે અને ધાન્યના-ફળોના પાક માટે નિશ્ચિત્ત મહિનાઓ લે છે.
બીજી બાબત છે ખંત-ચીવટ. આબુ-રાણકપુરનાં જૈન તીર્થોનાં વિશ્વવિખ્યાત શિલ્પો સર્જાયા એની પાછળ શિલ્પકારોની નાનામાં નાની બાબતો પરત્વેની ખંત-ચીવટ ખૂબ અગત્યનું પરિબળ છે. જો ખંત ન હોય અને કાર્ય ગમે તેમ પૂર્ણ કરી દેવાની-વેઠ ઉતારવાની પદ્ધતિ હોય તો સર્જન નમૂનેદાર ચિત્તાકર્ષક ન બની શકે. પ્રાચીન હસ્તપ્રતોની અશુદ્ધિઓ દૂર કરવા માટે વર્તમાનના આ વિદ્વાન સંશોધક જૈન મુનિવરોની વાત કરીએ તો, તેઓ એક અશુદ્ધ પાઠને શુદ્ધ બનાવવા એ ગ્રન્થની અલગ અલગ અનેક હસ્તપ્રતોનું નિરીક્ષણ કરે. એ પછી ય સંતોષજનક શુદ્ધ પાઠ ન મળે તો એના પર દિવસો-મહિનાઓ સુધી ચિંતન-મનન કરે અને જે શુદ્ધ પાઠ અંદાજિત કરે અને ટિપ્પણમાં ય બ્રેકેટમાં રજૂ કરે. કશું ય ગમે તેવું ચલાવી ન દેવાની ખંતનાં-ચીવટનાં આમાં દર્શન થાય છે.
ત્રીજી બાબત છે કૌશલ્ય. નમૂનાદાર ચિરસ્મરણીય સર્જન માટે કૌશલ્ય અતિ જરૂરી પરિબળ છે. ધીરજ અને ખંત ભલે સરસ હો: પરંતુ તે તે સર્જનનું કૌશલ્ય-વિશિષ્ટ આવડત ન હોય તો એ નમૂનેદાર ચિરસ્મરણીય બની શકે નહિ. વિશ્વવિખ્યાત શિલ્પકાર માઈકલ એન્જીલોનું જીવન કહે છે કે એણે એક સાવ નકામા બરછટ ધારદાર પથ્થર પર પોતાનું શિલ્પકૌશલ્ય એવું અજમાવ્યું હતું કે એમાંથી બનેલ શિલ્પમૂર્તિ વિશ્વની શ્રેષ્ઠ મૂર્તિઓમાં ગણાઈ. અરે ! મૂર્તિની ક્યાં વાત ? અમદાવાદના જગવિખ્યાત હઠીભાઈની વાડીના બાવનજિનાલયના નિર્માતા હઠીભાઈ શેઠ અને હરકુંવર શેઠાણીનું દાંપત્યજીવન તો કૌશલ્યની અજબ વિલક્ષણ ઘટનાનું પરિણામ છે. ઇતિહાસ એમ કહે છે કે હરકુંવરબાઈ ઘોઘાના સાવ સામાન્ય પરિવારની કન્યા હતા. એની છાણાં થાપવાની અજાયબ કળા નજરે નિહાળી મુગ્ધ થઈ ગયેલ ક્રોડાધિપતિ શ્રીમંત હઠીસિંહે એ કન્યાને ઊંચો દરજ્જો આપવાનો નિર્ણય કરી એની સાથે લગ્ન કર્યા ! પરિણામ એ આવ્યું કે આગળ જતાં એ હરકુંવરશેઠાણીએ જ હઠીભાઈની વાડીના જિનાલયોનું નિર્માણ સંપૂર્ણ કરાવ્યું. આ સમગ્ર ઘટનાના મૂળમાં હતું છાણા થાપવાનું કૌશલ્ય.
ઉપરોક્ત જે વાતો વિચારી એ મહદંશે બાહ્ય સ્તરનાં ભૌતિક સર્જનને અનુલક્ષી વિચારાઈ. અમે જે વાત કરવા ચાહીએ છીએ તે છે આત્મકલ્યાણલક્ષી સુકૃતોનું સર્જન. અલબત્ત, ઉપરોક્ત વિચારણામાં ય ક્યાંક મંદિર જેવી વાત આવી છે ખરી. પરંતુ એનો સંદર્ભ બાહ્ય સ્તરનાં સર્જનનો હતો. આપણે હવે વિચારીશું ભયંકર સ્તરનો સંદર્ભ ધરાવતા સુકૃતોનાં સર્જનોને. એમાં ક્યાંક મંદિરની વાત પણ ભલે આવે. પરંતુ એનો સંદર્ભ અભ્યંતર સ્તરનો-આત્મકલ્યાણનો રહેશે.
આ આત્મકલ્યાણની ભાવનાનાં સુકૃતોનાં સર્જનમાં ય પહેલી મહત્વની બાબત બને છે ધીરજ. ઉદાહરણરૂપે લઈએ ક્ષમાગુણનું સર્જન. વિચાર કે મનોરથ કરવામાત્રથી ક્ષમાગુણ રાતોરાત આત્મસાત્ થઈ જતો નથી. કારણ કે ક્રોધના-આવેશના સંસ્કારો આત્મામાં અનાદિકાલીન છે. એ મનોરથ કરતાંવેંત દૂર ન થઈ જાય. એના માટે સખત પુરુષાર્થ પછી પણ ધીરજ રાખી લક્ષ્યથી વિચલિત થવું ન જોઈએ. 'પ્રશમરતિ' ગ્રંથની ભાષામાં કહીએ તો 'તસ્મિન્ તસ્મિન્ કાર્યઃ, કાય-મનો-વાગ્ભિરઅભ્યાસઃ' ભાવાર્થ કે તે તે લક્ષ્યોની સિદ્ધિ માટે મન-વચન-કાયાથી સતત મંડયા રહેવું પડે. વિઘ્ન કેટલા પણ અને કેવા પણ બને. કિંતુ ધીરજ તૂટવી ન જોઈએ. કેવી હોય એ ધીરજ ? તે જૈન ઇતિહાસની એક અદ્ભુત ઘટના દ્વારા નિહાળીએ:
લગભગ નવસો વર્ષ આસપાસના સમયખંડમાં થઈ ગયેલ ગુજરાતના જૈન મન્ત્રીશ્વર બાહડ. પિતાની અંતિમ ભાવનાપૂર્તિ માટે તેઓએ વિશ્વવિખ્યાત જૈન તીર્થાધિરાજ શત્રુંજયગિરિરાજના મુખ્ય આદિનાથજિનાલયનો આમૂલચૂલ પુનરુદ્ધાર સ્વદ્રવ્યથી આરંભ્યો. તેઓ પાટણમાં રહી રાજ્યસંચાલન કરતા હતા અને તીર્થોદ્ધાર શત્રુંજયગિરિરાજ પર થતો હતો. એ કાળે આજના જેવા સંપર્કસંસાધનો ન હતા. પરંતુ મન્ત્રીશ્વર પ્રભુભક્તિનાં શકવર્તી સુકૃતસર્જન માટે પાણીની જેમ પૈસેો દાનરૂપે વહાવી રહ્યા હતા. મનમાં એ જ ભાવ કે તીર્થોદ્ધારનાં આ ઉત્કૃષ્ટ સુકૃત દ્વારા ભવપાર થવું.
જ્યારે તીર્થોદ્ધાર સંપૂર્ણ થયો ત્યારે શ્વેતવસ્ત્રોમાં ઘોડેસવાર દૂત પાલિતાણાથી મન્ત્રીશ્વર પાસે આવ્યો. એણે ઉછળતા ઉલ્લાસથી સમાચાર આપ્યા કે 'દેવ ! આપનું તીર્થોદ્ધાર સ્વપ્ન સાકાર થયું છે.' અતિશય ભાવવિભોર મન્ત્રીશ્વરે એને સોળ તોલાની સુવર્ણજીભનું ઇનામ જાહેર કરી કહ્યું: 'તારી જીભે આ શ્રેષ્ઠ સમાચાર આપ્યા હોવાથી મારે એને સન્માન આપવું છે.' દૂત રાજી થઈને ગયો. આ ઘટનાના થોડા દિવસ બાદ સંપૂર્ણ કાળાં વસ્ત્રોમાં એક ઘોડેસવાર દૂત આવ્યો. એનું મુખ મ્લાન હતું. અમંગળની આશંકા હોવા છતાં મન્ત્રીશ્વરે એને સ્વસ્થભાવે સમાચાર આપવા કહ્યું. એ નિરાશાથી બોલ્યો: 'દેવ ! આપે હમણાં જ સર્જાયેલ જિનાલય પવનનાં ભયાનક તોફાનમાં તૂટયું છે.'
અન્ય કોઈ હોત તો એકદમ ટૂંકા સમયમાં થયેલ આટલા મોટા નુકસાનથી એ હચમચી જાત. પંરતુ મન્ત્રીશ્વરે ધીરજ રાખી જાહેર કર્યું: 'આ સમાચાર માટે હું તને બત્રીશ તોલાની સુવર્ણજીભ ઇનામમાં આપીશ.' દૂત માની ન શક્યો કે આવા અમંગલ સમાચારમાં ઇનામ ક્યાંથી મળે ? મન્ત્રીશ્વરે સ્પષ્ટતા કરી: 'ભાઈ ! મંદિર તૂટે એ કોઈને ન ગમે. પણ અત્યારે એ તૂટયું જ છે. તો હું એમ વિચારું છું કે મને બીજી વાર સુકૃતનાં સર્જનનો લાભ મળશે. આત્મકલ્યાણનો વધુ એક અવસર મળશે. હવે હું સાવધાની રાખીશ કે મંદિરને ઊંની આંચ ન આવે.' આજે નવસો વર્ષો બાદ પણ અડીખમ ઊભું રહેલ એ મંદિર મન્ત્રીશ્વરની ધીરજની સાખ પૂરે છે !
આત્મકલ્યાણલક્ષી સુકૃતોમાં ઉપરોક્ત ઘટનાદિમાં જેમ ધીરજ નિહાળાય છે, તેમ આજે ય આવાં સુકૃતોનાં સર્જનમાં આરાધકોની ખંત અને કૌશલ્ય નિહાળાય છે. વર્ધમાનતપની મોટી ઓળીઓ કરનાર કે શ્રુતાભ્યાસમાં મગ્ન સંયમીઓ કેટલા સમયમાં કેટલી ઓળી કે કેટલા ગ્રન્થોનું વાચન કરવું તેનો ચાર્ટ રાખે તે એમની ચીવટનું ખંતનું દ્યોતક છે. તો 'કરેમિ ભંતે' જેવા નાનકડાં સૂત્ર પર અઠયાવીશ હજાર શ્લોક પ્રમાણ ગ્રન્થ સર્જનાર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણની એ ક્ષુતભક્તિ એમનાં કૌશલ્યની દ્યોતક છે.
છેલ્લે એક વાત: ભૌતિક સુખોનું આકર્ષણ દુર્ગતિની શૃંખલા સર્જે... સુકૃત સર્જનનું આકર્ષણ સદ્ગતિની શૃંખલા સર્જે...


