- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- જૈન પરંપરાનું એક વાક્ય વિશ્વપ્રસિદ્ધ છે અને એ જૈન પરંપરાને અન્યો કરતા મૂઠી ઊંચેરી મહત્તા બક્ષે છે. એ વાક્ય છે 'મિચ્છા મિ દુક્કડં.' આ માત્ર સાત અક્ષરનું વાક્ય જ નથી, બલ્કે જાણે કે સપ્તાક્ષરી મંત્ર છે કે જે વૈર-વિરોધના વિષ ઉતારે છે યાવત્ જડમૂળથી એને નાબુદ કરી દે છે. પર્યુષણામહાપર્વ પ્રસંગે એનો ઉપયોગ પ્રચૂર થતો હોવાથી કેટલીક અનભિજ્ઞા વ્યક્તિઓ એને માત્ર પર્યુષણસંબંધિત માને છે. પરંતુ વાસ્તવિકતા આ નથી. આ વાક્યપ્રયોગ કોઈ પણ પ્રકારના દુષ્કૃત- ભૂલ- દોષ- અપરાધને નાબુદ કરવા થતો હોય છે. માટે જ શ્રમણોનાં/ શ્રાવકોનાં આરાધના વિધાનોમાં નિત્ય આ 'મિચ્છા મિ દુક્કડં' વાક્યપ્રયોગ થાય છે. મિચ્છા મિ દુક્કડં...
જૈન પરંપરાનું એક વાક્ય વિશ્વપ્રસિદ્ધ છે અને એ જૈન પરંપરાને અન્યો કરતા મૂઠી ઊંચેરી મહત્તા બક્ષે છે. એ વાક્ય છે 'મિચ્છા મિ દુક્કડં.' આ માત્ર સાત અક્ષરનું વાક્ય જ નથી, બલ્કે જાણે કે સપ્તાક્ષરી મંત્ર છે કે જે વૈર-વિરોધના વિષ ઉતારે છે યાવત્ જડમૂળથી એને નાબુદ કરી દે છે. પર્યુષણામહાપર્વ પ્રસંગે એનો ઉપયોગ પ્રચૂર થતો હોવાથી કેટલીક અનભિજ્ઞા વ્યક્તિઓ એને માત્ર પર્યુષણામહાપર્વ માને છે. પરંતુ વાસ્તવિકતા આ નથી. આ વાક્યપ્રયોગ કોઈ પણ પ્રકારના દુષ્કૃત- ભૂલ- દોષ-અપરાધને નાબુદ કરવા થતો હોય છે. માટે જ શ્રમણોનાં/ શ્રાવકોનાં આરાધનાવિધાનોમાં નિત્ય આ 'મિચ્છા મિ દુક્કડં' વાક્યપ્રયોગ થાય છે. 'મિચ્છા મિ દુક્કડં' એટલે માત્ર ક્ષમાપના નહિ, બલ્કે, 'મારું દુષ્કૃત- મારો દોષ મિથ્યા થાઓ' આ વ્યાપક અર્થ !
આની સાથે 'સીમેટ્રી' આવી શકે તેવો અન્ય એક વાક્યપ્રયોગ પણ જૈનશાસનમાં મળે છે. પરંતુ એ 'મિચ્છા મિ દુક્કડં' ના મુકાબલે અલ્પ પ્રસિદ્ધ છે. એ વાક્ય એટલે 'ઇચ્છામિ સુકડં.' આનો અર્થ છે 'હું સુકતની- શુભકરણીની- સદ્ગુણોની અંતરથી ઝંખના કરું છું.' પંચસૂત્ર ગ્રન્થના પ્રથમ સૂત્રમાં વારંવાર આ વાક્યપ્રયોગ થયો છે. એકમાં છે દુષ્કૃતના જડમૂળથી નાશની વાત, તો બીજામાં છે સુકૃતની સતત ઝંખનાની વાત. દુષ્કૃત કઈ હદે ન જોઈએ એની સરસ પંક્તિ કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યના વીતરાગસ્તોત્રમાં મળી રહે છે. ત્યાં લખાયું છે કે 'અપુન: ક્રિયયાન્વિતમ્.' અર્થાત્ જીવનમાં ફરી ક્યારે ય એ દુષ્કૃત- એ દોષ 'એક્ટિવીટી' ન પામે. તો સુકૃત કઈ હદે જોઈએ એની સરસ પંક્તિ વસ્તુપાલમન્ત્રીશ્વરના એક શ્લોકમાં મળી રહે છે કે 'સમ્પદ્યન્તાં મમ ભવભવે યાવદાપ્તોપવર્ગ : ' તેઓ એ શ્લોકમાં કેટલાક સુકૃતોનું સ્મરણ કરી આ પંક્તિ દ્વારા કહે છે કે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પ્રત્યેક ભવમાં મને આ સર્વ સુકૃતો સંપ્રાપ્ત થાઓ !
