પ્રમાદ અને ઉન્માદ
પ્રમાદ એટલે આળસ, અને ઉન્માદ એટલે આવેશ. ગૌતમ બુધ્ધે આપેલા ઉપદેશ અનુસાર માનવીને પોતાની અજ્ઞાનતા તથા આળસ નડે છે. જો કે મોટાભાગનાં માનવીને માનવ સહજ સ્વભાવ મુજબ આપણને આપણા દોષ તથા જે ભૂલો કરી હોય છે તે જ નડતા હોય છે.
આપણી ભૂલો માટે આપણે બીજાને દોષ આપીએ છીએ. અમુક સમયે અંધશ્રધ્ધા ન રાખવી. આળસુ માણસોનો સંગ કરવો નહીં. જે યુવાનો બાપ કમાઈનાં પૈસા ઉપર જલ્સા કરતા હોય તથા સ્વછંદી વર્તન કરતા હોય, સમાજમાં સીન સપાટા કરતા હોય. બીજાનું અપમાન કરતા હોય તેવા યુવાનોનો સંગ કરવો નહીં. કહેવત છે કે 'વાન ન આવે પરંતુ સાન તો આવે.
દરેક વિદ્યાર્થીને ભણવા માટે ૧ વર્ષનો સમય મળે છે. અભ્યાસ માટે શિક્ષણ, પુસ્તકો તથા અન્ય સામગ્રીઓ ઉપલબ્ધ હોય છે. જે વિદ્યાર્થી આખું વર્ષ ભણવામાં ધ્યાન જ ન આપે પછી પરીક્ષા વખતે તકલીફ પડે કે નહીં ? પછી પરીક્ષામાં પાસ થવા માટે ખોટા રસ્તા શોધવા મહેનત કરવી પડે છે.
આમ, ભણવામાં આળસ કરે ને પરીક્ષામાં નાપાસ થાય એટલે બીજાને દોષ આપે તે વ્યાજબી છે ? જંગલનો રાજા 'સિંહ' હોય છે તેને પણ ખોરાકની શોધ માટે જંગલમાં ભટકવું પડે છે, તથા શિકાર ની પાછળ દોડવું પડે છે, ત્યારે જ સિંહ ને ખોરાક મળે છે. અમુક માણસોને 'શોર્ટકટ' થી જ બધુ મેળવી લેવું છે. જો કે શોર્ટકટથી મેળવેલી સતા તથા સંપતિથી ભવિષ્યમાંજ તેજ વ્યકિતને તથા તેના પરિવારને નુકશાન થાય છે.
ઉન્માદ એટલે આવેશ. વર્તમાન સમયમાં યુવાનોનાં આક્રોશને પોતાનાં સ્વાર્થ ખાતર ઉન્માદમાં ફેરવવામાં આવે છે. યુવાનોને પોતાની સમસ્યાઓ છે. તેમને વિકાસનાં નામે સપનાઓ બતાવવામાં આવે છે. વાસ્તવમાં સારૃ બને સકારાત્મક પરિણામ મળતું નથી. પરિણામે યુવાનો માં આક્રોશ પેદા થાય છે. યુવાનોમાં જોશ હોય છે પરંતુ હોશ માં પણ રહેવું જોઈએ. સમાજનું અહિત થાય, ખાનગી તથા સરકારી માલ મિલ્કતને નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.
સમાજનાં મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગને નુકશાન થાય તેવી ખરાબ પ્રવૃત્તિ કરવાથી તેમની કદુઆ જ મળવાની છે. લોકશાહીમાં અન્યાયનો વિરોધ કરવાની સ્વતંત્રતા છે. પરંતુ તેમા સ્વચ્છંદતા ન હોવી જોઈએ. સરકારી માલ મિલ્કતને નુકશાન કરવાથી સરવાળે પ્રજા ને જ તે કરવેરા તથા મોંઘવારી સ્વરૃપે ભોગવવાનું હોય છે.
- નટુભાઈ ઠક્કર