Get The App

જેઓ સુર્વણ-માટી અને શત્રુ-મિત્ર પર સમાન દૃષ્ટિ ધરાવતા હોય તે સાચા સાધક છે !

Updated: Jan 17th, 2024

GS TEAM

Google News
Google News
જેઓ સુર્વણ-માટી અને શત્રુ-મિત્ર પર સમાન  દૃષ્ટિ ધરાવતા હોય તે સાચા સાધક છે ! 1 - image


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- સંસ્કૃતભાષા મુજબ 'ઉદ્દ'નો અર્થ છે ઉપર-ઊંચે અને 'આસીન'નો અર્થ છે બેસવું. સાધક પોતાનું આત્મિક સ્તર એટલું એટલું ઉચ્ચ બનાવે-પોતે એટલી ઉચ્ચ ભૂમિકા પર સ્થિર હોય કે જ્યાં રાગ-દ્વેષની કોઈ ઘેરી અસરો ન હોય

'અ મૃતવેલસજ્ઝાય'ની સુદીર્ઘા આનંદયાત્રાનો આજે છે અંતિમ અને છત્રીશમો લેખ. આજના લેખમાં છે નવથી અગિયારમાં ક્રમાંકની ત્રણ મજાની હિતશિક્ષા અને ઉપસંહાર. આપણી મલિન ચેતનાને પરમ ચેતના બનાવવામાં સક્ષમ એ ત્રણે ય હિતશિક્ષાઓ કૃતિઓ આ અટઠાવીશમી કડીમાં સંમીલિત છે કે :

દેખીયે માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે,

તેહ અણછોડતા ચાલીએ, પામીએ જિમ પરમધામ રે..

વ્યવહારજગતમાં આપણે નિહાળીએ છીએ કે અણજાણ શહેરમાં-અપરિચિત પ્રદેશમાં ઇષ્ટ સ્થાને પહોંચવું હોય તો નકશાનો ઉપયોગ જરૂરી બને. એ પછી પણ ભુલભુલામણીમાં ન અટવાઈ જવાય એ માટે માર્ગદર્શક ભોમિયાનો સાથ-સહયોગ આવશ્યક બને. આ બેના આધારે નિશ્ચિત થયેલ રાહ પર ચાલવાથી વ્યક્તિ ઇષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકે.

બસ, આ જ બાબત અધ્યાત્મક્ષેત્રે- આત્મકલ્યાણ માટે લાગુ પડે છે. શિવનગર અર્થાત્ મોક્ષસ્થાન એ સાધક માટે ઇષ્ટ છે, પરમર્ષિઓએ રચેલ શાસ્ત્રો એનો નકશો છે. તો સદ્ગુરુભગવંત ભુલભુલામણીમાં અટવાવા ન દે તેવા માર્ગદર્શક ભોમિયા છે. કેટલીક વાર એવું બને કે આપણે શાસ્ત્રકથિત અધ્યાત્મમાર્ગે ચાલતા હોવાનું અનુભવીએ પરંતુ બારીક ભુલભુલામણીમાં પરિસ્થિતિ એ સર્જાય કે સન્માર્ગ ચુકાઈ જાય અને છતાં આપણે એ ભ્રમમાં રહીએ કે આપણે જે માર્ગ પર છીએ એ સન્માર્ગ જ છે. એક ઉદાહરણ આ સંદર્ભમાં વિચારીએ.

ત્યાગ-તપ-તિતિક્ષા શાસ્ત્રકથિત વિવિધ મોક્ષમાર્ગ પૈકીનો એક માર્ગ છે. ત્યાગ દ્વારા સાધક પરિગ્રહાદિથી મુક્ત થાય છે. તો તપ-તિતિક્ષા દ્વારા કેટલાય કર્મોનો ક્ષય કરે છે. હવે આ માર્ગ અપનાવ્યા પછી ય સાધક કેટલીક વાર પ્રસિદ્ધિની પ્રશંસાની ભુલભુલામણીમાં અટવાઈ જાય, તો આગ્રહી વલણની ભુલભુલામણીમાં ય અટવાઈ જાય, કેટલીક વાર એ અનુકૂળતાની આકર્ષણની ભુલભુલામણીમાં અટવાઈ જાય, તો પ્રતિકૂળતાની પ્રદ્વેષની ભુલભુલામણીમાં ય અટવાઈ જાય. જો કે, ત્યારે ય સાધક બાહ્ય પ્રવૃત્તિના આધાર પર એમ જ માનતો હોય કે હું સન્માર્ગમાં સ્થિર છું. વસ્તુત: આ એનો ભ્રમ હોય છે. આ સમયે સદ્ગુરુ ભોમિયાની ભૂમિકા અદા કરી સાધકને આપણને ભુલભુલામણીમાંથી ઉગારી લેવાનું કાર્ય કરે છે.

નવમી હિતશિક્ષામાં ગ્રન્થકાર પૂ.મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર આ ભોમિયાની ભૂમિકા બહુ અદ્ભુત રીતે અદા કરીને ઉદાસીન પરિણામ આત્મસાત્ કરવાનો મજાનો નિર્દેશ કરે છે. તેઓ ફરમાવે છે કે ઉદાસીનભાવ મોક્ષનો મુખ્ય માર્ગ છે. પ્રથમ નજરે આપણને આ ઉદાસીનભાવ આત્મસાત્ કરવાની વાત આશ્ચર્યજનક લાગે. કેમકે વ્યવહારમાં આપણે એમ કહેતા હોઈએ છીએ કે ક્યારેય ઉદાસીન- મૂડલેસન બનવું. તો પછી આત્મકલ્યાણનાં ક્ષેત્રે ઉદાસીનતાની વાત કેમ ? રહસ્ય અહીં એ સમજવાનું છે કે એ 'ઉદાસીનતા' શબ્દનું અર્થઘટન જ આપણું ગલત છે. ઉદાસીન રહેવું એટલે મૂડલેસ રહેવું આ આપણા અર્થ કરતા પૂ.મહોપાધ્યાયજીનો અર્થ અલગ છે. એમનું અર્થઘટન એકદમ વાસ્તવિક પણ છે અને ખૂબ ઉત્તમ પણ છે.

સંસ્કૃતભાષા મુજબ 'ઉદ્દ'નો અર્થ છે ઉપર-ઊંચે અને 'આસીન'નો અર્થ છે બેસવું. સાધક પોતાનું આત્મિક સ્તર એટલું એટલું ઉચ્ચ બનાવે-પોતે એટલી ઉચ્ચ ભૂમિકા પર સ્થિર હોય કે જ્યાં રાગ-દ્વેષની કોઈ ઘેરી અસરો ન હોય. ઘટના મનગમતી સર્જાય યા અણગમતી, પરિણામ લાભદાયી આવે યા નુકસાનદાયી, વ્યક્તિ-વસ્તુ આકર્ષણનું કારણ હોય કે વિકર્ષણનું : આ તમામ સ્થિતિમાં આંતર દશા અલિપ્ત હોય એટલે ઉચ્ચ કક્ષામાં સાધક રમે એ છે ઉદ્-આસીન અવસ્થા. ખબર છે પેલી મજાની ઘટના ?

આયુષ્યના છટ્વા દાયકામાં પ્રવેશેલ પતિ-પત્નીએ સંસારની જંજાળોથી મુક્ત થવા પ્રથમ તબક્કે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો નિર્ણય કર્યો. એ માટે એમણે નગરની બહાર નિરવ સ્થાને બે અલગ અલગ કુટિરો કરાવી. પરસ્પર ખપપૂરતું જ મળવાનું રાખી બાકીનો સમય બન્ને પોતાની સાધનામાં વીતાવતા. વહેલી પ્રભાતે નદીસ્નાન માટે પણ બન્ને અલગ અલગ જ જતા.

એક વહેલી પ્રભાતની વાત. પતિ નદીસ્નાન કરી પરત આવી રહ્યો હતો. ત્યાં એણે માર્ગમાં કોઈ ચમકતી ચીજ જોઈ. નદીસ્નાન માટે જતી વેળાએ તો આવું કાંઈ દેખાયું ન હતું. માટે એને કુતૂહલ થયું. ઝડપભેર એ નજીક ગયો ત્યાં ખ્યાલ આવ્યો કે એ ચીજ સુવર્ણનો મસ્ત રમણીય હાર હતો. પતિએ વિચાર્યું કે 'હમણા જ પત્ની પણ સ્નાન માટે આ તરફ આવશે. હાર જોશે તો એનું મન લલચાઈ જવાની પૂરી શક્યતા રહેશે. કારણકે સ્ત્રીઓને અલંકાર ખૂબ પ્રિય હોય. પરંતુ હવે આ સાધનાવસ્થામાં અલંકારનું આકર્ષણ ન રહે એ જ સારું છે.

પત્ની આવે એ પહેલાં એણે સુવર્ણ હાર પર ધૂળ નાખવા માંડી. જો હાર નજરે જ ન આવે તો એનાં આકર્ષણનો પ્રશ્ન જ ન આવે. પરંતુ બન્યું એવું કે એ જ ક્ષણોમાં પત્ની નજીક આવી ગઈ. એણે પૂછયું કે 'આ શું કરો છો ? ' પતિએ કહ્યું : ' તને હારનું આકર્ષણ ન થાય એ માટે હું એના પર ધૂળ નાખી રહ્યો છું. પત્નીએ ઉદ્-આસીનભાવ પ્રગટ કરતો માર્મિક ઉત્તર આપ્યો કે ' તમે એમ માનો છો કે હું હાર પર ધૂળ નાખું છું. પણ હું તો એમ માનું છું કે તમે ધૂળ પર ધૂળ નાંખી રહ્યા છો. મારી નજરે હાર અને ધૂળમાં કોઈ ફર્ક નથી ? પતિ તાજુબ થઈ ગયો પત્નીની ઉત્તમ વિરક્ત દશા પર....

અમે આ અવસ્થાને કહીએ છીએ ઉદ્-આસીન અવસ્થા. જૈન શાસ્ત્રોમાં સાધકની ઉચ્ચ અવસ્થાને ઉદ્- આસીન અવસ્થાને વર્ણવવવા આ શબ્દો મળે છે કે ખ્તિં હ્રિંેંલ્શ્વઞ્ઢદ્વછટ્ટદૃખ્ત હ્રિંત્ઢિંછેંહ્રણખ્ત  મતલબ કે જેઓ માટી હોય યા સુવર્ણ શત્રુ હોય યા મિત્ર : એ સર્વમાં સમાન દૃષ્ટિ  ધરાવે એ સાચા સાધુ છે સાધક છે. ઉદાસીન પરિણામ આપણને આ અવસ્થા સર કરાવે છે...

દશમી હિતશિક્ષામાં ગ્રન્થકાર જણાવે છે કે 'તેહ અણછોડતા ચાલીએ. એટલે કે આ ઉદ્- આસીનભાવ થોડો સમય આત્મસાત્ થાય તો નહિ ચાલે. જીવનની હરક્ષણ આ ભાવ આત્મસાત્ કરી રાખો. નિંદા-પ્રશંસા, બાહ્ય સ્તરની ચડતી-પડતી વગેરે તમામ તબક્કે ભીતરનો ઉદ્-આસીનભાવ ઝળહળતો રહેવો જોઈએ. એનું અંતિમ પરિણામ શું આવે ? તે અગિયારમી હિતશિક્ષારૂપે ગ્રન્થકાર જણાવે છે કે 'પામીએ જિમ પરમધામ રે' પરમધામ એટલે મોક્ષ-સિદ્ધિપદ. જો મોક્ષપ્રાપ્તિ કરવી હોય તો ઉદ્-આસીનભાવ અર્થાત્ રાગ-દ્વેષરહિત પરિણતિ અવશ્ય જોઈશે જ. શ્રીમાન ચિદાનંદજી મહારાજ પણ એમનાં અધ્યાત્મપદમાં ફરમાવે છે કે :

વૈરી સાથે વૈર ન કીજે, રાગીશું નવિ રાગ,

સમભાવે સહુ જનને નીરખે, તો શિવસુખનો લાગ...

