Get The App

તુચ્છ છિલ્લર ક્યારેય જલસમૃદ્ધિ પામી ન શકે...તુચ્છ વ્યક્તિ ક્યારેય ગુણસમૃદ્ધિ પામી ન શકે...

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
તુચ્છ છિલ્લર ક્યારેય જલસમૃદ્ધિ પામી ન શકે...તુચ્છ વ્યક્તિ ક્યારેય ગુણસમૃદ્ધિ પામી ન શકે... 1 - image

- અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- સ્વજનો સાથેનો સ્નેહસંબંધ હો કે મિત્રો સાથેનો મૈત્રીસંબંધ હોય, ક્ષુદ્રતા અર્થાત્ સ્વભાવની તુચ્છતા એ સંબંધો દીર્ઘકાલ ટકવા દેતી નથી. કારણ કે ક્ષુદ્ર સ્વભાવ નાની-મોટી વાતોમાં સામી વ્યક્તિના દોષો-નબળાઈઓ શોધવામાં રસ ધરાવતો રહેશે. ક્યાંક એ દોષો નજરે ચડી આવે કે ક્યાંક એ દોષો નબળી કડી ક્યાંકથી જાણવા મળી જાય એટલે ક્ષુદ્ર સ્વભાવની વ્યક્તિ તાનમાં આવી જાય. ક્યારે તક મળે - અવસર મળે અને ક્યારે સામી વ્યક્તિને એની ક્ષતિ-ભૂલ મોઢાંમોઢ સંભળાવી દઉં એ એની તમન્ના-ઝંખના હોય.

દેહની શોભા જેમ રૂપસૌંદર્ય છે, તેમ આત્માની શોભા ગુણસૌંદર્ય છે. રૂપ જો વિશિષ્ટ હોય તો વ્યક્તિ પ્રભાવસંપન્ન બની રહે, તેમ ગુણો જો વિશિષ્ટ હોય તો આત્મા ધર્મસંપન્ન બની રહે. આત્મા શુદ્ધ ધર્મથી સંપન્ન થાય તે માટે ધર્મરત્ન પ્રકરણ ગ્રન્થકારે શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં સહાયક થાય તેવા એકવીશ ગુણો દર્શાવ્યા છે. એ એવા ગુણો છે કે જેના પર ચોક્કસ ધર્મની-સંપ્રદાયની મહોર નથી. આપણે એમાનાં પ્રથમ ગુણ અક્ષુદ્રતા પર ગત લેખથી જે વિવરણ આરંભ્યું છે તે આ લેખમાં પૂર્ણ કરીશું.

* ક્ષુદ્રતા સંબંધો ટકવા દેતી નથી : સ્વજનો સાથેનો સ્નેહસંબંધ હો કે મિત્રો સાથેનો મૈત્રીસંબંધ હોય, ક્ષુદ્રતા અર્થાત્ સ્વભાવની તુચ્છતા એ સંબંધો દીર્ઘકાલ ટકવા દેતી નથી. કારણ કે ક્ષુદ્ર સ્વભાવ નાની-મોટી વાતોમાં સામી વ્યક્તિના દોષો-નબળાઈઓ શોધવામાં રસ ધરાવતો રહેશે. ક્યાંક એ દોષો નજરે ચડી આવે કે ક્યાંક એ દોષો નબળી કડી ક્યાંકથી જાણવા મળી જાય એટલે ક્ષુદ્ર સ્વભાવની વ્યક્તિ તાનમાં આવી જાય. ક્યારે તક મળે - અવસર મળે અને ક્યારે સામી વ્યક્તિને એની ક્ષતિ-ભૂલ મોઢાંમોઢ સંભળાવી દઉં એ એની તમન્ના-ઝંખના હોય. કારણ કે ક્ષુદ્ર સ્વભાવ સામી વ્યક્તિના દોષો પચાવી જવાનું-મનમાં જ ધરબાવી રાખવાનું સામર્થ્ય નથી ધરાવતો. ક્ષુદ્ર વ્યક્તિ એ પણ નથી વિચારતી કે જાહેરમાં સ્વજનના-મિત્રના દોષો કહેવાથી યા એને મોઢાંમોઢ ચોપડાવવાથી સંબંધની મજબુતાઈમાં કેવો ધરખમ ધરતીકંપ આવશે ! દોષો ગંભીર હોય તો આ રીતનું રી-એક્શન આપવામાં એનાં મનને કેવી હીણપત-નીચાજોણું લાગશે ! આ હીણપતની કેવી ગંભીર અસરો એ વ્યક્તિનાં મનમાં કેવી ગજબનાક આવશે !

