Get The App

જે આરાધના લોકાભિમુખ છે તે પ્રસિદ્ધિનો ધર્મ છે... જે આરાધના આત્માભિમુખ છે તે સિદ્ધિનો ધર્મ છે...

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
જે આરાધના લોકાભિમુખ છે તે પ્રસિદ્ધિનો ધર્મ છે...  જે આરાધના આત્માભિમુખ છે તે સિદ્ધિનો ધર્મ છે... 1 - image

- અમૃતની અંજલિ આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- લોકોને લક્ષ્યમાં રાખીને થતો ધર્મ પ્રસિદ્ધિનો ધર્મ છે અને માત્ર આત્મકલ્યાણને લક્ષ્યમાં રાખીને થતો ધર્મ સિદ્ધિનો ધર્મ છે. જો ધર્મ લોકોના લક્ષ્યનો હશે તો લોકોની હાજરીમાં તે તન્મયતાના દેખાડાપૂર્વક થશે અને લોકોની ગેરહાજરીમાં વેઠ ઉતારવારૂપે થશે. જ્યારે આત્મકલ્યાણના લક્ષ્યના ધર્મમાં આવી કોઈ વિડંબના-ગરબડ નહિ થાય.

- શાક માર્કેટમાં જાય તેને શાકની વિવિધતા બહુ બહુ તો દશ-બાર-પંદર પ્રકારની મળે. શો-રૂમમાં જાય તેને જ્વેલરીની વેરાયટી બહુ બહુ તો પંદર-વીશ-પચીશ પ્રકારની મળે. પરંતુ માનવીનું વૈવિધ્ય? આપણે ધારી ન શકીએ એટલી વેરાયટી ત્યાં ઉપલબ્ધ છે. બાહ્ય દેખાવમાં ભલે વેરાયટી શ્યામ-શ્વેત-ઘઉંવર્ણ જેવી મર્યાદિત હોય. પરંતુ ભીતરી વેરાયટી એવી પારાવારહોય કે કલ્પના ય ટૂંકી પડે. એક માતાના બે સંતાનોનું ય ભીતરી મનુષ્યત્વ એકસરખું ન હોઈ શકે. 'મુણ્ડે મુણ્ડે મતિર્ભિન્ના' આ સંસ્કૃત ઉક્તિનો નિર્દેશ કાંઈક આ દિશાનો ય ગણી શકાય.

આમ છતાં ચોક્કસ માપદંડના આધારે તત્વાર્થશાસ્ત્રકાર મહર્ષિ તેની સંબંધકારિકામાં જીવોના (માનવોના) છ પ્રકાર દર્શાવે છે કે જેના પર આપણી ચિંતનયાત્રા છેલ્લા બે લેખથી જારી છે. આજે આ લેખમાં આપણે નિહાળીશું ક્રમશઃ ચોથા-પાંચમા પ્રકારના માનવો.

(૪) મધ્યમ : આ વિશ્વમાં પણ અવારનવાર 'મધ્યમ કક્ષાના માનવ-મધ્યમવર્ગની વ્યક્તિ' જેવા શબ્દપ્રયોગો થાય છે. પરંતુ તેનો માપદંડ આર્થિક છે. અહીં માપદંડ આર્થિક નહિ, ગુણવત્તાનો છે. તત્વાર્થસૂત્રકાર મહર્ષિ એની ગુણવત્તા દર્શાવતા શબ્દપ્રયોગ કરે છે. 'પરલોકહિતાયૈવ'. ભાવાર્થ કે આ મધ્યમ પ્રકારના માનવો પરલોકનું હિત કેન્દ્રમાં રાખી શુભની-ધર્મની પ્રવૃત્તિઓમાં વિશેષ રાચે. એની પાસે સંપત્તિ હશે તો એ સુપાત્ર ધર્મક્ષેત્રોથી અનુકંપા-જીવદયા સુધીનાં શુભ કાર્યો કરશે, તો શક્યતાઓ હશે તો ધર્મનાં-પરોપકારનાં કાર્યોમાં તન-મન-ધનની પ્રચુર શક્તિઓ લગાવી દેશે. આ ઉપરાંત જેને આરાધનાનાં અનુષ્ઠાનો કહી શકાય તેવાં વ્રત-તપ-ક્રિયા-ભક્તિ જેવી બાબતોમાં ય એ ઉલ્લાસથી જોડાય. કારણ કે એના પુરુષાર્થમાં મોક્ષ નામે ચોથો પુરુષાર્થ હવે સંલગ્ન થયો છે. પ્રથમ બે પ્રકારના જીવોમાં માત્ર અર્થ-કામ પુરુષાર્થ હતો, ત્રીજા પ્રકારના જીવોમાં ધર્મપુરુષાર્થ સમાવેશ પામ્યો; જ્યારે આ ચોથા પ્રકારના જીવોમાં મોક્ષપુરુષાર્થ સમાવેશ પામ્યો.

