Get The App

પ્રભુનું સમગ્ર અસ્તિત્વ પરોપકારમય છે અને... આપણું સમગ્ર અસ્તિત્વ સ્વાર્થમય!

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
પ્રભુનું સમગ્ર અસ્તિત્વ પરોપકારમય છે અને... આપણું સમગ્ર અસ્તિત્વ સ્વાર્થમય! 1 - image

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'બસ , આ જ નિષ્કામ સ્વાભાવિકતાથી શ્રી તીર્થકરભગવંતો આત્મકલ્યાણનો જબરજસ્ત ભાવોપકાર કરે છે. તેઓ સ્વયં તો કેવલજ્ઞાન પામી કૃતાર્થ થઈ ગયા છે. એમનું મોક્ષગમન નિશ્ચિત થઈ ગયું છે. તેઓ સૃષ્ટિને શુધ્ધ ધર્મનું દાન કરે યા ન કરે, એનાથી એમને કોઈ લાભ નથી. છતાં તેઓ શુધ્ધ ધર્મદાનનો જે નિષ્કામ પરોપકાર કરે છે તે એમની સ્વાભાવિક વિશેષતા છે અને એનાથી જ તેઓ ઉત્તમોત્તમનું સ્તર પામે છે.'

જે આરસશિલા ખાણના મલિન પાષાણમાંથી રમણીય પ્રભુપ્રતિમા બનવા સુધીની સફર ખેડે છે તે, પોતાની આલમમાં સર્વશ્રેષ્ઠ સ્તર પામ્યાનું કહી શકાય. બસ, એ જ રીતે જે વ્યક્તિ સામાન્ય માનવમાંથી મહાવીરપ્રભુ જેવા બનવાની સફર સફળપણે ખેડે તેને તત્ત્વાર્થશાસ્ત્રનિર્દિષ્ટ છ પ્રકારના પુરુષોમાં (જીવોમાં) સર્વશ્રેષ્ઠ સ્તર હાંસલ કર્યાનું કહી શકાય. એથી જ તત્ત્વાર્થશાસ્ત્રકારે નીચેથી ઉપરના ક્રમે ઉત્તરોત્તર સારું સ્તર ધરાવતા જે છ પ્રકારના (જીવો) દર્શાવ્યા તેમાં છઠ્ઠુ - સર્વોપરિ સ્થાન આ સ્તર સર કરનાર તીર્થકર ભગવાનને આપ્યું છે. આવો આ લેખમાં એ છઠ્ઠા-અંતિમ પ્રકાર પર વિચારવિહાર કરીએ.

(૬) ઉત્તમોત્તમ : તત્ત્વાર્થશાસ્ત્રકાર ઉત્તમોત્તમ જીવોની જે વ્યાખ્યા કરે છે તેને બરાબર સમજવા આપણે તેઓએ જ અન્ય એક કારિકામાં જેનો ઉલ્લેખ કર્યો છે તે સૂર્યનું ઉદાહરણ લઈએ. સૂર્ય નિત્ય પ્રભાતે પૂર્વદિશામાં ઉદય પામી દિવસભર સૃષ્ટિને પ્રકાશ આપવાનું કાર્ય કરે છે. આ પ્રકાશદાનનાં અફર-અચૂક થતાં કાર્યમાં શું સૂર્યને કાંઈ મળે છે ? શું એનો કોઈ સ્વાર્થ સિધ્ધ થાય છે ? ઉત્તર છે સાફ ના. એ સ્વાર્થ કાજે નહિ, પરાર્થ-પરોપકાર કાજે પ્રકાશદાન કરે છે. આ પ્રકાશદાનથી જગતને અઢળક લાભો થાય છે, જ્યારે સૂર્યને કોઈ લાભ નથી થતો. પરાર્થ જબરજસ્ત થાય છે, જ્યારે સ્વાર્થ જરા ય સિદ્ધ નથી થતો. સૂર્ય આ જે નિષ્કામ પરોપકાર કરે છે એનાં મૂળમાં કારણ છે સ્વાભાવિકતા.

બસ, આ જ નિષ્કામ સ્વાભાવિકતાથી શ્રી તીર્થકરભગવંતો આત્મકલ્યાણનો જબરજસ્ત ભાવોપકાર કરે છે. તેઓ સ્વયં તો કેલવજ્ઞાન પામી કૃતાર્થ થઈ ગયા છે. એમનું મોક્ષગમન નિશ્ચિત થઈ ગયું છે. તેઓ સૃષ્ટિને શુધ્ધ ધર્મનું દાન કરે યા ન કરે, એનાથી એમને કોઈ લાભ નથી. છતાં તેઓ શુધ્ધ ધર્મદાનનો જે નિષ્કામ પરોપકાર કરે છે તે એમની સ્વાભાવિક વિશેષતા છે અને એનાથી જ તેઓ ઉત્તમોત્તમનું સ્તર પામે છે. આ સમગ્ર બયાન તત્ત્વાર્થશાસ્ત્રકાર શ્રી ઉમાસ્વાતિજી આ સંબંધકારિકામાં વર્ણવે છે કે :

યસ્તુ કૃતાર્થોપ્યુત્તમ- મવાપ્ય ધર્મ પરેભ્ય ઉપદિશતિ;

નિત્યં સ ઉત્તમેભ્યો-પ્યુત્તમ ઇતિ પૂજ્યતમ એવ.

આ કારિકામાં બે બાબત પર વિશેષ ભાર છે. એક એ કે તીર્થકરપ્રભુ સ્વયં કૃતાર્થ હોવા છતાં નિષ્કામ પરોપકાર કરે છે અને બે, એ પરોપકાર શુધ્ધ ધર્મનાં દાનનો- આત્મકલ્યાણનો હોવાથી સર્વોપરિ શ્રેષ્ઠ છે. આપણે શુધ્ધ ધર્મનાં દાનનો આ સર્વોત્કૃષ્ટ ભાવોપકાર તો તીર્થકરપ્રભુનાં કેવલજ્ઞાનની પ્રસ્તુતિસમયે કરીશું જ. ઉપરાંત તીર્થકરપ્રભુના પાંચે ય કલ્યાણકો (પાંચ જીવન પ્રસંગો) દ્વારા થતાં ઉપકારોનું દિગ્દર્શન પણ કરીશું.

ચ્યવનકલ્યાણક : તીર્થકરપ્રભુનો આત્મા દેવલોકાદિના પૂર્વભવના આયુષ્યની સમાપ્તિ બાદ ત્યાંથી ચ્યવન પામી માતાની કુક્ષિમાં પધારે તેને કહેવાય છે ચ્યવનકલ્યાણક. આ ચ્યવનકલ્યાણક હો કે આગળ જણાવશે તે જન્માદિ ચાર કલ્યાણકો હો : આ પાંચે ય જીવન પ્રસંગોમાં કલ્યાણક શબ્દ એટલે પ્રયોજાય છે કે એનાથી જગતના જીવોને બહુ વ્યાપક પ્રમાણમાં બાહ્ય યા અભ્યંતર લાભ થાય છે. તેમાં દરેક કલ્યાણકમાં જે 'કોમન' લાભ થાય છે તે નર્કના જીવોને ય સુખનો અહેસાસ આપણે જન્મકલ્યાણકનાં નિરૂપણમાં નિહાળીશું. પ્રભુનાં ચ્યવનકલ્યાણકથી સર્વપ્રથમ આનંદ થાય પ્રભુની માતાને. અરિહંતવંદનાવલિ' સ્તુતિમાલાની પ્રથમ સ્તુતિની પ્રથમ પંક્તિમાં લખાયું છે કે ' જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા.' માત્ર તીર્થકરભગવંતોની માતાને જ પ્રભુપ્રભાવે આવતા ચૌદ શ્રેષ્ઠ સ્વપ્નોનાં દર્શનથી માતા સુખ-આનંદની અનુભૂતિ કરે. કેટલી ય વાર એવું પણ બને કે પ્રભુના ગર્ભાવતરણના પ્રભાવે પ્રજાનો શત્રુભય- અન્ય ઉપદ્રવો નષ્ટ થાય.

જન્મકલ્યાણક : તીર્થકરભગવાનનો જન્મ થાય ત્યારે ત્રણેય લોકમાં દિવ્ય પ્રકાશ કેટલોક સમય ફેલાય. સહુ જીવોને સુખ-શાંતાનો અનુભવ થાય. જે જીવે ત્રસ છે અર્થાત્ હાલતા-ચાલતા પ્રાણી છે એમને તો શાતાનો અનુભવ થાય જ, ઉપરાંત વૃક્ષ વગેરે સ્થિર રહેતા-સ્થાવર જીવોને પણ સુખનો-શાતાનો અનુભવ થાય છે. એથી જ પૂજામાં લખાયું છે કે ' સાત નર્કે થયાં અજવાળાં, સ્થાવરને પણ સુખકારી.' મુજબ આ પંક્તિમાં સ્થાવર ઉપરાંત નર્કના જીવોને ય ઉલ્લેખ છે. જૈન શાસ્ત્રો મુજબ નર્ક સાત છે અને ત્યાં અતિ દારુણ-અતિ ભયાનક દુ:ખો હોય છે. કારણકે ત્યાં એવા જ જીવો જન્મ ધરે છે કે જેઓએ પૂર્વભવમાં અતિ ઘોર પાપ કર્યા હોય. ત્રણ લોકની કોઈ સત્તા-કોઈ સામર્થ્ય એવું નથી કે જે એ નર્કના જીવોને ક્ષણ પણ શાતા આપી શકે : સિવાય શ્રી તીર્થકરભગવંતો. ખૂબી ખરી એ છે કે એમાં તે જન્મની શ્રી તીર્થકરપ્રભુની કોઈ સક્રિયતા નથી હોતી. બલ્કે પૂર્વના ત્રીજા ભવમાં તીર્થકરપ્રભુના જીવે ભાવેલી ઉત્કૃષ્ટ કરુણાનું આ સ્વાભાવિક પરિણામ છે ! સહુ જીવોને સુખી કરવાની આ વાત માત્ર જન્મકલ્યાણક અંગે જ નહિ, બલ્કે પાંચે ય કલ્યાણક અંગે છે.

કલ્પના કરો કે એક સરેરાશ-સામાન્ય વ્યક્તિના ઘરે પુત્રજન્મ થાય તો કોને આનંદ થાય ? એના પરિવારને-સ્વજનોને. જો બાળક પુણ્યશાળી હોવાથી શ્રીમંતના ઘરે અવતરશે તો આનંદનો વ્યાપ વિસ્તરશે. એના પિતા પુત્રજન્મની ખુશાલીમાં શેરીમાં-મહોલ્લામાં મીઠાઈ વહેંચશે અને જેઓને મીઠાઈ મળશે તે સહુને આનંદ- આનંદ થશે. હવે ધારો કે બાળક વધુ પુણ્યશાળી હોવાથી રાજાના ઘરે જન્મ પામે તો આનંદનો વ્યાપ એકદમ વિસ્તરશે. કેમ કે રાજા પુત્રજન્મની ખુશાલીમાં પૂરા રાજ્યમાં આનંદ-પ્રમોદ પ્રવર્તાવે, કેટલોક સમય કર માફ કરે, પ્રજામાં ભેટણાનું વિતરણ કરે. ત્રણેય ઉદાહરણમાં એક સમાનતા એ દેખાશે કે આનંદનાં-સુખનાં પ્રવર્તનમાં બાળકની કોઈ સક્રિયતા નથી હોતી. પરંતુ એના પુણ્ય અનુસાર લોકોને આનંદ-સુખ આપવામાં એ નિમિત્ત બને. જેટલું એનું પુણ્ય વધું, એટલો આનંદનો-સુખનો વ્યાપ વધુ.

શ્રી તીર્થકરભગવંતોનું પુણ્ય સર્વોપરિ-સર્વશ્રેષ્ઠ અને તેમની જગતહિતની ભાવના સર્વોત્કૃષ્ટ- સર્વશ્રેષ્ઠ : એથી એમનાં કલ્યાણકો દ્વારા થતી સૃષ્ટિના જીવમાત્રને કેટલાક સમય સુધીની શાતાનુભૂતિ સહુથી અધિક વ્યાપક હોય. એક જિજ્ઞાસા થાય કે સાત નર્કો તો નિતાંત દુ:ખોનું જ સરનામું છે. ત્યાંના જીવોને કલ્યાણક સમયે શાતાનો અનુભવ કેવી રીતે થતો હશે ? જૈન શાસ્ત્રો એનાં સમાધાનમાં જણાવે છે કે પ્રભુના કલ્યાણકો સમયે ત્રિલોકમાં જે દિવ્ય તેજવર્તુળ ફેલાય છે તે સાત નર્કમાં ય ઝળહળાટ કરે છે. પ્રકાશ નામે પદાર્થ હોઈ શકે. એટલું ય ન જાણતા અને સતત પ્રગાઢ અંધકારમાં સબડતા એ જીવો આ તેજવર્તુળથી એવા વિસ્મિત થઈ જાય કે તે ક્ષણોમાં પોતાની દુ:ખમય સ્થિતિ-પોતાની હાલત વીસરી જાય. એક દૃષ્ટાંત દ્વારા આપણે આ સ્થિતિ-હાલત વીસરી જવાની વાત સમજીએ :

નગરમાં 'વર્લ્ડ બેસ્ટ' સંગીતકાર આવ્યાના સમાચાર જાણી નગરના હજારો સંગીતરસિકો ખુશખુશાલ થઈ ગયા. પરંતુ એના કાર્યક્રમની ઉદ્ઘોષણા સાંભળી એ સહુ ઠરી ગયા. ઉદ્ઘોષણામાં એક જાહેર કરાયું હતું કે 'એ મહાન સંગીતકાર રાજદરબારમાં સાવ ફ્રીમા સંગીતકાર્યક્રમ કરશે. પણ શરત એટલી કે સંગીતમાં મગ્ન થઈને કોઈએ મસ્તક ધુણાવવું નહિ. જે ક્ષણે મસ્તક ધૂણશે તે જ ક્ષણે ખુલ્લી તલવારે ત્યાં રહેલ રાજસૈનિકો એનું મસ્તક ધડથી જુદું કરી દેશે ! ' લોકો સંગીતરસિયા હોવા છતાં કાર્યક્રમ માટે મોટો ભાગ તૈયાર એટલે ન થયો કે સંગીતના તાનમાં મસ્તક ધૂણી જ જશે. આવું મરવાનું જોખમ ન લેવાય. ભલે 'વર્લ્ડ બેસ્ટ સંગીતકાર હોય. પરંતુ નથી જવું આપણે.

