Get The App

સવિશેષ ધ્યાન- ધૂન- ભજન કરવા માટે આવ્યો ધર્નુમાસ

Updated: Dec 14th, 2017

GS TEAM

Google News
Google News
સવિશેષ ધ્યાન- ધૂન- ભજન કરવા માટે આવ્યો ધર્નુમાસ 1 - image

આપણા ભારતમાં અનેક ધર્મના ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. ઉત્સવો માનવીના હૃદયમાં ઉલ્લાસ જગાડે છે અને ઉત્સવો સંસ્કારનું જતન કરે છે.  દર વર્ષે તા.૧૫ અથવા તા.૧૬ ડિસેમ્બરે ધનુર્માસનો પ્રારંભ થાય છે. આ ધનુર્માસમાં મંદિરોમાં શાસ્ત્રોનું પઠન , ધ્યાન- ધૂન- ભજન અને કીર્તન સવિશેષ કરવામાં આવે છે. આવા ધનુર્માસનું શાસ્ત્રોકત્ર દ્રષ્ટિએ એક આગવું મહત્વ અંકિત થયેલું છે.

આ ધનુર્માસમાં માંગલિક કાર્યો ઉપર પૂર્ણવિરામ મૂકવામાં આવે છે. લગ્ન વિધિ, મકાન કે ઓફિસોના શુભારંભ આદિ માંગલિક કાર્યો મોટા ભાગે કોઈ કરતું નથી. તેનું પાછળનું રહસ્ય એવું માનવામાં આવે છે કે, પૂર્વદિશા સૂર્યની છે. પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધનરાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે.

તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી માંગલિક કાર્યો થતા નથી. મહાભારતનું મહાભયંકર યુધ્ધ ધનુર્માસના દિવસો દરમ્યાન થયું હતું. જેની અંદર મહાભયંકર રક્તપાત્ થયો હતો. તેથી પણ તેને અમાંગલિક માનવામાં આવે છે.

જ્યારે સૂર્યનારાયણ ધનુ રાશીમાં એટલે કે પશ્ચિમ વિથીકામાં પ્રવેશ કરે ત્યારે ધનુર્માસ કહેવાય છે. ધનુર્માસમાં સૂર્યનારાયણ વિષ્ણુ નામથી તપે છે. અને તે સર્વ આદિત્યમાં શ્રેષ્ઠ ગણાય છે. તેથી ધનુર્માસનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ વર્ણવામાં આવેલું છે.

શ્રીકૃષ્ણ અને બલરામે પણ આ ધનુર્માસમાં સાંદિપની ઋષિના આશ્રમમાં રહીને ૬૪ કળાઓ સાથે ધનુર્વેદનો અભ્યાસ કર્યો હતો. એવું શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે. તેથી આ ધનુર્માસ વિદ્યાઅભ્યાસ માટે શુભ મનાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ સ્લેટ, પેન, ચોપડી, નોટ, લેપટોપ આદિ ભણવાની સામ્રગી મૂકવામાં આવે છે.

ભગવાન ભણવા જતા હોવાથી ભક્તો પણ આ માસ દરમ્યાન સત્સંગિજીવન, વચનામૃતમ્, જીવનપ્રાણ બાપાશ્રીની વાતો, જીવનપ્રાણ સ્વામીબાપાની વાતો આદિ સત્શાસ્ત્રોનું પઠન- પાઠન કરે છે. આપણે પણ ધનુર્માસમાં ધ્યાન, ધૂન, ભજન, કીર્તન, સદ્ગ્રંથોનું પઠન- પાઠન કરીએ અને ભગવાનના માર્ગે સવિશેષ આગળ વધીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Tags :