Get The App

અવતરિત થયેલા આદિગુરુ, અઢાર પુરાણ અને મહાભારતના રચયિતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ

- અષાઢ સુદ પૂનમ- ગુરુપૂર્ણિમાએ

- વિચાર-વીથિકા - દેવેશ મહેતા

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
અવતરિત થયેલા આદિગુરુ, અઢાર પુરાણ અને મહાભારતના રચયિતા મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ 1 - image


'નમો।સ્તુ તે વ્યાસ વિશાલબદ્ધે, ફુલ્લહારવિન્દાયતપત્રનેત્ર: ।

યેન ત્વયા ભારતતૈલપૂર્ણ: પ્રજ્વાલિતો જ્ઞાાનમયપ્રદીપ: ।।

જેમણે મહાભારતરૂપી જ્ઞાાનના દીવાને પ્રજ્વલિત કર્યો એવા વિશાળ બુદ્ધિવાળા મહર્ષિ વેદવ્યાસને મારા નમસ્કાર છે.'

'વ્યાસાય વિષ્ણુરુપાય, 

વ્યાસરુપાય વિષ્ણવૈ ।

નમો વૈ બ્રહ્મનિધયે વસિષ્ઠાય નમો નમ: ।।

વ્યાસ વિષ્ણુનું સ્વરૂપ છે તથા વિષ્ણુ જ વ્યાસ છે, એવા વશિષ્ઠ મુનિના વંશજ (પ્રપૌત્ર) બ્રહ્મસ્વરૂપ વ્યાસ મુનિને હું વારંવાર નમન કરું છું.'

મ હર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસનો જન્મ અષાઢ સુદ પૂનમના રોજ લગભગ ૩૦૦૦ ઇ. પૂર્વમાં થયો હતો. એમનો આદર કરવા એમના સન્માનાર્થે દર વર્ષે અષાઢ સુદ પૂર્ણિમાના રોજ 'ગુરુપૂર્ણિમા'નું પર્વ ઉજવવામાં આવે છે. મહર્ષિ વશિષ્ઠના પુત્ર શક્તિના પુત્ર પરાશર મુનિના તે પુત્ર હતા. એમની માતાનું નામ સત્યવતી (મત્સ્યગંધા) હતું.

એમનો જન્મ દ્વીપ (ટાપુ) પર થયો હોવાથી તે 'દ્વૈપાયન' કહેવાયા. એમનો વર્ણ કૃષ્ણ (કાળો) હતો એટલે તે 'કૃષ્ણ દ્વૈપાયન' કહેવાયા. બદરી વનમાં નિવાસ કર્યો હોવાથી 'બાદરાયણ' નામથી પણ ઓળખાયા. તેમણા વેદોના વિભાગ કર્યા એટલે 'વેદ વ્યાસ' તરીકે પણ ઓળખાયા. શાસ્ત્રોમાં એવો નિર્દેશ છે કે ભગવાને સ્વયં વેદવ્યાસના રૂપે અવતાર લઈને વેદોનો વિસ્તાર કર્યો એટલે મહર્ષિ વેદવ્યાસજીની ગણના ભગવાન શ્રી હરિના ચોવીસ અવતારોમાં થાય છે. 

તેમણે વેદોના વિસ્તાર સાથે મહાભારત, અઢાર પુરાણો, બ્રહ્મસૂત્ર અને વ્યાસ સ્મૃતિનું નિર્માણ કર્યું. એમના મહાભારત ગ્રંથનું લેખન ભગવાન શ્રી ગણેશે એમની પાસેથી સાંભળી સાંભળીને કર્યું હતું. વેદવ્યાસ મહાભારતના રચયિતા જ નહીં પણ એ ઘટનાઓના પ્રત્યક્ષદર્શી, સાક્ષી પણ હતા જે ક્રમાનુસાર બની હતી. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ પણ એમના અઢાર પુરાણોમાંનો જ સત્શાસ્ત્રનો મહાન ગ્રંથ છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશ્વના સૌથી મોટા મહાકાવ્ય મહાભારતનો જ અંશ છે. એમની પત્નીનું નામ આરુણી હતું. આરુણી થકી એમને જન્મેલ પુત્રનું નામ શુકદેવ હતું. બાલયોગી શુકદેવજીએ એમના પિતાએ રચેલ શ્રીમદ્ ભાગવત મહાપુરાણની કથા સર્વપ્રથમ વાર અભિમન્યુ - ઉત્તરાના પુત્ર પરીક્ષિતને સંભળાવી હતી. પ્રાત:સ્મરણીય, પુણ્યશ્લોક વ્યક્તિઓમાં જે મહાપુરુષોની ગણના થાય તેમાં આ ત્રણેય, મહર્ષિ પરાશર, એમના પુત્ર મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ અને મહર્ષિ શુકદેવજીનો સમાવેશ થાય છે. 


માતા સત્યવતીની આજ્ઞાા શિરોધાર્ય કરી મહર્ષિ વેદવ્યાસે 'નિયોગ' પદ્ધતિથી હસ્તિનાપુર નરેશ મહારાજ શાંતનું - એમની પત્ની સત્યવતીના પુત્ર વિચિત્રવીર્યની પત્નીઓ અંબિકા, અંબાલિકા અને અબિંકાની દાસી થકી ધૃતરાષ્ટ્ર, પાણ્ડુ અને વિદુરને જન્મ આપ્યો હતો.

યુગ પરિવર્તનમાં જ્યારે ત્રીજો દ્વાપરયુગ ચાલતો હતો. ત્યારે જન્મેલા વ્યાસજીએ ધર્મનો હ્રાસ થતો જોયો એટલે ચારેય વર્ણ અને આશ્રમનું હિત કરવા સંકલ્પ કર્યો. ચાર હોતાઓથી કરાતા વૈદિક કર્મને પ્રજાની શુદ્ધિ કરનાર માની યજ્ઞા વિસ્તાર માટે એક વેદના ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એવા ચાર વિભાગ કર્યા. ઇતિહાસ અને પુરાણ એ પાંચમો વેદ કહેવાય છે તે પણ રચ્યા. પૈલ નામના શિષ્યને ઋગ્વેદ, જૈમિનને સામવેદ, વૈશમ્પાયનને યજુર્વેદ અને સુમન્તુને અથર્વવેદ અને અંગિરસ મંત્રો શીખવાડયા. પછી તે ઋષિઓએ પોતપોતાના વેદને એમના શિષ્યોમાં વહેંચી આપ્યા. આ રીતે વેદના શાખા વિભાગ થયા એ સમયે જેમને વેદાધિકાર નહોતો તેમને ધર્મ- નીતિ તથા વિવિધ ક્ષેત્રોનું જ્ઞાાન આપવા મહાભારતની રચના કરી.

આટલું કરવા છતાં વ્યાસજીનું હૃદય સંતુષ્ટ ન થયું તે જ્યારે આ બાબતનો ખેદ કરતા હતા ત્યારે તેમના આશ્રમમાં નારદજી પધાર્યા. નારદજીએ તેમની આવી સ્થિતિ જોઈ એટલે પૂછયું, 'આપે જાણવા યોગ્ય સર્વ જાણ્યું છે અને આચર્યું છે, સર્વાર્થપૂર્ણ મહાભારત પણ રચ્યું છે, એ જ રીતે સનાતન બ્રહ્મનો પણ પૂર્ણ અભ્યાસ કર્યો છે છતાં અપૂર્ણ હો, અકૃતાર્થ હો તેમ શા માટે શોક કરો છો ?' તેમને ઉત્તર આપતા વ્યાસમુનિએ કહ્યું - 'અસ્ત્યેવ મે સર્વમિદ ત્વયોક્તં તથાપિ નાત્મા પરિતુષ્યતે મે । આપે જે કહ્યું તે બધું મારી પાસે છે, તે બધું મેં કર્યું છે છતાં ય મારો આત્મા સંતોષ પામતો નથી એનું મૂળકારણ આપણને કહો.' નારદજીએ તેનું કારણ જણાવતા કહ્યું - 'તમે ભગવાનનો નિર્મળ યશ વર્ણવ્યો નથી. 


ભગવાનની મધુર લીલાનું ગાન કર્યું નથી. તેથી તમને આનંદની અનુભૂતિ નથી જેનાથી ભગવાન પ્રસન્ન ન થાય તે જ્ઞાાન અધૂરું છે. શબ્દલાલિત્યવાળું હોવા છતાં જે વચન હરિયશ ગાતું નથીતે કાકતીર્થ (સ્મશાન) જેવું છે. 


વિશુદ્ધ જ્ઞાાનપૂર્વક નિષ્કામ કર્મ પણ જો ભગવદ્ભાવ વગરનું હોય તો તે પણ શોભારૂપ કે સુખરૂપ નથી. એટલે તમે ભગવાનની લીલાઓનું વર્ણન કરો.' નારદજીના માર્ગદર્શન મુજબ વ્યાસજીએ ભક્તિયોગ ધારણ કરી 'સાત્વત સંહિતા' એટલે કે 'શ્રીમદ્ ભાગવત મહાપુરાણ'ની રચના કરી. એમાં ભગવાનની સુમધુર અવતાર લીલાઓનું રસમય વર્ણન કર્યું જેનું શ્રવણ કરતા જ શોક, મોહ અને ભય દૂર કરનારી ભક્તિ ભગવાન શ્રીકૃષ્ણમાં ઉત્પન્ન થાય છે.

Tags :