ઉત્તરાયણ- મકરસંક્રાંતિ- સૂર્ય ઉપાસના પતંગોત્સવ
વેદોના મત પ્રમાણે સૂર્યદેવ જગતનો આત્મા છે. રાશિઓ પર તેમનું પ્રભુત્વ હોઈ તેઓ એક વર્ષમાં બારેય રાશિઓેમાં પ્રવર્તિત રહે છે. આમ એક રાશિમાં એક માસ રહેતા હોઈ એક થી બીજી રાશિમાં પ્રવેશવાને 'સંક્રાંતિ' તરીકે ગણવામાં આવે છે.
વળી બાર માસથી ગણાતા એક વર્ષના પણ બે ભાગ ગણેલ હોઈ પહેલા ભાગ ( છ માસ) ઉત્તરાયણ અને બીજાભાગને દક્ષિણાયન કહેવામાં આવેલ છે. ઉત્તરાયણ દેવોનો સમય અને દક્ષિણાયન ને તેમની રાત્રિ ગણાય છે.
આપણા પ્રખર ખગોળરૃપી આર્યભટ્ટે હજારો વર્ષ પહેલાં સિધ્ધ કરી બતાવ્યું છે કે ગ્રહો, નક્ષત્રો તથા રાશિની માનવજીવન પર અસર થાય છે. અઢી કી.મી. દૂર રહેલો ચંદ્ર પૃથ્વી પરના સમુદ્રોમાં ભરતી- ઓટ લાવી શકે છે.
બસ આવી રીતે અવકાશી પ્રક્રિયા 'ગ્રહણ' અને ઉત્તરાયણ માટે છે. ધન રાશિમાંથી મકરરાશિમાં સૂર્યનું સંક્રમણ એટલે ઉત્તરાયણ અને એટલા માટે જ આ તહેવારમાં સૂર્ય ઉપાસના કરવા ઋષિમુનિઓ અને ધર્માચાર્યોએ ધાર્મિક મહત્વ આપ્યું છે.
પ્રાચીન યુગમાં પણ સૂર્ય ઉપાસના થતી હતી દક્ષિણના કોણાર્ક અને ગુજરાતના મોઢેરા ખાતેના સૂર્યમંદિરમાં આજે પણ વર્ષમાં એક વખત સૂર્યનું કિરણ સૂર્યમંદિરની મૂર્તિ ઉપર જોવા મળે છે. આ શિલ્પીઓની અદ્ભૂત કલાને ભૂલી ન શકાય.
ભગવાન શ્રીકૃષ્ણે ઉત્તરાયણના પુનિતપર્વની મહત્તા ગીતાજીમાં સમજાવીને મકર સંક્રાતિ- સૂર્યનો મકર રાશિમાં પ્રવેશને શુભ મંગલકારી ગણાવી સૂર્યદેવની ઉપાસનાને શ્રેષ્ઠ ગણ્યો છે. ઇચ્છા મૃત્યુના અધિષ્ઠાતા દાદા ભીષ્મ પિતામહ બાણશૈયા પર સુતા રહ્યા અને સૂર્યના મકરરાશિમાં પ્રવેશ્યા પછી પ્રાણ છોડયા હતા.
ધર્મગ્રંથો વેદપુરાણોની કથા પ્રમાણે સૂર્યદેવના શનિ અને યમરાજ એમ બે પુત્રો છે. તેથી શનિદેવની પૂજા- અર્ચના કરવામાં આવે છે. મકરસંક્રાન્તિ ઉપર શનિનો પ્રભાવ હોઈ આજે કાળા રંગનું દાન , કાળા તલ, તલ- ગોળની બનેલી ચીજના દાનનું વિશેષ મહત્વ છે. સૂર્યના શ્રાપથી શનિ અને તેમનાં માતા છાયા નિર્ધન થયેલાં.
ઘણા સમય પછી સૂર્યદેવના બીજા પુત્ર યમદેવની વિનંતીથી ઘરમાં પડેલ તલ અને ગોળનો ભોગ ધરાવી પૂજા અર્ચના કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થયેલ. સારા ભવિષ્ય માટે વરદાન આપેલ તે દિવસથી આવી ચીજવસ્તુઓનું દાન કરી સૂર્ય ઊપાસના કરવામાં આવે છે. આપણા અનેક આરાધ્ય દેવો સુક્ષ્મ સ્વરૃપે આપણી આસપાસ કે મંદિરોમાં જોવાય છે.
પરંતુ સાકાર સ્વરૃપે માત્ર એક દેવ સૂર્યદેવ કરોડો વર્ષોથી આપણી ઉપર કૃપા કરી આપણને દર્શન આપે છે. વિશ્વને પ્રકાશ નિયમિત રીતે આપે છે. તેમના લીધે વરસાદ આવે છે. અનાજપાણી પાકે છે. વળી આરોગ્ય પ્રદ અનેક વનસ્પતિઓ ફળ- ફૂલો મળે છે. સૂર્યસ્નાન આરોગ્યપ્રદ છે. આમ સૂર્યદેવનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
તેમના લીધે અને પૃથ્વીની ગતિને લીધે રાત્રિ -દિવસ આવે છે. શરીરને પણ આરામ મળે તે માટે સૂર્ય- પૃથ્વીથી રાત્રિ આવે છે. આપણા ઋષિ મુનિઓએ ધર્મ અને આરોગ્ય સાથે સાંકળી લીધેલ છે. શિયાળાના ઠંડીમાં તલના લાડુ, કચરિયું આરોગવાથી શક્તિ મળે છે. પતંગોત્સવ એટલા માટે કે જીવન હમેશાં ઉર્ઘ્વગતિ કરે છે.
પતંગની માફક આપણા જીવનનો દોર હમેશાં પ્રભુના હાથમાં રહે એવી ભાવના છૂપાયેલી છે. માટે સક્રાંતિ સાચા અર્થમાં આત્માની સંસ્ક્રાંતિ છે. ઉત્તરાયણ એટલે આ દિવસથી સૂર્ય દક્ષિણગોળાર્ધના 'મકરવૃત' તરફથી ઉત્તર ગોળાર્ધના 'કર્કવૃત્ત' તરફ પ્રયાણ કરે છે. ટૂંકમાં સૂર્ય દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે.
આમ મકરસંક્રાંતિ એટલે સૂર્ય ધનરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ૧૪મી જાન્યુથી સૂર્ય છ માસ ઉત્તર દિશા તરફ ઉદય પામતો દેખાય. વળી ઉત્તરાયણને 'દેવયાન- દેવલોક કહે છે. ત્યાર પછી દક્ષિણ તરફ પ્રયાણ તેથી દક્ષિણાયન એટલે 'પિતૃયાન- પિતૃલોક કહે છે.
- અરવિંદભાઈ શાહ
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar