- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'આગ્રહી વલણ માટે જીદ અને હઠાગ્રહ જેવા શબ્દપ્રયોગો થતા હોય છે. વ્યવહારમાં ભલે રાજહઠ - યોગીહઠ - સ્ત્રીહઠ- બાળહઠ પ્રસિદ્ધ હોય. પરંતુ વસ્તુત : લગભગ દરેક વ્યક્તિમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઈ બાબતમાં હઠાગ્રહ નિહાળવા મળતો હોય છે. ક્યાંક એ હઠાગ્રહ સ્વભાવગત કારણસર જામ્યો હોય, તો ક્યાંક એ હઠાગ્રહ કો'કના પકડાવી દેવાથી જામ્યો હોય.
'અ-વર્ણ' થી શરૂ થતી અને 'અવર્ણ-વાદ' અર્થાત્ નિંદાનું કારણ બનતી ચાર દોષરૂપ- નકારાત્મક બાબતોની ચિંતનયાત્રામાં આજે આપણે વિચારીશું ત્રીજો દોષની આસપાસ.
૩) આગ્રહ : પોતાની વાત ગલત હોય તો ય એને પકડી રાખવી તેને કહેવાય આગ્રહ. જાણકારો કહે છે કે સમુદ્રમાં એક પ્રાણી મળે છે, એનું નામ છે ગ્રાહ. હોય એ તાંતણા જેવું. પરંતુ એની પકડ એવી ખતરનાક હોય કે એ હાથી જેવા બલવાન પ્રાણીને પરવશ બનાવી સમુદ્રમાં ખેંચી જાય અને એનો શિકાર કરે. આગ્રહ આ ગ્રાહ જેવો છે. એકવાર જે એની પકડમાં આવે એ એનાથી છૂટી ન શકે.
આગ્રહને પરખવાના બે લક્ષણો છે. એક, આગ્રહી વ્યક્તિ સાચું શું છે તે સમજતી હોય તો ય પોતાની વાત છોડતી નથી. 'સાચું એ મારું' આ એનો મુદ્રાલેખ નથી હોતો, બલ્કે 'મારું એ જ સાચું' આ એનો મુદ્રાલેખ હોય છે. સંસ્કૃત સાહિત્યકારો 'આગ્રહી બત નિનીષતિ તત્ર યુક્તિ જેવી શ્લોકપંક્તિઓ દ્વારા એમ જણાવે છે કે આગ્રહી વ્યક્તિ પોતાની દલીલશક્તિ દ્વારા વાતને એ રીતે જ સિદ્ધ કરવા પ્રયત્ન કરશે કે જ્યાં પોતાનો મત-પોતાની વાત હોય. એ વ્યક્તિ દલીલશક્તિ તે તરફ નહિ લઈ જાય કે જ્યાં સત્ય છે.
આગ્રહી વ્યક્તિનું બીજું લક્ષણ છે નુકસાન ભયાનક થાય તો ય પોતાની વાત-વલણ ન છોડવાની વૃત્તિ. કેટલીક વાર એ નુકસાનો વૈયક્તિક હોય તો કેટલીક વાર એ નુકસાનો પારિવારિક હોય, કેટલીક વાર એ નુકસાનો સંસ્થાગત હોય, તો કેટલીક વાર એ નુકસાનો સમાજગત હોય. નુકસાનોનો વ્યાપ સમાજ સુધી ફેલાય તેમ હોય તો ય આગ્રહી વ્યક્તિ ટસની મસ થયા વિના પોતાનો તંત છોડે નહિ. આગ્રહી વ્યક્તિનું વલણ કેવું આત્યંતિક હોય એ જાણવું છે ? તો વાંચો આ રમૂજ કથા:
ગામમાં ધોળે દિવસે ભરબજારે તમાશો સર્જાયો. બન્યું હતું એવું કે એક અલમસ્ત હટ્વાકટ્વા યુવાને ગધેડાનું પૂછડું જોરથી પકડયું હતું. આનાં કારણે ગધેડો ભડકીને જોશભેર ભાગતો હતો અને પાછલા પગે યુવાનને જોશભેર લાતો મારતો હતો. બીજો કોઈ યુવાન હોત તો ગધેડાની એક જ લાત ખાતાં ત્રાહિ પોકારી ગયો હોત. પરંતુ આ હૃષ્ટ-પુષ્ટ યુવાન લાતો ખાવા છતાં પૂછડાંને વળગી રહ્યો હતો. આગળ જતાં પરિસ્થિતિ એ સર્જાઈ કે સ્પીડથી ભાગતા ગધેડાનાં કારણે યુવાન રીતસર ઢસડાતો ગયો અને સતત લાતો પડવાથી લોહીલુહાણ થતો રહ્યો. એ હવે બૂમો પાડતો હતો કે 'બચાવો..બચાવો.' પણ પકડેલું પૂછડું છોડે એ બીજા.