આ પરમધામ અર્થાત્ મોક્ષની વિશેષતાઓ અઢળક છે. આપણે એની પાંચ વિશેષતાઓ મુક્ત જીવોની અપેક્ષાએ સંક્ષેપમાં સમજીએ:

- મોક્ષ સ્થાનની દૃષ્ટિએ સર્વોચ્ચ છે : જૈન ભૂગોળ-ખગોળ મુજબ ચૌદ રાજલોકમય લોક છે. એના સૌથી ઉપરના સ્થાને-સિદ્ધશિલા પર મોક્ષ છે. મુક્ત જીવો ત્યાં રહે છે.

- મોક્ષના જીવો જ્ઞાનની દૃષ્ટિએ સર્વોચ્ચ છે- મોક્ષસ્થિત તમામ જીવો અનંત જ્ઞાનના ધારક હોય છે. ત્રણે ય કાળના તમામ જીવોના તમામ ભાવો-પર્યાયો એ જ્ઞાનમાં એક સાથે પ્રતિબિંબિત થાય છે.

- મોક્ષના જીવો સ્થૈર્યની દૃષ્ટિએ સર્વોચ્ચ છે- આપણું આયુષ્ય ચાહે તેવું દીર્ઘ હોય. તો પણ અંતે તો આપણે વિદાય થવાનું જ છે. જ્યારે સિદ્ધભગવંતોને-મોક્ષસ્થિત  જીવોને એ સ્થાનમાંથી ક્યારે ય વિદાય થવાનું નથી. તેઓ સદા-સર્વદા-શાશ્વતકાળ ત્યાં જ સ્થિર રહે છે.

- મોક્ષના જીવો સામર્થ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે - સિદ્ધાત્માઓના સામર્થ્ય માટે 'અનંત વીર્ય' શબ્દનો પ્રયોગ થાય છે. એમનું સામર્થ્ય એવું ગજબનાક હોય કે તેઓ અનંત અલોકને પણ નાનકડા લોકમાં આખેઆખો સમાવી શકે છે. જો કે, તેઓ આ સામર્થ્યનો ઉપયોગ કરતા નથી.

- મોક્ષના જીવો સુખની દૃષ્ટિએ સર્વોચ્ચ છે : પરમાત્મપંચવિશિકા ગ્રન્થમાં લખાયું છે કે નરેન્દ્રો-દેવેન્દ્રો દેવો માનવો વગેરેના તમામ સુખો એકત્રિત કરવામાં આવે તો પણ એની સામે એક સિદ્ધાત્માનું સુખ અનંતગણું અધિક છે. ગ્રન્થની અંતિમ કડીમાં ઉપસંહારરૂપે પૂ.મહોપાધ્યાયજી ભગવંત ગ્રન્થને 'અમૃતવેલ'નું સાર્થક નામ આપવા સાથે જણાવે છે કે :

શ્રી નયવિજયગુરુ શિષ્યની, શિખડી અમૃતવેલ રે,

એહ જે ચતુર નર આદરે, તે લહે સુજસ રંગરેલ રે..

છત્રીશ-છત્રીશ લેખોના આ અમૃતવેલની આનંદયાત્રાના સમાપન સમયે એ જ પ્રભુપ્રાર્થના કે અમૃતવેલ આપણને સહુને અમૃતપદે-મોક્ષપદે પ્રતિષ્ઠિત કરનાર બનો..

Tags :