Get The App

નર્કગતિમાં છે વિનાશ... તિર્યંચગતિમાં છે વિલાપ...દેવગતિમાં છે વિલાસ... ફક્ત માનવગતિમાં છે વિકાસ...

Updated: Apr 3rd, 2024

GS TEAM


Google News
Google News
નર્કગતિમાં છે વિનાશ... તિર્યંચગતિમાં છે વિલાપ...દેવગતિમાં છે વિલાસ... ફક્ત માનવગતિમાં છે વિકાસ... 1 - image


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- સંપૂર્ણ કર્મક્ષય દ્વારા શુદ્ધાત્મસ્વરૂપનો સંપૂર્ણ વિકાસ માત્ર ને માત્ર માનવ જન્મમાં થયેલ આધ્યાત્મિક સાધના દ્વારા જ શક્ય છે. એ સિવાયના કોઈ ગતિના જન્મ દ્વારા સંપૂર્ણ કર્મક્ષય-શુદ્ધાત્મસ્વરૂપનો સંપૂર્ણ વિકાસ શક્ય જ નથી

જૈ ન દર્શન ચાર ગતિનું નિરૂપણ કરે છે : નર્ક, તિર્યંચ, દેવ અને મનુષ્ય. દરેક જીવનો સમગ્ર સંસાર કહો કે ચોર્યાશી લાખ જીવયોનિનું પરિભ્રમણ કહો, એ તમામ આ ચાર ગતિમાં જ સમાય છે. એનાથી બહાર જીવનો ન તો કોઈ સંસાર છે, ન તો કોઈ પરિભ્રમણ. આ ચાર ગતિનાં બંધનોથી જે જીવ સાધનાબળે મુક્ત થઈ જાય એ જીવ સમગ્ર સંસારથી-ચોર્યાશી લાખ જીવયોનિનાં પરિભ્રમણથી મુક્ત થઈ જાય અને મોક્ષસ્થાનમાં શાશ્વતરૂપે પ્રતિષ્ઠિત થઈ જાય.

ચારે ય ગતિની વિ-લક્ષણતા યા વિશેષતા દર્શાવવા ધર્મચિંતકો એના માટે ભાત-ભાતનાં વિશેષણો દર્શાવે છે. આપણે પણ ચાર ગતિને ચાર વિશેષણ દ્વારા સામાન્ય : પરખી આત્મકલ્યાણ માટે સૌથી વધુ ઉપયોગી-સૌથી વધુ મહત્વની માનવગતિ માટે નવી ચાર બાબતો દ્વારા ચિંતનયાત્રા કરીશું.

ચારે ય ગતિને સામાન્ય : પરખવા 'વિ' અક્ષરથી શરૂ થતાં એકેક વિશેષણ એકેક ગતિ સાથે આ બરાબર છે કે નર્કગતિમાં વિનાશ છે, તિર્યંચગતિમાં વિલાપ છે; દેવગતિમાં વિલાસ છે, જ્યારે માનવગતિમાં વિકાસ છે. એકદમ સાર્થક છે દરેક ગતિ માટેના આ દરેક શબ્દ. કારણ કે નર્કગતિમાં વિનાશ જ છે. ત્યાં જે રીતે સતત અંગોપાંગનાં છેદન-ભેદન અવિરત ચાલ્યા કરે છે એ જોતાં એને 'વિનાશ'નું વિશેષણ બિલકુલ સાર્થક છે. અલબત્ત, જૈન દર્શન મુજબ દરેક નારકનાં શરીર વૈક્રિય હોવાથી છેદન-ભેદનની ભયાનક દર્દનાક વેદનાઓ પછી ય એ અંગોપાંગ સંધાઈ જાય છે એ અલગ વાત છે. પરંતુ ડગલે ને પગલે થતી ખતરનાક છેદન-ભેદનની પ્રક્રિયા એ 'વિનાશ' ની ગતિ હોવાનું પુરવાર કરે છે. આ ઉપરાંત સતત ક્લિષ્ટ કર્મબંધનાં કારણે થતો આત્મિક અધ:પતનરૂપ વિનાશ અલગ.

તિર્યંચગતિમાં છે વિલાપ. કૂતરો ભલે શેરીમાં સહુ સાથે હળી-મળી ગયો હોય કે ભેંસ વગેરે પ્રાણીઓ ભલે પરિવાર માટે સહાયરૂપ બનેલ હોય. પરંતુ એના દેહમાં ઘા પડી ગયો હોય અને એમાં કીડા ખદબદતા હોય ત્યારે એની પીડા-એનાં આંસુને કોઈ જોનાર પ્રાય:નથી હોતું. કોઈ જીવદયાપ્રેમી એની સંભાળ કરે તો અલગ વાત છે. બાકી એ તિર્યંચો-પ્રાણીઓના નસીબમાં ખૂણામાં પડયા રહી છેલ્લા શ્વાસ સુધી વિલાપ કરવાનું-આંસુ સારવાનું દુ:ખ લખાયું હોય છે. પ્રાણી કોઈ પણ હો અને એની અવસ્થા કોઈ પણ હો, પરંતુ પરાધીનતાના વિલાપ તો એના લેખમાં જડાયેલા જ હોય.

દેવગતિમાં છે વિલાસ. દેવગતિનો વૈભવ એવો પરાકાષ્ઠાનો હોય છે કે ત્યાંના સામાન્યમાં સામાન્ય દેવના વૈભવ સામે-સામર્થ્ય સામે માનવગતિના ટોચના વૈભવશાલી મહાનુભાવનો વૈભવ પણ ક્યાં ય પાણી ભરે. અત્યંત દીર્ઘકાલીન આયુષ્ય અને ઉત્તમોત્મ ભોગોપભોગ સામગ્રીની પ્રચુરતામય દેવજીવન હોવાથી ત્યાં મહદંશે વિલાસની-ભૌતિક સુખોપભોગની બોલબાલા હોય છે.

પણ.... સબૂર! એકમાત્ર માનવગતિ જ એવી છે કે જ્યાં આત્મિક વિકાસની બોલબાલા હોય છે. શાસ્ત્રોએ ત્યાં સુધી લખી દીધું છે કે સંપૂર્ણ કર્મક્ષય દ્વારા શુદ્ધાત્મસ્વરૂપનો સંપૂર્ણ વિકાસ માત્ર ને માત્ર માનવ જન્મમાં થયેલ આધ્યાત્મિક સાધના દ્વારા જ શક્ય છે. એ સિવાયના કોઈ ગતિના જન્મ દ્વારા સંપૂર્ણ કર્મક્ષય-શુદ્ધાત્મસ્વરૂપનો સંપૂર્ણ વિકાસ શક્ય જ નથી. આ જ કારણે ભક્તિગીતપંક્તિઓમાં માનવજન્મને મુક્તિનું પ્રવેશદ્વાર ગણાવતા જણાવાયું છે કે :-

''માનવનો જન્મ છે મુક્તિનું બારણું... મહાવીરનો ધર્મ છે મુક્તિનું પારણું...''

હવે આપણે સમજીએ માનવગતિમાં થતાં આધ્યાત્મિક વિકાસને ચાર રીતે-ચાર પદ્ધતિએ.

(૧) સમયમૂલક વિકાસ : કેટલી ય કુદરતી ઘટનાઓમાં એવું નિહાળાય છે કે વિકાસના મૂળમાં સમય હોય. સમય થયા વિના જે તે વિકાસ શક્ય ન બને. એક-બે ઉદાહરણો જોઈએ તો, કેરીની નાનકડી ગોટલીમાંથી સેંકડો કેરીઓથી લચી પડતું આમ્રવૃક્ષ સર્જાય ખરું. પરંતુ એ ગોટલી ભૂમિમાં દટાતાની સાથે રાતોરાત ન જ સર્જાય. એના માટે કેટલાક વર્ષોનો સમય અવશ્ય જોઈએ. પછી જ એમાંથી આમ્રવૃક્ષ શક્ય બને. એક સ્ત્રી ગર્ભવતી બને તો એ માતા બની શકે ખરી. પરંતુ એ માટે વચ્ચે નવ માસનો સમય જોઈએ. આજે એ સગર્ભા બને અને કાલે માતા બની જાય એ શક્ય જ નથી. આવાં તો કેટલાં ય ઉદાહરણો મળે કે જેમાં વિકાસ સમયમૂલક હોય.

તકલીફ ત્યાં છે કે ટેક્નોલોજીના આ યુગમાં કેટલાંક કાર્યો આંખના પલકારામાં થઈ શકાતા હોવાથી માનવી સમયમૂલક વિકાસની વાતને યા તો વીસરી ગયો છે યા તો એની ઉપેક્ષા કરતો થઈ ગયો છે. વોટ્સએપ દ્વારા કાચી ક્ષણમાં સમાચારોની ચોકસાઈભરી આપ-લે થઈ જાય છે, તો ફાસ્ટફુડ દ્વારા નહિવત મહેનતે તાત્કાલિક આહાર મળી જાય છે. આવી આવી અઢળક શક્યતાઓથી વ્યક્તિનાં મનમાં જાણતા-અજાણતાં ઝડપી નિર્ણય-ઝડપી કાર્ય-ઝડપી પરિણામની સાયકલ સેટ થઈ ગઈ છે. 'ધીરોદાત્ત' સ્વભાવની વાતો જાણે કે શાસ્ત્રોમાં રહેવા જ સર્જાઈ ન હોય! આના નકારાત્મક પરિણામો વ્યક્તિનાં જીવનમાં ત્રણ આવ્યા છે : (અ) દરેક બાબતમાં જરૂર વિનાની ઉતાવળ (બ) કાર્ય પોતે ધારેલ ઝડપે ન થાય ત્યારે ચિંતાઓ-ટેન્શન (ક) કાર્યો ધારી ઝડપે ન થાય ત્યારે એમાં સંલગ્ન વ્યક્તિઓ સાથે બિનજરૂરી સંક્લેશ-સંઘર્ષ.

