હસતા હસતા સહન કરશો તો કર્મો સળગી જશે,રડતા રડતા સહન કરશો તો કર્મો વળગી જશ
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- આત્મકલ્યાણનું લક્ષ્ય એટલે? આ સુકૃતના-અનુષ્ઠાનના પ્રભાવે મારા આત્મામાંથી કામ-ક્રોધ-અહંકાર-આસક્તિ આદિ દોષોનો ક્ષય થાઓ, અષ્ટવિધ કર્મોની નિર્જરા થાઓ એવી તમન્ના-તકેદારી. આ લક્ષ્યનું મહત્વ કેટલું 'એકસ્ટ્રીમ' છે તે આપણને પવિત્ર આગમગ્રન્થ દશવૈકાલિકશાસ્ના નવમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશકના એક શાસ્ત્રપાઠ પરથી સમજાય છે.
સંપત્તિનું જમાપાસુ જેમ જેમ મજબૂત થાય તેમ તેમ વધુ ને વધુ ખુશી અને સંપત્તિનું ઉધારપાસુ જેમ જેમ મજબૂત થાય તેમ તેમ વધુ ને વધુ નાખુશી અનુભવનારા લોકો આ સંસારમાં બેસુમાર હોય છે. આવી વ્યક્તિઓને આપણે કહી શકીએ સંસારાભિલાષી. કેમ કે એમના અભિલાષનો- રસનો વિષય સંસાર હોવાનો ખ્યાલ એમની આ ખુશી- નાખુશી આપી
દે છે.
એથી વિપરીત, સુકૃતોનું- શુભકાર્યોનું જમાપાસુ જેમ જેમ મજબૂત થાય તેમ તેમ વધુ ને વધુ ખુશી અને સુકૃતોનું ઉધારપાસુ જેમ જેમ મજબૂત થાય તેમ તેમ વધુ ને વધુ નાખુશી અનુભવનાર લોકો પણ કેટલાક હોય છે. આવી વ્યક્તિઓને આપણી કહીશું ધર્માભિલાષી. કેમ કે, એમના અભિલાષનો રસનો વિષય ધર્મ હોવાનો ખ્યાલ એમની આ ખુશી- નાખુશી આપી દે છે.
અમે એવી ઘણી બધી વ્યક્તિઓ વર્તમાનમાં ય નિહાળી છે કે જેમણે પોતાના મનપસંદ સુકૃતોની યાદી બનાવી રાખી હોય. એમના જીવનનો 'ગોલ'- એમનું લક્ષ્ય એ યાદીના સુકૃતો ક્રમશ: પૂર્ણ કરવાનું હોય. કોઈ અવનવા તીર્થંકર ભગવંતોની મૂર્તિઓ ભરાવવાનું લક્ષ્ય રાખતા હોય, તો કોઈ અલગ અલગ સુપાત્ર ક્ષેત્રોમાં- અનુકંપા ક્ષેત્રમાં દાનની સરિતા વહાવવાનું લક્ષ્ય રાખતા હોય, કોઈ ભાત ભાતની તપશ્ચર્યાઓ કરવાનું લક્ષ્ય ધરાવતા હોય, તો કોઈ સેવાકાર્યોમાં તન- મન- ધનના ભોગનું લક્ષ્ય ધરાવતા હોય. આવા સુકૃતોની યાદી જ એ પુરવાર કરે છે કે, વ્યક્તિ ધર્માભિલાષી છે.
જીવન વધુ ને વધુ સુકૃતોથી મંડિત રહે અને એની શુભ અસરો આત્મામાં અનુભવાય તે માટે આપણે ગત લેખથી સુકૃતના ચાર પ્રકારની આછી વિચારણા આરંભી છે. આજે એમાં આવે ત્રીજા- ચોથા ક્રમની વિચારણા.
(૩) અંત:કરણનિમિત્તક સુકૃત : પૂર્વલેખમાં પ્રેરણાના નિમિત્તે થતા સુકૃતનો ઉપાદેય- સ્વીકાર્ય જણાવ્યું હતું. પરંતુ એમાં એ ખાસ સમજવાનું ક સદ્ગુરુ- કલ્યાણમિત્ર આદિની પ્રેરણા મળ્યા પછી એ સુકૃતમાં અંત:કરણ જોડાવું જોઈએ. તો એ સુકૃત ઉત્તમ ફલદાયી નીવડે. એથી વિપરીત, પ્રેરણા સરસ મળ્યા પછી ય જો એમાં અંત:કરણ ન જોડાય તો તેવા, ફક્ત આગ્રહથી થતા, સુકૃતમાં ઘણી ઉણપ- ન્યૂનતા આવી શકે. જેમ કે ત્યારે સુકૃત થાય, પરંતુ એમાં મન સંલગ્ન ન હોય. કાં તો એ મન વિનાનું- નિરસ થાય, કાં તો મન એ સમયે પણ ક્યાંય રખડતું ભટકતું હોય... બીજી ઉણપ એ કે જો કવચિત્ એમાં ઉલ્લાસ- ઉમળકો નિહારવા મળે તો ય એ દૂધના ઉભરા જેવો બની જાય. પહેલા થોડો સમય ઉમળકો અને પછી સાવ ઠંડુગાર વલણ ! એમાં જે થોડો પ્રારંભિક ઉમળકો આવ્યો હોય એ ય દેખાદેખીના ઘરનો હોય.
ત્રીજી ઉણપ આવે સુકૃતમાં 'ફોર્સ'નો પાવરનો અભાવ. જે સુકૃતમાં અંત:કરણ ન જોડાયું હોય તે સુકૃતમાં નદીના ધોધમાર પ્રવાહ જેવો 'ફોર્સ' આવવો સંભવિત નથી. મહદ્અંશે એ સુકૃત હોય બંધિયાર જલાશયના સાવ આછા પ્રવાહ સમું માયકાંગલું.
જે સુકૃતમાં સ્વયંસ્ફૂર્ત અંત:કરણ સામેલ હોય તે સુકૃતને આ ત્રણમાંથી કોઈ ન્યૂનતા નડતી નથી. અંત:કરણનાં નિમિત્તે થતાં સુકૃતને ઘણી વાર નથી માહોલની આવશ્યકતા રહેતી, નથી કોઈની પ્રશંસાની પીઠ થાબડવાની આવશ્યકતા રહેતી. અંદરનો 'ફોર્સ' આવે અને એ સ્વત: મહોરે: જેમ વનમાં ગુલાબ સ્વયં મહોરો એમ. કરવી છે આ અંત:કરણનિમિત્તક સુકૃતની પ્રતીતિ ? તો વાંચો આ લેખ લખાય છે તે જ દિવસે જેનાં પારણાં થયા છે તે માસક્ષમણની સત્ય ઘટના.
ઇ.સ. ૨૦૨૫નું આ ચાતુર્માસ. એના પ્રારંભે અમે અમદાવાદના જૈન ભાવિકોએ એ પ્રેરણાનો એવો અદ્ભુત પ્રતિસાદ આપ્યો કે અમદાવાદના ઇતિહાસના સૌથી વધુ આઠસો પંચ્યાશી માસક્ષમણો થયા ! બે તબક્કામાં કરાવાયેલ આ માસક્ષમણોનો અંતિમ તબક્કો પણ સંવત્સરી મહાપર્વાદનિને પૂર્ણ થઈ ગયો અને ભાદરવા શુદિ પંચમી સુધીમાં તમામ તપસ્વીઓનાં પારણાં થઈ ગયા.
પરંતુ એક તપસ્વી એવા એકલવીર નીકળ્યા કે એમનું એકનું માસક્ષમણ ભાદરવા શુદિ ચૌદશ તા. ૬ સપ્ટેમ્બરે પૂર્ણ થયું અને આ લખાય છે તે દિવસ તા. ૭ સપ્ટેમ્બરે એમનાં પારણાં થયા. બન્યું એવું કે એ યુવાન ભાઈને તપમાં ખાસ રસ નહિ. ક્યારેક તો એ તપ માટે નકારાત્મક અભિપ્રાય પણ આપી દે. પરંતુ સામૂહિક માસક્ષમણનો માહોલ સર્જાતા એમને ય માસક્ષમણમાં ઝુકાવવાના ભાવ થયા. પ્રથમ મુહૂર્તમાં એમણે બે ઉપવાસ કર્યા. પણ પછી શારીરિક અસ્વસ્થતા જણાતા એ તપમાંથી નીકળી ગયા. બીજા તબક્કા સમયે હિંમત ન થઈ અને એ માસક્ષમણમાં ન જોડાયા.
દિવસો ઝડપથી પસાર થવા માંડયા અને જોતજોતામાં પ્રથમ તબક્કાના માસક્ષમણનો પચીશમો ઉપવાસ આવી ગયો. એ દિવસે માસમણમહોત્સવ પત્રિકાનો આલેખનસમારોહ હતો. એ યુવાનના શ્વસુરપક્ષનો આ લાભ હોવાથી તેઓ હાજર હતા. એમાં એમનાં અંત:કરણમાંથી અચાનક પ્રબળ સૂર પ્રગટયો કે 'મારે માસક્ષમણ કરવું જ જોઈએ. આ વર્ષે સામૂહિક માસક્ષમણની મોટી તક ચૂકાઈ ગઈ એ ભૂલ થી ગઈ.'
સતત આ વિચારોમાં રમતા એ ભાઈએ ઘરે આવી ધર્મપત્નીને કહ્યું : 'મારે આ જ ગુરુભગવંત પાસે માસક્ષમણ કરવું છે. આવતા ચાતુર્માસમાં હું રોજ એમની પાસે પચ્ચક્ખાણ લઈ માસક્ષમણ અવશ્ય કરીશ જ.' ધર્મપત્ની હસી પડતા બોલ્યા : 'તમને ખબર નથી લાગતી. આ ગુરુભગવંત તો આગામી વર્ષે મુંબઈ ચાતુર્માસ જવાના છે. તમે રોજ પચ્ચક્ખાણ કરવા ત્યાં ક્યાંથી જશો ?' ભાઈ ચમકી ગયા : 'ઓહ ! આ ગુરુભગવંતનો યોગ આગામી વર્ષે નહિ મળે એમ ? મારે તો એમની નિશ્રામાં જ માસક્ષમણ કરવું છે.' અંતરમાંથી સ્વયંસ્ફૂર્તિ પ્રગટેલ આ અવાજે કમાલ એ કરી કે ભાઈ બીજા જ દિવસે પ્રભાતે માસક્ષમણના દ્રઢ સંકલ્પ સાથે પચ્ચક્ખાણ માટે આવ્યા. પ્રથમ દિવસે અમારી પાસે સળંગ સોળ ઉપવાસનું પચ્ચક્ખાણ લીધું ! મક્કમપણે સોળ ઉપવાસ પૂર્ણ કરી સત્તરમા દિવસે એમણે સળંગ ચૌદ ઉપવાસનાં પચ્ચક્ખાણ લીધા ! માત્ર બે જ પચ્ચક્ખાણમાં માસક્ષમણ, એમાં ય પર્યુષણા મહાપર્વ પછીનો સાવ શુષ્ક સમય અને તપથી સાવ અપરિચિત યુવાન : છતાં આ થયું તે અંત:કરણનિમિત્તક પ્રભાવ હતો. એ યુવાન તપત્વીનું નામ છે કૃશાંગ મૂકેશભાઈ શાહ.
(૪) આત્મકલ્યાણનિમિત્તક સુકૃત :- સુકૃતના પૂર્વે કહ્યા તે યા અન્ય કોઈ પણ પ્રકાર હો : એની સાર્થકતામાં એક બાબત નિશ્ચિત્ત છે કે ત્યાં આત્મકલ્યાણનું લક્ષ્ય હોવું જ જોઈએ. પ્રારંભે ભલે ક્યાંક અહંકાર કે હઠાગ્રહ જેવાં નિમિત્ત હોય, પરંતુ પચી જો ત્યાં આત્મકલ્યાણનું નિમિત્ત પ્રતિષ્ઠિત થઈ જાય તો એ અનુષ્ઠાન-એ સુકૃત પણ સફલ, સફલ અને સફલ જ છે : જેમ બાહુબલિમુનિવરનાં સંયમજીવનમાં નિહાળાય છે એમ. એથી વિપરીત, જ્યાં પ્રારંભે અહંકારાદિ જેવાં નકારાત્મક નિમિત્ત નથી, પરંતુ આત્મકલ્યાણનું લક્ષ્ય પણ કેળવાયું નથી તો તે સુકૃત સફલ ન જ થાય : જેમ અજ્ઞાાત તપસ્વીઓનો બાલતપ સફલ ન થાય તેમ. આત્મકલ્યાણનું લક્ષ્ય એટલે ? આ સુકૃતના-અનુષ્ઠાનના પ્રભાવે મારા આત્મામાંથી કામ-ક્રોધ-અહંકાર-આસક્તિ આદિ દોષોનો ક્ષય થાઓ, અષ્ટવિધ કર્મોની નિર્જરા થાઓ એવી તમન્ના-તકેદારી. આ લક્ષ્યનું મહત્વ કેટલું 'એકસ્ટ્રીમ' છે તે આપણને પવિત્ર આગમગ્રન્થ દશવૈકાલિકશાસ્ના નવમા અધ્યયનના ત્રીજા ઉદ્દેશકના એક શાસ્ત્રપાઠ પરથી સમજાય છે. ત્યાં પ્રાકૃત ભાષામાં સ્પષ્ટ શબ્દોમાં ચાર વિકલ્પો દર્શાવવા સાથે લખાયું છે કે (એ) આ લોકના કોઈ સુખ-સુવિધાદિ હેતુથી તપ ન કરવો જોઈએ (૨) પરલોકના કોઈ સુખ-સુવિધાદિ હેતુથી તપ ન કરવો જોઈએ (૩) યશ-કીર્તિ-પ્રસિદ્ધિ આદિ હેતુથી તપ ન કરવો જોઈએ. પરંતુ (૪) માત્ર કર્મનિર્જરાના-રાગ/દ્વેષાદિ દોષક્ષયના લક્ષ્યથી જ તપ કરવો જોઈએ. તપ જેવા સુકૃત-અનુષ્ઠાન માટે શાસ્ત્રે સ્પષ્ટાક્ષરોમાં કરેલ આ નિર્દેશ એ સમજાવવા સક્ષમ છે કે અનુષ્ઠાનમાં-સુકૃતમાં આત્મકલ્યાણનું લક્ષ્ય કેવું અગ્રિમ છે-મહત્વનું છે !
આજે પણ સમૂહ માસક્ષમણાદિ તપસ્યામાં અમને એવા આરાધકો મળી રહે છે કે જેઓનું આ શાસ્ત્રનિર્દિષ્ટ લક્ષ્ય સ્પષ્ટ હોય-તીવ્ર હોય. તેઓ તપમાં અનાહારી દવા-ઇન્જેક્શન જેવી માન્ય સુવિધા પણ લેવાનો ઇનકાર કરી કષ્ટ સહવાની ભાવનાથી અમને કહે છે કે ''સાહેબજી ! વાસક્ષેપ એવો કરો કે વધુને વધુ સહવાનું બળ મળે. જેટલું સહન કરીશું એટલી કર્મનિર્જરા વધુ થશે.''
આપણે આ સંદર્ભના સુવાક્ય સાથે સમાપન કરીએ કે ''હસતાં હસતાં સહન કરશો તો કર્મો સળગી જશે... રડતાં રડતાં સહન કરશો તો કર્મો વળગી જશે...''