પોતાના દોષો માટે કરવા જેવી પ્રાર્થના: ''હું નિરખું દોષને મારા પ્રભુ એવાં નયન દેજો''
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- ''ખામી-ભૂલો એટલે વ્યક્તિની તે તે ક્ષેત્રમાં નબળાઈ-અણઆવડત વગેરે અને દોષો એટલે ક્રોધ-ઇર્ષ્યાદિ અવગુણો. વ્યક્તિ જો દંભ છોડીને પોતાના આ 'માયનસ પોઇંટ'નો સ્વીકાર કરી લે તો નબળાઈ-અણઆવડત વગેરે દૂર થવાની સંભાવના રહે અને ક્રોધ-ઇર્ષ્યાદિ દોષો ધીમે ધીમે શિથિલ થવાની સંભાવના રહે. પરંતુ જો વ્યક્તિ પોતાનામાં તે 'માયનસ પોઇંટ' હોવાનું સ્વીકારે જ નહિ તો એની ખામીઓ દૂર થવાની કે દોષો શિથિલ થવાની શક્યતા ન રહે...
એક સરસ સંસ્કૃત સુભાષિતની ચાર પંક્તિમાં ચાર મજાની તથ્યપૂર્ણ બાબતો પ્રસ્તુત થઇ છે. આપણે આ લેખની ભૂમિકારૂપે એના પૂર્વાર્ધની બે બાબતોનો ઉલ્લેખ કરીએ. શ્લોકની પ્રથમ પંક્તિ આ છે કે ''નરસ્યાભરણં રૂપમ્.'' એ એમ જણાવે છે કે વ્યક્તિનું આભૂષણરૂપ છે - એનો સુંદર દેખાવ છે. અનુભવની દૃષ્ટિએ આ કથન તથ્યપૂર્ણ એટલા માટે છે કે વ્યક્તિની પ્રથમ ઇમ્પ્રેશન-છાપ એના બાહ્ય દેખાવથી જ સર્જાય છે. એ વિદ્વાન છે - વિચક્ષણ છે-કાબેલ છે- કાર્યકુશલ છે એ બધી બાબતો પછી સમજાશે. પહેલી અસર તો દેખાવ જ પ્રગટાવશે.
શ્લોકનું બીજું ચરણ કહે છે કે ''રૂપસ્યાભરણં ગુણઃ.'' મતલબ કે રૂપનું આભૂષણ ગુણ છે. આ પણ ખૂબ તથ્યપૂર્ણ વિધાન છે. કારણ કે રૂપ ભલે પહેલી ઇમ્પ્રેશન-છાપ સર્જે. પરંતુ તે પછીની સ્થાયી છાપ તો ગુણથી જ સર્જાય. ઘડો ભલેને નક્શીકામ-ચિત્રકામ વગેરેથી પ્રથમ નજરે જ મન મોહી લે. પરંતુ એ પાણી જરા ય ઠંડું ન કરે તેવો રીઢો હોય તો ? તો એ ઘડાની પસંદગી સમજુ વ્યક્તિ નહિ કરે. કેમ કે ઘડાનું મુખ્ય કાર્ય તો શીલત જલ દ્વારા તૃષા છિપાવવાનું છે. બસ, આ જ રીતે રૂપવાન વ્યક્તિ જો ગુણવાન ન હોય તો એ અન્યો માટે સ્થાયી પસંદગીના વિષય ન બની શકે. માટે આપણે બે લેખ દ્વારા સ અક્ષરથી શરૂ થતાં કુલ ચાર ગુણો પર વિચાર વિહાર કરીશું. અલબત્ત, આ ગુણો પ્રાથમિક કક્ષાના છે. પરંતુ એ જીવનવ્યવહારના સંદર્ભમાં ઉપયોગી પુરવાર થાય તેમ છે.
(૧) સહાયકભાવ:- જૈન પરંપરાની ''ફિલોસોફી''નું એક સરસ તાત્ત્વિક ચિંતન આનાં અનુસંધાનમાં યાદ કરીએ. જૈન પરંપરા સમગ્ર વિશ્વને છ દ્રવ્યમય માને છે. આ દરેક દ્રવ્યનો એકેક મૂલભૂત ગુણ પણ એ દર્શાવે છે. જેમ કે ધર્માસ્તિકાયદ્રવ્યનો ગુણ ગણિસહાયકતાનો છે, અધર્માસ્તિકાયદ્રવ્યનો ગુણ સ્થિતિ સહાયકતાનો છે ઇત્યાદિ. એ પૈકી જીવદ્રવ્યનો ગુણ દર્શાવાયો છે પરસ્પર સહાયક થવાનો. ભાવાર્થ એ થયો કે જીવોનો મૂલભૂત ગુણધર્મ પરસ્પર સહાયક બનવાનો જ છે. જો જીવોનો આ સ્વભાવ છે, તો માનવ તો એ જીવસૃષ્ટિમાં ખૂબ વિકસિત અવસ્થાએ રહેલ છે. એને તો અસર-પરસ સહાયક બનવું જ જોઇએને?
