અમદાવાદમાં છલકાયો 840 માસક્ષમણોનો મહાસાગર: સર્જાયો શંખેશ્વરકૃપાનો 'સૂર્યોદય'
- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- અમદાવાદમાં સર્જાયેલ 840 માસક્ષમણો જો મહાસાગર છે, તો એમાં થયેલ સળંગ 180-108-70-50-45-36 ઉપવાસના તપસ્વીઓ તેમજ 31 બાલતપસ્વીઓ અને ચોવિહાર માસ ક્ષમણતપસ્વી એનાં મૂલ્યવાન મોતીઓ છે. નવ વર્ષના અમારા માસક્ષમણ મિશનમાં કુલ માસક્ષમણો થયા છે 3198 તેમાં કોઈ એક ચાતુર્માસમાં સૌથી વધુ માસક્ષમણસંખ્યા આ વર્ષે અમદાવાદમાં થઈ છે. આ વર્ષની સમગ્ર ભારતની સૌથી વધુ માસક્ષમણસંખ્યા પણ અમદાવાદની જ છે.
પર્યુષણા મહાપર્વમાં ગુરુભગવંતો દ્વારા સર્વત્ર પ્રવચનમાં વંચાતા અને શાસ્ત્રશિરોમણિરૂપે પંકાતા કલ્પસૂત્ર આગમમાં ભગવાન મહાવીર પ્રભુ માટે ઠેર ઠેર વારંવાર આ પંક્તિનો ઉપયોગ થયો છે કે 'સમણે ભયવં મહાવીરે. એટલે કે શ્રમણ ભગવાન મહાવીર. આમાં પ્રભુ માટે બે વિશેષણ છે: શ્રમણ અને ભગવાન.
પ્રશ્ન એ થાય કે ભગવાન વિશેષણ મહાવીરપ્રભુની વિરલ વિશિષ્ટતાને બહુ બળકટપણે વ્યક્ત કરે છે, તો પછી એની સામે સામાન્ય લાગે તેવું શ્રમણ (સાધુ) વિશેષણ રાખવાની શી જરૂર ? એ આગમની સંસ્કૃતટીકા વાંચતા આ પ્રશ્નનું સરસ સમાધાન મળે છે. ત્યાં લખ્યું છે કે 'શ્રમણ' શબ્દ હકીકતમાં તો પ્રભુ મહાન તપસ્વી હોવાનો અર્થનિર્દેશ કરે છે. પ્રભુ મહાવીરદેવે સાડા બાર વર્ષના સાધનાકાળમાં જે ચોવિહાર ઉપવાસો-માસક્ષમણો- ૧૭૫ સળંગ ઉપવાસ-૧૮૦ સળંગ ઉપવાસોની અતિ ઘોર તપશ્ચર્યાઓ ધ્યાનમગ્ન રહીને કરી છે તે પેલું શ્રમણ અર્થાત્ તપસ્વી વિશેષણ ખૂબ સાર્થક-સુયોગ્ય હોવાનું પુરવાર કરે છે.
હવે નવી વાત કે આજના જૈન શાસનના સાધુ-સાધ્વી- શ્રાવક- શ્રાવિકા મહાવીરપ્રભુના માત્ર અંશ કે વંશ નથી, બલ્કે એથી વિશેષ એમની તપસ્યાના-ત્યાગના વારસદાર છે. એથી જ પ્રભુ પછીના અઢી હજાર વર્ષો બાદ આજે ય એવી એવી મોટી તપશ્ચર્યાઓ થાય છે કે મન-મસ્તક બન્નેને આદરથી ઝુકાવી દે ! આનું સૌથી મોટું સૌથી ઇન્ટરન્ટ ઉદાહરણ છે આ વર્ષે ઇ.સ.૨૦૨૫ના આ ચાતુર્માસમાં અમારી નિશ્રામાં અમદાવાદમાં સર્જાયેલ સામૂહિક ૮૪૦ માસક્ષમણો આદિ સળંગ ઉપવાસોની અ..ધ..ધ.. તપશ્ચર્યા. સળંગ આ નવમા વર્ષે અમારી નિશ્રામાં સામૂહિક માસક્ષમણો થયા છે. તેમાં કોઈ એક ચાતુર્માસના સૌથી વધુ માસક્ષમણો જો કોઈ હોય તો આ અમદાવાદના માસક્ષમણો છે! આ સાથે નવ ચાતુર્માસમાં અમારી નિશ્રામાં થયેલ કુલ માસક્ષમણોનો અંક ૩૧૯૮ સુધી પહોંચ્યો છે.
અમદાવાદના આ વિરાટ સંખ્યક માસક્ષમણોની ત્રણેક વાતો ખાસ નોંધપાત્ર છે. પહેલી વાત એ કે અમે અમદાવાદથી સાવ અપરિચિત. આ 'અમૃતની અંજલિ' વિભાગ શરૂ થયાને જેટલા વર્ષ થયા એટલાં વર્ષો એટલે કે બત્રીશ વર્ષો બાદ અમે અમદાવાદમાં આ સર્વપ્રથમ ચાતુર્માસ કર્યું છે. એથી અમદાવાદ અમારા માટે સાવ જ અપરિચિત. બીજી વાત એ કે અમે કચ્છની વિહારયાત્રા બાદ ચાતુર્માસના માંડ એક માસ પૂર્વે અમદાવાદમાં પ્રવેશ્યા. એક માસનો અત્યલ્પ સમય, છતાં માસક્ષમણોનો માહોલ ગજબનાક બન્યો. ત્રીજી વાત એ કે આ સામૂહિક માસક્ષમણોમાં સળંગ ૧૮૦ ઉપવાસ વગેરે એકતાલીશ આશ્ચર્ય જેવી તપશ્ચર્યાઓ થઈ છે. સાવ અપરિચિત ક્ષેત્ર જાણે ચિરપરિચિત હોય એવું ફળ્યું એમાં સર્વાધિક મુખ્ય કારણ છે પ્રભુકૃપા અને ગુરુકૃપા. જેમને કેન્દ્રમાં રાખીને આ 'અહો માસક્ષમણમ્'ના નવ અધ્યાય થયા છે તે કલિકાલકલ્પતરુ શંખેશ્વરપાર્શ્વપ્રભુની અને દિવંગત મહાન ગુરુદેવો શાસનજ્યોતિર્ધર આચાર્યવર્ય ધર્મ-સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની પરમ કૃપા જ આ માસક્ષમણોનાં ઇતિહાસ સર્જનનું એક મુખ્ય નહિ, બલ્કે એકમાત્ર મુખ્ય કારણ છે. આવો, આપણે કુલ બે લેખ દ્વારા અમદાવાદમાં છલકાયેલ માસક્ષમણોના મહાસાગરમાંની મોતી જેવી મહાન ઘટનાઓનું રસપાન કરી અનુમોદનાથી તર-બ-તર બનીએ:
૧) સુદીર્ઘ તપસ્યાનું સપ્તરંગી મેઘધનુષઃ વીર પ્રભુના ધર્મશાસનમાં સૌથી મોટા તપની રજા છે સળંગ એકસો એંશી ઉપવાસની. એથી વધુ ઉપવાસ માટે શાસ્ત્રાજ્ઞા નથી. આ અત્યંત કઠિન સળંગ એકસો એંશી ઉપવાસ કર્યા છે બિંજનબેન શાહે. એ જ મુજબ સળંગ એકસો આઠ ઉપવાસ કર્યા છે પમીશાબેન શાહે, સળંગ સિત્તેર ઉપવાસ કર્યા છે ધવલભાઈ શાહે, સળંગ પચાસ ઉપવાસ કર્યા છે બિજલબેન પોથીવાળાએ, સળંગ પીસ્તાલીશ ઉપવાસ કર્યા છે સોનલબેન શાહે અને સળંગ છત્રીશ ઉપવાસ કર્યા છે હર્ષાબેન તેમજ મનીષાબેને. ના, આમાંના લગભગ કોઈ તપસ્વી અમારા પૂર્વપરિચિત નથી. આ સહુએ અમદાવાદના અમારા ચાતુર્માસની અને સામૂહિક માસક્ષમણોના આયોજનની વાતો સાંભળી સ્વયંસ્ફૂર્ત ભાવનાથી આવી અત્યુગ તપસ્યાઓ કરી છે. એમના માટે ગાવું જ જોઈએ કે 'વંદન તપસ્વીને સદા વંદન સદા તપધર્મને...'