પણ.... સમસ્યા ત્યાં છે કે એ મોક્ષને માને-ઝંખે. પરંતુ એમના પુરુષાર્થમાં સત્વશીલતાની હજુ ખામી હોય. એથી મોક્ષ મેળવવાની તાલાવેલીમાં સંયમ-દીક્ષા લેવા તત્પર ન થાય. જે જીવો ધર્મી છે પરંતુ કોઈને કોઈ કારણસર હજુ સંસારમાં રહ્યાં છે, સંયમી બન્યા નથી, લગભગ એ બધાની તે કાળની અવસ્થા આ ચોથા પ્રકારની ગણાય. હા, એ ભાવિમાં સત્વ વિશિષ્ટપણે ફોરવી સંયમી બની જાય ત્યારે એની કક્ષા બદલાય ખરી. પરંતુ જ્યાં સુધી એના પુરુષાર્થમાં સંસાર ત્યાગવાની સત્વશીલતા નથી ત્યાં સુધી એ ચોથા પ્રકારમાં રહે. એક ઉદાહરણ આ સંદર્ભમાં નિહાળીએ ઃ

અઢાર દેશના સમ્રાટ પરમાર્હત કુમારપાલ મહારાજા. હવે એક ભવના અંતે ગણધર બની મોક્ષે જનાર એ પુણ્યાત્મા કુમારપાલ મહારાજાના જન્મમાં પણ બાર વ્રત સ્વીકારીને શ્રાવકપણાને યોગ્ય સરસ આરાધના કરતા હતા. એમના ધર્મદાતા ઉપકારી ગુરુદેવ હતા કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચન્દ્રાચાર્ય. એ ગુરુદેવ પ્રત્યે એમને યથાર્થપણે જ અનહદ ભક્તિભાવ હતો. દાયકાઓના આ ધર્મસંબંધ દરમ્યાન એ એમના ગુરુદેવની અનેક રીતે અનન્ય ભક્તિ કરતા. પરંતુ એમને ગુરુદેવની ગોચરીનો (ભોજન અર્પવાનો) લાભ એક વાર પણ ન મળ્યો. કારણ એમાં એ હતું કે પ્રભુ મહાવીરદેવના સંયમીઓ એમના નિયમ અનુસાર રાજાના ઘરની ભિક્ષા કદી લેતા ન હતા. શ્રી હેમચન્દ્રાચાર્યના અંતિમ સમય સુધી આ ઉપક્રમ રહ્યો કે સમ્રાટ કુમારપાલ એક પણ વાર એમને ગોચરી (ભિક્ષા) અર્પણ ન કરી શક્યા.

વિ.સં. ૧૨૨૯માં શ્રી હેમચન્દ્રાચાર્યનો દેહવિલય થયો. જીવનના અપ્રતિમ ઉપકારી ગુરુદેવના વિરહના આઘાતમાં સમ્રાટ નાના બાળની જેમ કલ્પાંત કરી રહ્યા. તેમાં એમનાં મુખમાંથી વારંવાર એ શબ્દો પ્રગટતા હતા કે ''હું કેવો નિર્ભાગી કે અજોડ ઉપકારી ગુરુદેવને એક વાર પણ ગોચરી અર્પણ ન કરી શક્યો ! એમને ભલે રાજપિંડ ન કલ્પે તેવો નિયમ હતો. પરંતુ રાજવીપદ છોડી દેતા-રાજ્યભાર છોડી દેતા મને કોણ અટકાવતું હતું ? મેં જો રાજપદનો ત્યાગ કર્યો હોત તો ગોચરીનો લાભ મને જરૂર મળી શકત. ગોચરીભક્તિ માટે મને રાજગાદીના ત્યાગના ભાવો કેમ ન જાગ્યા ?'

ધ્યાનથી વિચારવા જેવા આ ઉદાહરણમાં, જેના ગોચરીભક્તિના લાભ માટે રાજગાદી ત્યજ્વાના ભાવ ગુરુદેવના હયાતિકાળ દરમ્યાન સમ્રાટ કુમારપાલને ન જાગ્યા તેમ ચોથા પ્રકારના જીવોને મોક્ષ પ્રાપ્તિ માટે સંસાર ત્યાગી દેવાનું સત્વ હજુ નથી પ્રગટતું ! ખામી એમનાં સમજણનાં સ્તર કરતાં સત્વશીલતાનાં સ્તરમાં છે. ધર્મી-ધર્માનુરાગી તરીકે ઓળખાતા આપણામાં સત્વશીલતાની ખામી હોય તો તે દૂર કરવા સત્વવૃદ્ધિનો પુરુષાર્થ પ્રબળપણે કરવો જોઈએ અને બીજી વાત એ કે જ્યાં સુધી સંસારત્યાગની હરણફાળ ભરી શકાય તેવું સત્વ ન ફેરવાય ત્યાં સુધી ધર્મક્ષેત્રની નાની છતાં મહત્વની બાબતોમાં ખાસ જાગૃતિ-તકેદારી રાખવી જોઈએ. અલબત્ત, આ તકેદારી સંસારત્યાગના સત્વ પછી ય જારી જ રાખવાની હોય છે. પરંતુ અહીં ભાર એ બાબત પર છે કે સંસારમાં હોવા છતાં આપણે અત્યારથી એ બાબતો પર તકેદારી રાખીશું તો ધર્મનુષ્ઠાન સ્વ-પરને લાભદાયી બની શકે. આપણે નિહાળીએ આવી કેટલીક બાબતો ઃ

ે ધર્મ  પ્રસિદ્ધિ માટેનાં નહિ, સિદ્ધિનાં લક્ષ્યથી થવો જોઈએ : લોકોને લક્ષ્યમાં રાખીને થતો ધર્મ પ્રસિદ્ધિનો ધર્મ છે અને માત્ર આત્મકલ્યાણને લક્ષ્યમાં રાખીને થતો ધર્મ સિદ્ધિનો ધર્મ છે. જો ધર્મ લોકોના લક્ષ્યનો હશે તો લોકોની હાજરીમાં તે તન્મયતાના દેખાડાપૂર્વક થશે અને લોકોની ગેરહાજરીમાં વેઠ ઉતારવારૂપે થશે. જ્યારે આત્મકલ્યાણના લક્ષ્યના ધર્મમાં આવી કોઈ વિડંબના-ગરબડ નહિ થાય. 'જ્ઞાાનસાર' ગ્રન્થમાં આ માટે ભરતચક્રવર્તી અને પ્રસન્નચન્દ્રરાજર્ષિનું ઉદાહરણ અપાયું છે. ભરતચક્રવર્તી આત્મકલ્યણના લક્ષ્યમાં સ્થિર હતા તો સંસારી હોવા છતાં એમને અરીસાભવનમાં કેવલજ્ઞાાન પ્રાપ્ત થઈ ગયું. પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ લોકોની વાત પર લક્ષ્ય આપ્યું તો સંયમી હોવા છતાં થોડોક સમય નિમ્ન સ્તર પર ઊતરી ગયા...

ે અન્યોનાં મનમાં અહોભાવ જાગે તે રીતે ધર્મ થવો જોઈએ : ધર્માનુષ્ઠાનમાં આપણી સાવધાની-તન્મયતા વગેરે હોવા જોઈએ. એનાથી એ નિહાળનારને આપોઆપ અહોભાવ જાગે કે કેવી સરસ ઉત્તમ આરાધના આ પુણ્યાત્મા કરે છે. એના બદલે જો ઊંઘતા-વાતો કરતા કરતા-અન્યમનસ્કપણે ધર્માનુષ્ઠાન કરાય તો નિહાળનારનાં મનમાં અહોભાવ નહિ, અરુચિ-અનાદર જાગે...

ે ધર્મક્ષેત્રે અન્યો તુચ્છ છે એવો અભિગમ ન દર્શાવવો : કેટલાક ધર્મીજનોની એવી ખાસિયત હોય છે કે ધર્મક્ષેત્રે નવા હોય-અપરિચિત હોય એમને ઉતારી પાડતો અભિગમ એ દાખવે. 'તમને કાંઈ ગતાગમ નથી પડતી. ધર્મ તો આમ જ કરાય.' આવા અભિગમ દ્વારા તેઓ સામી વ્યક્તિ પર પોતાની વિશેષતાનો સિક્કો જમાવવાનો પ્રયાસ કરે. વસ્તુતઃ આ ગલત અભિપ્રાય છે. એનાં કારણે નવી વ્યક્તિ ધર્મથી વિમુખ થઈ જાય. અભિગમ એવો હોવો જોઈએ કે જેમાં ધર્મથી અપરિચિતને પણ લાગણી અપાય.

ે પોતાનો જ કક્કો સાચો ઠેરવવાનો અભિગમ ન રાખવો : કેટલાક ધર્મીજનો એવા હોય છે કે 'મારું જ સાચું' એવો જડ-જિદ્દી-જેહાદી અભિગમ દાખવે. આનાથી વિવાદોની પરંપરા સર્જાય. એના બદલે સમજણપૂર્વકનો અને સત્યગ્રાહી સંવાદી અભિગમ રાખવો.