ક્ષુદ્ર સ્વભાવ આવી કોઈ સમીક્ષા-વિચારણા કરવા તૈયાર નથી હોતો. એ તો પોતે કેવી વાતો જાણી લાવ્યો એ દેખાડી છાકો પાડી દેવામાં રાચે, સામી વ્યક્તિના માનભંગમાં રાચે. આનું પરિણામ સ્વજનો વચ્ચે પણ કેવું ખરાબ-ખતરનાક આવી શકે એ જાણવું છે ? તો વાંચો આ હૃદયદ્રાવક દ્રષ્ટાંત.

ગર્ભશ્રીમંત પરિવારમાં ઉછરેલ યુવાન શેઠના માથે ઉપરાઉપરી દુ:ખદ ઘટનાઓનો જાણે કે વરસાદ વરસ્યો. યુવાનીમાં ડગ માંડતા જ માતા અને પિતા ટૂંકા સમયગાળામાં અવસાન પામ્યા, ધંધાનો કોઈ પ્રખર અનુભવ ન હોવાથી શરૂઆતનાં વર્ષોમાં જ એટલું પ્રચંડ નુકશાન આવ્યું કે બધી શ્રીમંતાઈ જાણે કે પગ કરી ગઈ; અધૂરામાં પૂરું રીસામણે ચડેલી પત્નીએ પિયર જવાની જીદ પકડી હતી.

આ તમામ ઉપાધિઓ વચ્ચે એક બાબત સારી હતી કે યુવાન વય હોવા છતાં શેઠ સ્વભાવના એકદમ ઠરેલ-સ્થિતપ્રજ્ઞા હતા. એથી આટઆટલી ઉપાધિઓ વચ્ચે એ ઉકળી ઉઠલા ન હતા, બલ્કે સમજદારીપૂર્વક કામ લેતા હતા. પત્ની થોડો સમય ભલે પિયર રહે એમ વિચારી શેઠે સંમતિ આપી. એ યુગ પગપાળા યા ગાડાના પ્રવાસનો હતો. નાણાંભીડમાં ફસાયેલ શેઠે પત્ની સાથે એના પિયર તરફ પ્રવાસ આદર્યો.

માર્ગનું વિશાળ જંગલ પસાર કરતાં બન્નેને તરસ લાગી. સદ્નસીબે થોડે દૂર એક કૂવો દેખાયો. બાજુમાં પાણી કાઢવાનાં સાધનો ય હતા. શેઠ ત્યાં પહોંચી કૂવામાં બાલ્દી નાખતા હતા ત્યાં ગૂપચૂપ પાછળ ધસી આવી પત્નીએ શેઠને કૂવામાં ધક્કો મારી દીધો. શેઠ કૂવામાં પડયા તો ખરા. પરંતુ કૂવાની ભીંતમાંથી બહાર આવેલ મજબૂત ડાળ એમના હાથમાં આવી ગઈ. શેઠને કોઈ ઇજા ન થઈ અને એ ટકી ગયા. બેવફા પત્ની ત્યાંથી ભાગી છૂટીને ક્રમશ: પિયર પહોંચી. શેઠની નુકસાની-પિયર તરફ પ્રયાણ વગેરે કહી અંતે એણે ગલત વાત ઉપજાવી કાઢી કે 'જંગલમાં ડાકૂઓ ભેટી જતાં તેઓ શેઠને ઉપાડી ગયા અને હું ગમે તે રીતે છટકીને અહીં સલામત આવી છું.' સહુએ એની વાત સાચી માની લીધી.

