સંપત્તિનું મૂલ્ય સમજાય તો એનો વેડફાટ ન થાય...સમયનું મૂલ્ય સમજાય તો એનો ય વેડફાટ ન થાય...
- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ
વૈ રાગ્ય-નિર્લેપતાની હૃદય પર ઘેરી અસરો સર્જે એવી એક મસ્ત ઘટનાથી આજે પ્રારંભ કરીએ અને એનો સાર કાંઈક અલગ જ તારવીએ :
વૈરાગ્યની વિચારસરણીમાં તીવ્ર લગાવ ધરાવતા એક યુવાનને એની ધર્મપરંપરામાં સંન્યાસ સ્વીકારવાની તીવ્ર ઝંખના હતી. પરંતુ પરિવારજનોની એમાં જરાય સંમતિ ન હતી. વર્ષોની સમજાવટ પછી ય કોઇ પરિણામ ન આવતા યુવાન એક દિવસ ઘરેથી પલાયન થઇ ગયો અને સંન્યાસી બની ગયો. વૈરાગ્યની એની પરિણતિ અત્યંત તીવ્ર હતી. એથી કોઇ ઔપચારિક વ્યવહારોમાં એને રસ ન હતો. સંન્યાસ સ્વીકાર્યા બાદ એણે પૂર્વસ્વજનો સાથે કોઇ સમાચારની આપ-લે રાખી ન હતી, તો પોતાનાં નવા નામ સુદ્ધાની જાણકારી આપી ન હતી : જાણે એણે બાહ્ય સ્તરે જ નહિ, અભ્યંતર સ્તરે પણ સફળ ત્યાગ કર્યો હતો.
એની માતાનાં મનમાં એવા પ્રબળ મનોરથ હતા કે એક વાર સંન્યાસીપુત્ર પોતાના ગામે આવે તો સારું, આઠ-દશ દિવસ એની માધુકરીની-ભિક્ષાની ભક્તિ તો કરી શકાય. એથી એ તે પંથના જેટલા સંન્યાસીઓ એના ગામમા ંઆવે એને કહેતી રહે કે ''મારા પુત્રે આટલા વર્ષો પૂર્વે સંન્યાસ લીધો છે. તમને મળે તો એને અવશ્ય કહેજો કે માતાની ખાતર પણ આઠ-દશ દિવસ એ અહીં સ્થિરતા કરે.'' એક સંન્યાસીએ માતાને એવું કાર્ય કરી આપવાનો કોલ આપ્યો.
વર્ષો વીત્યાં બાદ પુન: એ સંન્યાસી પેલા ગામમાં આવ્યા ત્યારે વૃદ્ધ સ્ત્રીએ એમને યાદ કરાવ્યું કે ''તમે મારા પુત્રને મળ્યા કે નહિ ? મારી ભાવના એને જણાવી કે નહિ ?'' પેલા સંન્યાસીએ હસતાં હસતાં કહ્યું : ''માજી ! તમારા સંન્યાસીપુત્રને મેં રૂબરૂ તમારો સંદેશ આપ્યો હતો. એ મુજબ એ આ ગામમાં આવીને ગયો. એટલું જ નહિ, દશેય દિવસ તમારા ઘરે માધુકરી-ભિક્ષા લેવા ય આવ્યો હતો.'' ''હ ?'' માએ આશ્ચર્યચકિત થઇ જતાં કહ્યું. ''હા, અહીંથી વિદાય બાદ અન્યત્ર એમને મળ્યો ત્યારે એણે જ મને આ વાત કરી હતી. એના વૈરાગ્ય વિશ્વમાં સ્વજન-પરજન સહુ સમાન હતા. એથી એણે સામે ચાલીને પોતાની કોઇ ઓળખ છતી કરી ન હતી. ફક્ત તમારી ઇચ્છાને એણે કર્તવ્યપૂર્તિરૂપે અદા કરી હતી. ''માજીને વસવસો રહી ગયો કે ઠેઠ ઘરઆંગણે આવેલ પુત્રને હું પિછાણી શકી નહિ.
જે સંસારત્યાગી પુણ્યાત્મા ભીતરથી જાગૃત છે - સાવધ છે એનો વૈરાગ્ય કેવો વૈભવી હોય - એની નિર્લેપતા કેવી ઉત્કૃષ્ટ હોય એ આ ઘટનામાં આબેહુબ પ્રતિબિંબિત થાય છે. તો બીજી બાબત એ પણ પ્રતિબિંબિત થાય છે કે કેટલીકવાર સાવ જ નિકટમાં રહેલ વ્યક્તિને-વસ્તુને-વિશેષતાને આપણે જાણી નથી શકતા - પરખી નથી શકતા. જ્યારે અન્યો દ્વારા એકાએક એની જાણ-પરખ થાય ત્યારે આપણે પણ પેલા માજીની જેમ આશ્ચર્યચકિત થઇ જઇએ અને જો એના લાભથી વંચિત રહી જઇએ તો માજીની જેમ એનો વસવસો પણ રહી જાય. આવો, આજથી આપણને સહુને મળેલી પાંચ એવી વિશેષતાઓ આપણી એકદમ નિકટ છે. છતાં મહદંશે આપણે એનાં વાસ્તવિક સામર્થ્યથી અજાણ છીએ. આપણે એનાં સામર્થ્યના પરિચયથી આશ્ચર્યચકિત-અહોભાવભાવિત થઇએ અને અણજાણપણાનાં કારણે એના લાભથી વંચિત રહેવાનો વસવસો અનુભવવાનો પ્રસંગ ન બને એ આ વિચારવિહારનો ઉદ્દેશ છે. 'સ્' અક્ષરથી શરૂ થતી એ પાંચ વિશેષતાઓ આ છે :
(૧) સમય :- આપણે ફ્લેટની કિંમત-ફર્નીચરની કિંમત-કારની કિંમત કે કરન્સીની કિંમત સમજીએ છીએ. પરંતુ સમયની કિંમત સમજીએ છીએ કે નહિ એ શંકા છે. એટલે જ ફ્લેટ-ફર્નીચર વેચી દેવાની પરિસ્થિતિ આવે, કાર ચોરાઈ જવાની ઘટના બને કે લાખો રૂપિયાના નુકસાનનો પ્રસંગ આવે ત્યારે આપણે દુ:ખી-નાસીપાસ થઇ જતા હોઇએ છીએ. એના મુકાબલે સમય વ્યર્થ જાય - વેડફાટ જાય-વેડફાઇ જાય એની કોઇ પીડા-કોઈ દુ:ખ આપણને થતું નથી. આ એમ દર્શાવે છે કે, આપણે સમયની વિશિષ્ટતા-સમયનું મૂલ્ય સમજાયું નથી. વસ્તુત: સમય ફ્લેટ-ફર્નીચર-સંપત્તિ કરતાં પણ અમૂક અપેક્ષાએ વધુ મૂલ્યવાન છે. - અણમોલ છે. કારણ કે ગયેલો ફ્લેટ-ફર્નીચર-કાર કે કરન્સી મહેનત કરીને સવાયા પરત મેળવી શકાય છે, જ્યારે ગયેલો સમય કદી પરત આવતો નથી.
આત્મકલ્યાણની ભૂમિકાએ વિચારીએ તો માત્ર જૈન શાસ્ત્રો જ નહિ, ઇતર ભારતીય દર્શનકારો પણ એ જ જણાવે છે કે ''દુર્લભં માનુષં જન્મ.'' મતલબ કે માનવનો જન્મ-એની ક્ષણે ક્ષણ અત્યંત મૂલ્યવાન-દુર્લભ છે. કારણ બે છે : એક એ કે એ જબરજસ્ત પુણ્યથી-શુભની મૂડી ખર્ચાયા પછી અને પ્રાય: અગણિત ભવભ્રમણ કર્યા પછી મળે છે. બીજું અને મહત્વનું કારણ એ છે કે આત્મકલ્યાણની સંપૂર્ણ સાધના-પૂર્ણ પરિણામદાયી સાધના માત્ર ને માત્ર આ માનવજન્મમાં જ શક્ય છે. માટે એની એકેક ક્ષણ કિંમતી છે. સ્વયં ભગવાન મહાવીરદેવે ગૌતમ સ્વામીને કહ્યું છે કે ''સમયં ગોયમ ? મા પમાયએ.'' અર્થાત્ હે ગૌતમ ? તું એક ક્ષણનો પણ પ્રમાદ ન કરીશ. યાદ રહે કે મહિનાઓ-વર્ષો-દાયકાઓ યાવત્ સદીઓ પણ બીજું કાંઇ નથી, ક્ષણોનો સરવાળો જ છે. એટલે ક્ષણો વેડફવાનો મતલબ દાયકાઓ અને સદીઓ વેડફવા જેટલો ય થઇ શકે છે.
આત્મકલ્યાણની ભૂમિકાની ઉપરોક્ત વિચારણા હમણા કામચલાઉ બાજુ પર રાખીને, માત્ર વ્યવહારજગતનાં બે-ત્રણ ઉદાહરણો વિચારીએ તો એમાં પણ સમયનું મૂલ્ય સર્વાધિક હોવાનું પ્રતીત થશે. જેમ કે એક વ્યક્તિએ બાળપણનાં વર્ષોમાં ઉચ્ચ સૈક્ષણિક અભ્યાસ-ભાષાજ્ઞાાન-ઉત્તમ સંસ્કારો-સારી આદતો-શિસ્ત વગેરે કાંઇ જ પ્રાપ્ત કર્યું નથી. તો શું એ મોટો થઇને આ બધું પ્રાપ્ત કરી શકશે ? જીવનમાં સર્વતોમુખી સફલતા મેળવી શકશે ? જવાબ છે લગભગ ના. મોટો થયા પછી એ ચાહે તેવી મહેનત કરે તોય અભ્યાસ-સંસ્કરણ વગેરે પામવા આકાશી તારા જેવા દુર્લભ બની જાય. ત્યારે સમજાય કે સમયનું મૂલ્ય શું છે ? ધારો કે એક વ્યક્તિને હાઈ-વે પર ખતરનાક અકસ્માત્ નડયો છે અને સખત લોહી વહી જવા સાથે એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં 'એમ્બ્યુલન્સ' પહોંચાડવામાં અને ઉચ્ચ સ્તરીય સારવાર આપવામાં માત્ર એક કલાક વ્યર્થ વેડફાઇ જાય તો ? તો વ્યક્તિનું જીવન બચી શકે ? જવાબ છે લગભગ ના. ત્યારે સમજાય કે સમયનું મૂલ્ય શું છે ? આવી આવી તો કઇ કેટલીય બાબતો છે કે જે વ્યવહારજગતની દ્રષ્ટિએ અને અધ્યાત્મજગતની દ્રષ્ટિએ સમયનું મૂલ્ય સર્વોપરિ હોવાનું સમજાવી શકે.