દરેક વ્યક્તિ પોતાની દૈનંદિન જીવનશૈલી વિચારે તો એમાં સ-વેતન કે અ-વેતન ઘણી બધી વ્યક્તિઓની સહાયકતા અચૂક જોડાયેલી જ છે. સવારના સમય પાણી-દૂધ મળવાથી લઇને રાત્રે ટેક્સી-કાર વગેરે દ્વારા વ્યક્તિ સહીસલામત ઘરે પહોંચે ત્યાં સુધી સર્વત્ર ક્યાં ય ને ક્યાં ય કોઇને કોઇની સહાય જોડાયેલી જ છે. અન્યોની ડાયરેક્ટ યા ઇન્ડાયરેક્ટ સહાય વિના વ્યક્તિ જીવી ન શકે. આમ છતાં માનવી ઘણીવાર અન્યોને નડવા તૈયાર થઇ જાય છે કે સહાયક થવા તૈયાર નથી થતો એનું કારણ છે એનો સ્વાર્થ. આ સ્વાર્થ જ્યારે તગડો-મજબૂત બને છે ત્યારે માનવી 'સામેવાળાનું જે થવું હોય એ થાય' જેવી વિચારણાનો ભોગ બની નડે છે, તો 'મારે શી લેવા-દેવા' જેવી વિચારણાથી સહાયક થવાથી દૂર રહે છે. આ બન્ને વિચારણાઓને ધ્વસ્ત કરવા આત્મસાત્ કરવાનો છે સહાયકભાવ.
આ સહાયકભાવ વિશિષ્ટપણે આત્મસાત્ થઇ જાય તો વ્યક્તિના વિચાર અને વર્તન કેવા ઉત્તમ-ઉદાહરણીય બની જાય એની પ્રતીતિ કરવી છે ? તો વાંચો દિલને બાગ બાગ કરી દે તેવી આ કથા:
ભગવાન મહાવીરદેવના સમયની વાત. ત્યારે કૌશાંબીનગરીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરે. રાજાના અનેક મન્ત્રીઓ પૈકી એક મન્ત્રી હતા સુબુદ્ધિ. જેવું એમનું નામ હતું એવા જ એમના ગુણ હતા. એ બુદ્ધિશાળી તો હતા જ. પરંતુ એમની એ બુદ્ધિ સુ-બુદ્ધિ હતી. એથી જ એ હંમેશા પોતાનાં દરેક કાર્યોમાં સામાન્ય જનતાને શો લાભ થાય એ વિચારતા. સત્તાસ્થાને હોવાનાં કારણે એ ધારત તો ભલભલાને સકંજામાં લઇ હેરાન-પરેશાન કરી શક્યા હોત. પરંતુ એમણે ''દુષ્ટસ્ય દણ્ડઃસુજનસ્ય સેવા''ની સાચી રાજનીતિ અપનાવી હતી. બિનઅપરાધી દરેક સામાન્ય વ્યક્તિની એ હિતચિંતા કરે. પણ રે નસીબ! અશુભ કર્મનો ઉદય ક્યારે કોને કેવો થાય એ કોણ જાણી શકે છે જ્ઞાની વિના ? સુબુદ્ધિમન્ત્રીને અચાનક અશાતાવેદનીય કર્મનો ઉદય થયો. એક સવારે એ જાગ્યા ત્યારે બન્ને આંખોનાં તેજ અચાનક ગાયબ ? કશું જ દેખાય નહિ. મન્ત્રીનાં ઘણા બધાં કાર્યો અટકી ગયા અને મન્ત્રી પરાધીન થઇ ગયા. પરંતુ એ ખૂબ ધીર-ગંભીર-વિવેકી હતા. એથી કોઇ હાયવોય ન કરી. બલ્કે યોગ્ય ઉપાયોની શોધ એ કરતા રહ્યાં. એવામાં એમને સમાચાર મળ્યા કે દૂર દૂર દેશાવર કોઇ નિષ્ણાત મહાવૈદ્ય પાસે આનો ઉપાય છે ખરો. મન્ત્રીએ વિશ્વાસુ સેવકને એ દેશ તરફ પાઠવ્યો. મહિનાઓના પ્રવાસના અંતે સેવક મહાવૈદ્ય સુધી પહોંચ્યો. ઊંચુ મૂલ્ય ચૂકવી એણે સિદ્ધ અંજન પ્રાપ્ત કર્યું. બન્ને આંખે એક જ વાર અંજન આંજવાથી આંખો પૂર્વવત્ તેજસ્વી-બધું નિહાળતી થઇ જાય એવું આ રસાયણિક અંજન હતું. વફાદાર સેવક એ અંજન જીવની જેમ સાચવીને મહિનાઓની દડમજલના અંતે કૌશાંબી પરત આવ્યો. જાણકારો કહે છે કે ''અચિન્ત્યો હિ મણિમન્ત્રૌષધીનાં પ્રભાવઃ.'' મતલબ કે મણિ-મન્ત્રો અને ઔષધિઓનો પ્રભાવ કલ્પનાતીત હોય છે. મન્ત્રીને આ સત્યનો સાક્ષાત્કાર થયો. પહેલી આંખમાં અંજન આંજતાવેંત મન્ત્રીની એ આંખ એવી તેજસ્વી-નરવી બની ગઇ કે જાણે એ આંખને કોઇ તકલીફ કદી હતી જ નહિ. વિશ્વાસુ સેવક બીજી આંખે અંજન આંજવા જતો હતો ત્યાં મન્ત્રીએ એને અટકાવતાં કહ્યું: ''જે સામાન્યજનોને આંખોનાં તેજ વિલાઇ ગયા હોય તેઓ ન તો એટલે દૂર જઇ શકે, ન એટલી રકમ ખર્ચી શકે. માટે આટલાં રસાયણનો ઉપયોગ ન કરતાં એ આપણાં રાજ્યનાં રસાયણવિદોને-વૈદ્યોને સંશોધન માટે આપી દઇએ. જો તેઓ સંશોધનમાં સફલ થશે તો મને અને સેંકડો લોકોને આંખનાં તેજ પરત મળશે. કદાચ જો તેઓ નિષ્ફલ જશે તો વધુમાં વધુ નુકસાન એટલું જ કે મારી એક આંખ તેજવિહોણી રહેશે.'' મન્ત્રીની ભાવના મુજબ એ અંજન રસાયણવિદોને-વૈદ્યોને અપાયું.
જેમણે જેમણે આ સમાચાર જાણ્યા તેઓ મન્ત્રીની આ અદ્ભુત બુદ્ધિ અને એથીય વિશેષ સહાયવૃત્તિ પર ઓવારી ગયા કે સહુના હિતની આવી કામના! કમાલ. જરૂર પડયે પોતાની એક આંખનાં તેજનો ભોગ આપવાની મન્ત્રીની સહાયકભાવના રંગ લાવી. રાજ્યના રસાયણવિદો-વૈદ્યોએ એ અંજન પર સંશોધનો કર્યા-એનાં વિવિધ તત્ત્વોનું પૃથક્કરણ-વિશ્લેષણ કર્યું અને એના દ્વારા નવું અંજન વિપુલ પ્રમાણમાં એવું તૈયાર કર્યું કે જેનાથી મન્ત્રીને તો બીજી આંખના તેજ મળ્યાં જ, ઉપરાંત રાજ્યના સેંકડો સામાન્ય લોકોને વિનામૂલ્યે બન્ને આંખોની જ્યોતિ મળી !
સહાયકભાવ વિશિષ્ટપણે આત્મસાત્ થાય તો એ કઇ હદે અન્યો માટે શુભ વિચારો-શુભ પ્રવૃત્તિ કરાવે તે ઉપરોક્ત કથામાં પ્રતિબિંબિત થાય છે. આવો સહાયકભાવ આપણામાં વિકસ્વર થાય એ માટે પેલી પંક્તિ સરસ પ્રેરણા કરે છે કે:-
સીર્ફ અપના હી ખ્યાલ કર કે જીએ, તો હમ ક્યા જીએ ?
જીંદાદિલીકા તકાજા હૈ, કિ કુછ ઔરો કે લિએ ભી જીએ.
