Get The App

સંપત્તિ આપીને આનંદ પામે છે શ્રીમંત...સંપત્તિ દાટીને આનંદ પામે એ છે દરિદ્ર...

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
સંપત્તિ આપીને આનંદ પામે છે શ્રીમંત...સંપત્તિ દાટીને આનંદ પામે એ છે દરિદ્ર... 1 - image


- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- 'જેઓ સંપત્તિનો સંગ્રહ ન કરતાં તેને દાનમાર્ગે વહાવે છે એને ખુદને દાનનાં ફળરૂપે યશ-લાખો જરૂરિયાતમંદોના આશીર્વાદ અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત થાય છે, તો એનો લાભ લેનારાઓને સુવિધાઓની પ્રાપ્તિ-ચિંતાઓમાં રાહત-ખુશી જેવી ઉપલબ્ધિઓ થાય છે. આ રીતે, સંપત્તિનું દાન બન્ને પક્ષને લાભદાયી હોવાથી દાન આશીર્વાદરૂપ છે.'

જ્યોતિષની માન્યતાનુસાર આકાશી ગ્રહો વ્યક્તિને નડતર કરતાં પણ હોય તો ય એમાં નોંધપાત્ર બાબત એ છે કે એ નડતર 'અનલીમીટ' સમયનું નથી હોતું. એને સમયમર્યાદા હોય છે. જેમ કે શનિગ્રહ નડે તો ય એની છેલ્લી મર્યાદા સાડા સાત વર્ષની હોય છે. એથી જ 'શનિની સાડા સાતી' જેવો વાક્ય પ્રયોગ થાય છે. આની સામે વિચારીએ તો, 'ગ્રહ' શબ્દ જેના અંતે છે તેવી માનવને નડતી દોષરૂપ બાબતોની ખતરનાક ખાસિયત એ છે કે એને સમયમર્યાદા નથી. એ માનવને આજીવન-છેલ્લા શ્વાસ સુધી ય નડી શકે છે. એ દૃષ્ટિએ આ 'ગ્રહ' શબ્દના અંતવાળી દોષાત્મક બાબતોથી વધુ સાવધ રહેવા જેવું છે. ગત લેખથી આવી ચાર બાબતોની વિચારણા આપણે આરંભી હતી. તેમાં આજે વિચારીશું ત્રીજા અને ચોથા ક્રમની બાબતો.

૩) વાણીમાંથી વિગ્રહ : વિગ્રહનો અર્થ છે કલેશ-ઝઘડો યાવત્ યુદ્ધ. નિર્દેશ અહીં એ છે કે વાણીમાંથી એવા શબ્દો ન પ્રગટવા જોઈએ કે જે ઘર્ષણ-ઝઘડા કરાવે.

સંસ્કૃતમાં એક સરસ સૂક્ત છે કે ' વિષામૃતયોરાકરી જિહ્વા.' એ એમ કહે છે કે ઝેરની ખાણ હોય તો એ છે જીભ અને અમૃતની ખાણ હોય તો એ પણ છે જીભ ! શું જીભમાં અમૃત અને ઝેર હોઈ શકે ખરા ? ઉત્તર છે ના પણ અને હા પણ. દેવલોકમાં જેમ અમૃત છે અને સર્પનાં મુખમાં જેમ ઝેર છે તેમ જીભમાં અમૃત અને ઝેર નથી હોતા. એ અપેક્ષાએ ઉત્તર છે ના. પરંતુ અમૃત જેમ મૃતપ્રાય: વ્યક્તિને જીવન બક્ષી શકે છે એમ જીભમાંથી પ્રગટતા પ્રેરણા-પ્રોત્સાહન-વાત્સલ્યભર્યા શબ્દો સાવ હતાશ-મડદાલ જેવી થઈ ગયેલ વ્યક્તિમાં જીવનરસ સમો ઉત્સાહ સીંચી શકે છે, અને ઝેર જેમ સાવ સાજા-નરવા માનવીને ખતમ કરી શકે ચે. એમ મર્મઘાતભર્યા આક્રોશ- આવેશભર્યા શબ્દો વૈર-વિરોધના ચક્રવ્યૂહમાં સપડાવી નવજવાન માનવીને ય ખતમ કરી શકે છે. એ અપેક્ષાએ ઉત્તર છે હા.

