Get The App

ધર્મો રક્ષતિ રક્ષિત: ।

Updated: Dec 28th, 2017

GS TEAM

Google News
Google News
ધર્મો રક્ષતિ રક્ષિત: । 1 - image

અર્થાત્ રક્ષાયેલો ધર્મ મનુષ્યનું રક્ષણ કરે છે. એવો થાય છે. ધર્મ એટલે પુણ્યદાન. ધર્મ એટલે ગુણ, સ્વભાવ અને લક્ષણ. ધર્મ એટલે શાસ્ત્રોક્ત વિધિનિષેધ- આચાર. કિંતુ આપણા ચિંતકોએ ધર્મ વિશે ખૂબ ગહન ચિંતન કરીને તેનો સાચો અર્થ જણાવ્યો છે.

આ મુજબ ધર્મનો અર્થ ઘણો વ્યાપક છે. તેમાં અભય, સત્ય, અહિંસા અને પરોપકાર જેવા દૈવી ગુણોનો સમન્વય થયેલો છે. આ ગુણોને આત્મસાત્ કરી યશોચિત જીવનવ્યવહાર કરવો એનું નામ ધર્માચરણ. સંસારમાં રહી મનુષ્ય પોતાનાં કર્તવ્યો- સત્ય, અહિંસા, પ્રેમ અને દયા દાખવીને અદા કરે તે ધર્મનું આચરણ છે.

વર્તમાન સમયમાં યુવા પેઢી 'વેદ' ન સમજે તો કોઈ વાંધો નથી. પરંતુ અન્યની 'વેદના' સમજે એ ધર્મ છે. કરુણા સમજે એ ધર્મ છે, કોઈને દુઃખી ન કરવામાં આવે એ ધર્મ છે. જ્યાં સેવાની ગંગા વહેતી હોય એ ધર્મ છે. સમાજના ઉપેક્ષિત માણસોને સન્માન આપવામાં આવે એ ધર્મ છે. દીન-દુઃખિયાંની પ્રેમપૂર્વક સેવા થાય એ ધર્મ છે.

આજે શાસ્ત્રના ધર્મ કરતાં માનવધર્મ સમજવો જરૃરી છે કારણકે ધર્મ જીવન સાથે જોડાયેલો છે. જેમ પુષ્પમાં રહેલી ગોળ શોધવાથી નહિ, પરંતુ સમજવાથી દેખાય છે તે જ પ્રકારે ધર્મ આપણા યોગ્ય આચરણ સાથે જોડાયેલો છે. શીલ ટકશે તો ધર્મ ટકશે. ધર્મ કોઈને બંધનમાં નાખતો નથી, ડરાવતો નથી કે કોઈને નુકસાન કરતો નથી. કારણકે ધર્મ સ્વયં પરમાત્માનું સ્વરૃપ છે.

ધર્મ મનુષ્યને કર્તવ્યોન્મુખ બનાવે છે. તે મનુષ્યને શ્રેષ્ઠ માર્ગ પર ચલાવે છે. ધર્મની રક્ષાનો અર્થ છે- તેને સાચી રીતે જીવનમાં ઉતારવો, ચિંતનયોગ્ય બનાવી તેને ઉદાત્ત બનાવવો. કયો ધર્મ સાચો છે એના વ્યર્થ વિવાદમાં ન પડતાં, જો વિજ્ઞાાન સંમત પ્રગતિશીલ ચિંતન પર આધારિત ધર્મ-ધારણાને જીવનનું અંગ બનાવવામાં આવે તો આજના સમાજમાં ફેલાયેલી વિષમતા દૂર થઈ જાય.

ઉપનિષદોમાં કહ્યું છે કે ' ધર્મ એ છે જે વિશ્વને ધારણ કરે છે. અથવા તેનો આધાર છે. આ પ્રમાણે મનુષ્યત્વને ઉજાળે એવા માનવગુણો પ્રમાણે આચરણ કરવું એજ ધર્મનું પાલન છે. અને એ જ ધર્મનું રક્ષણ છે. આ રીતે ધર્મ દ્વારા રક્ષણ એજ ધર્મનું રહસ્ય છે.'

આપણો ધર્મ આપણા હૃદયમાં એક શ્રદ્ધાબળ તરીકે જીવંત રહેવો જોઈએ. ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ. તેમજ એ બંને તત્ત્વોની દોરવણી નીચે ઘડાતો જીવનવ્યવહાર. એ મુજબ બીજાઓનું ભલું કરવું એ ધર્મ છે, ધિક્કાર કરવો એ અધર્મ છે.

ઇશ્વરમાં શ્રધ્ધા રાખવી એ ધર્મ છે, શંકા રાખવી એ પાપ છે, ઐક્યનું જ્ઞાાન ધર્મ છે, ભિન્નતા એ પાપ છે. ટૂંકમાં ધર્મ, ઇશ્વર અને અધ્યાત્મભાવ આ સૌને આપણા અંતઃકરણમાં સૂક્ષ્મપણે અનુભવવાના છે. એજ આપણી અંતરયાત્રા ! સુજ્ઞોષુ કિં બહુના ?

- કનૈયાલાલ રાવલ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar



Tags :