કેટલાક ભલા લોકોએ દોડીને યુવાનને બે પગ પકડી ખેંચ્યો. હુંસાતુંસીમાં યુવાનના હાથમાંથી પૂછડું છૂટયું. ગધેડો ભાગી ગયો અને આ ભાઈ લાતો ખાવાની પીડાથી બચ્યો. દુકાનના ઓટલા પર યુવાનને સુવડાવી પ્રાથમિક સારવાર કરતા કરતા બે-ત્રણ વ્યક્તિએ એને કહ્યું : 'ભલા માણસ ! ગધેડાનું પૂછ્ડું તે કાંઈ પકડાતું હશે ? થોડોક તો વિચાર કરવો હતો ?' અરે ! હોય કાંઈ ? પૂરા પંદર દિવસ મેં એ વિચાર કર્યો છે કે ગધેડાનું પૂછ્ડું પકડવું કે નહિ. પંદર દિવસના અંતે હું ગધેડાનું પૂછડું પકડવાના નિર્ણય પર આવ્યો અને પકડયું મેં આ પૂછ્ડું. રહી વાત લાતો ખાવા છતાં પૂછડું પકડી રાખવાની. એનું કારણ છે મારા પિતા. એમણે મને એ શીખવ્યું છે કે કોઈ પણ વસ્તુ પકડયા પછી છોડવી નહિ. એટલે મેં ઠેઠ સુધી પૂંછડું છોડયું નહિ. ભલે ને લાતો વાગી. પરંતુ પકડેલું ન છોડવાનું 'પણ' તો રહ્યું ને ! યુવાન પ્રકાશ્યો !
આગ્રહી વ્યક્તિનું વલણ કેવું આત્યંતિક હોય તે આ ઘટનામાં સરસ પ્રતિબિંબિત થાય છે. આવા આગ્રહી વલણ માટે જીદ અને હઠાગ્રહ જેવા શબ્દપ્રયોગો થતા હોય છે. વ્યવહારમાં ભલે જીદ અને હઠાગ્રહ જેવા શબ્દપ્રયોગો થતા હોય છે. વ્યવહારમાં ભલે રાજહઠ- યોગીહઠ- સ્ત્રીહઠ- બાળહઠ પ્રસિદ્ધ હોય. પરંતુ વસ્તુત : લગભગ દરેક વ્યક્તિમાં ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ બાબતમાં હઠાગ્રહ નિહાળવા મળતો હોય છે. ક્યાંક એ હઠાગ્રહ સ્વભાવગત કારણસર જામ્યો હોય, તો ક્યાંક એ હઠાગ્રહ કો'કના પકડાવી દેવાથી જામ્યો હોય. મહાન શાસ્ત્રકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે 'અધ્યાત્મસાર' ગ્રન્થમાં આવા આગ્રહને બહુ સાર્થક નામ આપ્યું છે ' અસદ્ગ્રહ.' એ અસદ્ગ્રહનો તેઓએ તે ગ્રન્થમાં જે નુકસાનો દર્શાવ્યા છે એમાંના કેટલાક પર દૃષ્ટિપાત કરીએ:
૧) વિદ્યાનો હ્રાસ : જ્ઞાાનીજન હો કે ગુરુજન : હઠાગ્રહી વ્યક્તિ એમની સામે ય પોતાની ગલત વાત પકડી રાખી હઠાગ્રહ- જીદ દાખવે. જીદવશ એમની સાચી-સુયોગ્ય વાત ન માને, તો એમની સામે જીભાજોડી કરે. પરિણામ ? પરિણામ એ આવે કે જ્ઞાાનીજનો-ગુરુજનો હઠાગ્રહી વ્યક્તિથી દૂર થઈ જાય. સરવાળે હઠાગ્રહી વ્યક્તિ વિદ્યાથી- સદ્બોધથી- સારી સમજથી વંચિત રહી જાય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચ આ પ્રાચીન વિ-લક્ષય કથા.
એક ધૂર્ત વ્યક્તિ સંન્યાસીના વિશ્વમાં પ્રવેશી ગઈ હતી. વેશ-આચાર સંન્યાસીના, પણ સ્વભાવ ધૂર્તતાનો. એક પ્રદેશના રાજાને આંજી દઈ એણે ઘણાં કાર્યો કરાવી દીધા. એનો વેશ સંન્યાસીનો હોવાથી એ કાયમ ત્યાં રહી શકે તેમ ન હતું. એથી જવાનો સમય આવ્યો ત્યારે એનાં ધૂર્ત મનમાં વિચાર ઝબક્યો કે એવું કરીને જઉં જેથી રાજા કોઈ જ્ઞાાનીજન-ગુરુની અસરમાં જ ન આવે. એણે રાજાને 'તજ્જ્ઞાાનમેવ ન ભવતિ, શ્લોક આપીને એનો સાવ ગલત અર્થ સમજાવી કહ્યું : ' મારા પછી કોઈ પણ સંત-ગુરુ આવે તો તમારે પહેલા આ શ્લોકનો અર્થ પૂછવો. જો અર્થ મારાથી વિપરીત હોય તો તમારે એ ગુરુ ગલત ગણી એમનો સત્સંગ-ઉપદેશ સાંભળવાની ના કહી દેવી. મેં જે અર્થ બતાવ્યો છે તે તમારે કોઈને ન કહેવો, ગુપ્ત રાખવો.' રાજાએ હા કહી.