એવી કેટકેટલી ઘટનાઓ આપણી આસપાસ-ચોપાસ નિહાળવા મળશે કે જેમાં બધી રીતે ઘેરાઈ જવાથી માનસિક રીતે સાવ તૂટી પડેલ વ્યક્તિ એકાદ વચનથી મજબુત બની ટકી જાય. જૈન પરંપરામાં આને પુરવાર કરે તેવાં 'બહુત ગઈ થોડી રહી' જેવાં ઉદાહરણો મળે છે. અરે ! ક્યાંક આપણાં ખુદનાં જીવનમાં ય આવા અનુભવો થતા હોય છે. એથી વિપરીત, એવી ઘટનાઓ પણ આસપાસ-ચોપાસ નિહાળવા મળે કે જેમાં એકાદ ઝેરીલાં- ઉગ્ર વચનથી ઝેર નુકસાન કરે એથી ય ઝડપી અને એથી ય ખતરનાક નુકસાન થયાં હોય. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો લગભગ એંશી પૂર્વે કાઠિયાવાડમાં સર્જાયેલ આ કરુણાંતિકાભરી કથાવ્યથા:

કાઠિયાવાડના નાનકડા ગામનો કાઠી. હતો વટનો કટકો, પણ ગરીબ. ખેતીથી માંડ-માંડ ગુજરાન કરે. એમાં એક વર્ષ આવ્યું દુષ્કાળનું. ચોમાસા પછીનું વર્ષ કેવી રીતે કાઢવું એ યક્ષપ્રશ્ન હતો. આખરે કાઠીએ વ્યાજે રકમ લેવાનું નક્કી કર્યું. બાજુના શહેરના વ્યાપારીને ત્યાંથી એણે હજાર રૂપિયા વ્યાજે લીધા. પણ રે નસીબ ! બીજા વર્ષે એથી પણ આકરો દુષ્કાળ આવ્યો. કાઠીની હાલત 'પડતા પર પાટુ' જેવી થઈ. એ ફરી શેઠ પાસે આવ્યો. એણે કહ્યું : ' શેઠ ! ઘરમાં ખાવા મૂઠીભર ધાન નથી. આ ચોમાસે હું અને ઘરવાળી હળ સાથે જોડાશું તો જ ખેતી થશે. કારણકે તમારી રકમ ચુકવવા મેં બળદની જોડ વેચી દીધી છે. લો, આ તમારા વ્યાજ સાથેના હજાર રૂપિયા. પણ મને હવે આ વર્ષ માટે બારસો રૂપિયા વ્યાજે આપો.' શેઠને આશા ન હતી કે કાઠી રકમ પરત કરશે. એ રકમ આવી ગઈ એટલે શેઠ ખુશ થઈ ગયા. એમણે રકમ જલ્દી ગલ્લામાં સેરવી દીધી. પણ પછી વિચાર્યું કે ' આ જ રકમ માંડ માંડ આવી છે. તો આ ભૂખડીબારસને નવી રકમ શે અપાય ?' એથી એમણે કોઈ દયા-માયા રાખ્યા વિના કાઠીને રકમ ધીરવાની ધરાર ના કહી દીધી.

ગરજનો માર્યો કાઠી વારંવાર કરગરતો રહ્યો : ' શેઠ ! હું વચન પાળનાર ઇમાનદાર આદમી છું. એટલે બળદ વેચીને ય તમારી રકમ સમયસર આપી છે. આવતા વર્ષે ય હું ગમે તે વ્યવસ્થા કરીને રકમ ચૂકવીશ જ. ભગવાન મહેર કરશે ને આ વર્ષ સારું જશે. તમારે મને આ એક વર્ષ સાચવવો પડશે.' વારંવાર આ વાત સાંભળતા શેઠનો પિત્તો ગયો. ભાષા પર કાબુ ગુમાવીને એ ઝેર જેવા શબ્દો બોલ્યા કે' હમણા ને હમણા હાલતો થા. તારો બાપ અહીં દલ્લો દાટી નથી ગયો કે આમ માંગ્યા કરે છે.' વટના કટકા જેવા કાઠીની આંખમાં હવે લાલશ ઘોળાઈ. એ ઊંચા અવાજે બોલ્યો : ' શેઠ ! પૈસા આપવા કે ન આપવા તમારી મરજી. પણ મોં સંભાળીને બોલજો. બાપ સુધી ગયા છો તો મારા જેવો ભૂંડો કોઈ નહિં મળે.' ગુસ્સામાં આવી ગયેલ શેઠની જિબાનમાં ઓર ઝેર ઘોળાયું. ગુસ્સાથી ફાટ ફાટ થતા એ બોલ્યા : ' એક વાર નહિ, અગિયાર વાર કહું છું કે તારો બાપ અહીં દલ્લો દાટી ગયો નથી. જા, થાય તે કરી લેજે.'

