શેઠ ! કલ્પવૃક્ષ પર કુહાડી મરાય ખરી ?
મા નવીના મનના દ્વેષ જેવી બીજી કોઈ ભડભડતી આગ નથી. એક વાર માનવીના હૃદયમાં દ્વેષ જાગે, તો એને અગ્નિ એને સતત દઝાડતો રહે છે. એનો દિવસ બેચેન બને છે અને રાત્રે એને એ દ્વેષ સુખે સૂવા દેતો નથી. એમાં ય કેટલાકનો દ્વેષ એની શક્તિ જોઈને થાય, કેટલાકને સંપત્તિ જોઈને થાય, કોઈને બીજાનું ઐશ્વર્ય આંખમાં કણાની જેમ ખૂંચે, તો કોઈને બીજાનું પ્રભુત્વ પળેપળ અદેખાઈથી પજવતું રહે.
ધવલ શેઠના મનમાં પોતાના પ્રત્યે અનેક ઉપકારો કરનાર શ્રીપાળકુમાર પ્રત્યે દ્વેષ જાગ્યો. દ્વેષ હંમેશાં ભૂતકાળને વાગોળે છે અને એથી જ ધવલશેઠ વિચારવા લાગ્યા કે આ શ્રીપાળ તે કેવો ? કે જેની પાસે કશું નહોતું તે આજે મારા અઢીસો વહાણોનો માલિક બની ગયો.
વિના મહેનતે એણે મારાં વહાણો હડપ કરી લીધાં અને આજે ભારે મોજમજાથી જીવે છે. આથી હવે મારે એનો ઘાટ ઘડવો પડશે અને જો શ્રીપાળને હું દરિયામાં નાખી દઉં, તો પછી એનાં આ અઢીસો યે વહાણ મારા થઈ જશે. એની બંને સુંદરીઓ મને મળી જશે અને પછી જીવનમાં હંમેશાં મોજમજાનો દરિયો ઉછળતો રહેશે !
આમ કંચન અને કામિનીના લોભથી ઘેરાયેલા ધવલ શેઠ વિચારતા હતા કે ભલે આજે શ્રીપાળ બંને કુંવરીઓ સાથે સુખેથી મોજમજા કરતો હોય, પણ હવે એના આયુષ્યનો અંત આવી ગયો છે. ક્યારેક આ દ્વેષને કારણે એમનામાં ક્રોધ જાગતો અને ક્રોધને કારણે એ પોતાની મૂછને આમંળતા એમ કહેતા કે હવે તને દરિયામાં ડૂબાડી દઇશ, નહીં તો મારું નામ ધવલ શેઠ નહીં.
અને પછી ધવલશેઠ કેટલી બધી સંપત્તિ અને કેવી લાવણ્યવતી સુંદરીઓ પ્રાપ્ત થશે એના વિચારમાં ડૂબી જતા. અનિષ્ટનો વિચાર દુષ્ટ માનવીને ગમે છે, પણ એ અનિષ્ટ કાર્યનું પરિણામ વિચારતો નથી. વળી એણે શ્રીપાળકુંવરની બે સૌંદર્યવાન પત્નીઓ જોઈ અને પછી તો સંપત્તિના લોભ સાથે કામનો મોહ પણ એને વળગ્યો અને ધવલશેઠનું ચિત્ત વ્યાકુળ બની ગયું. એમનું મન સતત વિચારવા લાગ્યું કે કઈ રીતે શ્રીપાળનો ઘાટ ઘડું !
ધવલશેઠના નિકટના મિત્રોને ધવલશેઠમાં આવેલું આ પરિવર્તન સમજાતું નહોતું. ધવલશેઠને ભોજન ભાવતું નહોતું અને રાત્રે નિદ્રા આવતી નહોતી. એ વિચારોથી સતત વ્યાકુળ રહેતા અને ક્યારેક એ કાર્યસિદ્ધ કરવાની પ્રતીક્ષામાં ભારે નિશ્વાસ નાખતા હતા. ધવલશેઠના ચારેય ગાઢ મિત્રો એમની આ વ્યાકુળતા જોઈને વિચારમાં પડયા. એમને થયું કે આ સાગરસફરી સાહસિક ધવલશેઠને થયું છે શું ?
એક વાર બધા એકાંતમાં મળ્યા અને એમના મિત્રોએ ધવલશેઠને પૂછયું,' હમણાં હમણાં અમે તમને સતત વ્યાકુળ જોઈએ છીએ. શું કોઈ મોટી આફત આવી છે કે પછી કોઈ અત્યંત વ્યાધિજનક રોગો થયા છે ? કે કોઈએ તમારું અનિષ્ટ કર્યું છે કે પછી તમારા મનને કોઈ ચિંતા ઘેરી વળી છે ?'