આવા અનેક નાના નાના મુદ્દાઓ છે કે જે સંસારી વ્યક્તિઓની પણ ધર્મારાધનાને બહેતરીન બનાવે...

(૫) ઉત્તમ : તત્ત્વાર્થશાસ્ત્રકાર ઉત્તમની વ્યાખ્યામાં પંક્તિ લખે છે કે 'મોક્ષાયૈવતુ ઘટતે'. મતલબ કે એ વિશિષ્ટ બુદ્ધિમાન તત્વજ્ઞાાની ઉત્તમ આત્મા પોતાનો ધર્મપુરુષાર્થ મોક્ષની પ્રાપ્તિ માટે જ કરે. ચોથા અને પાંચમા, બન્ને પ્રકારના જીવોમાં મોક્ષની માન્યતા છે ખરી. પરંતુ ફર્ક ત્યાં છે કે ચોથા પ્રકારના જીવોમાં સત્વની ખામી છે માટે મોક્ષપ્રાપ્તિ ઝડપથી કરાવે તેવો સંયમ સ્વીકારનો પુરુષાર્થ તેઓ કરતા નથી. જ્યારે આ પાંચમા પ્રકારના જીવો પ્રચંડ સત્વનાં બળે સંયમીસ્વીકારનો પુરુષાર્થ પ્રબળ અવરોધ છતાં ય કરીને મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય આસાનીથી સિદ્ધ કરે છે. ઉદાહરણરૂપે આપણે અહીં વિચારીશું મન્ત્રીશ્વર અભયકુમારનું દ્રષ્ટાંત :

પ્રભુ મહાવીરદેવના સમકાલીન અને પરમ પ્રભુભક્ત સમ્રાટ શ્રેણિક બુદ્ધિનિધાન જ્યેષ્ઠ પુત્ર હતા અભયકુમાર. તેઓ મહાન પિતૃભક્ત ઉપરાંત પાંચસો મન્ત્રીઓના શિરમોર મન્ત્રીશ્વર હતા. તેમની સતત ઝંખના હતી કે મોક્ષપ્રાપ્તિ માટે મારે પ્રભુના શ્રમણ બનવું. પરંતુ રાજકાજમાં ડગલે ને પગલે એમની બુદ્ધિમતા અતિ ઉપયોગી હોવાથી શ્રેણિક જેવા પ્રભુભક્ત સમ્રાટ પણ એમને દીક્ષાની સંમતિ આપતા ન હતા. ખૂબ વિનંતી થઈ ત્યારે શ્રેણિકે હસતા હસતા કહ્યું ઃ 'અભય ! જે ક્ષણે હું તને કહું કે તારી બુદ્ધિ ક્યાં બહેર મારી ગઈ હતી ? ત્યારે તને દીક્ષા લેવાની છૂટ.' સમ્રાટનાં મનમાં હતું કે અભયકુમાર જેવા બુદ્ધિનિધાન માટે ક્યારેય આ શબ્દો કહેવાના આવશે નહિ. માટે એની દિક્ષા થશે નહિ.

એક વાર રાણીઓના ચારિત્ર પર શંકા થવાથી ભયંકર ક્રોધિત શ્રેણિકે અભયકુમારને આદેશ કર્યો કે 'સમગ્ર રાણીવાસ બાળી નાંખ.' શ્રેણિક એ પછી તુર્ત મહાવીર પ્રભુની ધર્મદેશના સાંભળવા નગર બહાર નીકળ્યા. વિચક્ષણ અભયકુમારે તમામ રાણીઓને સલામત ખસેડી માત્ર મકાન બાળ્યું. આ તરફ શ્રેણિકે ધર્મદેશનામાં સાંભળ્યું કે 'તમારી તમામ રાણીઓ સુશીલ છે.' પસ્તાયેલ શ્રેણિક ત્યાંથી નગર તરફ ગયા. પણ ત્યાં તો દૂર દૂરથી આગ ભભૂકતી જણાઈ. એવામાં સામે અભયકુમાર મળ્યા. દુઃખી શ્રેણિક બોલ્યા ઃ 'અભય ! તારી બુદ્ધિ ક્યાં બહેર મારી ગઈ ? મેં ગુસ્સામાં કહ્યું. પણ તેં આ કેમ કર્યું ?' બસ, તક મળી ગઈ. અભયકુમારે તુર્ત મહાવીરપ્રભુ પાસે જઈ દીક્ષા લીધી અને તે ભવના અંતે મોક્ષ પ્રાપ્ત કર્યો !

છેલ્લે એક વાત ઃ 'જ્યાં પુરુષાર્થ ઉત્તમ છે ત્યાં ફળ ઉત્તમ છે... જ્યાં પુરુષાર્થ મધ્યમ છે ત્યાં ફળ મધ્યમ છે....'