Get The App

સુનિયંત્રિત મન સુખોની આમંત્રણપત્રિકા છે...અનિયંત્રિત મન દુ:ખોની આમંત્રણપત્રિકા છે...

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
સુનિયંત્રિત મન સુખોની આમંત્રણપત્રિકા છે...અનિયંત્રિત મન દુ:ખોની આમંત્રણપત્રિકા છે... 1 - image

- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રંથનો યતિશિક્ષાધિકાર. એના એક શ્લોકમાં સાધક પોતાનાં મનને કઈ રીતે સમજાવે એનું હૃદયંગમ નિરૂપણ છે. ધારો કે ગ્રીષ્મકાલીન વિહારમાં ઉકળાટ-તરસ-શ્રમ-ક્ષુધા વગેરેથી ત્રાસીને સાધકનું-શ્રમણનું મન બળવો પોકારવા તૈયાર થઈ ગયું હોય ત્યારે સાધક એને મિષ્ટભાવે સમજાવે કે 'સ્વવશતાસહને હિ ગુણો મહાન્.' સંયમધર્મની સાધનારૂપે આ સ્વેચ્છાથી સહન કરવામાં બહુ મોટા લાભ થાય છે.

મનવિષયક વિચારણાના ગત લેખમાં, આપણે મનથી અપ્રતિમ-પ્રચંડ શક્તિની વિચારણાથી પ્રારંભ કર્યો હતો. આજના લેખમાં મનની વિચારણાને આગળ વધારતાં, મનની વિલક્ષણતાથી વિચિત્રતાથી પ્રારંભ કરીશું.

કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્ર ગ્રન્થમાં મનની વિલક્ષણતા દર્શાવતા માર્મિક પંક્તિ લખી છે કે :- 'મન:કપિરયં વિશ્વ-પરિભ્રમણ લમ્પટ:' ભાવાર્થ કે મન એવું વાંદરું છે કે જે પૂરા વિશ્વમાં ભમવા-ભટકવા માટે લાલચું છે  આ પંક્તિમાં બે શબ્દો ધ્યાનાકર્ષક છે :  એક કપિ-વાંદરો અન બીજો લમ્પટ. વાનરની પ્રવૃત્તિઓ નિહાળીશું તો ખ્યાલ આવશે કે એ ક્યાંય ઠરીઠામ થઈને બેસશે નહિ. કારણ વિનાની અહીંથી ત્યાં કૂદાકૂદ એ વાનરની લાક્ષણિકતા છે. મનની લાક્ષણિકતા પણ બિલકુલ આ વાનર જેવી છે. એ એક બાબતમાં કેન્દ્રિત થઈ લાંબો સમય સ્થિર નહિ રહે, અહીંથી કૂદાકૂદ જ કરશે. એમાં પણ શુભ નિમિત્તો-શુભ આલંબનો હશે ત્યાં તો એ ખાસ સ્થિર નહિ રહે. નિમિત્ત હોય દેરાસરનું અને મન પહોંચી જશે એકાએક દુકાનમાં, નિમિત્ત હોય વિતરાગ વિભુનું અને મન એકાએક છલાંગ લગાવશે વિજાતીય પાત્રમાં.

હેમચન્દ્રાચાર્યે બીજો શબ્દપ્રયોગ કર્યો છે લમ્પટ. મતલબ કે આ રીતની રખડપટ્ટી કરવામાં મન લમ્પટ છે-લાલચુ છે. લાલચુ વ્યક્તિને જેમ એની ચહિતી વસ્તુ વિના ચેન ન પડે, એમ મનને રખડપટ્ટી વિના ચેન ન પડે. ભગવદ્ગીતામાં અર્જુન એટલે જ કહે છે કે 'ચંચલં હિ મન: કૃષ્ણ !' ભાવાર્થ કે કૃષ્ણદેવ ! મન ખરેખર ચંચલ છે.

મહાયોગી આનંદઘનજી એમની એક સજ્ઝાયનો પ્રારંભ જ આ પંક્તિઓથી કરે છે કે :-

ક્યાં કરું મન સ્થિર નહિ રહેતા, ઇધર ફિરે મન મેરા...