આ તરફ, વૃક્ષ ડાળના સહારે ટકી રહેલ શેઠે 'બચાવો'ની બૂમ ચાલુ રાખી. એમાં કોઈ વટેમાર્ગુએ દોરડું નાંખી શેઠને બહાર કાઢયા. શેઠ પણ ક્રમશ: પિયર આવ્યા. એમને નિહાળતા જ પત્ની થર થર ધ્રૂજી ઊઠી કે હવે આ મારાં કરતૂતનો ભાંડો ફોડી નાંખશે. પરંતુ શેઠે સ્વભાવની ક્ષુદ્રતા-તુચ્છતા ન દર્શાવી. વાતવાતમાં પત્નીએ બનાવેલ કથા જાણી લઈ શેઠે એ જ વાત દોહરાવી કે 'મને ચોરો બંદી બનાવી લઈ ગયા હતા. એમાંથી મહામહેનતે છટકીને હું અહીં પહોંચ્યો છું !' ન એમણે પત્નીની બેવફાઈની વાત કરી, ન કૂવામાં ધકેલવાની વાત કરી. અરે ! પત્નીને પણ એના અપકૃત્ય બદલ ઠપકો ન આપ્યો.

આ ઉદ્દાત સ્વભાવની અસર હવે પત્ની પર થઈ. એનું હૃદયપરિવર્તન થયું. શેઠની ક્ષમા માંગી એણે હવેથી કદી બેવફાઈ ન કરવાનો સંકલ્પ કર્યો. શેઠ પત્ની સાથે સ્વસ્થાને આવ્યા. થોડા સમયમાં નસીબ આડું પાંદડું ખસ્યું અને શેઠ પુન: શ્રીમંત બની ગયા. શેઠનો સંસાર બધી રીતે સુખમય થયો. થોડા સમય બાદ ઘરે પારણું અને દાયકાઓ બાદ એમના પુત્રના ઘરે ય પારણું બંધાયું. શેઠ-શેઠાણી હવે દાદા-દાદી બન્યા. ક્યારેક સાસુ-વહુ વચ્ચે નાની બોલચાલ થાય. એ સિવાય બધી વાતે શેઠને સુખ હતું.

એક દિવસની વાત. શેઠ બપોરે જમતા હતા. પુત્રવધૂ રસોઈ પીરસતી હતી. એવામાં શેઠના દેહ પર થોડો સૂર્યતાપ પથરાયો. શેઠાણી તુર્ત ઊભા થઈ ગયા અને સાડીના પાલવથી એમણે તાપ નિવાર્યો. આ ઘટના નિહાળતા શેઠને મનોમન વર્ષો પૂર્વેની કૂવામાં ધક્કો મારવાની ઘટના યાદ આવી અને સરખામણી થઈ ગઈ કે એકની એક સ્ત્રીની લાગણીમાં સમય જતાં કેવું ગજબનું પરિવર્તન આવી ગયું. આ જ ક્ષણે શેઠાણીની નજર શેઠ પર ગઈ. શેઠનાં હાસ્યનું કારણ એ ય મનોમન સમજી ગયા અને એ ય પેલી ઘટના યાદ કરીને હસ્યા. બન્નેને રહસ્યભર્યું હસતા જોઈ પુત્રવધૂએ માની લીધું કે 'જરૂર, આ હાસ્ય પાછળ કોઈ રહસ્ય કથા છુપાયેલી છે !'

રાત્રે શયનકક્ષમાં એણે પતિને કાકલૂદી કરીને મનાવ્યો કે,  'તમે પિતાજી પાસેથી એ હાસ્યનું કારણ જાણી લાવો.' પત્નીપરવશ પુત્ર બીજે દિવસે પિતાજી પાસે ગયો અને રડી-કકળીને એ રહસ્ય જણાવવા એણે વિનંતી કરી. ન છૂટકે પિતાએ રહસ્ય કહ્યું સાથે તાકીદ કરી કે 'ભૂલે-ચૂકે ય આ વાત તારી પત્નીને કરીશ નહીં.' રાત્રે પત્નીના સ્ત્રીચરિત્ર સામે પુત્ર ટકી ન શક્યો. એણે પૂરી રહસ્યકથા કહી દીધી. સાસુની નબળી કડી હાથમાં આવતા જ પુત્રવધૂ રાજાપાઠમાં આવી ગઈ. આ ઘટનાના ચાર-પાંચ દિવસ બાદ સાસુ-વહુ વચ્ચે સામાન્ય બોલચાલ થઈ. ઘા કરવા તલપાપડ પુત્રવધૂએ તરત પરખાવ્યું : 'બહુ શાણા ન બનો. તમે તો મારા દેવ જેવા સસરાને કૂવામાં ફેંકી દીધા હતા !'