જેમ બાહ્ય જગતમાં 'સમય' નામે પરિબળની ઉપેક્ષા કરવાથી આ ત્રણ નુકશાન થાય છે તેમ આધ્યાત્મિક જગતમાં 'સમય' નામના પરિબળની ઉપેક્ષા કરવાથી આત્મિક વિકાસની દૃષ્ટિએ ત્રણ નુકશાન થાય : (અ) આત્મવિકાસની સાધના જ ન થાય. વ્યક્તિ જો યોગ્ય સમય ચૂકી જાય, વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ જાય, તો એ સાધનાથી વંચિત થઈ જાય. કૈકેંટલાય કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે વ્યક્તિને સંયમ ધર્મ-સાધુપણું સ્વીકારવાની ભાવના હોય પરંતુ સંયમસાધનાનો સમય વીતી ગયો હોય, વ્યક્તિ વૃદ્ધાવસ્થાથી જર્જરિત હોય. એથી સંયમસાધનાથી વંચિત થઈ જાય. શાસ્ત્રો સંયમ જેવી સાધના માટે સંયમનું સરસ માર્ગદર્શન આપે છે કે :-

જરા જાવ ન પીડેઈ, વાહી જાવ ન વડ્ઢઈ;

જાવિંદિયા ન હાયંતિ, તાવ ધમ્મ સમાયરે.

ભાવાર્થ કે જ્યાં સુધી વૃદ્ધાવસ્થા શરીરને ઘેરી ન લે, જ્યાં સુધી રોગો દેહ પર ડેરા-તંબુ ન તાણે અને જ્યાં સુધી ઈન્દ્રિયો ક્ષીણ ન થાય ત્યાં સુધી ઉત્તમ ધર્મસાધનામાં જોડાઈ જવું. (ર) સંયમ જેવી સાધના થાય કદાચ, તો ય એમાં જોઈએ તેવો જોમ-જુસ્સો-પરાક્રમ ન આવે. ગળિયા બળદની જેમ સાધનાઓ કરવા પૂરતી ને ખામી ભરી થાય. (૩) એવી સાધનામાં ય વચ્ચે વચ્ચે અનેક માનસિક વિક્ષેપો આવે. કારણ કે જીવનનો મોટા ભાગનો કાળ દુનિયાદારીની હજારો બાબતોમાં વીતાવ્યો હોય એટલે એનાં સંસ્કારો વિક્ષેપરૂપ બન્યા કરે.

જો આ ત્રણ અને આવાં આવાં અનેક નુકસાનોથી બચવું હોય તો આધ્યાત્મિક વિકાસ માટે સમયનું મૂલ્ય સમજવું જોઈએ. બાલ્યાવસ્થાથી લઈને શરીર-ઈન્દ્રિયો સક્ષમ હોય ત્યાં સુધીનો તમામ સમય આધ્યાત્મિક વિકાસની સાધનાનો શ્રેષ્ઠ સમય છે. ખાસ ધ્યાનમાં રહે પ્રારંભે જણાવેલી વાત કે આધ્યાત્મિક સંપૂર્ણ વિકાસ માટેની એક માત્ર ગતિ માનવની જ છે. એથી જ એની મહત્તા દર્શાવતા સૂત્રો અનેક દર્શાવાયા છે : જેમ કે ''દુલ્લહં મણુઅત્તં, દુર્લભં માનુષં જન્મ, મણુઆણં ધમ્મસામગ્ગી'' વગેરે. એક તરફ અત્યંત મહત્વનો માનવજન્મ અને બીજી તરફ એમાંનો યોગ્ય સમય : એને દુર્લભ તકની જેમ ઝડપી લેવાની તત્પરતા કેવી હોવી જોઈએ એ જાણવું છે ? તો વાંચો જૈન ઈતિહાસની આ અદ્ભુત ઘટના :

