- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''જેમ મનુષ્યોમાં ભૌતિક દૃષ્ટિએ ચક્રવર્તી શ્રેષ્ઠ છે, દેવોમાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે, પશુઓમાં સિંહ શ્રેષ્ઠ છે, વ્રતોમાં ઉપશમભાવ - ક્ષમાધર્મ શ્રેષ્ઠ છે, પર્વતોમાં ભૌતિક દૃષ્ટિએ મેરુપર્વત શ્રેષ્ઠ છે, તેમ સર્વ ભવોમાં-સર્વગતિમાં માનવગતિ શ્રેષ્ઠ છે. આ લેખના સમગ્ર કથનનો સાર એ થયો કે અન્ય તમામ ગતિ કરતાં માનવગતિ શુદ્ધ ધર્મની સાધનાની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે...''
ભારતીય ધર્મપરંપરાઓનાં વિવિધ વિધિવિધાનોમાં સ્વસ્તિકને - સાથિયાને મહત્વનું સ્થાન મળ્યું છે, તો ગુરુભગવંતનાં સ્વાગતમાં અને પ્રવચન પૂર્વે પણ એને સરસ સ્થાન મળ્યું છે. જૈન પરંપરા આ સ્વસ્તિક સાથે આત્મકલ્યાણસંબંધી મહત્વની વિભાવના સંલગ્ન કરે છે કે સ્વસ્તિકની ચાર પાંખડી સંસારની ચાર ગતિની દ્યોતક છે. આ ચારે ય ગતિનો સર્વથા ક્ષય કરીને સિદ્ધિપદની પ્રાપ્તિની પ્રાર્થના દેવ-ગુરુ-સમક્ષ કરાય છે. આ ચાર ગતિનાં નામ છે નર્કગતિ-તિર્યંચગતિ-દેવગતિ અને મનુષ્યગતિ. દરેક ગતિની લાક્ષણિકતાઓ આપણે એકેક વિશેષણ દ્વારા સંક્ષેપમાં સમજીએ.
નર્કગતિ છે દુ:ખાધીન. ત્યાંનાં આયુષ્યો દીર્ઘ - અતિ દીર્ઘ હોય છે, તો ત્યાંની વેદનાઓ પારાવાર હોય છે. અકસ્માત થાય ત્યારે માનવીનું કાળઆયુષ્ય જેમ સંકોચાય છે, તેમ નર્કના એક પણ જીવનું આયુષ્ય સંકોચાય નહિ. કર્મશાસ્ત્રોની પરિભાષામાં એને નિકાચિત આયુષ્ય કહેવાય છે. ત્યાં જાતજાતની દારુણ ઘોરાતિઘોર પીડાઓ હોય છે. એમાંથી માત્ર રોગજન્ય પીડાની વાત કરીએ તો, છટ્વી-સાતમી નર્કના દરેક જીવોને જન્મથી મૃત્યુપર્યંત અખંડપણે પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચસો ચોર્યાશી રોગો 'લાસ્ટ સ્ટેજ' ના હોય છે! કેન્સર પેરાલીસીસ જેવો એકાદ રોગ જીવનના છેલ્લા છ-બાર માસમાં આવે તો ય માનવી ત્રાસ ત્રાસ પોકારે છે. તો આટલી વિરાટ સંખ્યાના જાલિમ રોગોની પીડા અતિ અતિ દીર્ઘકાળ શે સહી શકાય ? આવી એક નહિ, અનેક પ્રકારની પીડાઓ જાણીને જ સ્તવનકારે દર્દીલી પંક્તિ લખી છે કે ''નરક દુ:ખ વેદના ભારી... નીકળવા ના રહી બારી''...
તિર્યંચગતિ છે પરાધીન. શેરીના કૂતરાને કોઈ રોટલી-ખાદ્યપદાર્થ આપે તો જ એ આરોગી શકે, તો પશુના શરીર પર ઘા થયા હોય-ગૂમડાં થયા હોય તો કોઈ સારવાર કરે તો જ એ મટી શકે. એ જાતે સ્વયં આમાંનું કાંઈ ન કરી શકે. અરે! કરવાની વાત શું ? પોતાની ભૂખ-પીડા એ દર્શાવી પણ નથી શકતા. ગમાણમાં બાંધેલ ગાય-બળદની સામે જ ઘાસનો ચારો હોય, પરંતુ એમનાં મુખ એ રીતે બંધાયેલ હોય કે એ એક તણખલું ય આરોગી ન શકે. બાજુમાં જ પાણીની વ્યવસ્થા હોય, છતાં બાંધેલ દોરડાનાં કારણે એ જલથી વંચિત રહે. આ છે તિર્યંચગતિની અઢળક પૈકીની ઝલકરૂપ પરાધીનતા.
દેવગતિ છે સુખાધીન. દેવલોકના વૈભવો-સુખો એવા છે કે એની વાતો ય ચિત્તને ચમત્કૃત કરી દે તેવી છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો માટે લખાયું છે કે ''શય્યામાં પોઢયા નિત્ય રહેવે.'' અત્યંત દીર્ઘ આયુષ્ય દરમ્યાન તેઓ દિવ્ય શય્યામાં અલૌકિક-અજાયબ લાગે તેવા માહોલમાં આનંદ અનુભવતા પોઢયા જ રહે. પૂરા આયુષ્યમાં તેઓ પડખું પણ એક જ વાર ફેરવે. નિદ્રાની વાત તો જવા દો, એમનાં નયનો પણ અપલક રહે. એમને ખાવા-પિવાનો ય કોઈ શ્રમ નહી. મનોભક્ષી હોવાથી ઈચ્છા થતાંવેંત એ આહારતૃપ્તિ પામે. એમને પ્રસ્વેદ સુદ્ધા ન હોય. સંક્ષેપમાં કહીએ તો એમનું સુખ વર્ણનાતીત છે.
નર્કના જીવો હો, તિર્યંચના હો કે દેવલોકના હો : એ તેમની આ વિલક્ષણતાનાં કારણે ધર્મપ્રાપ્તિથી બહુધા વંચિત રહે છે. જ્યારે માનવગતિની લાક્ષણિકતા આના કરતા અલગ છે - ચડિયાતી છે.
માનવગતિ છે સ્વાધીન - આ ગતિમાં ઉપરોક્ત ગતિની સરખામણીએ અતિદુ:ખ નથી, અતિ સુખ નથી અને પરાધીનતા ય નથી. એ છે સ્વાધીન. માનવી ધારે તે તપશ્ચર્યા કરી શકે, ધારે તે દાન કરી શકે અને ધારે તે સંયમ અપનાવી શકે. એ એકાદ ચીજના ત્યાગરૂપ સંયમ પણ ધરી શકે અને સર્વસંગના ત્યાગરૂપ સર્વવિરતિનો સંયમ પણ ધરી શકે. જૈન માન્યતા મુજબ, દેવો ભૌતિક રીતે સ્વતન્ત્ર - શક્તિશાળી હોવા છતાં સંયમસ્વીકારની દૃષ્ટિએ સંપૂર્ણ અક્ષમ છે. કેમ કે દેવોને ભવપરત્વે વિરતિ-સંયમ હોઈ જ ન શકે. એના મુકાબલે માનવીની સ્થિતિ સંયમ સ્વીકારની દૃષ્ટિએ ખૂબ બહેતરીન છે. કેટલી ત્વરાથી અને તત્પરતાથી માનવી સર્વંસંયમ સ્વીકારી શકે એની એક અદ્ભુ સત્ય ઘટના જાણવી છે ? તો વાંચો આજથી સાતસો એંશી વર્ષ પૂર્વેની આ રોમાંચક ઘટના.
વિ.સં.૧૩૦૨. ઉજ્જયિનીનગરીન જૈન શ્રેષ્ઠિ જિનચન્દ્રનાં આંગણે મોટા પુત્ર વીરધવલના લગ્નનો પ્રસંગ આવ્યો હતો. શ્રેષ્ઠિ એવા ધર્મેષ્ઠિ કે સંસારના આ પ્રસંગને ય ધર્મથી મંડિત કરવા એમણે સર્વપ્રથમ પ્રભુભક્તિમહોત્વસ યોજ્યો હતો. મંડપ લગ્નનો, પરંતુ એમાં પહેલા પ્રભુભક્તિ અને જિનવાણીશ્રવણ. એમના મહોત્સવમાં નિશ્રાપ્રદાન માટે તત્કાલીન મહાન જૈનાચાર્ય દેવેન્દ્રસૂરીશ્વરજીમહારાજ ઉજ્જયિની પધાર્યા. પ્રભુભક્તિની સાથોસાથ પ્રવચનધારા શરૂ થઈ. વરપક્ષ-કન્યાપક્ષ અને નગરનો વિશાલ જનસમુદાય પ્રવચનમાં જોડાતો ગયો. પાંચ જ દિવસનાં પ્રવચનોની કમાલ એ થઈ કે વર મુનિવર બનવા સજ્જ થઈ ગયો! વીરધવલે પોતાના અને કન્યાના પરિવારને એકત્ર કરી પોતાની સંયમસ્વીકારની ભાવના જણાવી, કન્યાપક્ષ પણ એવો સરલ કે એણે હોંશે હોંશે વીરધવલની વૈરાગ્યભાવના વધાલી લીધી.
નગરીમાં જેણે જેણે આ સમાચાર જાણ્યા તે તમામ આશ્ચર્યસ્તબ્ધ થઈ ગયા કે આ શું ? લગ્નના માંડવે દીક્ષા ? પાંચ જ દિવસમાં આવું પરિવર્તન ? પણ.. હજુ એક કમાલ તો હવે થવાની હતી, દીક્ષાદિવસ આવી ગયો. લગ્ન માટે બંધાયેલ મંડપમાં દીક્ષાસમારોહ શરૂ થયો. દીક્ષાનું મુખ્ય ઉપકરણ રજોહરણ જૈનાચાર્યના હસ્તે મુમુક્ષુને અપાઈ રહ્યું હતું, ત્યાં જ બાજુમાં ઊભા રહેલ નાના ભાઈ ભીમસિંહ વચ્ચે હાથ લંબાવી રજોહરણ લઈ લીધું અને એ આનંદમાં નાચવા માંડયો. સમગ્ર સભા ઔર સ્તબ્ધ થઈ ગઈ કે આ તો આશ્ચર્ય પર આશ્ચર્ય ! એક નહિં, બબ્બે ભાઈની અણધારી સર્વવિરતિ - દીક્ષા. આ સત્ય ઘટનાનું પ્રથમ પાત્ર વીરધવલકુમાર આગળ જતાં જૈનાચાર્ય વિદ્યાનંદસુરીશ્વરજી મ. બન્યા.
માનવગતિ સાથે અંકિત સંયમસ્વીકારની આ સ્વાધીનતાને - ધર્મસાધનાની પૂર્ણ સ્વતંત્રતાને નિહાળીને ધર્મરત્નપ્રકરણગ્રન્થની ટીકામાં ગ્રન્થકારે પ્રારંભમાં એક મસ્ત શ્લોક ઉદ્ધૃત કર્યો છે કે :
નરેષુ ચક્રી ત્રિદશેષુ વજ્રી, મૃગેષુ સિંહ : પ્રશમો વ્રતેષુ;
મતો મહીભૃત્સુ સુવર્ણશૈલો, ભવેષુ માનુષ્યભવ:પ્રધાન:.
ભાવાર્થ જેમ મનુષ્યોમાં ભૌતિક દૃષ્ટિએ ચક્રવર્તી શ્રેષ્ઠ છે, દેવોમાં ઈન્દ્ર શ્રેષ્ઠ છે, પશુઓમાં સિંહ શ્રેષ્ઠ છે, વ્રતોમાં ઉપશમભાવ - ક્ષમાધર્મ શ્રેષ્ઠ છે, પર્વતોમાં ભૌતિક દૃષ્ટિએ મેરુપર્વત શ્રેષ્ઠ છે, તેમ સર્વ ભાવોમાં - સર્વગતિમાં માનવગતિ શ્રેષ્ઠ છે. આ લેખના અત્યાર સુધીનાં કથનનો સાર એ થયો કે અન્ય તમામ ગતિ કરતાં માનવગતિ શુદ્ધ ધર્મની સાધનાની દૃષ્ટિએ શ્રેષ્ઠ છે.
પણ...સબૂર! માનવજન્ય પ્રાપ્ત કરનાર દરેક વ્યક્તિ ધર્મની ઉત્તમ સાધના કરી શકતી નથી. એમ માટે તે વ્યક્તિ પાસે કેટલાક ઉમદા ગુણોની સમૃદ્ધિ હોવી જોઈએ. આ માટે પૂર્વોક્ત ધર્મરત્નપ્રકરણગ્રન્થમાં એક સરસ તર્કપૂર્વકની ગાથા લખાઈ છે :-
જહ ચિંતામણિરયણં, સુલહં ન હુ હોઈ તુચ્છવિહવાણં;
ગુણવિહવવજ્જિયાણં, જિયાણ તહ ધમ્મરયણં પિ.
ભાવાર્થ કે જેમ તુચ્છ વૈભવવંત (દરિદ્ર) વ્યક્તિને ચિંતામણિ જેવું અણમોલરત્ન સંપ્રાપ્ત થવું આસાન નથી, તેમ ગુણવૈભવરહિત - ગુણદરિદ્ર જીવોને ય ઉત્તમ ધર્મરૂપી રત્ન પ્રાપ્ત થવું સુલભ નથી.
જૈન શાસ્ત્રસાહિત્યમાં એક ગ્રન્થ એવો મળે છે કે જેમાં ધર્મની સાધનાનું ઉત્તમ વિવરણ તો છે જ. ઉપરાંત એ ગ્રન્થ પ્રારંભે એ એવા એકવીશ ગુણો દર્શાવે છે કે જે ઉત્તમ ધર્મની પ્રાપ્તિ માટે મૌલિ સંપત્તિરૂપ છે. આ ગ્રન્થ એટલે હમણાં જ જેમાના બે શ્લોકો આપણે નિહાળ્યા તે ''ધર્મરત્નપ્રકરણ.'' એની પ્રારંભિક મૂળ એકત્રીશ ગાથાઓમાં વિવિધ દૃષ્ટાંતો આદિ દ્વારા બસો બાવીશ પ્રતપેજમાં આ એકવીશ ગુણોની સરસ પ્રસ્તુતિ કરાઈ છે. પ્રાકૃતભાષાનિબદ્ધ આ સમગ્ર ગ્રન્થની રચના લગભગ એક હજાર વર્ષ પૂર્વના કાળમાં મહાન જૈનાચાર્ય શ્રીમાન વિજયસિંહસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર જીવવિચારપ્રકરણકર્તા વાદિવેતાલ આચાર્યપ્રવર શ્રીમાનશાંતિસૂરીશ્વરજી મહારાજે કરી છે. (કેટલાક ગ્રન્થમાં ગુરુનું નામ શ્રી નેમિચન્દ્રસૂરિ લખાયું છે. અમે 'જૈન પરંપરાનો ઈતિહાસ' ગ્રન્થાધારે ગુરુનું નામ શ્રી વિજયસિંહસૂરી સ્વીકાર્યું છે.) આ સમગ્ર ગ્રન્થ અને એના એકવીશ ગુણોનો વિભાગ આજે પણ જૈન પરંપરામાં પ્રવચનકાર ગુરુભગવંતોનો પ્રિય વિષય છે.
આ ગ્રન્થ પર સંસ્કૃતટીકાનું સર્જન કર્યું છે તપાગચ્છના મહાવિદ્વાંન પરમસંયમી આચાર્યપ્રવર દેવેન્દ્રસૂરીશ્વરજીમહારાજે. આ લેખમાં, વીરધવલ અને ભીમસિંહની દીક્ષાના પ્રસંગે જેમનો નામોલ્લેખ થયો છે તે આ જ જૈનાચાર્ય છે. તપાગચ્છનામરણ જેમનાં કારણે થયું છે તે ઘોરતપસ્વી પરમવૈરાગી આચાર્યવર્ય શ્રી જગચ્ચન્દ્રસૂરીશ્વરજી મહારાજના તેઓ પટ્ટધર છે. વર્તમાન જૈન સંઘમાં પ્રચલિત ચૈત્યવંદનાભાષ્ય - ગુરુવંદનભાષ્ય અને પાંચે ય કર્મગ્રન્થો આદિ અનેક શાસ્ત્રોની રચના તેઓએ કરી છે.
આ ધર્મરત્નપ્રકરણગ્રન્થ અને તેની ટીકાને નજરમાં રાખી આગામી લેખથી આપણે આરંભીશું ધર્મ પ્રાપ્તિના એકવીશ ગુણો પર જૈન-અજૈન સહુને ઉપયોગી થાય તેવું સરલ અને સરસ વિવેચન...