૨) ૩૧ બાળતપસ્વીઓનું બેજોડ તપપરાક્રમ: વહેલી પ્રભાતે સૂર્યના કિરણો પૃથ્વીપટલ પર પથરાય ત્યારે આસ્તે આસ્તે ખૂલી રહેલ-ખીલી રહેલ નજાકતભરી પુષ્પકળી જેવા સાવ નાના બાળકો-બાળિકાઓ. એ બધા જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ છે. એમની વય છે અગીયારથી ચૌદ વર્ષની. અને એ સહુ કરી રહ્યા છે મજાથી માસક્ષમણ. હા, પંદર વર્ષની વયના ય છ તપસ્વી છે. પરંતુ એને અમે સંખ્યામાં લીધા નથી. માત્ર અગિયારથી ચૌદ વર્ષના આ બાલતપસ્વીઓની વિશેષતા એ છે કે એ નિત્ય દર્શન-પૂજા કરે છે, વંદન-વાસનિક્ષેપ કરાવે છે. ઉપરાંત એમાંના ઘણા બાળકો-બાળિકાઓ પંદરમા ઉપવાસે પણ સ્કૂલમાં ભણવા જાય છે ! અરે, એમાંના કેટલાકે સળંગ સોળ ઉપવાસના પચ્ચકખાણ કર્યા છે. આ બાલતપસ્વીઓ માટે કહીશું કે 'ટ્વીંકલ ટ્વીંકલ લિટલ સ્ટાર.. બાલતપસ્વી સુપરસ્ટાર...'
૩) માહોલનો મહિમા: સામૂહિક માસક્ષમણનો પ્રારંભદિન હતો આષાઢ વદિ છઠ, તા.૧૬ જુલાઈ. પ્રારંભે સામૂહિક અટ્ઠમ (સળંગ ત્રણ ઉપવાસ) તપ પણ યોજ્યા હતા. જેથી ભાવિકો સરલતાથી જોડાઈને માસક્ષમણમાં આગળ વધી શકે. મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સત્તાવીશસોથી વધુ આરાધકોએ પ્રથમ પચ્ચક્ખાણ કર્યા. એમાં સળંગ સોળથી આઠ ઉપવાસના પચ્ચક્ખાણ ચારસો આરાધકોએ લીધા ! અમારા ચાતુર્માસસ્થાન પંકજ સંઘમાં જિનાલય નિકટ વસતા પરિવારની બાર વર્ષીય દીકરીએ કહ્યું: 'હું અટ્વમ કરીશ. પણ સ્કૂલે જવું હોવાથી પચ્ચક્ખાણ લેવા મંડપમાં નથી આવવું.' પરિવારના મોભીએ એને કહ્યું: 'પચ્ચક્ખાણ તો શ્રેષ્ઠ મુહૂર્તે મંડપમાં જ લેવાનું છે.' સમગ્ર પરિવાર મંડપમાં આવ્યો.
ત્યાંની ઊર્જાની- ત્યાંના માહોલની અસર એવી થઈ કે દીકરીએ મંડપમાં જ એના પિતાને કહ્યું: ' ચાલો, આપણે બન્ને એક સાથે સળંગ સોળ ઉપવાસનાં પચ્ચક્ખાણ લઈએ.' બન્નેએ એ રીતે મોટાં પચ્ચક્ખાણ લઈ લીધા. પછી સત્તરમાં ઉપવાસે સળંગ ચૌદ ઉપવાસના પચ્ચક્ખ્ખાણ લઈ બે જ પચ્ચક્ખ્ખાણમાં એ પિતા-પુત્રએ માસક્ષમણ કર્યું ! આ દીકરીના દાદીમાએ છેલ્લા ચાલીશ વર્ષોથી એક પણ ઉપવાસ કર્યો નથી, છતાં એમણેય પુત્ર-પૌત્રીનું પરાક્રમ નિહાળી એકેક ઉપવાસથી પ્રારંભ કર્યો અને એમણે પણ માસક્ષમણ કર્યું ! દાદીમા માટે આ બિલકુલ ચમત્કાર જેવી ઘટના છે. બાર વર્ષની દીકરીનું નામ ક્રિયા, પિતાનું નામ ધવલભાઈ અને દાદીમાનું નામ છે ભારતીબેન. એમના બંગલામાં સીમધંર પ્રભુનું ભવ્ય ગૃહજિનાલય છે.
