- અમૃતની અંજલિ- આચાર્ય વિજયરાજરત્નસૂરિ
- 'જુઓ, કલ્પસૂત્રમાં આજે ત્રિશલામાતાના ચૌદ સ્વપ્નનો અધિકાર આવ્યો. એમાં એ વાત આવી કે સ્વપ્ન નિહાળ્યા બાદ ત્રિશલામાતા રાહહંસ જેવી ગતિથી સિદ્ધાર્થરાજાના શયનખંડમાં સ્વપ્નોની વાત કહેવા પધાર્યા. શાસ્ત્રોનો સ્પષ્ટ અક્ષરોનો આ ઉલ્લેખ એ સમજાવે છે કે પ્રાચીન કાળમાં પતિ-પત્નીના શયનખંડ અલગ હતા. સંસારી જીવન જીવવા છતાં તેઓ આવી ઉચ્ચ મર્યાદાનું પાલન કરતા હતા.'
માનવીને ત્રણ શક્તિઓ મળી છે : મન-વચન અને કાયા. માનવ સિવાયના પણ કેટલાક જીવોને આ ત્રણ શક્તિ મળી છે જેઓને જૈન શાસ્ત્ર પરિભાષામાં સંજ્ઞાી પંચેન્દ્રિય જીવો કહેવાય છે. આ ત્રણ શક્તિઓને પ્રાપ્તિના ક્રમથી વિચારીએ તો, પ્રથમ ક્રમે કાયાની શક્તિ એકેન્દ્રિયાદિ સહુ જીવોને પ્રાપ્ત થાય છે. પછીના ક્રમે મળે છે વચનની શક્તિ. એ બેઇન્દ્રિયાદિ જીવોને ઉપલબ્ધ થાય છે. છેલ્લા ક્રમે મળે છે મનની શક્તિ. એ માત્ર સંજ્ઞાા પંચેન્દ્રિય જીવોને પ્રાપ્ત થાય છે. પ્રાપ્તિનો ક્રમ ભલે આ હોય. પરંતુ બોલવાનો ક્રમ આનાથી વિપરીત છે. બોલવામાં સર્વત્ર આ જ શબ્દપ્રયોગ હોય છે કે 'મન-વચન-કાયા.'
બોલવાના ક્રમમાં મનને પ્રથમ સ્થાન મળવાનું કારણ શું ? આનો ઉત્તર એ છે કે પ્રાપ્તિમાં ભલે મન છેલ્લું હોય. પરંતુ 'પાવર'માં-તાકાતમાં મન સૌથી પ્રથમ છે-અગ્રેસર છે. એક સામાન્ય સમીક્ષાથી સમજીએ આ વાત. ધારો કે જેને મન નથી તેવું એક પ્રાણી કાયાથી ચાહે તેવાં પાપ કરે તો ય એ વધુમાં વધુ પ્રથમ નર્કે જવાય તેટલા જ પાપ બાંધી શકે. એનાથી વધુ નહિ. એથી વિપરીત એક મન:શક્તિ સંપન્ન પ્રાણી ફક્ત મનથી જ (વચન-કાયાથી નહિ) એવાં ભયાનક પાપો બાંધી શકે કે જેનો અંજામ ઠેઠ સાતમી નર્ક હોય ! આ જ રીતે માત્ર કાયાથી થતી શુભ પ્રવૃત્તિ ઉત્ત આત્મિક ફળ ન આપી શકે. જ્યારે માત્ર મનથી થયેલ ઉચ્ચ શુભચિંતન મોક્ષપ્રાપ્તિનાં ફળ પણ આપી શકે છે. મનનું આ ઉત્કૃષ્ટ સામર્થ્ય નિહાળીને જ કહેવાયું છે કે :
મન એવ મનુષ્યાનાં, કારણં બન્ધ-મોક્ષયો: ।
સપ્તમીં યાતિ મોક્ષં ચ, પ્રસન્નાક્ષતમત્સ્યવત્ ।।
ભાવાર્થ કે મન જ માનવીનાં કર્મબંધનું અને મોક્ષનું (મુખ્ય) કારણ છે. પ્રસન્નચન્દ્રરાજર્ષિ અને તંદુલમત્સ્યનું ઉદાહરણ સમજાવે છે કે મોક્ષે યા સાતમી નર્કે લઈ જનારા મુખ્ય પરિબળ મન જ છે.
