Get The App

કચ્છની પદયાત્રામાં 225 થી વધુ જિનાલયયાત્રા: 'જયાં જયાં પ્રતિમા જિનતણી.. ત્યાં ત્યાં કરું પ્રણામ'

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
કચ્છની પદયાત્રામાં 225 થી વધુ જિનાલયયાત્રા: 'જયાં જયાં પ્રતિમા જિનતણી.. ત્યાં ત્યાં કરું પ્રણામ' 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

જૈન શ્રમણોની આ પદયાત્રા-વિહારના અનેક પૈકી બે લાભ એ છે કે નાના નાના અંતરિયાળ ગામોના જિનાલયોની-તીર્થોની યાત્રા અને નવા નવા પ્રદેશોના લોકોની ભાતીગળ જીવનશૈલીનો રસાળ પરિચય. અમે બાવીશ શ્રમણો, સોળ શ્રમણીઓ અને દીક્ષાર્થીઓ વગેરે કચ્છપ્રદેશની વિહારયાત્રામાં આ બન્ને લાભો રોજ રોજના પદયાત્રા-વિહારો સાથે ભરપૂર માણી રહ્યા છીએ.

મહાવિદેહ ક્ષેત્રના વિહરમાણ તીર્થકર પરમાત્મા શ્રી સીમંઘરપ્રભુના શ્રીમુખેથી જેનું પ્રાગટય થયું છે તેવી ચાર ચૂલિકા પૈકી બે છે દશવૈકાલિક આગમચૂલિકા. આમાંની એક ચૂલિકામાં જૈન શ્રમણ-શ્રમણી ભગવંતોની પદયાત્રા-વિહાર માટે છ વિશેષણો સાથે અંતે સરસ પંક્તિ લખાઈ છે કે: 'વિહારચરિયા ઇસિણં ઇસિણં પસત્થા.' ભાવાર્થ કે મુનિવરોની આ પાદવિહારચર્યા ખરેખર પ્રશસ્ય છે. વંદનીય છે. નમસ્કરણીય છે.

માત્ર ભગવાન મહાવીરપ્રભુનાં ધર્મશાસનની વાત કરીએ તો અહીં અઢીહજાર વર્ષથી અખંડ પદયાત્રા જ દરેક શ્રમણ-શ્રમણી સંયમધર્મના એક ભાગરૂપે સ્વીકારે છે, વાહન નહિ. અરે ! માંદગી-ઇમર્જન્સી સારવારના સંયોગોમાં અપવાદરૂપે વાહનનો ઉપયોગ ગુર્વાજ્ઞાથી કરવો પડે તો એનું તેઓ પ્રાયશ્ચિત લે. અન્ય કોઈ ધર્મપરંપાઓમાં આટલી ચુસ્તતાથી પદયાત્રા-વિહાર સ્વીકારનાર સાધુ-સંતો લગભગ નિહાળવા નહિ મળે. જૈન શ્રમણોની આ પદયાત્રા-વિહારના અનેક પૈકી બે લાભ એ છે કે નાના નાના અંતરિયાળ ગામોના જિનાલયનો-તીર્થોની યાત્રા અને નવા નવા પ્રદેશોના લોકોની ભાતીગળ જીવનશૈલીનો રસાળ પરિચય. અમે બાવીશ શ્રમણો, સોળ શ્રમણીઓ અને દીક્ષાર્થીઓ વગેરે કચ્છપ્રદેશની વિહારયાત્રામાં આ બન્ને લાભો રોજે રોજના પદયાત્રા-વિહારો સાથે ભરપૂર માણી રહ્યા છીએ. આવો, એની સંક્ષિપ્ત રસઝલકો બે લેખ દ્વારા નિહાળીએ:

આ વર્ષનો પાંચમો અને અંતિમ પદયાત્રાસંઘ શંખેશ્વરજી મહાતીર્થનો કરાવી અમે રાધનપુરના માર્ગે કચ્છમાં પ્રવેશ કર્યો. એક માત્ર રાધનપુરમાં જ પચીશ-પચીશ જિનાલયોનાં દર્શનનો ભક્તિનો લાભ મળ્યો. કેટલા ય પ્રાચીન-પ્રભાવશાળી પ્રભુજીઓની ભક્તિની અમૂલ્ય તક મળી. જો કે વસતિની દૃષ્ટિએ ગામની સ્થિતિ 'સાપ ગયા અને લિસોટા રહ્યા' જેવી. અમારા એક મુનિભગવંત ત્યાંના હોવાથી એમના સાસાંરિક પરિવારે સામૈયું-સંઘનવકારશી યોજેલ. એમાં સંખ્યા હતી મુશ્કેલીથી સો આસપાસ. કચ્છમાં પણ ગામેગામ આ જ સ્થિતિ હતી. જૈન વસતિ લગભગ મુંબઈ જેવા મોટા શહેરોમાં.

કચ્છમાં પહેલા અમે વાગડપ્રદેશની પદયાત્રા-તીર્થયાત્રા કરી, પછી કંઠીપ્રદેશ અને અબડાસા તાલુકાની પ્રસિદ્ધ મોટી પંચતીર્થી-નાની પંચતીર્થીની યાત્રા કરી અને હવે પરત જતા વાગડના શેષ બાકી ગામો- ધ્રાંગધ્રા - ચૂલી- હળવદ વગેરેની યાત્રા કરી ચાતુર્માસ માટે અમદાવાદમાં તા.૮ જૂને ભવ્ય સ્વાગતસામૈયું- સમારોહ સાથે નગરપ્રવેશ કરીશું. વાગડના ગામો તપાગચ્છના અને ત્યાં વાગડસમુદાયના શ્રમણોનું પ્રભુત્વ, તો એ સિવાયના ગામોમાં મુખ્યત્વે અચલગચ્છનું પ્રભુત્વ. ચાર પાંચ ગામોમાં પાર્શ્ચચન્દ્રગચ્છનું પણ પ્રભુત્વ. કેટલાય ગામોમાં સ્થાનક માર્ગી આઠ કોટિ-છો કોટિ સંપ્રદાયોનો પણ એટલો જ વર્ગ. પરંતુ એક વાતો કચ્છી જૈન પ્રજાને દિલથી ધન્યવાદ આપવા જોઈએ કે અમને ક્યાંય ગચ્છ- સંપ્રદાયની કટ્ટરતાનો અનુભવ ન થયો. અમને અનુભવ થયો એમની સરલતાનો અને શ્રદ્ધાનીતરતી ભક્તિનો.  આપણે એવા અનુભવોની બે-ત્રણ ઝલકો જોઈએ.

અમે સાંતલપુર આવ્યા. એ કચ્છની સીમાનું ગણાતું પહેલું ગામ. કચ્છની સત્તાવાર શરૂઆત એ પછી થવાની હતી. કચ્છી ગામઠી સામૈયાંની પહેલી ઝલક ત્યાં જોઈ. એમાં ઢોલ સાથે શ્રાવકો પોતે મંઝીરા બજાવે અને ગીતો ગાય. પછી તો આવો અનુભવ ઠેર ઠેર રહ્યો.  શહેરોના ખર્ચાળ બાદશાહી સામૈયાં ભલે ભવ્ય હોય, પરંતુ આ ગામઠી મીઠાશ અનેરી હતી. સંખ્યા જૈનોની ભલે અલ્પ. પરંતુ દરેક સંઘો પ્રવચનોની વિનંતિ કરે અને અમે સર્વત્ર  પ્રવચનો આપીએ. અમે સહુ તપાગચ્છના અને વાગડવિભાગ તપાગચ્છનો. પરંતુ અમે વાગડ સમુદાયના ન હતા. અમે તો કચ્છમાં જ પ્રથમવાર આવ્યા હતા. છતાં અપરિચિત વાગડ સંઘોએ ઉમળકાભેર ભક્તિ કરી. સામૈયાં- પ્રવચનો રાખ્યા. આવો જ અનુભવ અચલગચ્છના ગામોમાં થયો. ચૈત્ર શુદિ સાતમે તો એવું થયું કે એક જ દિવસમાં ત્રણ સ્થળે સામૈયા. સવારે બહોંતેર જિનાલય, સાંજે કોડાયમાં દર્શન અને તે પછી મોટી રાયણમાં રાત્રિસ્થિરતા. ના કહી તો પણ ત્રણેય સ્થાનોમાં સામૈયાં કર્યા જ. આ કચ્છી પ્રજાના સરલ ભાવો હતા. ગાંધીધામ- મુંદ્રા- માંડવી- ભુજ વગેરે કેન્દ્રોમાં સંખ્યા મોટી મળી, તો એવાં ઘણાં સ્થાનોમાં ત્રણ ગચ્છો-પાંચ ગચ્છો વગેરેના ઉપક્રમે સંયુક્ત સામૈયાં-પ્રવચનો થયા. આ હતા કટ્ટરતામુક્ત અનુભવો.

જિજ્ઞાસાની વાત વિચારીએ તો, ભચાઉમાં સરસ અનુભવ થયો. ત્યાં પ્રવચન બાદ સંઘ તરફથી બોલવા ઉભા થયેલ ભાઈએ કહ્યું: 'અમારે ત્યાં દર રવિવારે સમૂહ સામાયિક થાય છે. એમાં અમારામાંના જ એક ભાઈ પુસ્તક વાંચે અને બીજા બધા સાંભળે. સાહેબજી ! એ પુસ્તક આપનું જ લખેલ છે. એનું નામ છે 'મહેંક માર્ગાનુસારિતાની'. પુસ્તકના પાંત્રીશ માર્ગાનુસારી ગુણોમાંથી દરેક સામાયિકમાં આઠ-નવ પેજનું એકેક ગુણવિવેચન વાંચીએ છીએ. કેમ કે અહીં શેષકાળમાં સાધુ ભગવંતોનો નિયમિત લાભ નથી મળતો.' અમને આનંદ થયો ગૃહસ્થોની સ્વયંસ્ફર્ત જ્ઞાનજિજ્ઞાસાથી.. અન્ય એક જિજ્ઞાસાઅનુભવ થયો સ્થાનકમાર્ગી સાધ્વીજીનો.  અમે ભદ્રેશ્વરતીર્થે આવ્યા ત્યારે ત્યાં એક સ્થાનકમાર્ગી સાધ્વીવૃંદ આવેલ. સવારે તેઓ વંદનાર્તે આવ્યા ત્યારે ઔપચારિક વાર્તાલાપ થઈ ગયો હતો. છતાં બપોરે અમારા શ્રમણ-શ્રમણીવૃંદની વાચના હતી તેમાં તેઓ પણ વાચના સાંભળવા આવી ગયા. આમન્ત્રણની કોઈ અપેક્ષા રાખ્યા વિના અને સ્થાનકમાર્ગી હોવા છતાં એ પધાર્યા તેમાં અમને સહજ જ્ઞાનજિજ્ઞાસા જણાઈ.

હવે દૃષ્ટિપાત કરીએ અમારી પદયાત્રાનો જે મુખ્ય હેતું છે તે કચ્છનાં તારક તીર્થો. આમ તો કચ્છના લગભગ દરેક ગામોમાં સોથી પાંચસો વર્ષ પ્રાચીન પ્રભુજીઓ અમને દર્શન-વંદન માટે મળ્યા. ભૂકંપ પછી મહ્દંશ અસરગ્રસ્ત ગામોમાં આરસના દેવવિમાન સમા ભવ્ય જિનાલયો- ભવ્ય ઉપાશ્રયો આદિ બન્યાનું અમે નિહાળ્યું. સ્થળ સંકોચવશ એ બધાનો ઉલ્લેખ ન કરતાં અહીં માત્ર મુખ્ય તીર્થોની અલપ-ઝલપ નિહાળીએ:

ભદ્રેશ્વરવસહિતીર્થ:- કચ્છની શાન સમું આ તીર્થ પચીશસોથી અધિક વર્ષ પ્રાચીન છે. જૈન ઇતિહાસ મુજબ, ભગવાન મહાવીર દેવના સમકાલીન કપિલકેવલીભગવંતના હસ્તે આ તીર્થના તત્કાલીન મૂલનાયક સ્થાનેથી અન્યત્ર સ્થાનાંતર પામ્યા. આજે એ પ્રભુ મૂલ જિનાલયની પાછળ ભમતીમાં વિરાજે છે. અને મૂલનાયકરૂપે શ્રી મહાવીરપ્રભુ વિરાજે છે. મહાવીરપ્રભુ પણ પ્રભાવસંપન્ન છે. અમે આ બન્ને પ્રભુજીની ભક્તિ બે દિવસની સ્થિરતા દરમ્યાન મન ભરીને કરી.

મિત્રવર આચાર્ય શીલચન્દ્રસૂરિજીએ એક જાણકારી એ આપી કે ઇ.સ.૨૦૦૧નાં ભૂકંપમાં નુકસાની થતાં આ તીર્થનો જ્યારે આમૂલચૂલ જીર્ણોદ્વાર શરૂ કરાયો ત્યારે પાયામાં પુરાતન જિનાલયના વિભાગો મળ્યા. એનું ખોદાણ કર્યું તો નીચે એથી ય પ્રાચીન પૂર્વજિનાલયના ભાગો મળ્યા. આ એમ દર્શાવે છે કે આ તીર્થ કેવું પ્રાચીન છે. તીર્થથી થોડે દૂર જગડૂશાહનો મહાલય છે. જો કે, આજે એની હાલત 'પટ્ટણ સો દટ્ટણ... માયા સો મીટ્ટી.' કહેવત જેવી છે. માત્ર એક નાની દિવાલ સિવાય ત્યાં કાંઈ ખાસ શેષ નથી. આ એ જગડૂશાહ છે જેમણે વિ.સં. ૧૩૧૩-૧૩૧૪-૧૩૧૫ના વર્ષોના  ઉપરાઉપરી ત્રણ દુષ્કાળ સમયે પ્રજાને વિનામૂલ્યે અનાજવિતરણ કરી એકલે હાથે વિકરાલ દુષ્કાલ મારી હટાવ્યો હતો. કવિઓએ આ દાનેશ્વરી જગડૂશાહ માટે ગાયું છે કે 'જગડૂ ! તું દાતાર, દૂજો થાવો નથી.

સુથરીતીર્થ: કચ્છ-અબડાસાની મોટી પંચતીર્થીનાં પ્રથમ તીર્થરૂપે સ્થાન પામતા આ તીર્થનું જિનાલય, એની ઉત્તુંગતાનાં કારણે અને આસપાસની ખુલ્લી જગ્યાનાં કારણે જાણે આકાશમાંથી ભવ્ય દેવ વિમાન ધરતી પર અવતર્યુ હોય એવું અમને પ્રથમ નજરે લાગ્યું. ત્યાંના મૂલનાયક ઘૃતકલ્લોલપાર્શ્વનાથ એકસો આઠ પાર્શ્વનાથ તીર્થોમાં સ્થાન પામે છે. પ્રતિમાજી ત્રેવીશસો વર્ષ પ્રાચીન સમ્રાટ સંપ્રતિકાલીન ગણાય છે. એમની ઇતિહાસકથા બે-વાર ઘીની ઘટના સંલગ્ન હોવાથી એ 'ઘૃતકલ્લોલ' નાશ પામ્યા છે. સંપૂર્ણ જિનાલય ચાંદી જેવા કલરથી ચમકે છે. મુખ્ય જિનાલયની બાજુનું ચતુર્મુખ જિનાલય જાણે આરીસાભવન સમું સોહે છે.