૪) તપનો પ્રભાવ.. કેન્સરનો પરાભવઃ જૈન શાસ્ત્રો તપનો મહિમા દર્શાવતા જણાવે છે કે 'વિધ્નૌઘઘાતિ.' ભાવાર્થ કે તપ વિઘ્નોનો વિનાશ કરે છે: પછી એ વિઘ્ન શારીરિક રોગરૂપ હોય કે અન્ય સ્વરૂપે હોય. આ વિધાનનો સાક્ષાત્કાર થયો એક આરાધકનાં જીવનમાં. એમને કેન્સરનું નિદાન થોડા સમય પૂર્વે થયું હતું. કીમોની કષ્ટદાયક સારવાર લઈ કેન્સરની એક ગાંઠ એમણે નષ્ટ કરી. એ પછીના ટૂંક જ સમયમાં સામૂહિક માસક્ષમણ શરૂ થતા હતા. એમને તીવ્ર ભાવના હતી કે મારે માસક્ષમણમાં જોડાવું છે. પણ રે નસીબ! મન મક્કમ કર્યું. ત્યાં છેલ્લા ચેકઅપમાં નવી કેન્સરગાંઠ આવી. હવે શું કરવું ? ભલભલા ડરી જાય-ડગી જાય એવી સ્થિતિમાં ય એમણે માસક્ષમણ શરૂ કર્યુ. અને માનશો ? ચોથા ઉપવાસે ફરી ચેકઅપ કરાવ્યું તો પેલી કેન્સરગાંઠ ગાયબ હતી! તપસ્વીને જબરજસ્ત શ્રદ્ધા જામી ગઈ. એમનું નામ છે શ્વેતાબેન અક્ષયભાઈ શાહ. તપની સજ્ઝાયમાં આથી જ લખાયું છે કે 'તે શું છે સંસારમાં, તપથી ન હોય જેહ.
૫) સંયમીઓ પણ માસક્ષમણને સંગઃ અમે અમદાવાદમાં અઠયાશી સાધુ-સાધ્વીજી પચીસ સ્થાનોમાં ચાતુર્માસ છીએ. મહદંશ સંયમીઓ પૂર્વે માસક્ષમણ કરી ચૂક્યા છે. છતાં અમારા નૂતન સાધુ-સાધ્વીજીએ માસક્ષમણમાં જોડાઈને આ માસક્ષમણોને ચતુર્વિધ સંઘના માસક્ષમણો બનાવ્યા છે. એમાંના એક છે ઓગણીશ વર્ષના નવયુવાન મુનિવર શાશ્વતરત્ન વિજયજી અને બીજા છે ચોવીશ વર્ષીય યુવા સાધ્વીજી ઋષભમિત્રાશ્રીજી. બન્નેની દીક્ષા આ જ વર્ષે સિદ્ધક્ષેત્ર-પાલિતાણામાં શત્રુંજયગિરિરાજ ઉપર થઈ છે. અમારા સમુદાયમાં શત્રુંજયગિરિરાજ ઉપર થયેલ દીક્ષાઓ આ સર્વપ્રથમ છે. એમણે દીક્ષાના પ્રથમ જ વર્ષે માસક્ષમણ કરીને 'સંજમેણ તવસા અપ્પાણં ભાવેમાણાણં' શાસ્ત્રવચન ચરિતાર્થ કર્યું છે.
૬) યૌવનનો સંગ... તો ય માસક્ષમણનો રંગ: ઓસ્ટ્રેલિયાથી હજુ બે માસ પૂર્વે જ પંકજ સંઘમાં આવેલ એક યુવાન. જીવનમાં ધર્મની કોઈ આરાધના નહિ. એવો કોઈ ભાવ પણ નહિ. એણે એક ઉપવાસ તો શું, એક બિયાસણું- એક ચોવિહાર પણ જીવનમાં કર્યો નથી. સંઘમાં માસક્ષમણના ઢોલ ધ્રબૂક્યા. એમાં યુવાનને થયું કે ચલો, જીવનમાં એક ઉપવાસ કરી જોઈએ. એ પ્રારંભદિને મ્યુનિસિપલ ગ્રાઉન્ડના ધર્મ-સૂર્યોદયતપવાટિકા મંડપમાં આવ્યો. ત્યાંની ઊર્જા-ત્યાંનું વાતાવરણ એને એવું સ્પર્શી ગયું કે એણે સ્વયંસ્ફૂર્ત ભાવનાથી મોટું ડેરીંગ કરી એક સાથે સળંગ સોળ ઉપવાસના પચ્ચક્ખાણ લીધા. ખૂબી એ છે કે એને એક પણ દિવસ કોઈ તકલીફ નથી થઈ! એનું નામ છે દેવમ સંજયભાઈ કોન્ટ્રેક્ટર.
દિલને ટચ થઈ જાય તેવી સત્ય ઘટનાઓની વિશેષ હારમાળા આગામી લેખમાં નિહાળવાનું રાખી એની ચુમ્માલીશ પેજની આકર્ષક પત્રિકામાં પાને પાને લખાયેલ એક સ્લોગન અહીં ટાંકી સમાપન કરીશું કે: શંખેશ્વર પ્રભુ પાર્શ્વ મહેરબાન લાગે છે... માસક્ષમણ દરબાર જાજરમાન લાગે છે...