કચ્છની તીર્થયાત્રા સાથે કચ્છનાં કુલગુરુદેવોની સ્મૃતિયાત્રા: મનભાવન અનુભવોની મસ્ત પ્રસાદી
- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- મોટાભાગના ગામોમાં લોકો અમને પૂછે: ''સાહેબજી ! કચ્છ કેવું લાગ્યું ?'' અમે કહીએ: ''બહુ સરસ'' ગાંધીધામ સંઘમાં તો એક ઉત્સાહી શ્રાવકે કહ્યું: ''સાહેબજી! કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.'' અમને આ બન્ને વાતોમાં કચ્છીઓનો વતનપ્રેમ અનુભવાયો.
સંસ્કૃત સુભાષિતો એટલે સંસ્કારોનો અને શાણપણનો અણમોલ ખજાનો. 'પરોપકારાય સતાં વિભૂતયઃ' જેવી કૈંક સુભાષિતપંક્તિઓ જીવનમાં સંસ્કારોનું બીજારોપણ કરે છે. તો 'મતિમાન્ ન પ્રકાશયેત્' જેવી પંક્તિઓ શાણપણની ખીલવણી કરે છે.
શાણપણની ખીલવણી કરતાં આવા એક સુભાષિતમાં સંસ્કૃત સાહિત્યકારો એમ કહે છે કે વ્યક્તિમાં ચાતુર્ય-હોંશિયારી-દક્ષતા વિકસ્વર થાય એનાં પાંચ કારણો છે. એ પાંચ બાબતો આત્મસાત્ કરો તો હોંશિયારી વગર કોચીંગ ક્લાસે આપોઆપ ખીલે. એમાં પ્રથમ કારણ દર્શાવ્યું છે દેશાટન અર્થાત્ દેશદેશાવરમાં પરિભ્રમણ. વ્યક્તિ નવા નવા અણજાણ પ્રદેશોમાં ભમે, ત્યાંની અણધારી પરિસ્થિતિઓમાંથી પસાર થાય, ત્યાંના જાતજાતના લોકો સાથે કામ લે: આ બધાનાં કારણે એનામાં ચતુરાઈ આપોઆપ વિકસે.
અમે બાવીશ શ્રમણો-સોળ શ્રમણીઓ અને દીક્ષાર્થીઓ વગેરે નિત્યના પદયાત્રા-વિહારો સાથે કરી રહ્યા છીએ. કચ્છપ્રદેશમાં દેશાટન, અલબત્ત, અમારાં આ દેશાટનનું લક્ષ્ય ચાતુર્ય વિકસાવવાનું નથી. અમારું લક્ષ્ય છે પ્રભુઆજ્ઞાાનુસાર ગ્રામાનુગ્રામ વિહાર અને માર્ગમાં આવતા જિનાલયોની-તીર્થોની યાત્રાનું. ગત લેખમાં નિહાળ્યું તેમ, અમારાં જીવનની પ્રથમ વારની કચ્છપ્રદેશની આ પદયાત્રા-વિહારમાં બસો પચીશથી વધુ જિનમંદિરોની-તીર્થોની યાત્રા થઇ. અલગ અલગ થોકબંધ ગામોના અને વિવિધ ગચ્છોને અનુસરતા જૈન સંઘોના અમને જે નિતાંત સુખદ અનુભવો થયા તેની અને ભદ્રેશ્વર-પંચતીર્થી વગેરેની રસપ્રદ બાબતો આપણે ગત લેખમાં નિહાળી ચૂક્યા છીએ. હવે આજે આપણે નિહાળીશું કચ્છના ગામેગામ જૈનત્વનાં બીજારોપણ કરનાર કચ્છના કુલગુરુ જેવા ગુરુભગવંતોની કેટલીક રસપ્રદ અને ભાવવિભોર બનાવતી વાતો:
અમે કચ્છમાં પ્રવેશ કર્યો ત્યારે સર્વપ્રથમ આવ્યા વાગડ વિસ્તારના ગામો. આ વાગડ વિસ્તાર પર એકાધિકારભર્યો ઉપકાર છે વાગડસમુદાયનો આ સમુદાયમાં નિકટના ભૂતકાલમાં થયેલ મહાન વિભૂતિ એટલે અધ્યાત્મયોગી આ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજીમહારાજ. તેઓ બાલદીક્ષિત ન હતા. ગૃહસ્થાશ્રમમાંથી પસાર થઇ પત્ની-બે પુત્રો સાથે એમણે ત્રીશ વર્ષની વયે સંયમ સ્વીકાર્યો હતો. આમ છતાં પુણ્યપ્રકર્ષ એવો કે અલ્પ સંયમપર્યાયમાં આચાર્યપદે-ગચ્છાધિપતિપદે આરૂઢ થઇ તેઓ જૈન શાસનના મહાન સૂરિવરોની શ્રેણિમાં સ્થાન પામ્યા. તેઓ પ્રભુભક્તિનાં વિશ્વનું આ કાળનું સર્વોપરિ નામ હતા. એમના સ્મૃતિગ્રન્થમાં અમે એક લેખ લખ્યો છે. એનું શીર્ષક છે ''પ્રભુભક્તિનું પર્યાયવાચી નામ: આ. કલાપૂર્ણસૂરિ મ.'' મતલબ કે જેમ શ્રમણ અને મુનિ શબ્દ પરસ્પર પર્યાયવાચી છે, એમ 'કલાપૂર્ણસૂરિ' નામ આ કાળમાં પ્રભુભક્તિનું પર્યાયવાચી-સમાનાર્થી છે.
