Get The App

દર્પણમાં મુખ દેખાય છે ખરું, પણ હોતું નથી...સંસારમાં સુખ દેખાય છે ખરું, પણ હોતું નથી...

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
દર્પણમાં મુખ દેખાય છે ખરું, પણ હોતું નથી...સંસારમાં સુખ દેખાય છે ખરું, પણ હોતું નથી... 1 - image

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'આસક્તિ એક પ્રકારનું માનસિક યાવત્ આત્મિક બંધન છે. એવું બંધન કે જેનાથી વ્યક્તિ ધારે તો ય આસાનીથી છૂટી ન શકે- મુક્ત ન થઈ શકે. અરે ! ઘણી વાર એમ પણ બને છે કે મનદુ:ખ થાય એવી ઘટનાઓનાં કારણે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે બાહ્ય આસક્તિ તૂટતી લાગે. પરંતુ ભીતરની તીવ્ર વેદના-ઝુરાપો ચાલુ ને ચાલુ જ રહે. આસક્તિની વ્યાખ્યા કરતા એક હીંદી પંક્તિ ખૂબ યથાર્થ વાત કરે છે કે ' જો આ સક્તી હૈ, મગર જા સક્તી નહિ હૈ, ઇનકા નામ હૈ આસક્તિ !'

'અવર્ણ'ના અ-આ અક્ષરો પૈકી આહનો પણ હોય છે અને આ આનંદનો પણ હોય છે. આપણે છેલ્લા ત્રણ લેખોથી અવર્ણથી શરૂ થતા ચાર શબ્દો પર ચિંતનયાત્રા કરીએ છીએ તે તમામ શબ્દો દુર્ગુણસ્વરૂપ છે, જીવનમાં આહ અને આપત્તિની પરંપરા સર્જનાર છે.  આજે એ ચિંતનયાત્રાનું અંતિમ ચરણ છે અને એમાં વિચારણા થસે ચોથા શબ્દની આસપાસ.

૪) આસક્તિ- આસક્તિનો અર્થ છે વ્યક્તિ-વસ્તુ પ્રત્યે બેહદ લગાવ. કોઈને બંગલો- કાર- બ્રાન્ડેડ જીવનોપયોગી ચીજવસ્તુઓ પર પ્રગાઢ આસક્તિ હોય છે, તો કોઈને પત્ની-પુત્ર-પરિવાર- મિત્ર વગેરે પર પ્રગાઢ આસક્તિ હોય છે. આ આસક્તિ એક પ્રકારનું માનસિક યાવત્ આત્મિક બંધન છે. એવું બંધન કે જેનાથી વ્યક્તિ ધારે તો ય આસાનીથી છૂટી ન શકે- મુક્ત ન થઈ શકે. અરે ! ઘણીવાર એમ પણ બને છે કે મનદુ:ખ થાય એવી ઘટનાઓનાં કારણે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે બાહ્ય આસક્તિ તૂટતી લાગે. પરંતુ ભીતરની તીવ્ર વેદના-ઝુરાપો ચાલુ ને ચાલુ જ રહે. આસક્તિની વ્યાખ્યા કરતા એક હીંદી પંક્તિ ખૂબ યથાર્થ વાત કરે છે કે ' જો આ સક્તી હૈ, મહર જા સકતી નહિ હૈ, ઇનકા નામ હૈ આસક્તિ !'' આસક્તિ-અનાસક્તિની કેટલીક મહત્ત્વની વાતો પર આપણે દૃષ્ટિપાત કરીએ :

૧) આસક્તિ આત્મકલ્યાણનું મુખ્ય અવરોધક પરિબળ છે : તબીબી શાસ્ત્રના જાણકારો એમ કહે છે કે લોહી જ્યાં ગંઠાઈ જાય-અટકી જાય ત્યાં ગ્રન્થિ ગાંઠ બંધાઈ જાય અને એ વ્યક્તિનું મોત નોંતરે : પછી એ ગાંઠ હાર્ટની હોય કે બ્રેઇનની હોય. બસ, એ જ રીતે અધ્યાત્મશાસ્ત્રના જાણકારો એમ કહે છે કે જ્યાં વ્યક્તિની ચિત્તવૃત્તિ લગાવથી ગંઠાઈ જાય- પ્રતિબંધિત થઈને અટકી જાય ત્યાં વ્યક્તિના ભાવપ્રાણોનું મૃત્યુ થાય. એથી જ ક્યાં ય પણ મમત્વ-આસક્તિ ન રાખવાનું જણાવતા શાસ્ત્રો ફરમાવે છે કે 'અમત્તભાવં ન કહિં પિ કુજ્જા.' ભાવાર્થ કે ક્યાંય પણ મમત્વભાવ ન રાખવો.

જૈન પરંપરામાં દીક્ષાની વિશિષ્ટ પદ્ધતિ છે. એમાં વિધિવિધાન ઉપરાંત વ્યક્તિનું વેશપરિવર્તન કરવામાં આવે, ગૃહત્યાગ કરાવવમાં આવે અને પૂર્વના નામનો પણ ત્યાગ કરવામાં આવે. અહીં દલીલ એવી પણ થઈ શકે કે 'નામ-વેશ શું કાજ ન સીઝે.' બાહ્ય શુભ પ્રવૃત્તિ વિશે સૂગ ધરાવનાર એવા વિચારો દર્શાવતા હોય છે કે 'દીક્ષા-સંયમ તે આંતર પરિણતિ સાથે સંબંધિત છે. એમાં નામ-વેશ બદલવાની શી જરૂર ?' આ સૂગપરસ્ત વ્યક્તિઓએ સમજવું જોઈએ કે ગૃહત્યાગ- ગામત્યાગ- વેશત્યાગ- નામત્યાગનો સમગ્ર ઉપક્રમ જ મમત્વભાવને- મોહદશાને તોડવા માટે છે. એના દ્વારા મુમુક્ષુ ઘર-ગામ અને પૂર્વ ગૃહસ્થજીવનના સાંસારિક સંસ્કારો તોડવાનો જ પ્રબળ પુરુષાર્થ કરે છે.

જૈન સાધના વિજ્ઞાાનમાં ગુણસ્થાનકો પર આરૂઢ થવાનો મહિમા છે. એવા કુલ ચૌદ ગુણસ્થાનકો પૈકી દશમા ગુણસ્થાન સુધી મુખ્ય સંઘર્ષ આ મમતા-આસક્તિના સર્વથા ક્ષય સાથે હોય છે. દશમા ગુણસ્થાપનના અંતે જ્યાં આસક્તિનો-મમતાનો સર્વથા ક્ષય થાય ત્યાં જ બહુ ઝડપથી તેરમું ગુણસ્થાનક અને કેવલજ્ઞાાન સુનિશ્ચિત થઈ જાય. હવે એ સાધકનો તે ભવના અંતે મોક્ષ પણ અવશ્યંભાવી હોય.

પણ...સબૂર ! આ મમતા-આસક્તિના ક્ષયની સાધના આસમાનના તારા તોડવા જેવી અશક્ય ભલે નથી, પરંતુ અતિ કઠિન જરૂર છે. સાધક એમ માનતો હોય કે ' હું હવે આસક્તિથી પર છું' તો એ એનો મોટે ભાગે ભ્રમ હોય છે. અચ્છા અચ્છા સાધકો સાવ નાનકડી વાતે ક્ષતિ કરી આસક્તિક્ષયના ક્ષેત્રે પીછેહઠ પામ્યા છે. એની એક ઝલક પૂર્વકાલીન જૈન ઇતિહાસમાંથી નિહાળીએ.

ભગવાન મહાવીરદેવના સમકાલીન અજોડ રિદ્વિવંત મહાશ્રેષ્ઠી શાલિભદ્ર. મગધ સમ્રાટ શ્રેણિકે જે રત્નકંબલ અતિશય મૂલ્યવાન હોવાનાં કારણે એક પણ ન ખરીદી તે તમામ રત્નકંબલ શાલિભદ્રની માતાએ ખરીદી અને શાલિભદ્રની પત્નીઓએ એ રત્નકંબલો પગલૂંછણીયારૂપે વાપરી એક જ દિવસમાં ફેંકી દીધી ! શાલિભદ્ર અને તેમની પત્નીઓ જે અતિ મૂલ્યવાન દિવ્ય સુવર્ણના- હીરાના અલંકારો એકવાર પરિધાન કરે તે બીજા દિવસે દેવનિર્માલ્યની જેમ ફેંકાઈ જાય. એકના એક અલંકારો તેઓ બીજી વાર પરિધાન ન કરે ! માનવજન્મમાં દૈવી સુખોપભોગ કરનાર માત્ર શાલિભદ્ર અને તેમની પત્નીઓ જ હતી.

આવા અજોડ રિદ્વિસંપન્ન શાલિભદ્રે પ્રબોધ મહાવીરપ્રભુ પાસે દીક્ષા લીધી. અનર્ગલ સમૃદ્ધિ-સુખોપભોગ- વેશ-નામ- ગૃહ- ગામ સર્વનો ત્યાગ કરી તેઓ મોહક્ષયની- કર્મક્ષયની સાધનામાં નિમગ્ન થઈ ગયા. પરાકાષ્ઠા ત્યાં આવી કે સ્વજન તો ઠીક, શરીર પરની પણ આસક્તિ તોડવા શાલિભદ્રમુનિવરે વૈભારગિરિની કાળીમીંઢ શિલા પર આમરણ અનશન (આહારાદિનો કાયમી ત્યાગ ) કર્યો ! શરીર એક જ અવસ્થામાં રાખી ત્યાં બંધ આંખે સાધના જારી હતી. પુત્રમુનિના છેલ્લાં દર્શને આવેલ માતા ભદ્રાએ અશ્રુભીની આંખે આજીજી કરી કે ' એકવાર મને જુઓ, મારી સાથે બે શબ્દો બોલો.' મુનિવર જરાક લાગણીમાં તણાયા અને એક વાર આંખ ખોલી માતા સામે નજર કરી. બસ, આટલી નાની શી મમતાએ એમના મોક્ષમાં થોડી રુકાવટ કરી. તેઓ બે જન્મ બાદ મોક્ષે જશે. જો તેઓ સૂક્ષ્મ લાગણીમાં ન તણાયા હોત તો એમનો મોક્ષ તે જ જન્મમાં થઈ જાત.

આસક્તિ આત્મકલ્યાણમાં કેવી રુકાવટ કરે તે આ ઘટનામાં અદ્ભુત પ્રતિબિંબિત થાય છે..

- આસક્તિ વ્યાવહારિક જીવનમાં દુ:ખદાયી છે : ભ્રમર માટે જાણકારો એમ કહે છે એ મજબૂત કાષ્ઠમાં ય છિદ્ર કરીને એની આરપાર નીકળી જાય. વસ્તુને છેદી-ભેદી નાખવાની એની શક્તિ આટલી તીવ્ર છે. આ જ ભ્રમર કમલની સુગંધમાં આસક્ત થઈ એમાં લીન રહે, સૂર્યાસ્ત થતાં કમલપાંખડીઓ બિડાઇ જાય અને ભ્રમર એમાં કેદ થઈ જાય. ભ્રમર ધારે તો કમલપાંખડી છેદીને બહાર નીકળવું એના માટે એકદમ આસાન ખેલ બને, પરંતુ સુગંધની આસક્તિવશ એ એમ વિચારે કે આજની રાત્રિ ભલે અહીં કેદમાં હું રહ્યો. કાલે સવારે કમલ ખૂલશે ત્યારે બહાર આવીશ. એ કમલની સુગંધમાં  આસક્ત રહી ત્યાં જ રહે. વહેલી પ્રભાતે સરોવરમાં જલ પીવા હાથી આવે, કમલને સૂંઢથી તોડી પગ નીચે કચડી નાંખે અને એમાં ભ્રમરનો કચ્ચરઘાણ નીકળી જાય.

જેમ આ ભ્રમરને આસક્તિ દુ:ખદાયી બને છે, એમ વ્યક્તિને ય આસક્તિ દુ:ખદાયી બને છે. એવી ઘણી ઘટનાઓ આપણી આસપાસ બનતી નિહાળાય છે અને અખબારોમાં ટી.વી.માં ચમકતી દેખાય છે કે જેમાં યુવક અથવા યુવતી એકતરફી પ્રેમમાં હોય, આ આસક્તિ એમના બુદ્ધિના- વિચારોના દ્વારા બંધ કરી દે અને પરિણામમાં યુવક યુવતીની હત્યા કરી નાંખે યા યુવતી સોપારી આપી યુવકને ખતમ કરાવી દે. હમણા થોડા સમય પૂર્વે અખબારોમાં એક ઘટના ખૂબ ગાજી હતી કે જેમાં તાજા લગ્ન પછી હનીમુન માટે ગયેલ કપલમાંથી પત્નીએ ભયાનક કાવતરું ઘડી પતિની હત્યા કરાવી હતી. કારણ એ જ કે તે અન્ય યુવકમાં આસક્ત હતી. પરિણામ આનું એ આવ્યું એ બૂરી રીતે પ્રસાર માધ્યમોમાં બદનામ થઈ અને હવે મોતની પ્રતીક્ષામાં જેલની હવા ખાઈ રહી છે. આ છે આસક્તિના દુ:ખદ વ્યાવહારિક જીવનના અંજામ.

- અનાસક્તિ જીવનને સ્વસ્થ રાખે છે : અનાસક્તિનો અનેક પૈકીનો એક મોટો લાભ એ છે કે એનાથી વ્યક્તિને આસક્તિનો નશો નથી ચડી જતો. વ્યક્તિ એનાથી વિવેકયુક્ત બની રહે છે અને એથી એ સ્વસ્થ રહી શકે છે. એક આવું ઉદાહરણ જોઈએ : ન્યાયમૂર્તિ રાનડે એક સાંજે પત્ની સાથે બેઠા હતા. પત્ની કેરીની ચીરી કરીને એમને આપતી હતી. ત્રણ-ચાર ચીરી પછી રાનડેએ કેરી વાપરવાની ના કહી દીધી. પત્ની કહે : 'અરે ! વાપરો. સીઝનની પહેલી જ કેરી છે અને તમને ડાયાબીટીસ વગેરે કોઈ રોગ નથી. પછી અટકો છો કેમ ? હું કેરી ખાઉં ત્યાં સુધી મને વાંધો નથી. પણ કેરી મને ખાય અર્થાત્ એની આસક્તિ મનમાં આવી જાય એનો મને વાંધો છે. માટે મારે વધુ નથી વાપરવી.' રાનડે બોલ્યા. આ છે અનાસક્તિનો જ્વલંત વિવેક કે જે વ્યક્તિને સ્વસ્થ-મસ્ત રાખે છે..

છેલ્લે, આસક્તિ જેના પર વધુ છે એ સંસાર માટે એક એવરગ્રીન સુવાક્ય : દર્પણમાં મુખ દેખાય છે ખરું પણ હોતું નથી... સંસારમાં સુખ દેખાય છે ખરું પણ હોતું નથી.