(૨) સ્વીકારભાવ:- ઉચ્ચ આધ્યાત્મિક સંદર્ભમાં વિચારવા જઇએ તો આ શબ્દ બહુ મોટા ગજાનો છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કે કનિષ્ઠમાં કનિષ્ઠ ઘટના સમયે પણ મન ઉન્મત્ત કે ઉદ્વેગગ્રસ્ત ન થઇ જાય તે માટે ત્યાં સ્વીકારભાવ શબ્દ પ્રયોગ કરાય છે કે જે ઘટના જેવી હોય તેને તટસ્થભાવે સ્વીકારી લો. કોઇ ગમો-અણગમો નહિ. પરંતુ આપણે અહીં પ્રાથમિક કક્ષાના ગુણરૂપે આ ઉલ્લેખ કરી રહ્યા છીએ. માટે એનું અર્થઘટન હળવું કરીશું કે પોતાની ખામીઓ-ભૂલો યાવત્ દોષોનો અહંકારાદિવશ ઇન્કાર ન કરવો, બલ્કે પોતાનામાં તે તે ખામી વગેરે હોવાનું નિખાલસપણે સ્વીકારી લેવું.
ખામી-ભૂલો એટલે વ્યક્તિની તે તે ક્ષેત્રમાં નબળાઈ-અણઆવડત વગેરે અને દોષો એટલે ક્રોધ-ઇર્ષ્યાદિ અવગુણો. વ્યક્તિ જો દંભ છોડીને પોતાના આ 'માયનસ પોઇંટ'નો સ્વીકાર કરી લે તો નબળાઈ-અણઆવડત વગેરે દૂર થવાની સંભાવના રહે અને ક્રોધ-ઇર્ષ્યાદિ દોષો ધીમે ધીમે શિથિલ થવાની સંભાવના રહે. પરંતુ જો વ્યક્તિ પોતાનામાં તે 'માયનસ પોઇંટ' સ્વીકારે જ નહિ તો એની ખામીઓ દૂર થવાની કે દોષો શિથિલ શક્યતા ન રહે. આનાથી વ્યક્તિને કેવું નુકસાન થાય એ જાણવું છે ? તો વાંચો જૈન શાસ્ત્રોની આ કથા ખૂબ સંક્ષેપમાં કે જે માત્ર બાહ્ય ખામીના અસ્વીકારનું નુકસાન દર્શાવે છે અને ઉપનયરૂપે અભ્યંતર દોષોના અસ્વીકારના નુકસાનો તરફ અંગુલિનિર્દેશ કરે છે.
રાજાએ રાજમલ્લ (મલ્લ=નિષ્ણાત કુસ્તીબાજઃ તરીકે નિયુક્ત કરેલ મલ્લને એક નવા આવેલ મલ્લે હરાવી દીધો. રાજાએ નવા મલ્લને રાજમલ્લપદે નિયુક્ત કર્યો. પોતાનું સ્થાન ઝુંટવાઈ જવાથી જૂનો મલ્લ દુઃખી તો થયો. પરંતુ નવા યુવા અને જોરાવર મલ્લ સામે એ ટકી શકે એમ ન હતો. આ ઘટનાના સાત-આઠ વર્ષ બાદ જૂના મલ્લ પાસે એક નવયુવાન અને પ્રબળ તાકાતવાન ગ્રામ્ય વ્યક્તિ આવી. જૂના મલ્લે એને મલ્લકુસ્તીના દાવપેચ શીખવી રાજમલ્લ સામે કુસ્તીમાં ઉતાર્યો. પહેલા દિવસે બન્ને વચ્ચે 'કાંટે કી ટક્કર' જેવું રહ્યું. રાત્રે રાજાએ રાજમલ્લને પૂછયું: ''તને ઇજાઓ થઇ હોય તો ઔષધ-માલિશ કરાવીએ.'' માર તો ખૂબ લાગ્યો હતો. છતાં એણે પોતાની મોટાઈ બતાવતા અહંકારથી કહ્યું: ''મેં તો એના ગુરુને ય હરાવી દીધો હતો. આ છોકરડો મને શું ઇજા પહોંચાડે ? મારી સામે એ મચ્છર છે.'' આ તરફ જુના મલ્લે પેલા યુવાનને પૂછયું: ''તને માર-ઇજાઓ થઇ છે?'' યુવાને નિખાલસતાથી હા કહેતાં જૂના મલ્લે એની બરાબર સારવાર-માલિશ કરાવી. બીજે દિવસે કુસ્તી શરૂ થઇ. આ તાજા-માજા યુવાને પેલા ઇજાગ્રસ્ત રાજમલ્લને ગણતરીના સમયમાં પછાડી દઇ વિજય પ્રાપ્ત કરી લીધો ! ખામી-નબળાઈના અસ્વીકારનો આ અંજામ હતો.
છેલ્લે, દોષો સ્વીકારવાની નિખાલસતાની પ્રેરણા આપતી પંક્તિથી સમાપન કરીએ કે:-
જીવનના જે બધા પુણ્યો, જીવનને તે મુબારક હો;
હું નીરખું દોષને મારા, પ્રભુ એવાં નયન દેજો...