યહ મન કો બેર બેર સમજાયા, સમજ સમજ મન મેરા...

અલબત્ત, આ પંક્તિઓનો અર્થ એવો નથી સમજી લેવાનો કે આનંદઘનજી જેવા મહાયોગી મન નિયંત્રિત કરી શકતા ન હતા. બની શકે કે એમણે સામાન્ય સાધકની વિલક્ષણ મન:સ્થિતિને આમાં પ્રતિબિંબિત કરી હોય. પરંતુ એટલું ચોક્કસ કે આ પંક્તિ દ્વારા એમણે મનની ચંચળતાનો સ્વીકાર તો કર્યો જ છે.

આ મનને સમ્યગ્ બનાવવાની વિચારણારૂપે હવે આપણે લઈશું ત્રીજા અને ચોથા ક્રમની વાતો :

(૩) મનોવારણ :- આ શબ્દનો અર્થ છે મનને નિયન્ત્રિત કરવું-બ્રેક લગાવવી. પૂર્વ લેખમાં મનનાં પ્રબળ સામર્થ્ય અંગે જણાવ્યું હતું. એનાં અનુસંધાનમાં એમ વિચારી શકાય કે વ્યક્તિ-વસ્તુ જેટલી સામર્થ્યશાલી, એટલું એના પર નિયંત્રણ આવશ્યક. કાર ફુલસ્પીડમાં જઈ શકે તેવી હોય, તો એની બ્રેક પણ પાવરફુલ જ જોઈએ. નહિ તો ક્યાંક પ્રચંડ અકસ્માત્ સર્જાય. હાથી પ્રબળ શક્તિશાળી પ્રાણી છે, તો એના પર અંકુશ હોવો જ જોઈએ. નહિ તો એ ક્યાંક મોટી હોનારત સર્જી દે. પાણીના ધસમસતા પ્રવાહમાં ધરખમ તાકાત છે, તો એના પર બે કાંઠાનું યા બંધનું નિયંત્રણ હોવું જોઈએ. નહિ તો ક્યાંક એ મોટી તારાજી સર્જી દે. બસ, એ જ રીતે મન પ્રબળ તાકાત છે, તો એના પર નિયંત્રણ રહેવું જોઈએ. વિશેષરૂપે જો એ દોષો-દૂષણો તરફ ખેંચાતું હોય-ઉન્માર્ગ પર દોડવા ચાહતું હોય ત્યારે તો એના પર કઠોર નિયંત્રણ આવવા જ જોઈએ. આ નિયંત્રણનું જ નામ છે મનોવારણ-મનોદમન.

કેટલીક અવસ્થા સુધી આ વારણ-દમન અસરકારક ઉપાય બની રહે છે. જૈન પરંપરામાં શ્રમણો માટે એક વિશેષણ પ્રયોજાય છે 'દાંત'. દાંત એટલે મનનું અને ઇન્દ્રિયોનું દમન કરનાર, કઠોર ઉપાયો દ્વારા મન-ઇન્દ્રિયોનું અનિષ્ટ બાબતોથી વારણ કરનાર. આત્મકલ્યાણના સાધક કેવું ઉત્તમ વિચારે તે, પવિત્ર આગમ ઉત્તરાધ્યયન સૂત્રની એક ગાથામાં આ શબ્દોમાં પ્રતિબિંબિત કરાયું છે કે :-

વરં મે અપ્પા દંતો, સંજમેણ

તવેણ ય;

માહં પરેહિ દમ્મંતો,

બંધણેહિ વહેહિ ય.

