- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- સમય બહુ મોટી સમૃદ્ધિ છે. એને વ્યર્થ જવા દેવી ન જોઈએ, વેડફી દેવી ન જોઈએ. જૈન પરંપરામાં સ્વયં ભગવાન મહાવીરદેવનું એક વાક્ય ખૂબ પ્રસિદ્ધ છે. શ્રી ઉત્તરાધ્યયનઆગમગ્રન્થમાં પ્રસ્તુત એ વાક્ય આ છે કે 'સમયં ગોયમ ! મા પમાયએ.' ભાવાર્થ કે હે ગૌતમ ! તું એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. ધ્યાનમાં રહે જૈન કાળગણનામાં 'સમય' કાળનું સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ-નાનામાં નાનું સ્વરૂપ છે. વર્તમાન વ્યવહારમાં જેને 'સેકન્ડ' કહેવાય છે તેટલા કાળમાં તો જૈન દ્રષ્ટિએ અસંખ્ય સમય પસાર થઈ જાય છે !
હોય ભલે એ પાસા પાડયા વિનાનો કાચો હીરો, પરંતુ જો અભણ-ગમાર ખેડૂતના હાથમાં હોય તો એ એનો ઉપયોગ પાક પર બેસતા પંખીઓને ઉડાડવા પથ્થરરૂપે જ કરે. હોય ભલે રૃા. પાંચસોની ગાંધી છાપ નોટનું બંડલ, પરંતુ એ સાવ અણસમજ છ-બાર માસના બાળકના હાથમાં હોય તો એ એનો ઉપયોગ મુખમાં નાખવારૂપે યા ફાડવારૂપે જ કરશે એ નક્કી. વસ્તુત: આ બન્ને ક્રિયા ઉપયોગ નથી, પરંતુ દુરૂપયોગ છે. અને એનું કારણ છે તે જેના હાથમાં છે એનામાં રહેલ વસ્તુની સાચી મહત્તાની સમજનો અભાવ.
આ કાચા હીરાની અને રૃા. પાંચસોની નોટના બંડલની જેમ કેટલીક વિશિષ્ટ બાબતો આપણને સહુને પણ એવી મળી છે કે જે ખૂબ મહત્વની છે - મૂલ્યવાન છે અને છતાં લગભગ મહદંશ વ્યક્તિઓને એની દરકાર નથી હોતી. ખૂબી ખરી એ છે કે આ મૂલ્યવાન-મહત્વની બાબતો સામાન્યથી લઈને અસામાન્ય અને અજ્ઞાથી લઈને પ્રાજ્ઞા સુધી સહુને ઉપલબ્ધ થાય છે. જે એનો સાર્થક સદુપયોગ કરી જાણે છે એ ઉન્નતિનાં આકાશમાં ઉડાન ભરી શકે છે. આવો, આપણે હવેથી કુલ પાંચ લેખોમાં 'સ્' અક્ષરથી શરૂ થતી એ પાંચ વિશિષ્ટતાનું મજાનું દિગ્દર્શન કરીએ.
(૧) સમય :- જેઓ ઊંડું ચિંતન ધરાવતા નથી તેઓને એ સમજાતું નથી કે સમય એક ખૂબ મૂલ્યવાન સંપત્તિ છે. અમે તો એમ દ્રઢતાથી કહીએ છીએ કે સંપત્તિ કરતા સમય કૈંકગણી ચડિયાતી શ્રેષ્ઠ સમૃદ્ધિ છે. એક સરખામણી સમય અને સંપત્તિ વચ્ચે નિહાળીએ : સંપત્તિ એક વાર હાથમાંથી જાય તો ય પુન: પરત આવી શકે છે. અરે ! કેટલીક વાર તો એ બહુ ઝડપથી પણ પરત આવી શકે છે. શેરબજાર જેવો વ્યવસાય ધરાવતી વ્યક્તિઓનાં જીવનમાં આ વાસ્તવિકતા ખૂબ સ્પષ્ટ નિહાળવા મળી શકે. આના મુકાબલે સમયની ખાસિયત સાવ ન્યારી છે. એક વાર ગયેલો સમય ફરી ક્યારેય પરત આવી શકતો નથી : લાખ ઝંખના કરો તો ય અને લાખ ઉપાયો કરો તો ય. યાદ રાખજો કે ચેન પુલ કરવાથી ટ્રેન રીવર્સમાં આવી શકે છે, રીમોટનો ઉપયોગ કરવાથી ટી.વી.નાં દ્રશ્યો રિવર્સમાં આવી શકે છે; પરંતુ ગયેલો સમય કદી રિવર્સમાં આવી શકતો નથી.