મધ્યયુગમાં જેમ બિરબલ બુદ્ધિના બાદશાહરૂપે જગવિખ્યાત હતો, એમ ભગવાન મહાવીરપ્રભુના સમયમાં અભયકુમાર બુદ્ધિનિધાનરૂપે વિશ્વવિખ્યાત હતા. મગધ સમ્રાટ શ્રેણિકના એ રાજપુત્ર પણ હતા, તો મગધ સામ્રાજ્યના પાંચસો બુદ્ધિમાન મન્ત્રીઓના એ સર્વોપરિ મન્ત્રીશ્વર પણ હતા. જૈન જગતમાં આજે ય લખાય છે કે ''અભયકુમારની બુદ્ધિ હોજો.'' કોઈનું બગાડે એવી નહિ, બલ્કે સહુનું હિત કરે એવી સદ્બુદ્ધિ અભયકુમારની હતી. દીર્ઘદૃષ્ટિ ય અભયકુમારની જ. આથી જ, પ્રભુમહાવીરદેવની ધર્મદેશનાથી રંગાયેલ પિતા શ્રેણિક મહારાજા જે રાજકુમારોને સંયમની ભાવના થાય એમને સંયમની રજા આપતા હતા. પરંતુ અભયકુમારને સંયમની રજા આપતા ન હતા. એ દીક્ષા લે તો રાજ્યની ધુરા આટલી સરસ કોણ સંભાળે ? અભયકુમારે વારંવાર અંત:કરણથી વિનંતી કરે તો શ્રેણિક કહે : ''જે દિવસે હું તને કહું કે તારું મોઢું ન બતાવીશ એ દિવસે તારે દીક્ષા લેવાની છૂટ.'' શ્રેણિકનાં મનમાં એમ હતું કે આવા શબ્દ તો કહેવાનો પ્રસંગ જ નહિ આવે. માટે અભયકુમાર સંયમ નહિ લઈ શકે અને રાજ્યવ્યવસ્થા સુચારુ રહેશે.

એકવાર ચોક્કસ ઘટનાથી ઉશ્કેરાઈ સમ્રાટ શ્રેણિકે અભયકુમારને આદેશ કર્યો કે સમગ્ર અંત:પુર (રાણીવાસ) ને આગ લગાવી દે. અવિચારી આદેશ કરી સમ્રાટ પ્રભુ મહાવીરદેવની ધર્મદેશના સાંભળવા ગયા. ત્યાં મહારાણી ચેલ્લણા મહાસતી હોવાનું સાંભળી પશ્ચાત્તાપ પામેલ શ્રેણિક રાણીવાસ બચાવવા પ્રભુ પાસેથી નીકળી નગરમાર્ગે આગળ વધ્યા. એમને અભયકુમારની બુદ્ધિ પર અડગ વિશ્વાસ હતો કે મેં ભલે અવિચારી આદેશ કર્યો, પણ અભયકુમાર અંત:પુરને આગ નહિ લગાવે. થોડું આગળ જતાં જ રાણીવાસના વિસ્તારમાંથી ભયાનક આગ અને ધુમાડાનાં દૃશ્યો દેખાયાં. એવામાં જ અભયકુમારનો રથ સામે મળ્યો. ગુસ્સે ભરાયેલ શ્રેણિક ઉકળાટમાં બોલી ઉઠયાં : ''અભય! ક્યાં ગઈ તારી બુદ્ધિ ? ધિક્કાર છે તને. તારું મોઢું મને બતાવીશ નહિ.'' એક અક્ષર બોલ્યા વિના હાથ જોડી વિદાય થયેલ અભયકુમારે પૂરવેગે રથ પ્રુભ મહાવીરદેવના સમવસરણ તરફ દોડાવ્યો. આ તરફ, શ્રેણિક અંત:પુર તરફ ગયા ત્યારે એમને અભયકુમારની બુદ્ધિની કમાલ દેખાઈ. અભયકુમારે તમામ રાણીઓને રાણીવાસની બહાર લાવ્યા પછી જ આગ લગાવી હોવાથી દરેક રાણી હેમખેમ હતી. હાશ પામેલ રાજાને હવે નવી ચિંતા થઈ કે મારા શબ્દોથી અભયે દીક્ષા લીધી હશે તો ? તેઓ પુન:સમવસરણમાં આવ્યા. જોયું તો ખ્યાલ આવ્યો કે અભયકુમારે દીક્ષા લઈ લીધી હતી. માનવજીવન અને યોગ્ય સમયની તક ઝડપવા જ અભયકુમારે આગ લગાડવાનો ખેલ કર્યો હતો !

છેલ્લે એક વાત : ઠંડે પ્રહરે આગળ નહિ વધો તો ભરતડકે હેરાન થશો. માનવજન્મમાં સાધના નહિ કરો તો આગામી જન્મમાં હેરાન થશો.

Tags :