- અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- આજે ઘણો મોટો વર્ગ પસંદગીના માપદંડમાં 'સ્વભાવ'ને પ્રાધાન્ય આપવાની વાત ગંભીરતાથી સમજતો નથી. આનું એક ભયાનક દુષ્પરિણામ એ આવે છે કે સહજીવનની યાત્રાના પ્રારંભિક વર્ષોમાં જ કઈ કેટલાય લોકો 'ડિવોર્સ'ની ખાઈ સુધી પહોંચી જાય છે જ્યાં એમના સંબંધોની આત્મહત્યા થઈ જાય છે. વિ-લક્ષણતા ખરી એ છે કે આમાંના કેટલા ય યુવાન-યુવતીઓ સહજીવનના પ્રારંભે હોંશભેર દાવો કરતા હોય કે 'અમારા તો પ્રેમલગ્ન છે.' એમાંથી પ્રેમ નીકળી જઈ ધિક્કાર ક્યારે પ્રવેશી ગયો એની એમને ખબર સુદ્ધા ન પડે !
કલ્પના કરો કે આપણી સમક્ષ બે સરસ મજાના ઘડા છે. એક સંપૂર્ણપણે શુદ્ધ સુવર્ણનો બનેલ છે અને એના પર આકર્ષક નકશીકામ-કલાસૌંદર્ય પણ છે. જ્યારે બીજા સાવ સાદો અને માટીમાંથી બનેલ છે. પસંદગી કરવાનું જણાવાય તો સ્વાભાવિક જ આપણે સુવર્ણનો ઘડો પસંદ કરીએ. કારણ કે સમૃદ્ધિ અને સૌંદર્ય એ સુવર્ણઘડા પાસે છે.
પરંતુ પછી સ્પષ્ટતા કરવામાં આવે કે એ પસંદગી ઘડો ભેટ લઈ જવા માટે નથી કરવાની. માત્ર ભયાનક ગરમીના દિવસોમાં પાણી પીવા પૂરતી જ એ પસંદગી કરવાની છે. તો ? તો આપણી પસંદગી તરત બદલાઈ જશે. આપણે માટીનો ઘડો જ પસંદ કરીશું. કેમ કેમ આપણને એ ખબર છે કે પાણીને શીતલતા બક્ષવાનો 'સ્વભાવ' માટીના ઘડાનો જ છે, સુવર્ણના ઘડાનો નહિ...સમૃદ્ધિ અને સૌંદર્ય કરતા ય સ્વભાવની મહત્તા કેટલી વિશિષ્ટ છે તે ઉપરોક્ત વિચારણાથી સમજી શકાય છે. એથી જ આજે એક સૂત્ર અમે એ દર્શાવીશું કે 'સ્વભાવ સરસ જોઈએ.'
કમનસીબી એ છે કે આજે ઘણો મોટો વર્ગ પસંદગીના માપદંડમાં 'સ્વભાવ' ને પ્રાધાન્ય આપવાની વાત ગંભીરતાથી સમજતો નથી. આનું એક ભયાનક દુષ્પરિણામ એ આવે છે કે સહજીવનની યાત્રાના પ્રારંભિક વર્ષોમાં જ કઈ કેટલાય લોકો 'ડિવોર્સ' ની ખાઈ સુધી પહોંચી જાય છે જ્યાં એમના સંબંધોની આત્મહત્યા થઈ જાય છે. વિ-લક્ષણતા ખરી એ છે કે આમાંના કેટલા ય યુવાન-યુવતીઓ સહજીવનના પ્રારંભે હોંશભેર દાવો કરતા હોય કે 'અમારા તો પ્રેમલગ્ન છે.' એમાંથી પ્રેમ નીકળી જઈ ધિક્કાર ક્યારે પ્રવેશી ગયો એની એમને ખબર સુદ્ધા ન પડે! ક્લેશ - કંકાસ - ઝઘડાના માર્ગે 'ડિવોર્સ'ની ખીણમાં એ પટકાય છે એનું મુખ્ય કારણ છે સમૃદ્ધિ - સૌંદર્યને પ્રાધાન્ય આપી 'સ્વભાવ' તરફ દુર્લક્ષ રાખવાનો અભિગમ. આ સંદર્ભમાં એક સંસ્કૃત સુભાષિતનો સંદેશ ખાસ યાદ રાખવા જેવો છે કે :
પરીક્ષણીયો યત્નેન, સ્વભાવો નેતરે ગુણા: ા