આપણે આ મનની શુભાશુભ ગતિવિધિ સમજવા અને મનને સમ્યગ્ બનાવવા મનકેન્દ્રિત ચાર વાત બે લેખમાં નિહાળીશું.
(૧) મનોરંજન :- બહુજનવર્ગમા મન સાથે સંબંધિત સૌથી વધુ પ્રસિદ્ધ શબ્દ આ મનોરંજન છે. શું બાળક કે શું યુવાન, શું પ્રૌઢ કે શું વૃદ્ધ : સહુને મનોરંજન ગમતું હોય છે. એના માટે એ સહુ પોતાની અવસ્થાને યોગ્ય-પસંદગીને યોગ્ય ઉપાયો શોધી કાઢી એમાં મહાલતા હોય છે. જે બાળક હશે તે અવનવી રમતો-મોબાઈલમાંની ઇલેકટ્રોનિક ગેમ્સ-કાર્ટુન-રોમાંચક ભયાવહ સ્ટોરી વગેરે દ્વારા મનોરંજન મેળવવાની કોશિશ કરશે, તો જે યુવાન હશે એ મનગમતા વિજાતીય પાત્રો સાથે હરવું-ફરવું, વિકારોત્તેજક ફિલ્મો જોવી, પર્યટન સ્થળોએ ફરવા જવું વગેરેમાં મનોરંજન પામવાનો પ્રયાસ કરશે; જેઓ પ્રૌઢ હશે તે સમાજમાં અગ્રેસર થવામાં-ખુરશી શોભાવવામાં-વટ પાડવામાં મનોરંજન અનુભવવાની કોશિશ કરશે, તો જેઓ વૃદ્ધ હશે તેઓ ઘરનું વડિલપણું અદા કરવામાં, વારે-તહેવારે સૌને આશીર્વાદ આપવામાં, અમારા જમાનામાં અમે કેવું કેવું કરી છૂટયા એ દર્શાવવામાં મનોરંજન-ખુશી અનુભવવાની કોશિશ કરશે.
પ્રકાર કોઈ પણ હો : પરંતુ એ મનોરંજન દ્વારા જો વિષયો-વિકારો-કામોત્તેજના પોષાતી હોય, ક્રોધ-અહંકાર જેવા કષાયો પોષાતા હોય તો એ નક્કી સમજવું કે તે મનોરંજનનાં નામે ખૂલતો અધ:પતનનો માર્ગ છે. ક્યારેક ક્યારેક એવી ઘટના પ્રત્યક્ષ નિહાળી છે કે જેમાં મનોરંજનના બહાને અવસ્થાથી બિલકુલ વિપરીત-વિલક્ષણ કહી શકાય તેવી પ્રવૃત્તિ થતી હોય. યાદ આવે છે આવી એક ઘટના : ઇ.સ. ૨૦૧૭. એ વર્ષે અમારું ચાતુર્માસ હતું મુંબઈ-ઘાટકોપર (પૂર્વ)ના શંખેશ્વર પાર્શ્વનાથ સંઘમાં. સામૂહિક માસક્ષમણો અને પર્વાધિરાજ પર્યુષણામહાપર્વની આરાધના પૂર્ણ થઈ હતી. એ દિવસોમાં અમે કેટલાક માસક્ષમણતપસ્વીઓના આગ્રહથી એમને ત્યાં પગલાની સંમતિ આપી હતી. એ ક્રમમાં એક બિલ્ડીંગમાં અમે તપસ્વીનાં ઘરે પગલાં કર્યા. ત્યાં નીચેના મજલેથી દોડતા આવેલ બહેન આજીજી કરવા માંડયા : 'સાહેબજી ! મારું ઘર નીચે જ છે. મારાં ઘરે ભલે માસક્ષમણ નથી. પરંતુ આપે પધારવું જ પડશે. કેમકે મારા પતિનું સ્વાસ્થ્ય બહુ ખરાબ છે. એમને રૂમમાંથી બહાર નીકળવાની પણ ડોક્ટરોની મનાઈ છે.'