ધવલશેઠ મૌન રહ્યા. મિત્રોને આ સમજાયું નહીં એટલે પુન: પૂછયું, 'શેઠ, મિત્ર એ કહેવાય કે જે સુખદુ:ખ સાથે વહેંચીને ખાય. તમારું દુ:ખ અમારાથી જોયું જતું નથી. અમને કહો કે તમને શું થયું છે ? અમે તમારા ગાઢ મિત્રો છીએ. વાત પૂરેપૂરી ગુપ્ત રાખીશું.'
ધવલશેઠે કહ્યું, ' મારે કોઈ પણ ભોગે શ્રીપાળને મારી નાખવો છે. એની સંપત્તિ અને સુંદરીઓ મેળવવી છે. કઈ રીતે એનો ઘડો લાડવો કરવો એની તક શોધું છું. એથી જ હું વ્યાકુળ છું.'
ચારેય મિત્રો ધવલશેઠની વાત સાંભળીને સ્તબ્ધ બની ગયા. અરે આ તે કેવું ! ધવલશેઠને જીવતદાન અપાવનારનો જીવ લેવા ધવલશેઠ તૈયાર થયા છે. આથી પહેલા મિત્રએ ધવલશેઠનો કહ્યું,' શેઠ, આ તમે શું વિચારો છો ? પરસ્ત્રી પામવાનો ઇરાદો રાખો છો ? આ પરસ્ત્રીના સંસર્ગ- પાપથી એક ભવ નહીં, ભવોભવ ભવસમુદ્રમાં ડૂબીએ છીએ એ તમે જાણો છો અને તમે સામે ચાલીને આવો અનિષ્ટ ઇરાદો રાખો છો ? પારકું ધન અને પારકી સ્ત્રી પર કુદૃષ્ટિ કરનારનું ધનોતપનોત નીકળી જાય છે તે તમે જાણો છો છતાંય, આવો મનોરથ સેવો છો ?'
બીજા મિત્રએ શેઠને સમજાવતાં કહ્યું,' શેઠ, ભૂતકાળને ભૂલી ગયા લાગો છો. ભરૃચના બંદરે લાંગરેલા પાંચસો જહાજ કોને કારણે સાગરની સફરે નીકળી શક્યા હતા. અરે ! બબ્બરકૂટમાં અને કનક્કેતુના સકંજામાંથી તમને કોણે ઉગાર્યા હતા ? આવા પરોપકાર કરનારનો અપકાર કરવાનું તમે વિચારો છો ? શ્રીપાળે આટલી બધી સમૃદ્ધિ મેળવી એ તો એના ભાગ્યબળથી ! એની ઇર્ષ્યા કરવી તે દુર્બુદ્ધિ કહેવાય. તમે ગમે તેટલું વિચારશો તો પણ આયુષ્યની જીવાદોરી જેટલી હશે એટલો એ જીવશે. માટે આવો દુષ્ટ વિચાર તજી દો.'
ત્રીજા મિત્રએ કહ્યું,' ધવલશેઠ, તમારી બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ છે પણ વિચારશક્તિ યે ચાલી ગઈ છે. કલ્પવૃક્ષ પર કુહાડી મરાય ખરી ? આ પરોપકારી કુંવર કેવડાની સુગંધ સમાન છે. એનો આપણને સહુને પરિચય છે. એ ભૂલી જઈને દુર્બુદ્ધિથી આવું વિચારો છો એનો અર્થ એ થયો કે તમે સામે ચાલીને તમારા મૃત્યુને ભેટવા નીકળ્યા છો.'
ત્રણેય મિત્રોએ ધવલશેઠને આવો દગો નહીં કરવા હિતશિક્ષા આપી. શેઠ શરમથી ભૂમિ ખોતરતા હતા, પણ મન પર દુષ્ટતાએ એવો કબજો જણાવ્યો હતો કે આ સઘળી સલાહ પથ્થર પર પાણી સમાન હતી.
ત્રણેય મિત્રો ધવલશેઠના દુષ્ટ ઇરાદાને જોઈને એમનો સાથ છોડીને ચાલી ગયા, પરંતુ ચોથો મિત્ર કોઈ જુદા જ હેતુસર બેસી રહ્યો. (ક્રમશ:)
ગોચરી
શૂન્યમાં સંગીતને સાંભળવું એ છે મૃત્યુ. જો એને માણતા આવડે તો મૃત્યુ મિજલસ બને છે અને જો ન માણતા આવડે તો મૃત્યુ મોહગ્રસ્ત બને છે. મૃત્યુને માણીએ તો એની મજા આવે, મૃત્યુથી ડરીએ તો એ ભયપ્રદ લાગે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar