Get The App

કેરી માત્ર જોવાની નહિ, આરોગવાની ચીજ છે ગુણો માત્ર ગાવાની નહિ, ગ્રહણ કરવાની ચીજ છે

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
કેરી માત્ર જોવાની નહિ, આરોગવાની ચીજ છે ગુણો માત્ર ગાવાની નહિ, ગ્રહણ કરવાની ચીજ છે 1 - image

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'બાળકને ચોકલેટનો અનુરાગ હોય તો જ્યાં ચોકલેટ દેખાય ત્યાં એ આકર્ષાયા વિના ન રહે. યુવાનને સુંદર યુવતીઓ પર અનુરાગ હોય તો જ્યાં તેવી યુવતીઓ દેખાય ત્યાં એ અવશ્ય  આકર્ષાય. આ જ નિયમ અહીં લાગુ પડે છે કે જ્યાં જ્યાં ગુણો નિહાળાય ત્યાં ત્યાં એ ગુણો પર-ગુણો જેનામાં હોય એ વ્યક્તિ પર મન આકર્ષાયા વિના ન રહે.'

ધર્મ હો કે જીવન : એની સાથે કૈં કેટલીય ય બાબતો એવી જોડાયેલી છે કે જેની સંખ્યા ત્રણની હોય. ધર્મની દૃષ્ટિએ વિચારીએ તો જૈન ધર્મ મુજબ, આત્મકલ્યાણની પ્રાપ્તિના ઉપાયો  ત્રણ છે : સમ્યગ્ દર્શન-સમ્યગ્ જ્ઞાાન અને સમ્યક્ ચારિત્ર. તો એ ઉપાયોની સમ્યક્ પ્રાપ્તિ માટેના ઉપકારક પરિબળો ય ત્રણ છે : દેવ-ગુરુ અને ધર્મ. જીવનની દૃષ્ટિએ વિચારીએ તો માનવીને જે જીવનકાળ મળ્યો છે એના ત્રણ વિભાગ છે : ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તો માનવજીવનની અવસ્થાઓ ય ત્રણ છે : બાલ્યાવસ્થા- યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આવી તો કેટકેટલી ત્રણ ત્રણ બાબતો જૈન આગમગ્રન્થ 'સ્થાનાંગસૂત્ર'નાં ત્રિસ્થાનીય અધ્યયનમાં નિહાળવા મળે છે.

આપણે આજથી ત્રણ લેખમાં કુલ ત્રણ બાબતો ક્રમશ : એવી વિચારીશું કે જે જીવનને ઉન્નત બનાવે તેવી પણ હોય અને એકસરખા પ્રાસયુક્ત પણ હોય. એમાંની પ્રથમ બાબત છે આ.

૧) અર્જન : આ સંસ્કૃતશબ્દનો અર્થ છે ભેગું કરવું- ઉપાર્જન કરવું- સંચય કરવો. અલબત્ત, સંગ્રહ-ઉપાર્જન તો ઘણી ઘણી ચીજોનો ઘણા ઘણા જીવો કરે છે. જેમ કે કીડી અનાજના એક-એક દાણાનો સંગ્રહ કરે છે, તો ખેડૂત બીજનો તેમજ એની મહેનતના અંતે તૈયાર થયેલ પાકનો સંગ્રહ કરે છે. એટલે માત્ર અર્જન-સંગ્રહ જીવનોન્નતિનું કારણ બનતું નથી. એ સંગ્રહ શેનો થાય છે એના પર તે ઉન્નતિનું કારણ બને છે યા નહિ, તે નિશ્ચિત થાય છે.

આ સંદર્ભમાં વિચારીએ તો, મહદંશ માનવોએ અર્જનની-સંગ્રહની બાબત એવી પકડી છે કે જે જીવનની વાસ્તવિક-અભ્યંતર ઉન્નતિમાં લગભગ નાકામિયાબ નીવડે છે. આ બાબતનું નામ છે સંપત્તિ.

આ સંપત્તિના અનાપ-સનાપ સંગ્રહ માટે કેટલી ય વ્યક્તિઓ તનતોડ મહેનત કરી શરીર નિચોવી દે છે, તો જાતજાતના આટાપાટા રમી માનસિક શાંતિ-સ્વસ્થતા ખોરવી દે છે. સંપત્તિ માટે અન્યોનાં લોહીથી પોતાના હાથ ખરડે છે, તો મોટાં મોટાં જૂઠાણાનાં પાપો ય આચરે છે. સંપત્તિશાલી બની જવા વ્યક્તિ ઉપકારી માતા-પિતાને તરછોડે છે, તો સગા ભાઇઓ સામે વૈર-વિરોધ ખડા કરે છે. અરે ! ભગવાન જેવા શ્રદ્ધેય તત્ત્વ સાથે ય તે સંપત્તિના આધારે સબંધ તોલે છે. કોઈ સંપત્તિ ન મળે તો પ્રભુ સાથેનો શ્રદ્ધાસંબંધ છોડી દે, તો કોઈ સંપત્તિ મળી જતાં 'ગરજ સરી ને વૈદ વૈરી' જેવુ કરી શ્રદ્ધાસંબંધ સીમીતિ કરી દે. ખબર છે પેલી મસ્ત રમૂજકથા ?

ગામડાનો એક શ્રધ્ધાશીલ યુવાન. સંપત્તિની દૃષ્ટિએ સાવ સામાન્ય હતો. પરંતુ ભાવ એના મૂઠી ઊંચેરા હતા. મંદિરમાં એ બબ્બે-ત્રણ ત્રણ કલાક પ્રભુભક્તિ કરે, તો ગામમાં સંતો-સંન્યાસીઓ આવે ત્યારે એમની સેવામાં ય એ કલાકો ગાળે. એમની સર્વ પ્રકારની વ્યવસ્થામાં એ અગ્રેસર રહે. બાકી રહે તે સમયમાં એ વ્યવસાય કરે. ગામમાં પધારતા દરેક સંતો-સંન્યાસીઓ યુવાનને અચૂક પિછાણે. સહુ એની શ્રદ્ધા-સેવાવૃત્તિની અનુમોદના ય કરે.

યુવાનની આ શ્રદ્ધા વગેરેનો પ્રભાવ હો કે ગમે તે, થોડાં વર્ષોમાં એનું નસીબ આડું પાંદડુ ખસ્યું. એ મુંબઈ ગયો. ત્યાં એ અણધાર્યા લાખો-ક્રોડો રૂ. કમાયો. હવે એની દશા-દિદાર બદલાઈ ગયા. પહેલા એ ચપ્પલ ઘસતો સામાન્ય માનવી હતો, હવે એ મોંઘી કારમાં ફરતો શેઠ થઈ ગયો. પહેલા એ સીધી સાદી વાત કરતો આમઆદમી હતો, હવે એ દોરદમામ અને વાક્ચાતુરી ધરાવતો ખાસ આદમી બની ગયો.

એકવાર એ 'કાર'માંથી ઊતરતો હતો, ત્યાં એને પૂર્વપરિચિત સંન્યાસી મળ્યા. સંન્યાસીને આછો અણસાર આવી ગયો કે આ પેલો ગામડાનો ભક્તિવંત યુવાન જ લાગે છે. સ્પષ્ટીકરણ થયા પછી સંન્યાસીએ એની પ્રભુભક્તિની-શ્રદ્ધાલુતાની અનુમોદના કરીને કહ્યું : 'આ બધી લીલાલહેર એના પ્રતાપે છે. ભગવાનની ભક્તિ તો ગામડાની જેમ બરાબર જારી રાખી છે ને ? શહેરમાં તને સંન્યાસીઓની સેવા ગામડા જેવી ન મળે. પણ ભગવાનની ભક્તિ તો એવી જ અહીં પણ થઈ શકે.'

હવે વાક્ચતુર બની ગયેલ યુવાન ખંધાઈથી બોલ્યો : 'ભગવાનના અને આપ જેવા સંતોના પ્રભાવે મારે અત્યારે બધી વાતે પ્રગતિ જ છે. પહેલા ઘરથી દુકાનનું અંતર એક કિલોમીટર હોવા છતાં ચાલતું જવાનું હોવાથી ચૌદ-પંદર મિનિટ થતી. હવે સમયની પ્રગતિ એવી થઈ છે કે ઘરથી દુકાનનું અંતર પાંચ કિલોમીટર હોવા છતાં કારમાં જવાનું હોવાથી ચાર-પાંચ મિનિટ થાય છે. બસ, આ જ પ્રગતિ પ્રભુની ભક્તિમાં ય થઈ છે. પહેલાં જે ભક્તિમાં ત્રણ કલાક જતા હતા ત્યાં ય સમયની પ્રગતિ એવી થઈ છે કે હવે એ ભક્તિ દશ મિનિટમાં થઈ જાય છે. મારે તો બધે પ્રગતિ જ પ્રગતિ છે !'

સંન્યાસી ડઘાઈ જ ગયા યુવાનના નફટાઈભર્યા ઉત્તરથી...

સાર એ થયો કે સંપત્તિ આ હદે ઉપકારી તત્ત્વોથી અને જીવનની સાત્વિક ઉન્નતિ કરાવનાર પરિબળોથી દૂર લઈ જનાર બાબત છે. એનાથી જે લાભ થાય છે તે લગભગ બાહ્ય સ્તરનો છે. એમાં ય કેટલીક વાર એ લાભના બદલે નુકસાન કરે છે. માટે અર્જન એનું કરવાની વાત અમે અહીં કરતા નથી. અમે એવું અર્જન કરવાની વાત કરીએ છીએ કે જે અભ્યંતર સ્તરે લાભ જ લાભ કરાવનાર હોય.

એ અર્જન એ સંચય છે સદ્ગુણોનો. સદ્ગુણો એવી દિવ્ય સમૃદ્ધિ છે કે એનાથી જીવન અભ્યંતર સ્તરે તો ઉન્નતિ પામે-ઝળહળાયમાન બને. ઉપરાંત એનાથી બાહ્ય સ્તરે અર્થાત્ સમાજજીવનમાં-પારિવારિક જીવનમાં વ્યક્તિ આદરભર્યું સ્થાન પામે. ઉદાહરણરૂપે લઈ શકીએ વિનય-વિવેક-સમતા- સરલતા આદિ સદ્ગુણો. એ નિશ્ચિતપણે વ્યક્તિને બાહ્યસ્તરે પણ આદરપાત્ર બનાવે જ. માટે એમ કહીએ છીએ કે અર્જન સદ્ગુણોનું કરવું. પ્રશ્ન એ થાય કે સંપત્તિનું અર્જન જેમ વ્યવસાય-નોકરી-ધીરાણ વગેરેથી થાય તેમ સદ્ગુણોનું અર્જન કઈ રીતે થાય ? ઉત્તરરૂપે છે એના ત્રણ ઉપાયો.

પ્રથમ ઉપાય છે ગુણાનુરાગ. જ્યાં અનુરાગ હોય ત્યાં મનનું આકર્ષણ-ખેંચાણ રહે આ નક્કર વાસ્તવિકતા છે. બાળકને ચોકલેટનો અનુરાગ હોય તો જ્યાં ચોકલેટ દેખાય ત્યાં એ આકર્ષાયા વિના ન રહે. યુવાનને સુંદર યુવતીઓ પર અનુરાગ હોય તો જ્યાં તેવી યુવતીઓ દેખાય ત્યાં એ અવશ્ય આકર્ષાય. આ જ નિયમ અહીં લાગુ પડે છે કે જ્યાં જ્યાં ગુણો નિહાળાય ત્યાં ત્યાં એ ગુણો પર-ગુણો જેનામાં હોય એ વ્યક્તિ પર મન આકર્ષાયા વિના ન રહે. ખરો ગુણાનુરાગ આ છે કે જેમાં ગુણવાન વ્યક્તિને તન-મન ઝૂકી ગયા વિના ન રહે. આથી જ પેલી પ્રસિદ્ધ ગીતપંક્તિમાં લખાયું છે કે :ળ

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,

એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ધ્ય વહે..

બીજો ઉપાય છે ગુણાનુમોદન. ગુણાનુરાગ મુખ્યત્વે મનનાં સ્તરે સર્જાતી પ્રક્રિયા છે. જ્યારે ગુણાનુમોદન મુખ્યત્વે વચનનાં સ્તરે સર્જાતી પ્રક્રિયા છે. ગુણોની અનુમોદના એટલે ગુણવાન વ્યક્તિના ગુણોનું ગાન કરવું. ગુણોની પ્રશંસા કરવી. વિખ્યાત જૈન ગ્રન્થ 'શાંત સુધારસ'માં તો ત્યાં સુધીના ભાવોર્મિભર્યા- સંવેદનશીલ શબ્દો સંસ્કૃતમાં લખાયા છે કે ' હે આંખ ! તું સહુમાં માત્ર ગુણો જ નિહાળજે, હે કાન ! તું માત્ર સહુના ગુણો જ સાંભળજે અને હે જીભ ! તું માત્ર સહુના ગુણો જ ગાજે. કારણકે આ અસાર સંસારનો એક ખરો સાર આ (ગુણાનુમોદન) જ છે. તો અન્ય એક ગુજરાતી કાવ્યપંક્તિમાં ગુણની અનુમોદના-પ્રશંસા માટે સરસ વાત લખાઈ છે કે :

ગુણીજનના ગુણ ગાતા,

ઊપજે ગુણ નિજ અંગ,

ધૂલી પણ મસ્તક ચડે,

સંતચરણને સંગ...

ત્રીજો ઉપાય છે ગુણગ્રહણ અર્થાત્ ગુણોને જીવનમાં સક્રિયરૂપે આત્મસાત્ કરવા. પ્રથમનો ઉપાય માનસિક છે, બીજો ઉપાય વાચિક છે, તો આ ત્રીજો ઉપાય કાયિક છે. સખત પુરૂષાર્થ કરી તે તે ગુણો જીવનમાં ઉતારવાથી જીવન ગુણોથી મઘમઘાયમાન થાય છે. આ સંદર્ભમાં છેલ્લે એક મજાની વાત કે 'કેરી માત્ર જોવાની નહિ, બલ્કે આરોગવાની ચીજ છે.. ગુણો માત્ર ગાવાની નહિ, બલ્કે ગ્રહણ કરવાની ચીજ છે.