અમે હા કહી. કેમકે માંદગી પણ સબળ કારણ છે. અમે મનમાં કલ્પનાચિત્ર ઉપસાવ્યું કે એમના પતિ પથારીવશ હશે તો નવકારસ્મરણ-પ્રભુસ્મરણ કરતા હશે. અથવા થોડા સ્વાવલંબી હશે તો પ્રભુની તસવીર સામે બેસી ધ્યાન-ભક્તિ કરતા હશે. પરંતુ અમે એમના ખંડમાં પ્રવેશ કર્યો તો દ્રશ્ય સાવ અજબનું હતું. ભાઈ હાફ પેન્ટ-બંડીમાં સજ્જ હતા, પલંગમાં બેસ્યા હતા અને 'રીમોટ'થી સાવ બીભત્સ ટી.વી. ચેનલના દ્રશ્યો માણતા હતા ! અમને દુ:ખદ ઝટકો લાગ્યો. એમને કાંઈ ધર્મ ગમતો હોય એમ એમના ચહેરા પરથી લાગ્યું નહિ. એથી થોડી ખિન્નતા સાથે માત્ર માંગલિક પાઠ સંભળાવી અમે બહાર આવ્યા. એમના શ્રાવિકા અમારા મનોભાવો પામી ગયા હતા. એ આંખોમાં આંસુ સાથે બોલ્યા : 'ખબર નથી મારા શ્રાવકનો કર્મોદય કેવો ગાઢ છે. એમને શારીરિક નાજુક સ્થિતિમાં ય પ્રભુનું નામ જાપ કાંઈ ગમતું નથી. ખંડની બહાર નીકળવાનું નથી એથી ટાઈમ પાસ કરવા મનોરંજનનાં નામે એ બીભત્સ-કામોત્તેજક ટી.વી. ચેનલ જોઈ જોઈને ચીકણાં કર્મો બાંધે છે ! બધું સમજાવ્યા છતાં એ જરા ય સમજતા નથી.'
વસ્તુત: આ મનોરંજન ન હતું, બલ્કે આત્મભંજન હતું કે જેમાં ક્ષણિક માનસિક આનંદ માટે આત્મામાં ઢગલાબંધ દુષ્ટ વિચારોનો સામે પગલે પ્રવેશ કરાવાતો હતો.
(૨) મનોમંથન :- મંથનનો અર્થ થાય છે વલોણું. છાશને સાધન દ્વારા વલોવવામાં આવે ત્યારે એમાંથી સારરૂપે નવનીત-માખણ તરી આવે છે. બરાબર એ જ રીતે મનને શુભ-ઉત્તમ વિચારો દ્વારા મથવામાં-વલોવવામાં આવે તો એમાંથી સારરૂપે-નવનીતરૂપે શુભ નિષ્કર્ષ-શુભ નિર્ણય તરી આવે. આવાં મનોમંથનમાં પ્રક્રિયા અને પરિણામ ઉત્તમ હોવાથી એ મનોમંથન સારું-સ્વીકાર્ય ગણાય.
પણ... સબૂર ! મનોમંથન જો શુભ નિષ્કર્ષ-શુભ નિર્ણય આપનારું ન હોય તો એ સારાની-સ્વીકાર્યની કક્ષામાં ન આવે. યાદ રહે કે મનોમંથન સ્વાર્થની-સ્પર્ધાની-દુનિયાદારીની બાબતોમાં ય થતું હોય છે. ત્યારે વ્યક્તિનું મન ચિંતમના ચકરાવામાં-વિચારોના વમળમાં ઘુમરાઈ જતું હોય છે. એના અંતે આવતો નિષ્કર્ષ કે નિર્ણય સ્વાર્થને પોષે તેવો-સ્પર્ધામાં પોતાને લાભ કરે તેવો-દુનિયાદારીના ફાયદાઓને અંકે કરે તેવો જ પ્રાય: હોય. આવાં મનોમંથનને અમે અહીં સ્વીકાર્ય-સારું નથી ગણતા.