સમયને સાચવવા જૈન આગમગ્રન્થ દશવૈકાલિકસૂત્ર એક મૂલ્યવાન છતાં એકદમ વ્યવહારુ સૂત્ર આપે છે કે, ''કાલે કાલં સમયરે.'' મૂળભૂત રીતે આ સૂત્ર શ્રમણજીવનના આચારો સંબંધમાં છે. એનો ભાવાર્થ એ છે કે જે કાળે જે કાર્ય કરવાનું હોય તે કાર્ય તે કાળે કરી જ લેવું. આપણે આ સૂત્રને વ્યાપક સંદર્ભમાં એ રીતે લઇ શકીએ કે જો અનિવાર્ય અન્ય કારણો ન હોય તો જે કાર્ય જે સમયે કરવાનું હોય તે કાર્ય તે સમયે કરી જ લેવું : પછી ભલે એ કાર્ય નાનું હોય કે મોટું ને સામાન્ય હોય કે અસામાન્ય. ઘણી વ્યક્તિઓની એવી આદત હોય છે કે જ્યાં સુધી કાર્ય એકદમ માથે ન આવી જાય ત્યાં સુધી કાર્ય કરે નહિ. એની વિચારસરણી આવી આવી હોય છે કે 'હમણા ને હમણા ક્યાં જરૂર છે ? પછી કરીશું. અત્યારે 'મૂડ' નથી. પછી વાત.. અત્યારે જે કાર્યમાં મજા આવે છે એ પહેલા કરી લઉં. પેલા નીરસ કાર્યને પછી હાથ પર લઇશું.' આવી આવી વિચારસરણી વ્યક્તિને કાર્ય પ્રત્યેની સમયબદ્ધતાઓ બેદરકાર બનાવી દે છે.
અમારી દ્રષ્ટિએ, આપણી સમક્ષ ઉપસ્થિત થતાં કાર્યોનાં ત્રણ વિભાગ કરવા જોઇએ : (અ) જે કારકીર્દિ માટે બિનઉપયોગી હોય, અથવા ઉપયોગી હોય તો પણ નકારાત્મક હોય એના માટે જરાય સમય ન આપવો. જેમ કે પ્રધાનમંત્રીએ શું કરવું જોઇએ કે આતંકવાદનો સફાયો કઈ રીતે બોલાવવો જોઇએ આ છે. આપણી કારકીર્દિ માટેની નિરર્થક ચર્ચાઓ. આપણે એમાં કાંઈ ચંચુપાત કરી શકતા નથી અને આપણા માટે એ ગુંજાયેશ બહારની વાત હોવાથી એ આપણા માટે બિનજરૂરીની કક્ષામાં આવે. હવે ધારો કે કોઈને પછાડીને-બદનામ કરીને આપણે આગળ વધી શકતા હોઈએ તો એ કારકીર્દિ માટે ઉપયોગી હોવા છતાં નકારાત્મક બાબત હોવાથી એને પણ જરાય સમય ન આપવો. એનાથી દૂર જ રહેવું. કારણ કે જિંદગીના ચોપડામાં લખવા જેવું શુભ કાર્યોનું જમાપાસું જ છે, ગલત કાર્યોનું ઉધારપાસું કદાપિ નહી.
(બ) જે કાર્યો વ્યવહારજીવન સંબંધી અને જરૂરી હોય એને મર્યાદિત સમય આપવો. પણ તે કાર્યો ય સમયસર પૂર્ણ કરવા. જેમ કે ગૃહસ્થને વ્યવહાર જીવન માટે અર્થોપાર્જન-પારિવારિક જવાબદારીઓ વગેરે જરૂરી બાબતો ગણાય. એ અદા થાય એટલો પર્યાપ્ત સમય એમાં એ સમયસર આપે. (ક) જે કાર્યો અધ્યાત્મજીવનસંબંધી છે એનાં માટે બને તેટલો વધુ સમય આપવો. કેમ કે એનાથી જ વર્તમાન જીવનની સમાધિ-પરલોકની સદ્ગતિ વગેરે અંકે થાય છે અને એ જ માનવજીવનની સાચી સાર્થકતારૂપ છે. માટે પુણિયાશ્રાવકની જેમ વ્યવહારિક અને આધ્યાત્મિક જીવનમાં સમયનું ચડતા ક્રમે વિભાજન કરવું.
છેલ્લે એક વાત : સંપત્તિનું મૂલ્ય સમજાય તો એનો વેડફાટ ન થાય...સમયનું મૂલ્ય સમજાય તો એનો ય વેડફાટ ન થાય...