Get The App

ધર્મનગરી કપડવંજ : અદ્ભુત ઇતિહાસ .

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
ધર્મનગરી કપડવંજ : અદ્ભુત ઇતિહાસ                           . 1 - image

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

ઇતિહાસના પ્રકાર અનેક હોય છે : (૧) કેટલાક ઇતિહાસ હાઈ-વે ના સ્ટ્રેઈટ માર્ગ જેવા હોય છે, જેમા નથી હોતી વિવિધતા કે નથી હોતી વિશિષ્ટતા... (૨) કેટલાક ઇતિહાસ નાનકડા ગામ જેવા હોય છે કે જેમાં એકાદ-બે વિવિધતા યા વિશિષ્ટતા હોય પણ ખરી અને ન પણ હોય... (૩) જ્યારે કેટલાક વિશાળ શહેર જેવા હોય છે, જેમાં વિવિધતા અને વિશિષ્ટતાઓનો પાર હોતો નથી.

થોડા સમય પૂર્વે કપડવંજ નગરની ભવ્ય ભૂમિ ઉપર પૂજ્ય ગુરુદેવ આચાર્ય રાજરત્નસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પ્રતિષ્ઠા માટે જવાનું થયું અને ત્યાંના જૈન-જૈનેતર ઇતિહાસને જાણવા-માણવાનું બન્યું ત્યારે અક્ષરશ: એવી અનુભૂતિ થઈ કે ત્યાંનો અદ્ભુત ઇતિહાસ અવશ્ય પૂર્વોક્ત બીજા ક્રમાંકના ઇતિહાસમાં સ્થાન-માન પામી શકે એમ છે. આપણે એ ઇતિહાસમાંથી મુખ્યત્વે જૈન ઇતિહાસને અલપ-ઝલપ નિહાળવાનો પ્રયાસ કરીએ:

અમદાવાદની નિકટ વસેલા કપડવંજનું પ્રાચીન નામ છે કર્પટવાણિજ્ય. પ્રસ્તુત સંસ્કૃત નામનો અર્થ થાય છે કપડાંનો વ્યાપાર. એનાથી એવું અનુમાન કરી શકાય કે કદાચ પૂર્વે આ નગરમાં કાપડનો વ્યાપાર પૂર્ણકળાએ ખીલેલો હશે.... એમ કહેવાય છે કે શ્રી રામચન્દ્રજી વનવાસ માટે પધાર્યા ત્યારે આ નગરમાં પણ તેમનું આગમન થયું હતું. નગરજનો એ માટેના પુરાવા પણ રજૂ કરે છે. એથી આ નગર કેટલું પ્રાચીન હશે તેની કલ્પના કરી શકાય છે.

જૈન મહાપુરુષો પૈકી નવાંગી ટીકાકાર આચાર્ય અભયદેવસૂરીશ્વરજી મહારાજે કપડવંજમાં અંતિમશ્વાસ લીધા હતા. તો આગમરક્ષાનું ભવ્ય કાર્ય કરનાર આચાર્ય આનંદસાગરસૂરીશ્વરજી મ. તથા શાસ્ત્રસંશોધનનાં ક્ષેત્રે ઊંચું નામ ધરાવનાર પુણ્યવિજયજી મ. આ નગરના પનોતા પુત્ર છે. આચાર્ય સોમસુંદરસૂરિજી-આચાર્ય સોમવિમલસૂરિજી-આચાર્ય સેનસૂરિજી મ. વગેરે પ્રાચીન મહાપુરુષોએ આ નગરમાં પ્રભુપ્રતિષ્ઠા કર્યાના અને આજે પણ એ પ્રતિમાઓ વિદ્યમાન હોવાના ઉલ્લેખો છે.

ગ્રન્થસર્જનનાં ક્ષેત્રે ઉલ્લેખ દ્રષ્ટિપાત કરીએ તો આ નગરમાં આચાર્ય દેવભદ્રસૂરિજીએ 'પાસનાહચરિય' ગ્રંથની-મહોપાધ્યાય યશોવિજયજી ગણિએ 'જલ્પસંગ્રહ' ગ્રંથની-પં. સૌભાગ્યવિજયજી ગણિએ 'જ્ઞાાનપંચમીકથા'ની - પં. દીપવિજયજી ગણિએ 'નવપદવાચનિકા'ની જયસોમ ગણિએ 'ઢાળસાગર' ગ્રંથની રચના કરી. આવા અન્ય પણ અનેક ગ્રંથસર્જનો આ ભૂમિ ઉપર થયા છે. ઉપરોક્ત ઇતિહાસોની સમયાવધિ વિક્રમ સંવત ૧૧૩૫ થી ૧૯૩૧ ની છે.

વર્તમાનમાં પાંજરાપોળ-જૈનધર્મશાળા-ભોજનશાળા-ચાર ઉપાશ્રયો અને નવ દેરાસરો ધરાવતા આ નગરમાં મૂળનાયક શાંતિનાથપ્રભુ ૨૩૦૦ વર્ષ પ્રાચીન છે, તો મૂળનાયક ચિંતામણિપાર્શ્વનાથ પ્રભુ ૨૫૦૦ વર્ષ પ્રાચીન અને અત્યંત પ્રભાવસંપન્ન છે. ચિંતામણિ પ્રભુ મનોવાંછિતપૂરક હોવા ઉપરાંત દિવસમાં જુદા જુદા ત્રણ રૂપ ધારે છે એવી લોકવાયકા છે.

કપડવંજની એક ભવ્ય ઘટના આગામી લેખમાં નિહાળવાનું રાખીને પ્રસ્તુત આંશિક ઝલકરૂપ ઇતિહાસનું કરતાં આપણે ચિંતામણિદાદાને કેન્દ્રમાં રાખીને યાદ કરીએ આ પંક્તિ કે 'પાર્શ્વનાથ દાદા મનવાંછિત પૂર, ચિંતામણિ માહરી ચિંતા ચૂર...'