જે મનોમંથન દ્વારા આત્મકલ્યાણનો માર્ગ ખૂલતો હોય, અન્યોને શુભ-ઉત્તમ આલંબનો મળતા હોય તે મનોમંથન છે શુભ-સ્વીકાર્ય મનોમંથન. કમાલ એ છે કે જેનામાં મનોમંથનની ખાસ ક્ષમતા નથી એને જેમાં કાંઈ જ નવીનતા-વિશેષતા ન લાગતી હોય ત્યાં મનોમંથનની ક્ષમતા ધરાવતી વ્યક્તિને અદ્ભુત નવીનતા-વિશેષતા પ્રગટતી લાગે. કરવી છે પ્રતીતિ ? તો વાંચો જૈન ઇતિહાસની આ પ્રેરક ઘટના :
સૈકાઓ પૂર્વે થયેલ જૈનશાસનના આકાશના ચમકતા સિતારા મહાન દાનવીર દેદાશાહ. માત્ર તેઓ જ નહિ, એમના પુત્ર પેથડશાહ અને પૌત્ર ઝાંઝણશાહે ય એવાં ઉત્તમ સુકૃતો કર્યા હતા કે જૈન શાસનના ઇતિહાસમાં એમનાં નામ-કામ સુવર્ણાક્ષરે અંકિત છે. આ દેદાશાહ માત્ર મહાન દાનવીર જ ન હતા, બલ્કે એથી ય વિશેષ ઉત્તમ આરાધક અને પ્રખર વિચારક હતા, વિચારોનાં માધ્યમે મનોમંથન કરી જીવનનું નવનીત તારવનાર હતા.
એક પર્યુષણમહાપર્વની વાત. કલ્પસૂત્રનાં પ્રવચનો તલ્લીનભાવે શ્રવણ કરતાં દેદાશાહનાં મનમાં કો' નવા જ વિચારના સ્પંદનો પ્રગટયા. એમાંથી સર્જાયું વિશિષ્ટ મનોમંથન. એની અસરો તેઓ પ્રવચન બાદ ઘરે આવ્યા ત્યાં પણ રહી. ઘરે આવી એમણે ધર્મપત્નીને પૂછયું : 'આજે કલ્પસૂત્રનું પ્રવચન તમે ય સાંભળ્યું છે, એમાં કાંઈ નવી વિશેષતા જાણવી મળી ?' 'ના, મેં તો દર વર્ષની જેમ શ્રદ્ધાથી આજનું પ્રવચન સાંભળ્યું. મને કાંઈ એમાંથી વિશેષતા સાંપડી નથી.' પત્નીએ સરલભાવે કહ્યું. 'જુઓ, કલ્પસૂત્રમાં આજે ત્રિશલામાતાના ચૌદ સ્વપ્નનો અધિકાર આવ્યો. એમાં એ વાત આવી કે સ્વપ્ન નિહાળ્યા બાદ ત્રિશલામાતા રાહહંસ જેવી ગતિથી સિદ્ધાર્થરાજાના શયનખંડમાં સ્વપ્નોની વાત કહેવા પધાર્યા. શાસ્ત્રોનો સ્પષ્ટ અક્ષરોનો આ ઉલ્લેખ એ સમજાવે છે કે પ્રાચીન કાળમાં પતિ-પત્નીના શયનખંડ અલગ હતા. સંસારી જીવન જીવવા છતાં તેઓ આવી ઉચ્ચ મર્યાદાનું પાલન કરતા હતા.'
ધર્મપત્ની તાજુબ થઈ ગયા. દેદાશાહનાં મનોમંથનથી. દેદાશાહે ચિંતન દ્વારા આ શુભ સાર જ ન તારવ્યો, બલ્કે પત્નીને સંમત કરી તે રાત્રિથી આજીવન અલગ શયનખંડમાં સૂવાનો નિયમ અમલી બનાવ્યો ! મનોમંથનની આ કમાલ છે... છેલ્લે મનની વિ-લક્ષણતા અંગે મહાયોગી આનંદઘનજીની પંક્તિ સાથે સમાપન કરીએ કે :-
કહત આનંદઘન મન સમજાવો, મન કાયર મન શૂરા;
મનકા ખેલા અજબકા પ્યાલા, પીવે સો પીવનહારા...