'મિચ્છા મિ દુક્કડં' વાક્ય આધારિત લેખો તો પર્યુષણાદિ પ્રસંગે ઘણા લખાયા, આજથી બે લેખ 'ઇચ્છામિ સુક્ડં' વાક્ય આધારિત લઈશું અને તેમાં હેય/ ઉપાદેય બને તેવા ચાર પ્રકારે સુકૃતનું આછું વિશ્લેષણ કરીશું :
૧) અહંકારનિમિત્તક સુકૃત : આ પ્રકારનાં સુકૃતો એવા છે કે જેમાં મુખ્ય ચાલક પરિબળ અહંકાર છે. આમાં વ્યક્તિ લોકદૃષ્ટિએ- ધર્મદૃષ્ટિએ જે સુકૃત ગણાય એવાં શુભ કાર્યો કરે ખરી. પરંતુ એનું લક્ષ્ય એમાં પોતાનો અહંકાર પુષ્ટ કરવાનું હોય. આવી વ્યક્તિની સુકૃતપ્રવૃત્તિમાં વિકૃતિ કેવી પ્રવેશી જાય એનાં કેટલાક નાદર નમૂના જોઈએ :
- આવી વ્યક્તિ શુભ ક્ષેત્રે કોઈ મોટું દાન કરશે તો એનું ખાસ લક્ષ્ય એ રહેશે કે એ દાન કેમ વધુ ને વધુ 'હાઈલાઈટ' થાય- કેમ વધુ ને વધુ પ્રસિધ્ધ થાય. શરમ કે વિવેક રાખ્યા વિના વ્યક્તિ ખુદ એ દાનનાં ઢોલ-નગારાં ધણધણાવશે કે 'એક સાથે આટલું મોટું દાન અમારા સમાજમાં છેલ્લા પચાસ વર્ષમાં કોઈએ આપ્યું નથી. આટલું મોટું દાન એક સાથે આપનાર હું જ છું પહેલો !' આમાં એ વ્યક્તિ પેલી સુભાષિતપંક્તિ સીફતથી ભૂલી જાય કે ' હીરા મુખસે ના કહે, લાખ હમારા મોલ.'
- આવી વ્યક્તિ જો વિશિષ્ટ તપ કરશે તો એનું મુખ્ય 'ટાર્ગેટ' એ રહેશે કે અન્યો કરતા પોતે કેટલી વિષમતાઓ- પડકારો વચ્ચે તપ કર્યો છે ? બીજાઓ કરતાં પોતાનો તપ કેટલો બધો ઉત્કૃષ્ટ છે ? એ વધુ ને વધુ 'એન્લાર્જ' કરવું. એ બહુ સગવડપૂર્વક ભૂલી જશે. 'અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રન્થનું આ માર્મિક વચન કે 'સુખેન સાધ્ય તપસાં પ્રવૃત્તિ, યશા તથા નૈવ તુ માનમુક્તિ.' ભાવાર્થ કે તપ કરવો હજુ આસાન છે. પરંતુ તપના અહંકારથી યા અન્ય કોઈ પણ અહંકારથી મુક્ત રહેવું 'એવરેસ્ટ' આરોહણ જેવું કાફી કઠિન છે. અલબત્ત, માર્ગસ્થભાવે પોતાનાં સુકૃતની અનુમોદના અલગ બાબત છે એ અવશ્ય કરાય. પરંતુ અનુમોદનાનાં અંચળાતળે અહંકારપુષ્ટિ કદી ન કરાય.
- અરે ! સંસારત્યાગ જેવી ઉત્તમ સુકૃત પ્રવૃત્તિમાં ય કેટલીય વ્યક્તિઓનો અહંકાર કઢંગી રીતે ડોકાતો હોય છે. સમજદાર વ્યક્તિ તરત પરખી લે કે આ મહાશય સંસારની- ભોગસુખોની આસક્તિ છોડી શકયા છે. પરંતુ આ આસક્તિ છોડયાનો અહંકાર નથી છોડી શકયા! કરવી છે આની પ્રતિતિ ? તો વાંચો આ મસ્ત કટાક્ષ કથા :
હિંદુ પરંપરાના એક વિરાટ સંપ્રદાયના અનુયાયી કોઈ માલેતુજાર શ્રીમંત. નહિ નહિ તો ય એ દશ અબજની સંપત્તિના આસામી હતા. દોમ દોમ સાહ્યબી છતાં એમની ધર્મભાવની શ્રદ્ધા પણ એટલી જ ગજબ. એકવાર એમનાં નગરમાં એમના સંપ્રદાયના સર્વોચ્ચ ધર્મગુરુ પધાર્યા. સંપ્રદાયના અગ્રણી અને શ્રીમંત ભક્ત હોવાના નાતે તેઓ એ સ્થિરતામાં તન-મન-ધનથી અગ્રેસર રહ્યા. દશ જ દિવસનો આ સહવાસ. પરંતુ કોણ જાણે શું ચમત્કાર થયો કે આટલા અલ્પ સહવાસમાં શ્રીમંતે સમસ્ત સંસાર ત્યાગી સંપ્રદાયના સંન્યાસી બની જવાનો નિર્ણય કર્યો. 'ઝટ મંગની, પટ બ્યાહ ' ઉક્તિ મુજબ, શ્રીમંતે બધી જવાબદારી ઝડપભેર આટોપી લઈ દશમા દિવસે સંન્યાસ સ્વીકારી પણ લીધો ! લોકો આશ્ચર્યમુગ્ધ બનીને શ્રીમંતના સત્ત્વની અનુમોદના કરી રહ્યા.
પણ.. હવે અહંકારના રાજરોગની નવી પજવણી શરૂ થઈ. આ નૂતન સંન્યાસી દરેક પાસે પોતાના 'મહાભિનિષ્ક્રમણ' ની વાતો બઢાવી- ચઢાવીને એવી રજૂ કરે કે જાણે બુદ્ધ કરતાં એમનાં 'મહાભિનિષ્ક્રમણ'નું શાસ્ત્ર મોટું બની જાય! એમાં એમનું એક તકિયાકલામ વાક્ય અવશ્ય આવે કે 'દશ અબજ જેવી સંપત્તિ એક જ ઝાટકે લાત મારીને છોડી દેવી એ કાંઈ કાચા-પોચાના ખેલ નથી. મારા જેવો જ એક કરી શકે !' કેટલી ય સમજદાર વ્યક્તિઓને આ વાતો અને આ વાક્ય ખાસ ખૂંચતું. પરંતુ ત્યાગ ખૂબ મોટો હતો એથી કોઈ બોલે નહિ.
એક દિવસની વાત. આશ્રમમાં આ સંન્યાસીનું વૃંદ અને નવાગંતુક સંન્યાસીઓનું વૃંદ એકત્ર થઈ ગયું. સમી સાંજે સહુ વાતે વળગ્યા કે 'કોનો અભ્યાસ કેટલો છે ? કોને કેવાં નિમિત્તે સંન્યાસના ભાવ પ્રગટયા ?' ઇત્યાદિ. આપણા શ્રીમંત સંન્યાસી આવી તકની જ રાહ જોતા હતા. એમણે તક ઝડપીને પોતાનું મહાભિનિષ્ક્રમણ પુરાણ લંબાણપૂર્વક વર્ણવ્યું. એમાં પેલું ' એક ઝાટકે લાત મારીને છોડી દેવી' વાળું તકિયાકલામ વાક્ય પણ આવ્યું. આ 'કથા' સાંભળી રહેલ એક તેજસ્વી સંતને આમના અહં પર પ્રહાર કરવાનું મન થયું. તેઓએ જબરદસ્ત કટાક્ષ કર્યો કે 'મહાત્માજી ! દશ અબજની સંપત્તિને તમે જે લાત લગાવી, એ થોડી કાચી લાગી છે. જો કચકચાવીને લાત લગાવી હોત તો આજે આ અહંના ગાણાં ન ગવાતા હોત !'
પેલા શ્રીમંત સંન્યાસીની સાન હવે ઠેકાણે આવી ગઈ... સાર એ કે અહંકારનિમિત્તક સુકૃત હેય છે. એ મહદંશે લાભ ન કરે, નુકસાન કરે.
૨) આગ્રહનિમિત્તક સુકૃત: પ્રેરણાનાં નિમિત્તે કરાવાતું સુકૃત- શુભ કાર્ય અલગ બાબત છે અને આગ્રહનાં નિમિત્તે કરાવાતું સુકૃત- શુભ કાર્ય અલગ બાબત છે. પ્રેરણામાં યોગ્ય સમજાવટ છે- અનુરોધ છે. એથી એ પૂર્ણપણે ઉપાદેય- સ્વીકાર્ય છે. જ્યારે આગ્રહમાં 'આ કરવાનું જ છે' એવી કાંઈક અંશે જીદ છે. એથી એ મહદંશે ઉપાદેય-સ્વીકાર્ય ન બને. બહુ જૂજ કિસ્સામાં જ એ ઉપાદેય બને.
અમારી દૃષ્ટિએ આગ્રહનું સુકૃત-શુભ કરણી બે સ્થાને શોભે. એક, ધર્મક્ષેત્રીય સુકૃતોમાં જે અત્યંત આવશ્યક બાબતો હોય ત્યાં આગ્રહ શોભે. ઉદાહરણરૂપે અભક્ષ્યત્યાગ- દારુ વગેરે વ્યસનત્યાગ- કંદમૂળત્યાગ- રાત્રિભોજનત્યાગ વગેરે. આ જૈન તરીકેની અનિવાર્ય 'નેસેસરી' બાબતો છે. બીજી બાબત છે બાળકોને મૂળભૂત ધર્મસંસ્કારો સીંચવા માટે કરાતો આગ્રહ. આ પણ ઉપાદેય-સ્વીકાર્ય છે. જેમ પ્રથમવાર સ્કૂલે જવા માટે બાળકમાં તીવ્ર અરુચિ હોય, છતાં એનાં ભાવિ હિતને લક્ષ્યમાં રાખી માતા-પિતા એને સ્કૂલે મૂકવાનો આગ્રહ રાખે તે ઉપાદેય-સ્વીકાર્ય છે તેવું જ બાળકોનાં મૂલભૂત સંસ્કારસીંચનના આગ્રહમાં સમજવું. અમે નાના હતા ત્યારે અમારા સાંસારિક માતા-પિતાએ નિત્ય રાત્રિભોજનત્યાગ-ચોવિહાર-નવકારશી- ઉકાળેલ પાણી વગેરે નિયમો કોઈ જ ઇચ્છા જાણ્યા વિના આત્મસાત્ કરાવ્યા હતા. બાલવયમાં એ મૌલિક સંસ્કારોનું આગ્રહ ભર્યું સીંચન જીવનભર સુંદર પરિણામો દર્શાવી રહ્યું છે!
મુખ્યત્વે ઉપરોક્ત બે સ્થાનો સિવાય અન્યત્ર દાન-તપ-ત્યાગ વગેરેમાં જીદભર્યો આગ્રહ ના રાખવો, બલ્કે સમજાવટભરી પ્રેરણા રાખવી. એના પરિણામ લાભદાયી આવશે.
છેલ્લે એક વાત : દુર્ગતિ તરફ લઈ જતાં દુષ્કૃતોને ' ગેટ આઉટ' કહીએ... શુભ ગતિ તરફ લઈ જતાં સુકૃતોને 'વેલકમ' કહીએ..


