Get The App

જીવને અધમાધમ બનાવે છે મૂઢ અવસ્થા...એ છે વિષયગ્રસ્ત અને કષાયદુષ્ટ અવસ્થા...

Updated: Oct 15th, 2025

GS TEAM

Google News
Google News
જીવને અધમાધમ બનાવે છે મૂઢ અવસ્થા...એ છે વિષયગ્રસ્ત અને કષાયદુષ્ટ અવસ્થા... 1 - image

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- આવી મૂઢતાનું મુખ્ય કારણ છે વિષયગ્રસ્ત અથવા કષાયદુષ્ટ મનોદશા. સાવ નાદાન બાળકની મૂઢતા પૂર્વે જે દર્શાવી તે અલગ કક્ષાની છે. એ અજ્ઞાનના ઘરની-અણસમજનાં સ્તરની મૂઢતા છે. એ વ્યક્તિને અધમાધમ બનાવે તેવો નિયમ નથી. જે મૂઢતા વિષયગ્રસ્તતા યા કષાયદુષ્ટતાના ઘરની છે તે વ્યક્તિને અવશ્ય અધમાધમ બનાવે.

ચરમ તીર્થંકર ભગવાન મહાવીરદેવનાં ધર્મશાસનમાં એવા એવા દિગ્ગજ જ્ઞાની ભગવંતો થઈ ગયા છે કે જેમની જ્ઞાનવિશેષતાઓ આપણને વિસ્મયવિભોર બનાવી દે. કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્ય માટે ઉક્તિ પ્રસિદ્ધ છે કે એક લીંબુ ઉછાળીને ઝીલવામાં આવે ત્યાં સુધીમાં તે નવા સાત શ્લોક રચવાનું સામર્થ્ય ધરાવતા હતા, તો સમયસુંદરજી નામે શ્રમણે આઠ અક્ષરના એક સંસ્કૃત ચરણના એક-બે નહિ આઠ લાખ અર્થો કર્યા હતા ! આજે પણ એ ગ્રન્થ મોજૂદ છે.

આ જ્ઞાનીભગવંતો ય જેમની નતમસ્તક સ્તુતિ કરે એવા એક વિશિષ્ટ જ્ઞાની પૂર્વાચાર્યભગવંત છે વાચનાચાર્ય શ્રી ઉમાસ્વાતિજી. આ જ્ઞાનીભગવંતે એક-બે નહિ, પાંચસો પાંચસો ગ્રન્થોનાં સર્જન કર્યા છે. એમાંનો એક સૌથી વધુ પ્રસિદ્ધ અને આજે પણ અભ્યાસમાં પ્રચલિત ગ્રન્થ છે તત્વાર્થશાસ્ત્ર. હેમચન્દ્રાચાર્યે ઉમાસ્વાતિજીની સ્તુતિ કરતાં, સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણમાં જે 'ઉપોમાસ્વાતિ સંગ્રહીતાર:' ઉદાહરણ આપ્યું છે એની સૌથી શ્રેષ્ઠ સાર્થકતા તત્વાર્થશાસ્ત્ર નિહાળતા અનુભવાય છે. ઓછામાં ઓછા શબ્દોમાં એમણે કલ્પનાતીત પદાર્થો આ શાસ્ત્રમાં ગૂંથી લીધા છે. એ માટે જૈન પરંપરામાં એમણે સર્વપ્રથમવાર સૂત્રશૈલીનો ઉપયોગ કર્યો છે.

સૂત્રશૈલી એટલે આવી શૈલી કે જેમાં ઓછામાં ઓછા અક્ષરોમાં વિષયની રજૂઆત હોય. સંસ્કૃતમાં સર્જન કરનાર વિદ્વાનો અને મુખ્યત્વે વ્યાકરણ શાસ્ત્રકારો આ શૈલીનો ઉપયોગ કરે. આ શૈલી કેટલી હદે સંક્ષેપમાં અનુસરે તે સમજાવવા એક સંસ્કૃત ઉક્તિ પ્રસિદ્ધ છે કે 'માત્રાલાઘવપ્યુત્સવાય મન્યન્તે વૈયાકરણા:' ભાવાર્થ કે પોતે રચેલ સૂત્રમાં કોઈ વિદ્વાન દીર્ઘના બદલે હ્રસ્વ જેવી એક માત્રા ય ઓછી કરી આપે તો વ્યાકરણકારો માટે એક ઘટના ઉત્સવ બની જાય ! આવી સૂત્રશૈલીથી રચાયું છે તત્વાર્થશાસ્ત્ર.

તત્વાર્થશાસ્ત્રકાર ઉમાસ્વાતિજીએ શાસ્ત્ર પ્રારંભ પૂર્વે એકત્રીસ શ્લોકોની સંબંધકારિકા સર્જી છે. એમાં એમણે છ પ્રકારના જીવોની મસ્ત વ્યાખ્યાઓ કરી છે. આવો, આપણે આજથી એ છ પ્રકારના જીવો (પુરુષો) અંગે વિચારવિહાર કરીએ:

(૧) અધમાધમ :- વ્યાકરણ મુજબ આ શબ્દનો અર્થ થાય છે 'અધમમાં પણ અધમ.' અધમ વ્યક્તિઓની આલમમાં જે વ્યક્તિ સૌથી વધુ અધમ હોય તેને કહેવાય  અધમાધમ. આ પ્રકારની વ્યક્તિઓ એની આવેશભરી-આવેગભરી અવિચારી વર્તણૂંકથી આ જન્મના-આ લોકના અને પરલોકના હિતથી પણ વંચિત રહે છે. કોઈ વ્યક્તિ પરલોકનું હિત અંકે કરવા ઉત્કૃષ્ટ ત્યાગ-તપ-કષ્ટ સહન આદિ આ લોકના-આ લોકના - આ જન્મના બાહ્ય સુખોથી વંચિત રહે તો એ સમજપૂર્વક અપનાવાયેલ અનઉષ્ઠાન બની જઈ પ્રશસ્ય ઘટનામાં સ્થાન પામે. કોઈ વ્યક્તિ આ લોકના-આ જન્મના મોજ-શોખ-ભોગ સુખોમાં મશગૂલ થઈ જઈ એના માટે પરલોકના હિતથી વંચિત રહી જાય તો એ અપ્રશસ્ય ઘટના બને - અનર્થકારી બાબત ભલે છે. પરંતુ ઉપલક દ્રષ્ટિએ વિચારનાર વ્યક્તિ એમ માનશે કે કમ  સે કમ એણે આ લોકનું બાહ્ય સુખ તો મેળવ્યું. જ્યારે અધમાધમ તો એ પ્રકારની વ્યક્તિઓ છે કે જે આ લોકના અને પરલોકના, ઉભય પ્રકારના હિતથી-લાભથી વંચિત રહે છે.

આમાં પ્રથમ કારણ છે એની મૂઢતા. મૂઢતાનો અર્થ છે હિત-અહિતનો નિર્ણય કરવાની યા હિત-અહિત સમજવાની શક્તિનો અભાવ. સાવ નાના બાળકને દૂધ પીવાય કે એસીડ પીવાય એની સમજ નથી હોતી. કેમ કે એની બુદ્ધિમાં મૂઢતા છે. દૂધ પૌષ્ટિક-હિતકારક છે અને એસીડ શરીરના બાહ્ય-અભ્યંતર અંગોને જલાવી દેનાર-અહિતકારક છે આવો એનામાં કોઈ ખ્યાલ આ મૂઢતાનાં કારણે નથી હોતો.

માત્ર બાળકમાં જ મૂઢતા હોય એમ નથી. પશુ-પંખીઓમાં પણ મૂઢતા વિશેષ નિહાળવા મળે છે. ઉદાહરણરૂપે લઈએ હરણ. એની દોડની સ્પીડ એટલી જબરજસ્ત હોય છે કે એ વ્યક્તિના હાથમાં તો ન આવે, તીરના સપાટામાં ય જલદી ન આવે. પરંતુ સંગીતના સૂર સંભળાય ત્યાં એ બની જાય છે મૂઢ. દિવ્ય ગંધર્વ જેવું ઉત્કૃષ્ટ સંગીત હોય તો એ હિત-અહિત વીસરી જઈ ઠેઠ એ સંગીતકારની બાજુમાં આવીને બેસી જાય. હોંશિયાર શિકારી સંગીતનો ઉપયોગ હરણને ખેંચી લાવવા કરે અને પછી એનો શિકાર કરે ! પશુ-પંખીની જેમ વયસ્ક માનવીઓમાં ય મૂઢતા અમુક ચોક્કસ વિષયમાં હોય છે. આમ ભલે એ બુદ્ધિશાળી હોય. પરંતુ ચોક્કસ વિષય આવે ત્યારે એ હિત-અહિત પરખવાની શક્તિ વિનાનો મૂઢ બની જાય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ પૂર્વકાલીન સત્ય ઘટના :

જર્મનીનો રાજા વ્હીટેલીયસ. યુવાનવયે એને વંશપરંપરાગત રાજગાદી મળી ગઈ હતી. પરંતુ એની નબળી કડી એ હતી કે સ્વાદનો ભયંકર લાલચુ હતો. એનું પાગલપનની હદનું એનું સ્વાદનું વળગણ હતું કે એને હિત-અહિતનો વિચાર-સામાજિક મર્યાદા કાંઈ જ ન નડે. અધૂરામા ંપૂરું એ સત્તાધીશ હતો. એથી એને કોઈ અટકાવનાર ન હતું. એણે રાજમહાલયના રસોઈયાઓને આદેશ કર્યો કે 'તમારે દુનિયાભરની ભાતભાતની મિષ્ટાન્ન વાનગીઓ બનાવવાની પદ્ધતિઓ શીખવી અને મારા માટે નિત્ય નવી અતિ સ્વાદિષ્ટ વાનગીઓ જ બનાવવી.'

ચિઠ્ઠીના ચાકર રસોઈયાઓએ સૂચનાનો અમલ કર્યો અને નિત્ય એકેકથી ચડિયાતી વાનગીઓ યુવાન રાજાના ભાણામાં આવવા માંડી. સ્વાદલોલુપ રાજા અને સામે અતિ સ્વાદિષ્ટ વાનગી : રાજા અકાંતરિયાની માફક ઠાંકી ઠાંસીને મિષ્ટાન્ન વાપરે. એ આકંઠ ભોજન કરે તો ય એની સ્વાદલાલસા તૃપ્ત ન થાય. એને એમ જ ફીલીંગ્સ થાય કે 'હજુ તો આ વાનગી ઘણી આરોગવાની બાકી છે. પેટ બહુ જલ્દી ભરાઈ જાય છે.' એણે નિષ્ણાત વૈદ્યોને બોલાવી પૂછયું કે, 'એવી કોઈ દવા ખરી કે જે લેવાથી જેટલું ભોજન કરવું હોય એટલું કરી શકાય ?' વૈદ્યોએ ઇન્કાર કર્યો કે આવી કોઈ દવા દુનિયાભરમાં છે જ નહિ. સ્વાદનો ગુલામ રાજા તો ય થાક્યો નહિ. એણે છેલ્લે એ પૂછયું કે, 'તો પછી એવી દવા ખરી કે ભરાયેલ પેટ ખાલી કરવું હોય તો તુર્ત થઈ શકે ?' વૈદ્યોએ કહ્યું, 'હા, વોમીટની અથવા જુલાબની દવા આ કાર્ય કરી શકે છે.'

રાજા વોમીટની ગોળી સાથે રાખવા માંડયો. પહેલા અવનવી વાનગી એ જમે, પછી વોમીટની દવા લઈ એ પેટ ખાલી કરે, વળી મનગમતી વાનગી જમે, વળી વોમીટ કરે : આ ક્રમ શરૂ થઈ ગયો. સ્વાદના વિષયની લોલુપતાનાં કારણે બુદ્ધિશાળી રાજા આ રીતે મૂઢ-હિતાહિતની સમજ વિનાનો બની ગયો. કુદરતના નિયમ વિરુદ્ધ આ બેફામ સ્વાદભોગનું પરિણામ એ આવ્યુ ંકે ભરયુવાનીમાં સત્તાવીશ વષની વયે રાજાનું શરીર રોગાયતન બની ગયું. એ મરણશૈયાએ પોઢયો ત્યારે છેલ્લા શબ્દો આ હતા કે 'હજુ તો મારે ઘણી વાનગીઓ આરોગવાની બાકી રહી ગઈ છે.'