બીજી વાત, કેટલોક સમય તો એવો હોય છે કે જો વ્યક્તિ એને નિરર્થક ગુમાવે તો એ પરત તો આવી શકતો નથી, ઉપરાંત જીવનભર નડયા કરે એવી ખોટ-અધૂરપ તે વ્યક્તિના લલાટે ઝીંકી જાય છે. ઉદાહરણરૂપે લઈએ પાંચથી વીસ વર્ષ સુધીનો અભ્યાસનો સમયખંડ. વ્યક્તિના આ સમયખંડને રખડપટ્ટી-પ્રમાદ-બેદરકારી વગેરે દ્વારા વેડફી નાંખે તો એનાં નુકસાન પૂરી જિંદગી નડયા કરે. વ્યક્તિ સૌની વચ્ચે ન સારી રીતે હિંદી-ઇંગ્લિશ જેવી ભાષામાં બોલી-લખી શકે, તો તે ભાષામાં કહેવાયેલ-લખાયેલ વાતો સમજી ન શકે. કમ્પ્યુટર જેવા વ્યવહારિક ક્ષેત્રનાં આવશ્યક સંસાધનોનો ઉપયોગ ન કરી શકે, તો ટેકનોલોજીની નવી નવી બાબતો સમજી ન શકે. અરે ! ટેકનોલોજીની ક્યાં વાત ? અકબર જેવો ઇતિહાસપ્રસિદ્ધ સમ્રાટ વિદ્યાર્થીકાળ વેડફવાનાં કારણે આજીવન અંગૂઠાછાપ અભણ રહ્યો હતો. એને પૂરી જિંદગી સ્વયં વાંચતા-લખતા આવડયું જ ન હતું ! વિદ્યાર્થીકાળનો સમય વેડફાય તો જીવનભર ન ભરપાઈ થઈ શકે તેવું કેવું ભયાનક નુકસાન થાય તે અકબરનાં જીવન પરથી સમજી શકાય છે.
ત્રીજી વાત, કેટલીક વાર કેટલાક કાર્યો વ્યક્તિનાં જીવન માટે અતિશય મહત્વનાં હોય છે અને એના માટે ચોક્કસ સમય જ ઉપયોગી થતો હોય છે. એ સમયે જો તે કાર્ય ન કરી લેવાય તો પછી એ કાર્યો થાય નહિ અને એની ઊણપ-ખોટ જીવનભર રહ્યા કરે. આવાં કાર્યો માટેના સમયને કહેવાય છે તક. એ તક જો સાચવી લેવાય તો તકદીર બદલાઈ જાય અને એ તક જો વેડફાઈ નંખાય તો તકલીફ સર્જાય. આ તક સાચવી લેવાનું કાર્ય પણ સમય સાચવનાર-સાવધાન રહેવાર જ મુખ્યત્વે કરી શકે. આળસુ-પ્રમાદી-બેદરકાર તક સાચવી શકતા નથી. આ સંદર્ભમાં યાદ રાખવા જેવું છે એક મસ્ત સુવાક્ય કે 'જે સમયને સાચવે છે, સમય એને સાચવે છે.'
હવે મૂળ વાત. સમયનો મહિમા સમજાયો તો ખરો, પરંતુ તેનો સદુપયોગ કરવો શી રીતે ? સંસારી વ્યક્તિને લક્ષ્યમાં રાખી મૂળ પ્રેક્ટીકલ વાત વિચારીએ તો એમ કહી શકાય કે વ્યક્તિ તેની આજીવિકાના-વ્યવહારિક કાર્યોમાં વિવેકપૂર્વક સમયનો ઉપયોગ કરે અને એ સિવાયનોસમય (એ) પ્રભુભક્તિમાં (બી) આત્મકલ્યાણકારક ધર્મસાધનામાં અને (સી) સેવા-પરોપકારનાં કાર્યમાં ઉપયોગી કરે.
પહેલી પાછી વાત લઈએ પ્રભુભક્તિની. એક હિન્દી પંક્તિ આ સંદર્ભની બહુ પ્રસિદ્ધ છે કે :-
સાઁસો સે પ્રભુનામ લે, વૃથા સાંસ મત ખોય;
ન જાને યહ સાંસકા, ફિર આવન હોય ન હોય.