- કચ્છના પ્રવેશસ્થાને એક રમણીય વિહારધામ આવ્યું. ગામ હતું રોઝું. ત્રેવાડિયા પરિવારે એ વિહારધામ સંપૂર્ણ સ્વદ્રવ્યથી સર્જ્યું હતું. અમારે એ પરિવાર સાથે નામથી ય ઓળખ ન હતી. એથી સ્વાભાવિક જ કોઇએ એમનો સંપર્ક કર્યો ન હતો. પરિવારના વડિલ દલસુખભાઈએ ક્યાંકથી વોટ્સએપ પર અમારો વિહારક્રમ વાંચ્યો અને એમણે સામેથી સમાચાર પાઠવ્યા કે ''આપ અમારા વિહારધામમાં સ્થિરતા કરો. અમે અગાઉથી ત્યાં આવી જશું. ભલે આપનો સમુદાય વિશાલ છે. પરંતુ બધી વ્યવસ્થા થઇ જશે.'' બે દિવસ પૂર્વે એ આગળના ગામે આવી વિનંતિ કરી ગયા. એમના સ્થાનમાં એમણે ઉલ્લાસથી વૈયાવચ્ચ-ભક્તિ કરી. બપોરે અમારી સાથે થોડો સત્સંગ કર્યો. એમાં એ કહે: ''વર્ષો પૂર્વે અમે પૂ.કલાપૂર્ણસૂરિજી મ.ને વિનંતિ કરી કે મારે આપની નિશ્રામાં પદયાત્રા સંઘ યોજવો છે. ગુરુમહારાજે મને કહ્યું કે પદયાત્રા સંઘ એક વારનું સુકૃત છે. એનાં કરતાં જ્યાં વિહારક્ષેત્રમાં જરૂર છે ત્યાં વિહારધામમાં લાભ લેવા જેવો છે.
ગુરુમહારાજે કહ્યું કે સારાં કામમાં બહુ ચિંતા ન કરવી. ધીમે ધીમે કરવું. બધા માર્ગો મળતા જશે. મેં એમનાં વચનને તહત્તિ કર્યું. ધીમે ધીમે કાર્ય કર્યું. ઉપાયો મળતા ગયા. આજે દાયકાઓથી આ વિહારધામ સરસ ચાલ્યા કરે છે !'' ભાઈ ખૂબ ભદ્રિક-ભક્તિવંત હતા. એમની વાતોમાં અને આંખોમાં ગુરુભક્તિ નીરતી હતી.
- વિહારક્રમમાં અમે આઘોઈ આવ્યા. સામૈયું-નવકારશી: બધું સમયબદ્ધ રહ્યું. પ્રવચન બાદ સંઘવતી વક્તવ્ય કરતા અગ્રણીને પ્રવચન ખૂબ ગમી ગયું હતું. ઉત્સાહમાં એમણે પ્રશંસાનો અતિરેક કર્યો. એમને અમારી સાથે વાત કરવાનો વિશેષ રસ હોય એમ લાગ્યું. પાંચ જિનાલયોનાં દર્શન-નિયત લેખનાદિ હતા. છતાં થોડો સમય એમને આપ્યો. ભાઈએ જે વાત કરી એ ગજબ હતી. એમણે કહ્યું: ''દાયકાઓ પહેલા યુવાનીમાં જ્યારે હું સાવ ધર્મવંચિત હતો ત્યારે મુંબઈમાં મારા સાત 'બિયરબાર' હતા. એક પણ 'બિયરબાર'માં હું જતો ન હતો. છતાં એ કાળે દર વર્ષે બે કરોડ રૃા.ની કમાણી મને થતી હતી. પરંતુ પૂ. કલાપૂર્ણસુરિજીએ મને કહ્યું કે ખોટા ધંધાનો પૈસો નુકસાન કરે. આ ધંધો છોડી દેવો. નસીબ હશે તો સારા ધંધામાં ય કમાણી થશે.
અમે ચકાસવા પૂછયું: ''દર વર્ષની બે કરોડની કમાણી ગઈ એ તમને પરવડી ?'' ભાઈ કહે: ''એના કરતાં ય ઘણું કાપડમાં કમાયો. ગુરુમહારાજના શબ્દો સાચા પડયાં.'' ભાઈનું નામ વેલજી નરશી ગડા. 'મામા-ભાણેજ'ના નામે એમણે ધર્મસુકૃતો ય ઘણાં કર્યા છે.
- વિહારક્રમમાં અમે આવ્યાં માંડવી. આયંબિલઓળીનો બીજો દિવસ. વિહારમાં અને ગામમાં થઇ દશ જિનાલયોનાં દર્શન, આયંબિલમાં અશક્તિ છતાં અમારે ખુદને નવપદની ઓળી, અને સામૈયું-પ્રવચન વગેરે તો ખરા જ. થાકી જવાય એવી સ્થિતિ હતી. છતાં મનમાં દૃઢ નિર્ધાર હતો કે ગામથી થોડે દૂર સમુદ્રતટના અજિતનાથ જિનાલયનાં દર્શન અવશ્ય કરવા જ. આમ પણ અમે કોઇ દેરાસર ન છૂટી જાય એની તકેદારી બધે જ રાખી હતી. પરંતુ માંડવીનું એક વિશેષ કારણ એ હતું કે આ જ જિનાલયે પૂ. કલાપૂર્ણસૂરિજી મ. નિત્ય દર્શને આવી કલાકો સુધી 'પ્રીતલડી બંધાણી રે અજિતજિણંદશું' સ્તવન અર્ધો કલાક/કલાક સુધી ગાતા-ઘૂંટતા. જિનાલય બાજુની સાવ સાદી-નાની ઓરડીમાં તેઓ સંવેદન લખતા, ત્યાં ય બે મિનિટ ઊભા રહી ઊર્જા ઝીલી. ભાવ એક જ છે કે અમને ય કલાપૂર્ણસૂરિજી જેવી પ્રભુભક્તિના અંશો સાંપડે...
વાગડ પ્રદેશ સિવાયના મોટાભાગના કચ્છમાં અચલગચ્છનું પ્રભુત્ત્વ મળે. છેલ્લા દાયકાઓમાં આ ગચ્છનાં પુનરુત્થાનમાં સિંહફાળો છે અચલગચ્છાધિપદિ આ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મહારાજનો. આ ગચ્છની શ્રમણસંખ્યા એક તબક્કે ચાર-પાંચ સુધી આવી જઇ લુપ્ત થવાની અણી પર હતી. આ. ગુણસાગરસુરિજીએ લગભગ એકલવીર કહી શકાય એવા પ્રબળ પુરુષાર્થથી શ્રમણસંખ્યાની વૃદ્ધિ કરી અને જિનાલયો-ઉપાશ્રયો આદિ દ્વારા પણ ગચ્છને નવપલ્લવિત કર્યો. કંઠી-અબડાસાના દરેક સંઘોના ઉપાશ્રયોમાં સર્વત્ર એમની તથા શિષ્યપરંપરાની પ્રતિકૃતિઓ અવશ્ય જોવા મળે. અમે એમની જન્મભૂમિ દેઢિયાગામે ગયા. બહાર એમના પટ્ટઘર વર્તમાન અચલગચ્છાધિપતિ આ.શ્રી કલાપ્રભસાગરસૂરિજી પ્રેરિત સમેતશિખરાવતારતીર્થ છે, તો ગામમાં નવનિર્મિત 'આર્ટગેલેરી' છે જે એમનો જીવનપરિચય કરાવે છે. એમના શિષ્યપરિવારના એક-બે અનુભવોની ઝલક નિહાળીએ:
- અમે બહોંતેર જિનાલયતીર્થે પહોંચ્યા ત્યાં આ. કલાપ્રભસાગરસૂરિજીનો પત્ર આવ્યો. 'અમે કચ્છમાં આવ્યા છીએ'ની કોઇ માહિતી અમે તેઓને આપી ન હતી. છતાં સામેથી તેઓએ પત્ર લખ્યો. એમાં જણાવ્યું કે ''કચ્છમાં પધાર્યા છો. તો અમારા અચલગચ્છના દરેક ગામોને લાભ આપજો.'' બે વર્ષ પૂર્વે વડોદરા ચાતુર્માસમાં અમે પ્રતિવર્ષની જેમ સમૂહ માસક્ષમણ કરાવ્યા ત્યારે એમણે સ્વયંસ્ફૂર્ત ઉલ્લાસથી અમને અચાનક ''માસક્ષમણસમ્રાટ'' બિરુદ પોતાની સહી સાથેની ફ્રેમમાં મઢીને આપેલ. અમે તે જ સાંજે એનો પ્રત્યુત્તર લખી સવિનય જણાવેલ કે ''અમે આ બિરુદ ગુરુચરણે ધર્યું છે. અમારા માટે એનો ઉપયોગ નથી કરવો.'' તો ય આ પત્રમાં એમણે 'માસક્ષમણસમ્રાટ' બિરુદ લખીને જ પત્ર શરૂ કર્યો. અમે એમાં આચાર્યશ્રીનો પ્રબળ પ્રમોદભાવ અને ગુણાનુરાગ નિહાળ્યો. નોંધપાત્ર બાબત એ હતી કે તેઓ અમદાવાદ હતા, પગનું 'ઓપરેશન' કરાવ્યું હતું. છતાં સામેથી આ પત્ર લખી લાગણી દર્શાવી હતી.
- અમે બહોંતેર જિનાલયતીર્થે પહોંચ્યા તે દિવસ શાશ્વતઓળીના પ્રારંભનો હતો. અચલગચ્છીય આ.શ્રી મહોદયસાગરસૂરિજીની નિશ્રામાં ત્યાં પોણા બસો આરાધકોની સામૂહિક ઓળી હતી. આચાર્યશ્રી આરાધકો સાથે સામૈયું લઇને તો પધાર્યા. પરંતુ ત્યાં જ ઘોષણા કરી કે ''આજે સંપૂર્ણ પ્રવચન પધારેલ ગુરુભગવંતો જ આપશે.'' અમે પ્રવચનપીઠ પર સાથે વિરાજ્યા. બે કલાકમાં એમણે દશ-બાર મિનિટના ઉપસંહાર સિવાય બધું પ્રવચન અમારી પાસે જ કરાવ્યું. અમે અન્ય ગચ્છના હોવા છતાં પોતાના ગચ્છના તીર્થમાં અને પોતાનાં અનુષ્ઠાનમાં એમણે દાખવેલ આ ઉદારતા સ્પર્શી ગઈ.
કચ્છના કુલગુરુ કહી શકાય તેવા શ્રમણોનાં ગચ્છોમાં એક છે પાર્શ્વચન્દ્રગચ્છ. શ્રમણસંખ્યા બહુ સીમિત. કદાચ પાંચ-છ જ. ગામો પણ પ્રાયઃ એમના આટલા જ હશે. પરંતુ એના વરિષ્ઠ શ્રમણ ઉપાધ્યાય ભુવનચન્દ્રજી એક પ્રબુદ્ધ વ્યક્તિત્વ છે. અમારા વિહારક્રમમાં રોજના બે-ત્રણ ગામોમાં દર્શનાદિ હોય. એથી ભુવનચંન્દ્રજીનાં સ્થાન નાની ખાખરમાં માત્ર પચીશ મિનિટની કુલ સ્થિરતા હતી. ત્યાં અમે નિહાળેલ જ્ઞાાનયજ્ઞા કાબિલેદાદ છે. તેઓ લેખક-ચિંતક-કવિ છે. એમણે એક નાનું સંગ્રહાલય (મ્યુઝીયમ) અને જ્ઞાાનભંડાર સર્જ્યો છે. એ ય દર્શનીય છે. એમણે આ બધું કાર્ય લગભગ એકલપંડે કર્યું છે. અમે કહ્યું કે, ''તમે એકલતાને દીપાવી છે, દીન નથી બનાવી...'' આ સિવાય અનેક ટીકાગ્રન્થોના સર્જક બહુશ્રુત આ. યશોવિજયસૂરિજી, આત્મીય આ. આત્મદર્શનસૂરિજી. ઉપાધ્યાયપૂર્ણભદ્ર સાગરજી વગેરેનો ય દિલચશ્પ સંસર્ગ આ વિહારયાત્રામાં થયો.
છેલ્લે એક વાત: મોટાભાગના ગામોમાં લોકો અમને પૂછે: ''સાહેબજી ! કચ્છ કેવું લાગ્યું ?'' અમે કહીએ: ''બહુ સરસ'' ગાંધીધામ સંઘમાં તો એક ઉત્સાહી શ્રાવકે કહ્યું: ''સાહેબજી! કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.'' અમને આ બન્ને વાતોમાં કચ્છીઓનો વતનપ્રેમ અનુભવાયો.