કોઠારાતીર્થ: સમગ્ર કચ્છનું સૌથી ઉત્તુંગ આ જિનાલય ૭૪ ફીટ ઉત્તુંગ,૭૮ ફીટ લાંબુ અને ૬૯ ફીટ પહોળું છે. શત્રુંજયગિરિરાજ પરના જિનાલયોની ઉત્તુંગતા-ઉભણીનું સ્મરણ કરાવતું આ જિનાલય ચારસો કારીગરોના સતત ચાર વર્ષના પરિશ્રમથી સજાર્યુ છે. એના નિર્માતા ત્રણ પૈકીના એક પરિવારના મોભી કેશવજી નાયકનું નામ ઇતિહાસપ્રસિદ્ધ છે. શત્રુંજયગિરિરાજ પર પણ એમણે જિનાલય રચાવ્યું છે. મૂલનાયક શાંતિનાથદાદાના આ જિનાલયની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૧૮માં થઈ છે. ત્યારે આ જિનાલય માટે સોળ લાખ કોરીનો ખર્ચ કરાયો હતો.

જખૌતીર્થ: રત્નટૂંક રૂપે પ્રસિદ્ધ આ તીર્થમાં ત્રણ ભવ્ય શિખરબદ્ધ જિનાલયો એક સાથે જોડાજોડ છે. તેમાંના શ્રી મહાવીરસ્વામી જિનાલયની પ્રતિષ્ઠા વિ.સં.૧૯૦૫માં અને શ્રી સુવિધિનાથ તેમજ ચતુર્મુખ આદિનાથજિનાલયની પ્રતિષ્ઠા વિ.સં.૧૯૨૭માં થઈ છે.. પૂંજામાના પુરુષાર્થથી નિર્મિત આ ત્રણેય જિનાલયોની સામે અન્ય નાની નાની જિનકુલિકાઓ એક જ પરિસરમાં છે. ગામજનો ત્યાં કુલ દશ જિનાલયો ગણે છે.

નલિયાતીર્થ: નરશી નાથા નામે વિખ્યાત કચ્છી દાનવીરે પોતાની જન્મભૂમિમાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામીનું જિનાલય અઢીસોથી વધુ વર્ષ પૂર્વે રચાવ્યું છે. તેથી હરોળમાં જ શાંતિના પ્રભુના અને અષ્ટાપદજીના બે ભવ્ય જિનાલયો ઉપરાંત વિવિધકુલિકાઓ આ તીર્થે છે. આ દાનવીરના નામે મુંબઈમાં 'નરશી નાથા સ્ટ્રીટ' પ્રસિદ્ધ છે.

તેરાતીર્થ: આ તીર્થમાં બે શિખરબદ્ધ જિનાલયો જીરાવલ્લાપાર્શ્વનાથ તથા શામળાપાર્શ્વનાથના છે. બન્ને મૂલનાયક પ્રભુ ત્રેવીશસો વર્ષ પ્રાચીન સંપ્રતિકાલીન છે. ત્યાં અન્ય પણ સંપત્તિકાલીન પ્રભુજીઓ, સહસ્ત્રકૂટ જિનાલય તેમજ વિવિધ જિનકુલિકાઓ છે. આ ઉપરાંત નાની પંચતીર્થીના જિનાલયો તેમજ અદ્ભુત પટશ્રેણીથી શોભતું વાંકીતીર્થ ખાસ દર્શનીય છે.

છેલ્લે એક વાત: અબડાસાના તીર્થોમાં સવાર-સાંજ મોટી સંખ્યામાં મોર જિનાલયોની આસપાસ સતત ટહુકાર કરતાં નિહાળ્યા. એ દૃશ્યને અનુરૂપ પંક્તિ સાથે આ તીર્થદર્શનનું બયાન સમાપ્ત કરીએ કે: 'મનનો મોરલીયો રટે તારું નામ.. મારે મંદિરિયે પધારો અંતર્યામ..'

Tags :