અતીત્ય હિ ગુણાન્ સર્વાન્, સ્વભાવો મૂર્ઘ્નિ વર્તતે ાા
ભાવાર્થ કે ખૂબ યત્નપૂર્વક સૌથી વધુ પરખ કરવા જેવી બાબત કોઈ હોય તો તે છે સ્વભાવ, અન્ય બાબતો નહિ. કારણ કે અન્ય તમામ બાબતો - ગુણોને બાજુ પર રાખીને સ્વભાવ સૌથી અગ્રિમ અસરો સર્જતો હોય છે. આપણે ખુદ પણ વ્યવહારમાં આ અનુભવ કરતા જ હોઈએ છીએ કે વ્યક્તિની ઉદારતા હોંશિયારી અવસરે બાજુ પર રહી જાય છે અને કડવો-તીખો સ્વભાવ યાદ રહી જાય છે !
એક ખૂબ અર્થપૂર્ણ વાક્ય યાદ રાખવા જેવું છે કે ''સારો ભાવ માત્ર પોતાને લાભ કરે, જ્યારે સારો સ્વભાવ પૂરા પરિવારને લાભ કરે.'' સારો ભાવ એટલે મનના શુભ વિચારો. દાન-શીલ-તપ-ભક્તિ-વૈયાચ્ય વગેરે શુભ ભાવો જ્યારે વ્યક્તિનાં મનમાં જાગે ત્યારે એનાથી થતાં પુણ્યોપાર્જન - કર્મનિર્જરાદિ લાભો તે વ્યક્તિને પોતાને જ પ્રાપ્ત થાય, બીજાને નહિ. આ દૃષ્ટિએ એમ કહેવાયું કે 'સારો ભાવ માત્ર પોતાને લાભદાયી બને.' આના મુકાબલે સારો સ્વભાવ તો પૂરા પરિવારને લાભ કરે એ પ્રત્યક્ષ અનુભવાય છે. જેમ કે એક વ્યક્તિનો સ્વભાવ બિલકુલ શાંત હોય તો પારિવારિક ઉગ્રતામાં અન્યોને શાંતિથી સમજાવી પરિસ્થિતિ સંભાળી લેવારૂપે એ સૌને લાભદાયી બને. માટે કહેવાયું કે 'સારો સ્વભાવ પૂરા પરિવાને લાભ કરે.''
આ સારા સ્વભાવનાં લક્ષણો આમ તો ઘણાં ઘણાં દર્શાવી શકાય. પરંતુ આપણે અહીં સંક્ષેપમાં ચાર લક્ષણો વિચારીશું :
(૧) વિચારોમાં સંવેદનશીલતા :- સારા સ્વભાવની વ્યક્તિની વિચારશૈલી એવી હોય કે જેમાં આસપાસની વ્યક્તિઓ પ્રત્યે સંવેદના - હમદર્દી છલકાતી હોય. એ સ્વાર્થી બનીને માત્ર પોતાના લાભનો જ વિચાર ન કરે. જ્યાં માત્ર પોતાના જ સ્વાર્થની વાત હોય ત્યાં છળ - કપટથી લઈને ઘર્ષણ સુધીની બધી બાબતો જલ્દીથી છવાઈ જાય. જ્યારે સંવેદનશીલતામાં બીજાને નુકસાન ન થાય તેની કાળજીથી લઈને અન્યોને સહાયક થવાની બાબતો છવાઈ જાય છે. સંવેદનશીલ વ્યક્તિ અન્યોને નુકસાન ન થાય તેની કેવી કાળજી રાખે એ જાણવું છે ? તો વાંચો આ મસ્ત સત્ય ઘટના :
સસ્તા દરે ઘરે ઘરે સંસ્કારી સાહિત્યનો પ્રસાર કરનાર ભિક્ષુક અખંડાનંદ દ્વારા સંસ્થાપિત 'અખંડ આનંદ' સામાયિકના કાર્યાલયમાં હિસાબ - કિતાબ સમયે એક રૂપિયો ખોટો નીકળ્યો. આ તે સમયની વાત છે કે જ્યારે એક રૂપિયા દ્વારા પાંચ વ્યક્તિનો પરિવાર એક સપ્તાહ સુધી જીવનનિર્વાહ કરી શકે. નાણાંભીડમાં ચાલતી સંસ્થાને નુકસાન ન થાય એથી એક કર્મચારીએ કહ્યું : ''એ રૂપિયો મને આપી દો. હું બજારમાં કોઈને પધરાવી દઈશ.''
સ્વામીજી એ સમયે હાજર હતા. એમણે નિર્ણય આપ્યો કે ''આ ખોટો રૂપિયો જમીનમાં દાટી દો. એ કોઈને પધરાવવો નથી.'' ''પણ કેમ ?'' આમાં તો આપણી સંસ્થાને નુકસાન થશે.''
અખંડાનંદજીએ મજાનો ઉત્તર પ્યો : ''મોટે ભાગે એવું બનશે કે શિક્ષિત-હોંશિયાર માણસો આ રૂપિયો ખોટો હોવાનું પરખી જઈ લેશે નહિ.. ''એથી એ ગરીબ અભણ-માણસ પાસે જવાની શક્યતા વધુ છે. એને ગરીબાઈના માર વચ્ચે નુશસાનીનો માર વેઠવો પડે એનાં કરતા બહેતર છે કે સંસ્થા નુકસાનીનો મારી સહી લે.'' 'એ પછી સ્વામીજીએ આગળ ઉમેર્યુ : ''આપણી સંસ્થા સંસ્કાર આપનારી છે. જૂઠો રૂપિયો બજારમાં ફરતો કરીએ તો એનો અર્થ એ થાય કુ જૂઠને બજારમાં ફરતું કરીએ છીએ. આપણાથી આવું ન જ થાય.
સંવેદનશીલ સ્વભાવન વ્યક્તિ અન્યોને નુકસાન ન થાય એની કેવી કાળજી રાખે તે સ્વામીજીના સંસ્કારમઢયા-સંવેદનામઢયાં ઉત્તરમાં પ્રતિબિંબિત થાય છે.
(૨) વાણીમાં સુમધુરતા :- ધારો કે વ્યક્તિનું હૈયું - વિચારજગત સંવેદનશીલ હોય પરંતુ બોલવામાં એને કોઈ લગામ - મર્યાદા ન હોય તો ? તો એની લાગણીશીલતા પણ ઘરમાં-પરિવારમાં આનંદ-કિલ્લોલનું વાતાવરણ ન જામવા દે. કારણ કે એના શબ્દો તીર જેવા છે, વાણી કુહાડી જેવી છે. જેની વાણી બે-લગામ છે, બે-ફામ છે એના ઘરે દીવાળી લગભગ ન હોય અને હોળી હંમેશા હોય. માટે સારા - ઉમદા સ્વભાવનું બીજું લક્ષણ વાણીનું માધુર્ય છે. સંબંધમાં વાણી કેવું અગત્યનું પરિબળ બની રહે છે એ સમજવા ટાંકીએ આ અદ્ભુત હીંદી પંક્તિઓ કે :-
લબ્ઝ હી કુછ ઐસે હોતે હૈ, કિ જિસકી વજહ સે ા
યા તો આદમી દિલ મેં ઉતર જાતે હૈ, યા તો દિલ સે ઉતર જાતે હૈા
(૩) વર્તનમાં સહાયકતા :- સારા સ્વભાવનું ત્રીજુ લક્ષણ છે. સહાયકભાવ. પરિવારનાં સભ્યો જો પરસ્પરનાં કાર્યોમાં - સમસ્યાઓમાં સહાયકતાનો અભિગમ દાખવે તો ઘર સમૃદ્ધ ન હોય તો ય ત્યાં સ્વર્ગીય આનંદની ઝલક હોય એમ માની શકાય. વિચારોના સ્તરે સંવેદનશીલતા જેટલી વધુ, એટલી વર્તનનાં સ્તરે સહાયકતા વધુ. આ સહાયકભાવ વ્યક્તિને કેવાં સત્કર્મ કરવા અનાયાસે પ્રેરે એ જાણવું છે ? તો વાંચો આ ગૂર્જરેશ્વર સમ્રાટ સિદ્ધરાજ જયસિંહનો આ પ્રસંગ :
એક સમી સાંજે તેઓ પોતાના રાજમહાલય તરફ આવી રહ્યા હતા ત્યારે એક શ્રેષ્ઠીનાં ભવન પર એમણે ચોર્યાશી દીપક પ્રગટેલ નિહાળ્યા. સેવકને પૂછતાં એણે કહ્યું ''આપણા નગરમાં રીવાજ છે કે જે શ્રેષ્ઠી પાસે જેટલા લાખની સંપત્તિ હોય એટલા દીપક પ્રગટાવે અને જે ક્રોડાધિપતિ હોય તે પોતાનાં ભવન પર ધ્વજા ફરકાવે.'' સમ્રાટે મનોમન કાંઈક વિચારી બીજે દિવસે એ ભવનનાં શ્રેષ્ઠીને રાજસભામાં બોલાવ્યા. રાજાએ પરીક્ષા કરવા બે પ્રશ્ન પૂછયા. એક એ કે 'સંપત્તિનો વિશેષ ઉપયોગ શેમાં કરો છો ?' અને બીજો એ કે 'નિત્ય સાંજે આટલા બધા દીવા પ્રગટાવવા પડે એના કરતા ક્રોડાધિપતિ બનીને કોટિધ્વજ ફરકાવતા હોય તો મહેનત ઓછી પડે ને ? શ્રેષ્ઠીએ ઉત્તરરૂપે કહ્યું કે ''મને દાન-પુણ્યમાં રસ હોવાથી સંપત્તિનો ઉપયોગ એમાં વિશેષ થાય છે. મારું પુણ્ય એવું છે કે સંપત્તિ ચોર્યાશી લાખથી વધતી પણ નથી ને ઘટતી પણ નથી. નીતિથી જીવું છું અને જે છે તેમાં સંતોષ માનું છું.'' સંતુષ્ટ થઈ ગયેલ સમ્રાટે સહાયકભાવની પરાકાષ્ઠાએ રાજકોષમાંથી સોળ લાખ સુવર્ણમુદ્રા અપાવી શ્રેષ્ઠીને રોજના ચોર્યાશી દીવા પ્રગટાવવાની પળોજણમાંથી મુક્ત કરી દીધા! કહેવાની જરૂર નથી કે આવી સહાયકતાને લોકપ્રિયતા આપોઆપ વરે છે.
(૪) વિષમતામાં શાંતિ :- સારા સ્વભાવનું ચોથું લક્ષણ છે કટોકટોની સ્થિતિમાં પણ મનની શાંતિ અકબંધ રાખવી. કોઈ કોઈ વ્યક્તિઓ એવી નિહાળવા મળે છે કે એમનું મગજ જાણે આઈસ ફેક્ટરી હોય. ગમે તેવી સ્થિતિમાં એ મગજ પરનો કાબૂ ન ગુમાવે. આ શાંતિને કેળવણી સાથે જોડાતા એક ચિંતકે વિધાન કર્યું છે કે ''ખરાબમાં ખરાબ પરિસ્થિતિને સંભાળવાની અને સામી વ્યક્તિને સાંભળવાની તૈયારી તેનું નામ સાચી કેળવણી.'' આવો, આપણે આ કેળવણીને આત્મસાત્ કરીને કહીએ જાતને કે 'સ્વભાવ સરસ તો જીવન સરસ.'


