Get The App

સ્નેહાળ વ્યવહાર વ્યક્તિને પ્રિય બનાવે છે... રૂક્ષ વ્યવહાર વ્યક્તિને અપ્રિય બનાવે છે...

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
સ્નેહાળ વ્યવહાર વ્યક્તિને પ્રિય બનાવે છે... રૂક્ષ વ્યવહાર વ્યક્તિને અપ્રિય બનાવે છે... 1 - image

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'જીવનમાં સ્નેહભાવ અર્થાત્ પ્રેમાળ-કોમળ વ્યવહાર આત્મસાત્ કરવાથી સામી વ્યક્તિ પાસે સરળતાથી કામ લઈ શકાય છે, ક્લેશ થતા નથી, સંબંધ બગડતા નથી અને કાર્ય પણ બગડતા નથી. ઉપરાંત સંક્લેશજન્ય આર્તધ્યાન-દુર્ગતિપરંપરા સર્જાતી નથી. એથી સાવધાની-જાગૃતિપૂર્વક પરિચયમાં આવનાર સહુ પ્રત્યે સ્નેહાળ વ્યવહારનો ખાસ ખ્યાલ રખાવો જોઈએ.'

સદ્ગુણ એવું તત્ત્વ છે કે જે જીવનનું પોત ઉત્તરોત્તર ઉત્તુંગ બનાવે. યાદ રહે કે સંપત્તિ વગેરે પરિબળો ચાહે તેટલા ઉપયોગી હોય. પરંતુ એ ફક્ત જીવનનિર્વાહમાં ઉપયોગી છે, જીવનનિર્માણમાં નહિ. જીવનનિર્માણમાં-જીવનને ઉત્તુંગ બનાવવામાં ઉપયોગી પરિબળ છે ઉક્ત સદ્ગુણ. એથી જ ગત લેખથી આપણે ચાર ચાર એવા સદ્ગુણોની વિચારયાત્રા આરંભી છે કે જે પ્રાથમિક કક્ષાની છે. સ્ અક્ષરથી શરૂ થતાં એ સદ્ગુણો એવા છે કે જો એ જીવનમાં વધુ ને વધુ ઘુંટાય તો અભ્યંતર દ્રષ્ટિએ ટોચ તરફ પણ લઈ જાય. આજે વિચારીશું એ પૈકીના ત્રીજા-ચોથા ક્રમાંકના ગુણો.

(૩) સદ્ભાવ :- આ શબ્દ ખૂબ પ્રસિદ્ધ છે અને એના અર્થ સંદર્ભ મુજબ અલગ અલગ થઈ શકે છે. જેમ કે સદ્ભાવનો સામાન્ય અર્થ છે શુભ ભાવ-સારો ભાવ. પરંતુ એનો અર્થ આદરભાવ પણ થઈ શકે છે. ઉદાહરણરૂપે 'આ તમારા માટે ખૂબ સદ્ભાવ ધરાવે છે.' અહીં શુભ ભાવ કરતાં આદરભાવ અર્થ વધુ 'પરફેક્ટ' બંધ બેસે તેવો છે. અમે આ આદરભાવના અર્થમાં અહીં સદ્ભાવ શબ્દપ્રયોગ કર્યો છે.

આપણે સ્વયં સદ્ભાવો-શુભ ભાવો ધરાવીએ અને એ સાકાર થાય તેવાં શુભ આચરણો કરીએ તો એ બહુ ઉમદા બાબત છે. એનાથી ચોક્કસ આપણું જીવન ઉત્તમતા તરફ પ્રગતિશીલ બને. પરંતુ ધારો કે આપણે એ માહોલમાં-વાતાવરણમાં ઘડતર પામ્યા છીએ કે ચોક્કસ પ્રકારના શુભ ભાવો પણ શક્ય નથી અને એનું આચરણ તો એથી ય વધુ દૂરની વાત હોવાથી જરા ય શક્ય નથી. તો પણ સજ્જનો-સદાચારી વ્યક્તિઓ પ્રત્યેનો આદરભાવ જીવનઉત્થાન માટેનું બહુ અસરકારક પરિબળ બની શકે છે. એક ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ.

ધારો કે એક વ્યક્તિનું ઘડતર એવા વાતાવરણમાં થયું છે યા એની આસપાસનાં પરિબળો એવાં છે કે તે વ્યસનમુક્ત બની શકતી નથી. વ્યસનમુક્તિ નામે શુભ ભાવ ને એના અમલરૂપ સદાચાર એનાં જીવનમાં વર્તમાનમાં શક્ય નથી. પરંતુ એ જો અત્યારે પણ વ્યસનમુક્ત સજ્જનો પ્રત્યે ભારોભાર સદ્ભાવ-આદરભાવ ધરાવતી હોય તો એ તેનાં જીવન ઉત્થાનનું સબળ કારણ બની શકે. એનાથી એને બે લાભ થાય. એક એ કે એ સજ્જનો સારા છે અને પોતે ખોટો છે એવો ભાવ મનમાં ઘુંટાય. બીજો એ કે તે સજ્જનો પ્રત્યેના આદરભાવનાં કારણે એમની પ્રેરણા મન પર અસર કરે.

તો, સાર એ થયો કે સદાચારી સજ્જનો પ્રત્યેનો સદ્ભાવ-આદરભાવ તેના શુભ આચારોથી વિહીન વ્યક્તિઓને લાભદાયી બને. અરે ! ક્યારેક એ લાભ એ સ્તર સુધીની ઊંચાઈ પણ હાંસલ કરી લે કે એનાથી એનાં જીવનના અસદ્ આચાર કાયમી વિદાય લઈ લે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ અદ્ભુત પ્રેરણાસ્પદ સત્ય ઘટના :

ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા વિસ્તાર. ત્યાંનું એક ગામ થરાદ. એની નિકટના વડગામડામાં મહાજન પરંપરાને દીપાવે તેવા એક શેઠ રહે. નામ એનું નાથુશા. થરાદ અને વડગામડા, બન્ને સ્થળે નાથુશાનો મોટો પ્રભાવ. વિશાલ વ્યવસાય. વિશાલ હવેલી અને વિશાલ સમાજસેવા : આ નાથુશાની ઓળખ હતી. એ પ્રભાતે હવેલી બહારના ઓટલે દાતણ કરવા બેસે તો ત્યાં ય ઘણી વાર નાનો લોકદરબાર રચાઈ જાય. શેઠ એમાં આવતા-જતા લોકોની સમસ્યાઓ સમજે, મહાજનના મોવડી તરીકેની વગનો ઉપયોગ કરી એમની તકલીફો દૂર કરે, અંદરોઅંદર જેમના ક્લેશ-ઝઘડા હોય એ દૂર કરાવે અને સહુને હસતા હસતા વિદાય કરે. અઢારે ય કોમની નજરમાં શેઠનાં નામ-કામ આદરપાક્ષ. શેઠ પાકા ધર્મિષ્ઠ અને જીવદયાના જ્યોતિર્ધર. જીવદયાનાં ઘણ કાર્યો તેઓ સંભાળે.

એક દિવસની વાત. શેઠ સવારે ઓટલે દાતણ માટે બેઠા હતા. આસપાસ ડાયરો જામ્યો હતો. એવામાં દૂરથી જઈ રહેલ ગામનો શિકારી મહંમદ શેઠની નજરમાં આવ્યો. એ દૂર ફંટાઈને એટલે જઈ રહ્યો હતો કે શેઠ જેવા જીવદયાના જ્યોતિર્ધર પવિત્ર વ્યક્તિને પોતાનાથી દુ:ખ ન થાય. પરંતુ આજની નિયતી અલગ હતી. શેઠની નજર એના સુધી પહોંચી ગઈ અને શેઠે એને હાક મારીને બોલાવ્યો. 'હવે ન જાઉં તો શેઠનું અપમાન થાય' સમજી એ શેઠ પાસે આવ્યો. એના ખભે બંદૂક જોઈ શેઠે લાગણીથી સમજાવવા માંડયું કે 'આ જીવસિંહાનો ધંધો તું બંધ કર. આપણે કોઈન ેજીવ આપી શકતા નથી, તો કોઈનો જીવ લઈ શકીએ ? આનાં પાપો અને દુર્ગતિનાં દુ:ખો બહુ ભયંકર છે.'

મદંમદને શેઠ પ્રત્યે આદર હતો. શેઠ ઉત્તમ જીવન જીવે છે એવું ય એ માનતો હતો. પરંતુ ધંધો છોડવાની વાત એ માને તેમ ન હતો. એણે શેઠને કહ્યું : 'શેઠ ! તમારી પાસે હાટ-હવેલી છે, મારી પાસે નથી. મારે તો જીવહિંસાના મારા ધંધા પર જ કુટુંબ ચલાવવાનું છે. હું એ છોડી ન શકું.' શેઠે દિલથી કહ્યું : 'તું પરિવાર ચલાવી શકે એવો  ધંધો હું તને અપાવી દઉં. એટલે તારો એ પ્રશ્ન ઉકેલાઈ જાય. બોલ છે આ હિંસાનો ધંધો બંધ કરવાની તૈયારી ?' મહંમદે શરમ સાથે ના કહી કે 'હું જે કરું છું એ છોડી ન શકું.'

પ્રેમભરી સારી એવી ચર્ચામાં મહંમદ એક વાર બોલી ઊઠયો : 'શેઠ ! તમે તમારો ધીકતો ધંધો જો છોડી દો તો મારે હિંસાનો ધંધો છોડી દેવો.' એક જ ક્ષણ અને શેઠે આ શબ્દો પકડી લીધા. એમણે ત્યાં એકત્ર લોકો સમક્ષ કહ્યું : 'અત્યારે આ ક્ષણથી જ હું આ ધંધાનો જ નહિ, હાટ-હવેલી અને સંસારનો પણ ત્યાગ કરું છું. મહંમદ હિંસા છોડે છે તો મને આ સહર્ષ મંજૂર છે.' બોલતા બોલતા શેઠ ઊભા થઈ ગયા. હવેલીમાં ડગ પણ માંડયા વિના પહેરેલે કપડે એ ગામમાંથી નીકળી ગયા. સહુ આશ્ચર્યસ્તબ્ધ થઈને જોતા રહ્યા. કોઈ શેઠને દ્રઢ નિર્ધારમાંથી વિચલિત ન કરી શક્યું. મહંમદ હવે હિંસા છોડશે કે નહિ એની ચર્ચામાં પડયા વિના પૂર્ણ વિશ્વાસથી શેઠ આગળ વધ્યા.

તેઓ પદયાત્રાપૂર્વક માર્ગના ડુવાતીર્થની યાત્રા કરી ધાનેરાગામે પહોંચ્યા. વિધિપૂર્વક સાધુવેશ સ્વીકારી અનશનરૂપે સળંગ ઉપવાસ એમણે આદર્યા. એક... બે... દશ... વીશ... સળંગ ઉપવાસની વાતો જેમ જેમ પ્રસરતી ગઈ તેમ તેમ લોકોનાં ટોળેટોળાં દર્શને આવ્યા. એમાં પેલો મહંમદ પણ વગર કહેણે આવ્યો. નાથુશાનો આ અજોડ ત્યાગ જોઈ મહંમદે સામેથી કહ્યું : 'આજથી હું જ નહિ, મારો પરિવાર-મારા વંશજો પણ કદી બંદૂક નહી અડે. કદી કોઈ શિકાર નહિ કરે !' થરાદના મહારાજાએ મુનિની જીવદયાભાવનાને બિરદાવવા પાંચસો વીઘા જમીન ગોચર માટે ભેટ આપી.

વિશ્લેષણ કરીએ આ ઘટનાનું, તો સમજાશે કે મહંમદનાં હિંસક જીવનમાં આવેલ આ જબરજસ્ત પરિવર્તન નાથુશા જેવી સદાચારી વ્યક્તિ પ્રત્યેના સદ્ભાવને-આદરભાવને આભારી હતું. માટે અમે કહીએ છીએ કે જીવનમાં સદાચારી સજ્જનો પ્રત્યે સદ્ભાવ-આદરભાવ અવશ્ય હોવો જોઈએ.

(૪) સ્નેહભાવ :- પૂર્વે જણાવેલ 'સ્વીકારભાવ' જેમ અધ્યાત્મદ્રષ્ટિએ  મોટા ગજાનો ગુણ છે, તેમ આ 'સ્નેહભાવ' પણ અધ્યાત્મદ્રષ્ટિએ મોટા ગજાનો ગુણ છે. શ્રમણત્વની-સાધુત્વની વ્યાખ્યા એક આ છે કે 'સાધુત્વં કિં નામ ? સર્વ જીવ સ્નેહ પરિણામ :' ભાવાર્થ કે જગતના જીવમાત્ર પ્રત્યે સ્નેહ પરિણામ એ સાધુત્વ છે. એ સ્નેહ પરિણામ વિશ્વવ્યાપી મૈત્રીભાવનારૂપ છે. અલબત્ત, આપણે અહીં આ સ્નેહભાવને પ્રાથમિક કક્ષાના ગુણરૂપે લીધો છે. માટે એનું અર્થઘટન હળવું કરીશું.