આ પંક્તિ શ્વાસોશ્વાસ પ્રભુનામથી મંડિત કરી દેવાનું કહી પ્રભુભક્તિથી સમયનો સદુપયોગ કરવાનું જણાવે છે. તો સંસ્કૃત સુભાષિતના 'ધર્મોમિત્રં મૃતસ્ય ચ.' જેવી પંક્તિ એમ કહે છે કે પરલોકમાં તો ધર્મ જ એકમાત્ર મિત્ર છે. એના સિવાય કોઈ સાથી-સંગાથી નથી. માટે જીવનનો સમય ધર્મથી મંડિત કરી દઈ એનો સદુપયોગ કરો. ત્રીજી વાત છે સેવા-પરોપકારની. એ ક્યારેક ક્યારેક જીવનની દશા-દિશા કેવી ધરમૂળથી બદલી નાંખે એ જાણવું છે ? તો વાંચો આ અદ્ભુત સત્ય ઘટના :
કચ્છનું નલિયા ગામ. ત્યાં લીલાધર ગડા નામે સેવાભાવી સજ્જને નિ:શુલ્ક નેત્ર યજ્ઞાનો કેમ્પ યોજ્યો હતો. ડોક્ટરોની ટીમ આંખોની પરિસ્થિતિ તપાસે, નાની સારવાર ત્યાં જ કરી આપે અને મોટાં ઓપરેશન જેવું લાગે તો નિદાન લખી આપે. દાયકાઓ પૂર્વેની આ વાત સમયે સારવારના ખર્ચ પ્રમાણમાં સસ્તા હતા.
કેમ્પમાં એક ડો. અજયપાલસિંઘે એક ગરીબ બેન માટે નિદાન કર્યું કે, 'આમને સારવાર માટે રાજકોટ લઈ જવા જોઈએ. ત્યાં હોસ્પિટલ-દવા વગેરે ફ્રી છે. પરંતુ આવવા-જવાનો વગેરે ખર્ચ રૃા. ૧૦૦૦ થાય. આમની સ્થિતિ એટલો ય ખર્ચ કરી શકે તેવી નથી. શું કરીશું ?' આ શબ્દો ત્યાં રહેલ એક ભાઈએ સાંભળ્યાં. એમણે તુર્ત ૧૦૦૦ રૃા. આપ્યા અને બેનનું કાર્ય થઈ ગયું. તેમનું ઓપરેશન પણ રાજકોટમાં સસ્કેસ થયું. એમને નેત્રજ્યોતિ પરત મળી. ખૂબ ખુશ થયેલ બેન પેલા ભાઈના ઘરે જઈને કહે : 'તમે મને નવજીવન આપ્યું છે. તમારો એક ફોટો આપો, મારે પૂજાકબાટમાં ઠાકોરજીની બાજુમાં એ મૂકવો છે. ઠાકોરજીની સાથે રોજે એને પણ અગરબત્તી-દીવો કરીશ.'
આ શબ્દોએ ભાઈનાં આંતરચક્ષુ ઉઘાડી દીધા. કેમકે એ દાણચોરીનો વ્યવસાય કરતા હતા. ભીતરમાં ઝટકો લાગ્યો કે 'આ બેન મને ભગવાન જેવો માને અને હું આવા ખોટા ધંધા કરું એ કેમ ચાલે ?' એ દિવસથી એણે દાણચોરીનો વ્યવસાય કાયમ માટે છોડી દીધો ! એક વર્ષ પછી ભાઈની પત્ની મૃત્યુ પામી. તો એ 'ભલું થયું ભાંગી જંજાળ' માની હરિદ્વાર જતા રહ્યા. ત્યાં માત્ર ભક્તિમાં મન પરોવી જીવનનો શેષ દાયકો વીતાવ્યો. : જાણે વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની ગયો ! પરોપકારનો આ પ્રભાવ હતો.
છેલ્લે ભક્તિ અને પરોપકારનું મહિમામંડન કરતી પંક્તિથી સમાપન કરીએ કે :-
ચાહ નહિ ઇતિહાસોકી શ્યાહી મેં નામનિશાન રહે,
ચાહ નહિ જગકે ગીતોમેં મેરા મંગલગાન રહે;
ચાહ યહી હૈ મેરે મુખમેં પ્રભુ કા મંગલ નામ રહે,
પરોપકાર કે પાવનપથમેં બસ મેરા વિશ્રામ રહે...


