ભગવાન સત્યનારાયણની કથાનો જીવનપયોગી બોધ
વિવેક, સંયમ, સેવા અને સાહસ. આ શ્રેષ્ઠગુણોને મનુષ્યે પોતાના વ્યવહારમાં લાવતા રહેવું જોઈએ. આત્મસંયમ, આત્મશુદ્ધિ, આત્મનિર્માણ અને આત્મવિકાસના ક્રમમાં જરાપણ ઢીલ આવવા દેવી જોઈએ નહિ.
અહીં લોકોના ઘરોમાં અવારનવાર ભગવાન સત્યનારાયણની કથા વંચાતી જોવા મળે છે. આ વ્રતકથાના પાંચ અધ્યાયમાં ગરીબ બ્રાહ્મણની કઠિયારાની, ઉલ્કામુખ નામના રાજાની, સાધુ- વાણિયાની અને તુંગધ્વજ રાજાની કથાઓ છે. જે લોકો શ્રધ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કથાશ્રવણ કરે છે. તેઓનાં દુ:ખો દૂર થાય છે અને તેઓને સાંસારિક અને આત્મિક એમ બંને પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે.
કથાના પ્રસાદનો ય કેવો મહિમા ! ભાવથી પ્રસાદ આરોગવો એ સુખદાયક છે. પ્રસાદનો અનાદર કરવો સર્વથા દુ:ખદાયક છે. આ વ્રત જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો મનુષ્યની સર્વ ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને તે સર્વ પ્રકારનાં સુખો ભોગવી છેવટે સ્વર્ગલોકમાં જાય છે. આ કથાની સારરૃપ બાબતો નીચે મુજબની છે.
મનુષ્યે હંમેશાં સત્યવ્રતી બનવું. સત્યવચન ઉચ્ચારવું. પોતાની વાણી પર સંયમ રાખી બીજાઓનું શ્રેય થાય તેવી વાણી બોલવી.
મનુષ્યે પાત્રતા મેળવવી જોઈએ. જેની પાસે પાત્રતા છે તેને ભગવાન આપે છે. જેની પાસે પાત્રતા નથી તેને ભગવાન કઈ રીતે આપે ? માળા કરવાથી કે દંડવત્ પ્રણામ કરવાથી ભગવાનની કૃપા થતી નથી.
પોતાના કર્તવ્યનું બરાબર પાલન કરવાથી મનુષ્યને સમાજમાં પ્રતિષ્ઠા મળે છે. તેણે પોતાનું પ્રત્યેક કામ ન્યાય અને વિવેકની કસોટી પર કસીને કરવું જોઈએ. અને જે ન્યાયસંમત હોય તેનો સ્વીકાર કરવો જોઈએ. ભગવાન હંમેશાં શ્રેષ્ઠ કર્મોથી પ્રસન્ન થાય છે.
મનુષ્યે અનીતિથી સદા દૂર રહેવું જોઈએ. શાસ્ત્રવચન મુજબ અનીતિનું ધન દશ વર્ષ ટકે છે. પરંતુ અગિયારમાં વર્ષે તે સમૂળગું નાશ પામે છે. અનીતિ એમ દુ:ખનું કારણ બને છે.
મનુષ્યે ઉદાર અને સેવાભાવી બનવું જોઈએ. ઉદાર મનુષ્યને ગરીબાઈ સતાવતી નથી. ગંગામાંથી ગમે તેટલું પાણી વાપરો પરંતુ હિમાલય તે પૂરું પાડયા જ કરે છે. પરમાર્થના કાર્યોમાં ધન વાપરવાથી તે વધે છે.
સર્વત્ર પરિશ્રમની પૂજા થાય છે. મનુષ્યે હંમેશાં પરિશ્રમી બનવું જોઈએ. યાદ રહે કે હરામખોર મનુષ્ય ચોર કરતાં પણ વધારે પાપી ગણાય છે.
મનુષ્યે ધૈર્યવાન બનવું જોઈએ. આજદિન સુધી કોઈ ઘા ધીરજ વિના રુઝાયો નથી. ધીરજ કડવી ભલે હોય પણ તેનાં ફળ મીઠાં હોય છે.
- મનુષ્યે હંમેશાં જીવનશ્રેયના ત્રણ 'ઉ' યાદ રાખવા જોઈએ. આ ત્રણ 'ઉ' એટલે ઉપાર્જન. ઉપભોગ અને ઉન્નતિ. પુરુષાર્થ અને નીતિમત્તાથી પૈસો મેળવવો તે ' ઉપાર્જન'. તેને કરકસર અને બીજાને મદદરૃપ થવાય તે રીતે વાપરવો તે સાચ ' ઉપભોગ'. આમ કરવાથી મનુષ્યને સમાજમાં માન- સન્માન મળે તેને ' ઉન્નતિ' કહેવાય છે. જીવનમાર્ગે આ ત્રણ' ઉ'નું ધ્રુવદર્શન થાય તો મનુષ્યનું જીવન સાર્થક બને.
- મનુષ્યે પોતાની આવકનો એક ભાગ લોકકલ્યાણના કાર્યમાં વાપરવો જોઈએ. કારણકે ધન છેવટે તો રાષ્ટ્રની સંપત્તિ છે. સમાજમાં સત્યપ્રવૃત્તિઓન વધારો થાય એવા આશયથી ધનનો ઉપયોગ કરવો જોઈએ.
- વિવેક, સંયમ, સેવા અને સાહસ. આ શ્રેષ્ઠગુણોને મનુષ્યે પોતાના વ્યવહારમાં લાવતા રહેવું જોઈએ. આત્મસંયમ, આત્મશુદ્ધિ, આત્મનિર્માણ અને આત્મવિકાસના ક્રમમાં જરાપણ ઢીલ આવવા દેવી જોઈએ નહિ.
- મનુષ્યે પોતાના પરિવાર અને સમાજને એક બાગ માનીને માળીની જેમ કામ કરવું જોઈએ. બધાના હિતમાં પોતાનું હિત જોવું અને પોતાને ખરાબ લાગતો વ્યવહાર તેણે બીજાઓ સાથે ન કરવો જોઈએ. સત્કાર્યમાં શ્રમ કરવા તેણે સદા તૈયાર રહેવું જોઈએ.
- મનુષ્યે શ્રધ્ધાવાન બનવું જોઈએ. શ્રદ્ધા એક પ્રકારનું અંતર્બળ છે. ભગવાન નથી કાષ્ઠમાં, નથી પાષાણમાં કે નથી માટીમાં. તે પ્રાણીમાત્રની શ્રદ્ધામાં વસે છે ઋગ્વેદ કહે છે : 'હે મનુષ્ય ! તું પ્રતિક્ષણ હૃદયમાં શ્રદ્ધાને ધારણ કર.'
- કનૈયાલાલ રાવલ
For more update please like on Facebook and follow us on twitter
https://twitter.com/gujratsamachar