આ સ્નેહભાવનો અર્થ છે પરિચયમાં આવનાર વ્યક્તિઓ સાથે પ્રેમાળ-કોમળ વ્યવહાર. એવું તો ન જ બની શકે કે પરિચયમાં આવનાર નાની-મોટી દરેક વ્યક્તિ આપણી સાથે આપણી અપેક્ષા મુજબ જ દરેક પ્રસંગે વર્તે. ઘણી બધી વાર સામી વ્યક્તિ આપણી અપેક્ષાથી વિપરીત વર્તે. એ સમયે આપણી પ્રતિક્રિયા બહુ આસાનીથી ઉગ્ર-તોછડાઈભરી આવી જાય, અરે ! ઘણી વ્યક્તિઓ તો એવી હોય છે કે સામી વ્યક્તિ અપેક્ષાથી વિપરીત ન વર્તતી હોય તો ય સાવ સામાન્ય બાબતે ઉગ્રતા-આવેશ-તોછડાઈ પર ઉતરી આવે. આ ઉગ્રતા વ્યક્તિને બે રીતે નુકસાન કરે. એક, સામી વ્યક્તિ સાથે ઘર્ષણ થાય-ક્લેશ થાય-સંબંધ બગડે અને કાર્ય પણ બગડે. બે, વારંવાર અન્યો સાથે સંકલેશ થયા કરવાની આર્તધ્યાન-દુર્ગતિની સંભાવના વધે. આની સામે જીવનમાં સ્નેહભાવ અર્થાત્ પ્રેમાળ-કોમળ વ્યવહાર આત્મસાત્ કરવાથી સામી વ્યક્તિ પાસે સરળતાથી કામ લઈ શકાય છે, ક્લેશ થતા નથી, સંબંધ બગડતા નથી અને કાર્ય પણ બગડતા નથી. ઉપરાંત સંક્લેશજન્ય આર્તધ્યાન-દુર્ગતિપરંપરા સર્જાતી નથી. એથી સાવધાની-જાગૃતિપૂર્વક પરિચયમાં આવનાર સહુ પ્રત્યે સ્નેહાળ વ્યવહારનો ખાસ ખ્યાલ રખાવો જોઈએ. કેટલીક વાર સામાન્ય ગણાતી વ્યક્તિમાં ય આ સમજ કેવી સરસ વિકસ્વર હોય એ જાણવું છે ? તો વાંચો આ નાનકડી મસ્ત ઘટના :

નાના ગામના બસસ્ટેન્ડ પર ઊતર્યા બાદ પ્રવાસીએ ગામમાં અંદર જવા સાધન માટે નજર દોડાવી તો સામે ઘોડાગાડી દેખાઈ. પ્રવાસી એ તરફ ગયો ત્યાં ઘોડાગાડીવાળાનો મીઠો અવાજ આવ્યો : 'આવો માલિક.' પોતાની જેવી સામાન્ય વ્યક્તિને ઘોડાગાડીવાળાએ માલિક કહી એથી પ્રવાસી ખુશખુશાલ થઈ ગયો. એ ભાવતાલની કોઈ રકઝક વિના ઘોડાગાડીમાં બેસી ગયો. માલિક કહ્યાનો કેફ એના ચહેરા પર હજુ ય છલકાતો હતો. ઘોડાગાડી સ્ટાર્ટ કરવા માટે ગાડીવાળાનો અવાજ ફરી ગુંજ્યો : 'માલિક, ચાલો હવે.' ઘોડાને ઉદ્દેશી ઉચ્ચારાયેલ આ શબ્દોથી પ્રવાસીનો મૂડ ઓછો થઈ ગયો કે આ તો ઘોડાને ય માલિક કહે છે. એણે જરા નારાજગીથી પૂછયું : 'અરે ! તું ઘોડાને કેમ માલિક કહે છે ?' 'મારા માટે તો ઘોડો પહેલો આધાર છે અને ગ્રાહક બીજો. એટલે ગ્રાહકની જેમ ઘોડાને પણ હું માલિક જ કહું છું.' ગાડીવાળાએ એની સ્નેહાળતા દર્શાવી.

છેલ્લે આ જ સંદર્ભમાં સરસ વાત : સ્નેહાળ વ્યવહાર વ્યક્તિને પ્રિય બનાવે છે... રૂક્ષ વ્યવહાર વ્યક્તિને અપ્રિય બનાવે છે...