એક તરફ પેટની આગ અને બીજી તરફ અપમાનની આગ : કાઠી પગથી માથા સુધી ગુસ્સાની આગમાં સળગી ઊઠયો. શેઠની દુકાનના પગથિયાં ઊતરીને એ ધમધમતો જતો રહ્યો. આ તરફ, બપોરે ઘરાકી ઓછી થતાં શેઠ ગાદી પર જ બેઠા બેઠા નિદ્રાદેવીના ખોળે ઝૂલતા હતા. એ સમયે કાઠી દોડતો દુકાનના પગથિયા ચડયો. એનો સમગ્ર દેહ ઘાસલેટથી તરબોળ હતો. પગથિયાં ચડતાવેંત પોતાના શરીરને દીવાસળી ચાંપી એણે વીજળીવેગે શેઠને બાથમાં લઈ લીધા. શેઠ હજુ આંખ ખોલે ને ઉભા થવા જાય ત્યાં સુધીમાં આગથી લપેટાઈ ગયા. શેઠની 'બચાવો..બચાવો' ની ચીસો સાંભળી દુકાનના અંદરના ભાગથી  એમનો એકનો એક યુવાન પુત્ર દોડતો આવ્યો. એ કાંઈ કરે તે પહેલા જીવ પર આવી ગયેલ કાઠીનો પડકાર આવ્યો કે ' ત્યાં જ ઊભો રહેજે. નહિ તો તારા બાપની સાથે તને ય લેતો જઈશ !' પુત્ર નિ:સહાય બનીને જોતો રહ્યો ને શેઠ-કાઠી ચંદ મિનિટોમાં ભડથું થઈ ગયા! જીભમાંથી ઝેરીલા શબ્દો ઝરે તો નુકસાન કેવાં કાતિલ થાય તે આ સત્ય ઘટનામાં હૂ-બ-હૂ પ્રતિબિંબિત થાય છે. વાણીમાંથી વિગ્રહ-ઝઘડાને નેસ્તનાબૂદ કરવા કાજે જીભની પૂર્વોક્ત બન્ને લાક્ષણિકતાઓ સતત દિમાગમાં રહે તે માટે યાદ કરીએ આ બે ગુજરાતી સૂત્રો કે ' જેની જીભમાં ઝેર એને જગથી વેર.' અને 'જીભમાં અમી તો દુનિયા નમી.'

(૪) સંપત્તિમાંથી સંગ્રહ : સંપત્તિ એવી ચીજ છે કે જે લગભગ દરેક સંસારી વ્યક્તિને પ્રિય હોય. કોઈને એનું આકર્ષણ મર્યાદિત પ્રમાણમાં હોય, કોઈને એનું આકર્ષણ અમર્યાદિત પ્રમાણમાં એટલે કે સંપત્તિ માટે છેલ્લામાં છેલ્લી હદે ઉતરી જવા જેવું હોય. આ આકર્ષણનું મુખ્ય કારણ છે વ્યવહરાજગતમાં એની ઉપયોગિતા. મકાન બનાવવું હોય કે ફલેટ ખરીદવો હોય, દુકાન ખરીદવી હોય કે ઓફિસ બનાવવી હોય, મનગમતાં ભોજન જોઈતાં હોય કે મનગમતાં વસ્ત્રો-અલંકારો ખરીદવા હોય, મનગમતાં પ્રવાસો કરવા હોય કે રોજિંદી ઘટમાળમાં વ્યવસાયસ્થળથી ઘરે પહોંચવું હોય : સર્વત્ર સંપત્તિની જ ઉપયોગિતા-બોલબાલા હોય છે. પણ..સબૂર! એમ તો કૂવાનાં જલની પણ કેટલી બધી ઉપયોગિતા છે. એનાથી તૃષા છીપે છે, તો દેહ-વસ્ત્રો વગેરે શુદ્ધ થાય છે, ધરતી પર પાક લહેરાવવા એ સિંચનરૂપે ઉપયોગી બને છે, તો ચણતર વગેરેમાં પણ એની અનિવાર્યતા રહે છે. છતાં એ જલના સ્વામી કૂવા માટે નિયમ એ છે એણે જલનો સંગ્રહ ન કરવો જોઈએ, બલ્કે દાન કરતા રહેવું જોઈએ. દુનિયાને જલરાશિનું દાન કરે તો જ એ કૂવો સ્વચ્છ રહે અને નવું નવું સ્વચ્છ જલ એની ભીતરથી પ્રગટતું રહે. જો એ જલદાન ન કરે તો તે બંધિયાર બની જઈ ગંદો થઈ જાય. એમાં નવું જલ ન ફૂટે. જેમ કૂવા માટે જલનું દાન આશીર્વાદરૂપ છે અને સંગ્રહ અભિશાપરૂપ છે એમ માનવી માટે સંપત્તિનું દાન આશીર્વાદરૂપ છે અને સંગ્રહ અભિશાપરૂપ છે. જેઓ લોભ-લાલસાથી અનાપ-સનાપ સંપત્તિ સંગૃહિત કરવા ચાહે છે તેઓ એના માટે ભ્રષ્ટાચાર-અપરાધરૂપ બને તેવી અયોગ્ય રીતરસમો અને ખૂનખરાબા જેવાં પાપો ય હિચકિચાટ વિના આચરવા તૈયાર હોય છે. એનાં કારણે એમને ખુદને જેલ જેવી સજાઓ- પાપો અને દુર્ગતિ લલાટે લખાય છે, તો એમનો ભોગ બનનારાઓને નુકસાની-હેરાનગતિ-મોત જેવી પીડાઓ લલાટે લખાય છે. એથી વિપરીત, જેઓ સંપત્તિનો સંગ્રહ ન કરતાં તેને દાનમાર્ગે વહાવે છે એને ખુદને દાનનાં ફળરૂપે યશ-લાખો જરૂરિયાતમંદોના આશીર્વાદ અને પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત થાય છે. તો એનો લાભ લેનારાઓને સુવિધાઓની પ્રાપ્તિ-ચિંતાઓમાં રાહત-ખુશી જેવી ઉપલબ્ધિઓ થાય છે.  આ રીતે, સંપત્તિનું દાન બન્ને પક્ષને લાભદાયી હોવાથી દાન આશીર્વાદરૂપ છે. જેઓ આ તથ્ય બરાબર સમજે છે તેઓ સંપત્તિના સંગ્રહનો નહિ, બલ્કે દાનનો કેવો સરસ અભિગમ ધરાવે છે એ નિહાળવું છે ? તો વાંચો 'દાનેશ્વરી' તરીકે પંકાયેલ મહાભારતના રાજા કર્ણનો આ હૃદયસ્પર્શી પ્રસંગ:

રાજા કર્ણને દાનધર્મ એટલો પ્રિય હતો કે સમગ્ર જીવન દરમ્યાન એણે ક્યારેય કોઈ યાચકને નિરાશ કર્યો ન હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન દ્વારા પરાસ્ત થયા બાદ કર્ણ રણભૂમિમાં અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. રાત્રિનો પ્રારંભ થયો હોઈ યુદ્ધ સ્થગિત હતું. આ સમયે શ્રીકૃષ્ણ અર્જુનને સાથે લઈ બ્રાહ્મણના વેશમાં કર્ણ પાસે પહોંચ્યા. શ્રીકૃષ્ણ અર્જુનને કર્ણની બે અદ્ભુત વિશેષતાઓથી માહિતગાર કરવા ચાહતા હતા. બ્રાહ્મણવેશી શ્રીકૃષ્ણે કહ્યું : ' કર્ણરાજ ! તમે દાનેશ્વરી છો સમજીને અમે તમારી પાસેથી કાંઈક પામવા આવ્યા છીએ.' છેલ્લા શ્વાસ લઈ રહેલ કર્ણનું હૃદય કરુણાર્દ્ર થઈ ગયું. ' આ ક્ષણે ય મારી પાસેથી કોઈ દરિદ્ર ખાલી હાથે ન જવો જોઈએ. આ એના વિચારો હતા. દેહ પર અલંકાર જેવી કોઈ ચીજ ન હતી. અચાનક કાંઈક યાદ આવતાં કર્ણે બાજુમાંનું બાણ લીધું અને પોતાના મુખમાં એનો જોરથી ઘા કરતા દાંતમાં જડાવેલ સુવર્ણની રેખા બહાર આવી ગઈ. કર્ણે એ આપતા કહ્યું : ' લ્યો ભૂદેવ ! અત્યારે મારી પાસે આ જ છે.' કૃષ્ણે ઇન્કાર કરતા કહ્યું : ' આવી અસ્વચ્છ સુવર્ણરેખા અમે ન લઈએ.' કર્ણે હતું એટલું બળ એકત્ર કરી સૂતાં સૂતાં જ ધરતીમાં એવું બાણ માર્યું કે અંદરથી જલનો ઝરો પ્રગટયો. એમાં સ્વચ્છ કરીને કર્ણે ભૂદેવોને સુવણરેખા આપી ! કૃષ્ણે અર્જુનને ઇશારાથી સમજાવ્યું કે જીવનની અંતિમ ક્ષણોમાં ય કર્ણનું આ દાનેશ્વરી તરીકેનું અને ધનુર્ધર તરીકેનું સ્વરૂપ કેવું અદ્ભુત છે !

છેલ્લે શ્રીમંત-દરિદ્રની એક અલગ વ્યાખ્યા : સંપત્તિ આપીને આનંદ પામે એ છે શ્રીમંત. સંપત્તિ દાટીને આનંદ પામે એ છે દરિદ્ર...

Tags :