ભાવાર્થ આનો એ છે કે સાધક મુનિ એમ વિચારે : 'અન્યો દ્વારા વધ-બંધનરૂપે હું દમન પામું તે બરાબર નથી. શ્રેષ્ઠ બાબત એ છે કે સંયમ અને તપ દ્વારા હું સ્વયં મારી જાતનું દમન કરું-વારણ કરું.' સારાંશ આનો એ છે કે મનની ખોટી વૃત્તિ અને ઇન્દ્રિયોની ગલત પ્રવૃત્તિઓથી દુર્ગતિગામી બની વધ બંધનનાં દુ:ખ સહવા કરતાં સંયમ-તપ દ્વારા સ્વયં જાતનું દમન કરી સદ્ગતિ-મોક્ષગતિગામી બનવું બહેતર છે. જ્યારે શાસ્ત્રો સ્વયં આ રીતનો મનોદમનનો-મનોવારણનો માર્ગ દર્શાવતા હોય ત્યાં સાધકો-શ્રમણો અવસરે મનોદમન-મનોવારણ કરે જ. નિહાળવી છે આની ઝલક ? તો વાંચો આ જૈન શાસ્ત્રોમાં વર્ણવાયેલ પ્રાચીન કથાનો જરૂરી અંશ :

ભરયુવા વયે યુવરાજમાંથી મુનિરાજ બનેલ દમસારમુનિ માસક્ષમણનાં પારણે માસક્ષમણની કઠોર તપશ્ચર્યા કરતા હતા. એમાં એક માસક્ષમણના પારણાદિને વહેલી પ્રભાતે સ્વયં પ્રભુ મહાવીરદેવનાં મુખે એમણે સાંભળ્યું કે 'આજે તમને કેવલજ્ઞાનની પ્રાપ્તિની શક્યતા છે, જો વર્તમાનની ભાવધારામાં આગળ વધતાં જાવ તો. પરંતુ તમે આ ધારામાં ટકી શકવાના નથી, ક્રોધકષાયને વશ થઈ જવાના છો. માટે કેવલજ્ઞાનથી વંચિત રહી જશો.'

દમસારમુનિ આ વાતથી અભિભૂત થઈ ગયા. કેમ કે કેવલજ્ઞાન તો અગણિત જન્મોની સાધનાનું અંતિમલક્ષ્ય. એ પ્રાપ્ત થાય એટલે એ જ જન્માંતે મોક્ષ. આવી અતિ દુર્લભ તક સરવા કેમ દેવાય ? એ કટિબદ્ધ થયા-સાવધ થયા તક ઝડપવા. જો કે, એમને ભીતરમાં વાસ્તવિક ભય પ્રગટતો હતો કે પ્રભુનું વચન કદી મિથ્યા ન થાય. એટલે મારો પુરુષાર્થ નિષ્ફળ જવાની જ શક્યતા છે. આખર એ જ થયું, જે પ્રભુએ કહ્યું હતું. દમસારમુનિ તક ચૂકી ગયા અને નિમિત્ત મળતાં ક્રોધ કરી બેઠા. અલબત્ત ! નિમિત્ત પ્રબળ હતું અને ક્રોધનો સમય અલ્પ હતો. છતાં નુકસાન થઈને જ રહ્યું. એ કેવલજ્ઞાનથી વંચિત રહ્યા.

મુનિવરને પોતાની ભૂલ સમજાઈ ત્યારે એ ભિક્ષાચર્યામાં હતા. એમને પ્રબળ પશ્ચાત્તાપ થયો આ દુર્લભ તક ચૂકવા બદલ. ગુસ્સો કરનાર મનનું દમન કરવા-એને વશમાં લેવા મુનિવરે ત્યાં જ દ્રઢ પ્રતિજ્ઞા લીધી કે 'હવે કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ-સળંગ ચોવિહાર ઉપવાસ !' આ શું હતું ? ભયાનક ભૂલ કરનાર મનનું દમન-શિક્ષાત્મક પગલું. આનું પરિણામ એ આવ્યું કે તે પછીના સાતમા દિવસે દમસાર મુનિને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ! એ જ ભવના અંતે તેઓ મોક્ષે પધાર્યા.

તો, આ છે મનોવારણ-મનોદમન કે જેમાં દંડાત્મક કડક પગલાં છે. એ પગલાં તપ-નિયમ-કઠોર સંયમ વગેરે રૂપે હોય.

(૪) મન:શમન :- શમનનો અર્થ છે મનને સમજાવવા દ્વારા શાંત-ઉપશાંત કરવું. ક્યારેક મન ન સમજે-ન માને ત્યારે ઉપર જણાવ્યો તે દમનનો ઉપાય અજમાવાય ખરો. પરંતુ દમન જો સાવ કોરું હોય-સમજણની ભીનાશવિહોણું હોય તો એ 'બૂમરેંગ' બને - સફલ ન થાય. આની સામે શમનની વિશેષતા એ છે કે એ એકલું હોય અર્થાત્ દમન ત્યાં ન હોય તો ય એ સર્વાંગ સફળ થાય. એ અપેક્ષો દમન કરતાં શમન વધુ સરસ ઉપાય છે. આપણે પૂર્વે ઉત્તરાધ્યયન સુત્રની જે ગાથા વિચારી તેમાં દમન સાથે શમન પણ સંમીલિત છે. કેમકે ત્યાં સંયમ-તપ દ્વારા જાતનાં દમનની વાત છે જ, ઉપરાંત અન્યો દ્વારા થનાર વધ-બંધનની જે સરખામણી છે તે સમજણના ઘરની છે. સારાંશ એ થયો કે તે ગાથામાં ય નકરા દમનની વાત નથી, દમન-શમન મિશ્ર છે.

નીતરતી સમજણથી મઢેલ શમન કેવું મજાનું હોય એની એક-બે ઝલકો મહાન ગ્રન્થોમાંથી નિહાળીએ :

* 'અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રંથનો યતિશિક્ષાધિકાર. એના એક શ્લોકમાં સાધક પોતાનાં મનને કઈ રીતે સમજાવે એનું હૃદયંગમ નિરૂપણ છે. ધારો કે ગ્રીષ્મકાલીન વિહારમાં ઉકળાટ-તરસ-શ્રમ-ક્ષુધા વગેરેથી ત્રાસીને સાધકનું-શ્રમણનું મન બળવો પોકારવા તૈયાર થઈ ગયું હોય ત્યારે સાધક એને મિષ્ટભાવે સમજાવે કે 'સ્વવશતાસહને હિ ગુણો મહાન્.' સંયમધર્મની સાધનારૂપે આ સ્વેચ્છાથી સહન કરવામાં બહુ મોટા લાભ થાય છે. સાથે સામા અંતિમનું પરિણામ પણ દર્શાવે છે 'પરવશસ્વતિભૂરિ સહિષ્યસે, ન ચ ગુણં બહુમાપ્યસિ કંચન.' તિર્યંચગતિ-નરકગતિમાં પરતંત્રતાથી-પરવશપણે હે જીવ ! તું ઘણું બધુ સહન કરીશ તો ય એનાથી કોઈ મોટો લાભ નહિ થાય. કેવી સરસ સમજાવટપૂર્વકનું શમન છે આમાં. જૈન પરિભાષા મુજબ, સ્વેચ્છાએ સહન કરવામાં સકામ નિર્જરાનો જબરજસ્ત લાભ થાય છે, જ્યારે પરવશતાથી પરાણે સહન કરવામાં અકામ નિર્જરાનો સામાન્ય લાભ થાય છે.

* દશવૈકાલિક નામે મહાન આગમગ્રંથ. એની એક પંક્તિ કામવાસનાઓ યા ઇચ્છામાત્રનાં આક્રમણ સામે સરસ સમજાવટ આપે છે કે 'કામે કમાહિ કમિયં ખુ દુક્ખં.' તું ઇચ્છઓ-વાસનાઓ ઓળંગી જા, એને કાબૂમાં લઈ લે. નહિ તો એ તારા પર કાબૂ જમાવી તને દુ:ખી કરી દેશે. કેવો મસ્ત તર્ક !

છેલ્લે એક વાત : સુનિયંત્રિત મન સુખોની આમંત્રણપત્રિકા છે... અનિયંત્રિત મન દુ:ખોની આમંત્રણપત્રિકા છે...