એ પછી એવું બન્યું કે જે જે મોટા મોટા સંતો-સદ્ગુરુઓ પધારે, રાજા દરેકની પેલા શ્લોકથી પરીક્ષા કરે. સ્વાભાવિક જ બધા એક સરખો સાચો અર્થ કહે. રાજા એ બધાને અજ્ઞાાની માની એમનો સત્સંગ કરવાનો ઇન્કાર કરી દે. આ પકડાવાઈ દીધેલો અસદ્ આગ્રહ-જીદ હતી. એનાથી રાજા ઘણાના સત્સંગ- સદ્બોધથી વંચિત રહ્યો. વિચક્ષણ મન્ત્રીઓએ ઘણું સમજાવ્યા કે ' આ સંતો એકેકથી ચડિયાતા-મહાજ્ઞાાની છે. બધા એક સરખો અર્થ કહે છે. માટે તમારી સમજ ગલત હશે. આ રીતે પરીક્ષા કરવી યોગ્ય નથી.' પરતુ રાજા જીદ્દી બની કોઈનું માને જ નહિ.
આખરે મનની વાત જાણનાર મન:પર્યવજ્ઞાાની જૈન મુનિ પધાર્યા. એમણે રાજાનાં મનની વાત જાણી પહેલા એ ગલત અર્થ બતાવ્યો. રાજાને થયું કે આ બરાબર જ્ઞાાની છે, પછી એ અર્થ ગલત હોવાનું જણાવી રાજાને એના અસદ્ગ્રહથી મુક્ત કર્યો.
આ કથાનો રાજા જેમ હઠાગ્રહવશ અનેક જ્ઞાાનીજનોના સદ્બોધથી વંચિત રહ્યો, તેમ હઠાગ્રહી વ્યક્તિ જ્યાં સુધી હઠાગ્રહ ન ત્યજે ત્યાં સુધી ગુરુજનો પાસેથી વિદ્યા- સદ્બોધથી વંચિત રહે.
૨) વિવેકનો હ્રાસ : હઠાગ્રહી વ્યક્તિ એના હઠાગ્રહને બરકરાર રાખવા વિવેકભ્રષ્ટ બનતા વાર ન લગાવે. ગુજરાતીની એક ઉક્તિ આ સંદર્ભમાં ટાંકવાનું મન થાય કે ' મહાજન મારું મા-બાપ, પણ ખીલી મારી ખસે નહિ.' એક તરફ મહાજન મા-બાપ જેવું હોવાની ઠાલી વાત કરે અને બીજી તરફ પોતાની ખીલી પોતાની વાતમાં જરા ય ફર્ક ન કરવાની વાત કરે. આ ખુલ્લો અ-વિવેક ગણાય.
૩) વિનયનો હ્રાસ : જીદ્દી વ્યક્તિ જ્યારે જીભાજોડી પર ઉતરી જાય ત્યારે 'મહાજન મારું મા-બાપ' જેવો માત્ર દેખાવને વિનય પણ વીસરી જાય અને ગુરુજનો-વડીલો સામે હુંસાતુંસી તું-તાં જેવા અવિનય સુધી ય પહોંચી જાય. ત્યાં થાય છે વિનયનો નાશ.
૪) વિશુધ્ધિનો હ્રાસ : જ્યાં અસદ્ગ્રહરૂપ જીદ છે ત્યાં વક્રતા છે અને જ્યાં વક્રતા છે ત્યાં વિશુધ્ધિ સંભવિત નથી. પ્રભુ મહાવીરદેવ ઉત્તરાધ્યયન આગમગ્રન્થમાં ફરમાવે છે કે 'સોહી ઉજ્જુભુયસ્સ.' મતલબ કે જે સરલ છે એનામાં જ શુધ્ધિ છે. આમ જીદમાં વક્રતાવશ વિશુધ્ધિનો હ્રાસ થાય છે.
છેલ્લે એક વાત : કદાગ્રહી એમ માને છે કે મારું તે જ સાચું. સદાગ્રહી વ્યક્તિ એમ માને છે કે સાચું એ જ મારું.