મૂઢતા કોને કહેવાય તે બુદ્ધિશાળી રાજાની આ વિચિત્ર વર્તણૂંકમાં પ્રતિબિંબિત થાય છે... આવી મૂઢતાનું મુખ્ય કારણ છે વિષયગ્રસ્ત અથવા કષાયદુષ્ટ મનોદશા. સાવ નાદાન બાળકની મૂઢતા પૂર્વે જે દર્શાવી તે અલગ કક્ષાની છે. એ અજ્ઞાનના ઘરની-અણસમજનાં સ્તરની મૂઢતા છે. એ વ્યક્તિને અધમાધમ બનાવે તેવો નિયમ નથી. જે મૂઢતા વિષયગ્રસ્તતા યા કષાયદુષ્ટતાના ઘરની છે તે વ્યક્તિને અવશ્ય અધમાધમ બનાવે. જે મૂઢતા વિષયગ્રસ્તતાનાં સ્તરની છે તે વ્યક્તિને આ લોક-પરલોકના હિત-અહિતની સમજણથી વંચિત રાખે જ : જેમ વ્હીટેલીયસનાં ઉદાહરણમાં નિહાળાય છે તેમ. ઉપલક દ્રષ્ટિવાળી વ્યક્તિ ભલે એમ માને કે એને પાંચ-સાત વર્ષ સ્વાદનું સુખ મળ્યું. પરંતુ વાસ્તવ દ્રષ્ટિવાળી વ્યક્તિ એમ જ માને છે કે એણે પોતાની મૂર્ખ સ્વાદલોલુપતાથી સામે ચાલીને દેહને રોગાયતન બનાવવા દ્વારા આ લોકનું નિતાંત અહિત જ કર્યું છે. ઉપરાંત તીવ્ર લોલુપ દશાનાં કારણે પરલોકનું દર્ગતિરૂપ અહિત નિશ્ચિત્ત કર્યું તે અલગ.

જેવી વાત વિષયગ્રસ્ત મનોદશાની છે, એવી જ વાત કષાયદુષ્ટ મનોદશાની છે. એ પણ વ્યક્તિને આ લોક-પરલોકનાં હિતથી વંચિત રાખે એવાં કારમા કૃત્યો કરાવે છે. વ્યક્તિ એ સમયે એવી મૂઢ-વિવેકશૂન્ય બની જાય કે તે શિક્ષિત-વેલ એજ્યુકેટેડ હોય તો ય હિત-અહિતની સામાન્ય સમજમાત્રથી વંચિત રહી જાય. આ માટે નિહાળીએ નિકટના ભૂતકાળનું એક એવું ઉદાહરણ કે જેમાં વિષયગ્રસ્ત અને કષાયદુષ્ટ મૂઢતા એક સાથે દેખા દેતી હોય :

લગભગ પચીશેક વર્ષ આસપાસની ઘટના. ત્યારના નેપાળદેશના રાજા હતા વીરેન્દ્ર અને એમનો યુવરાજ પુત્ર હતો દીપેન્દ્ર. વેલ એજ્યુકેટેડ-રાજવી ઐશ્વર્ય-ઉછળતી યુવાની : બધું જ દીપેન્દ્ર પાસે હતું. પરંતુ એનામાં પહેલા વિષયગ્રસ્તતા પ્રવેશી કે 'આ જ કન્યા સાથે લગ્ન કરું.' સંસારી વ્યક્તિ આવો સામાન્ય આગ્રહ રાખે તો હજુ એ અક્ષમ્ય ન ગણાય. પરંતુ અહીં વિષયગ્રસ્તતા હતી. કોઈ પણ કારણસર એના માતા-પિતા એ કન્યા માટે તૈયાર ન હતા. એક રાત્રિની વાત. હોલમાં રાજપરિવારના લગભગ તમામ સભ્યો હતા. દીપેન્દ્રે ફરી જોરદાર આગ્રહ કર્યો. પિતાએ ના કહી ત્યારે એની વિષયગ્રસ્તતામાં કષાયદુષ્ટતાનો-ક્રોધનો પ્રવેશ થયો. એ મૂઢ યાવત્ મૂર્ખ જેવો અવિવેકી બની ગયો. આંખના પલકારામાં પિસ્તોલ કાઢી એણે ફાયરિંગ કરવા માંડયું. માતા-પિતા સહિત ત્યાં રહેલ તમામને એણે ઘાતકી રીતે મારી નાંખ્યા અને છેલ્લે પોતે જાતે લમણા પર પિસ્તોલ ધરી આત્મહત્યા કરી ! શું કહીશું આને ? આ લોક-પરલોકના હિતથી વંચિત બનાવી દેનાર અધમાધમ પ્રવૃત્તિ જ.

છેલ્લે એક પ્રભુપ્રાર્થના : વિષયો જીવનને ગ્રસી (ખાઈ) જાય તેવી વિષયગ્રસ્તતા જીવનમાં કદી ન પ્રવેશે અને કષાયો જીવનને અભડાવી દે તેવી આ કષાયદુષ્ટતા કદી ન પ્રવેશે...