શેઠાણીના દિલના ટુકડે ટુકડા થઈ ગયા કે 'જે રહસ્ય શેઠે જિંદગીભર છુપાવી રાખ્યું તે રહસ્ય હવે રહી રહીને ખુલ્લું કર્યું ! અને એ પણ પુત્રવધૂની સામે ! હદ થઈ ગઈ. હવે હું કયા મોઢે અહીં જીવું ?' આઘાતમાં ને આઘાતમાં શેઠાણીએ ગળાફાંસો ખાઈ લીધો. એના આઘાતમાં શેઠે, પુત્રે અને અંતે પુત્રવધૂએ પણ ગળાફાંસો ખાધો ! પુત્રવધૂના સ્વભાવની ક્ષુદ્રતાએ એક નહિ, ચાર ચાર વ્યક્તિનો ભોગ લીધો.

ક્ષુદ્ર સ્વભાવનાં કેટલાંક નુકસાનો માત્ર ઉલ્લેખરૂપે નિહાળી અક્ષુદ્રતાગુણનું વિશ્લેષણ પૂર્ણ કરીએ : (૧) ક્ષુદ્ર સ્વભાવ ક્ષણમાં સુખી તો ક્ષણમાં જ દુ:ખી બનાવી દે. કેમકે ક્ષુદ્ર સ્વભાવની વ્યક્તિ દરેક નાની વાતને બહુ જલ્દી મોટું સ્વરૂપ આપી દે. ઉદાહરણરૂપે વિચારીએ તો, સભામાં આગળની હરોળની ખુરશીમાં બેસાડવામાં આવે તો ક્ષુદ્ર-તુચ્છ સ્વભાવની વ્યક્તિ તરત ખુશખુશાલ થઈ સુખી બની જાય. એ જ વ્યક્તિને જો છેલ્લી હરોળની ખુરશી આવે તો એ તરત નારાજ થઈ દુ:ખી દુ:ખી થઈ જાય. અરે ! ભલું હોય તો છેલ્લી હરોળની ખુરશીનાં કારણે સભામાંથી ચાલતી ય પકડે.

(૨) ક્ષુદ્ર સ્વભાવની વ્યક્તિ ખુદનાં કારણે જ અપ્રસન્ન રહે. ઉદાહરણરૂપે જોઈએ તો, ક્ષુદ્ર-તુચ્છ સ્વભાવની વ્યક્તિ ઓફિસની 'બોસ' હોય તો એમ વિચારશે કે સ્ટાફના માણસોને પહેલેથી દાબમાં રાખવા જ સારા. નહિ તો એ માથે ચડી જાય. આ તુચ્છ વિચારસરણીથી એ પૂરા સ્ટાફને દબાવતી રહે અને એમાં પોતાની પ્રસન્નતા ગુમાવી દે.

(૩) ક્ષુદ્ર સ્વભાવની વ્યક્તિ અન્યનાં દોષદર્શનમાં - દોષગાનમાં રાચે. પૂર્વોક્ત શેઠ-શેઠાણીના દ્રષ્ટાંતમાંની પુત્રવધૂ આનું જ્વલંત ઉદાહરણ છે. એણે સાસુનાં દોષગાન કરી પૂરો પરિવાર બરબાદ કરી લીધો !

છેલ્લે એક વાત : તુચ્છ છિલ્લર ક્યારેય જલસમૃદ્ધિ પામી ન શકે... તુચ્છ વ્યક્તિ ક્યારેય ગુણસમૃદ્ધિ પામી ન શકે...