આખરે પંદરેક ખરા સંગીતરસિયા એવા તૈયાર થયા કે આપણે આ લહાવો લેવો જ છે. સતત જાગૃતિ દાખવીશું કે મસ્તક એક પણ વાર ન જ હલે. એ કાર્યક્રમમાં ગયા. દરેકની બાજુમાં બબ્બે રાજસૈનિકો ખુલ્લી તલવારે ખડા રહ્યા. દિવ્ય સંગીતનો કેફ એવો જામ્યો કે એકવાર બધાયનાં મસ્તક ધૂણી ગયા. પરંતુ એકેય પર તલવારનો ઘા ન થયો. સંગીતકારે ત્યાં જાહેર કર્યું : 'મારે એવા શ્રોતાની જરૂર હતી કે જે સંગીત માટે પાગલ હોય. આ પંદર આવા હોવાની ખાતરી થઈ ગઈ છે. મારી ખરી સંગીતકળા હવે હું આમની સામે રજૂ કરીશ !

જેમ વિસ્મયજનક સંગીતના માહોલમાં એ શ્રોતાએ શરીરની સ્થિતિ-હાલત વીસરી ગયા, તેમ એનાથી કૈંકગણા અદ્ભુત વિસ્મયજનક પ્રકાશના માહોલમાં નર્કના જીવો પોતાની શારીરિક સ્થિતિ વીસરી જાય. પ્રકાશવિસ્મયમાં પરોવાઈને દુ:ખ ભૂલી જાય છે એમની શાતાનુભૂતિ...

દીક્ષાકલ્યાણક : શ્રી તીર્થકરપ્રભુ દીક્ષાસ્વીકાર- સાધનાસ્વીકાર શા માટે કરે તેનું એક કારણ દર્શાવતા આ 'સંબંધકારિકા'માં સપષ્ટ લખાયું છે કે 'જન્મ-જરા-મરણાર્ત જગદશરણમ ભિસમીક્ષ્ય.' ભાવાર્થ કે જગતને જન્મ-જરા-મરણથી પીડિત અને એથી અશક્ત નિહાળીને પ્રભુ દીક્ષા લે છે. સાર એ થયો કે પ્રભુ કર્મક્ષય માટે તો સંસાર ત્યાગે જ છે. ઉપરાંત ભવ્ય જીવોને જન્મ-જરા-મૃત્યુથી મુક્ત કરવાનું પણ લક્ષ્ય આ સંસાર ત્યાગમાં રાખે છે. આ થયો દીક્ષાકલ્યાણકસંબંધી ઉપકાર. આ સિવાય વર્ષીદાનાદિ દ્વારા થતાં બાહ્ય વિશિષ્ટ ઉપકારો અલગ.

કેવલજ્ઞાનકલ્યાણક : આ કલ્યાણક થયા પછીના સમયખંડમાં, તીર્થકરપ્રભુએ પૂર્વે સતત ભાવેલ સહુ જીવોની ભાવદયાની સિદ્ધિ નિહાળવા મળે છે. એ માટે પ્રભુ નિત્ય છ-છ કલાક ધર્મદેશના આપવારૂપે સક્રિય રહે. એનાથી હજારો-લાખો જીવો મહાવ્રતો સ્વીકારી જન્મ-જરા-મૃત્યુથી મુક્ત થઈ શાશ્વત સુખ પામે. આ ઉપરાંત પ્રભુના અસ્તિત્વમાત્રથી સવાસો યોજન વિસ્તારમાં અતિવૃષ્ટિ આદિ ન હોય તે બાહ્ય ઉપકારો અલગ.

નિર્વાણકલ્યાણક : પ્રભુ નિર્વાણ પામે-મોક્ષે પધારે એનાથી એક જીવ અનાદિનિગોદમાંથી બહાર આવે. આ પ્રભુ દ્વારા થતો એ જીવ પર અતિ ઉત્કૃષ્ટ ઉપકાર છે.

છેલ્લે એક વાત : પ્રભુનું સમગ્ર અસ્તિત્વ પરોપકારમય છે.. અને આપણું સમગ્ર અસ્તિત્વ સ્વાર્થમય છે...