Get The App

સત્સંગ શા માટે ? .

- સત્ એટલે સત્ય અને સત્ય એટલે નીતિ પ્રમાણિકતા કે ઇશ્વર. સંગ એટલે સહવાસ સાથે જોડાવું કે મિત્રતા કરવી. આથી સત્યનો અર્થ થાય સત્ય સાથે જોડાવું. સત્યનું આચરણ કરવું, એ સત્સંગ. આવા સત્સંગથી શું શું મળે ? શું શું પ્રાપ્ત કરી શકાય એના લાભ વિશે ચિંતન- મનન કરીએ.

Updated: Oct 1st, 2020

GS TEAM

Google News
Google News
સત્સંગ શા માટે ?               . 1 - image


'સ ત્સંગ' શબ્દ 'સંત' અને 'સંગ' આ બે શબ્દો મળીને બન્યો છે. સત્ એટલે સત્ય અને સત્ય એટલે નીતિ પ્રમાણિકતા કે ઇશ્વર. મહાત્મા ગાંધીએ સત્યની વ્યાખ્યા કરતા કહેલું 'સત્યથી મારે મન બીજો કોઈ પરમાત્મા નથી.' સંગ એટલે સહવાસ સાથે જોડાવું કે મિત્રતા કરવી. આથી સત્યનો અર્થ થાય સત્ય સાથે જોડાવું. સત્યનું આચરણ કરવું, એ સત્સંગ. આવા સત્સંગથી શું શું મળે ? શું શું પ્રાપ્ત કરી શકાય એના લાભ વિશે ચિંતન- મનન કરીએ.

૧) સમયનો સદુપયોગ : સંસારનો અત્યંત બુધ્ધિશાળી માનવ પોતે ભોગવી ચૂકેલા આયુષ્યના વરસો દરમ્યાન કેટલી કલાક, દિવસ, માસ, વર્ષ વ્યર્થ ગુમાવ્યા- બરબાદ કરી નાખ્યા એનો હિસાબ માંડે તો પોતે ધૃજી જાય એમ છે. અમૂલ્ય સમયનો દુરુપયોગ ટળે છે સત્સંગથી, સદ્વિચારથી.

૨) જ્ઞાાનમાં વૃધ્ધિ : શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે.' નહિ જ્ઞાાનેન સંદેશ પવિત્રમિહ વિદ્યતે. અર્થાત્ આ સંસારમાં જ્ઞાાનના જેવું પવિત્ર કરનારું બીજુ કોઈ નથી. ભગવાનનો રાજકુમાર માનવ દુર્બુુધ્ધિથી દુષ્ટકર્મો કરી જ્ઞાાનના અભાવે અજ્ઞાાનતામાં દુ:ખ ભોગવે છે. સદ્જ્ઞાાની વ્યકિત જ સુખ, શાંતિ, આનંદ, પ્રગતિ, સફળતા પ્રાપ્ત કરે છે. સત્સંગથી સદ્જ્ઞાાનનું પ્રાગટય થાય છે.

૩) સદ્બુધ્ધિની પ્રાપ્તિ : સોનાની લંકાનો રાજા રાવણ, બ્રાહ્મણનું ઊંચુ કુળ, મહા પંડિત અને વિદ્વાન તથા દેવોના દેવ મહાદેવનો મહાશિવભક્ત હોવા છતાં દુર્બુધ્ધિને કારણે દાનવ ગણાયો. માનવ માત્ર પાંસે જીવન જીવવા માટે માત્ર બે જ માર્ગ છે. એક સદ્બુધ્ધિનો પ્રકાશ, નીતિ, પ્રામાણિક્તા, સુખ, શાંતિ, આનંદ, સફળતા અને પ્રગતિનો જેના દ્વારા માન, મોભો, યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકાય જ્યારે બીજો માર્ગ છે દુર્બુધ્ધિનો અંધકારનો. જે માર્ગેથી ભેળસેલ, લાંચ, પાપ, પાખંડ ભ્રષ્ટાચાર, કામચોરી, હરામખોરી, સંગ્રહખોરી તથા કલંક જેવા દુર્ગુણો મળે આ બીજો માર્ગ છે કૌરવોનો.

૪) અહંકારમુક્તિ : માનવનો સૌથી મોટો શત્રુ છે એનો અહંકાર. અહંકારી વ્યક્તિ એ ભૂલી જાય છે કે રાવણ અને દુર્યોધનની જેમ પોતાનું પતન પણ નિશ્ચિત છે. માનવ પુણ્ય અર્જીત કરવા ઘણા બધા ધર્મ અને સદ્કાર્યો કરે છે પણ અનુભવે ઇચ્છિત ફળ પ્રાપ્ત થતા નથી કારણકે તેનામાં રહેલો અહંકાર તેના પુણ્યકાર્યોને પરમાત્માના ચરણ સુધી પહોંચવા દેતો નથી. સત્સંગ વ્યક્તિમાં રહેલા અહંકાર પર રોક લગાવે છે.

૫) શાંતિ અને આનંદના અનુભવની પ્રાપ્તિ : સંસારનો પ્રત્યેક માનવ મનની શાંતિ અને આત્માનો આનંદ મેળવવા સતત વલખા મારે છે. તેની પાસે સુખ-સગ વડના અઢળક ભૌતિક સાધનો હોવા છતાં કળયુગનો માનવ અતિ મહેનતના અંતે પણ મેળવવા સફળ થતો નથી. પગમાં લાગેલો કાંટો માત્ર નાનીસોયથી જ કાઢી શકાય તલવારનું એ કામ નહિ એજ ન્યાયે જીવાત્મા આત્માનો આનંદ અને મનની શાંતિ મેળવી શકે.

૬) શ્રધ્ધા અને સંસ્કારીતા : ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળનો પ્રત્યેક માનવ દેવ જેવું જીવતો હતો. તેનામાં રહેલી શ્રધ્ધા અને સંસ્કારિતાને કારણે દેવ ગણાતો. આથી તે સમયની ભારતની વસતી આવા તેત્રીસ કરોડ દેવતાઓની ગણાતી. સમાજમાં શોડષ સંસ્કારોનું વિશેષ મહત્વ હતું ! પ્રત્યેક વ્યકિતના પ્રત્યેક સંસ્કાર થતા હતા. અણઘડ પથ્થરમાંથી મૂર્તિ બનાવવી, લાકડામાંથી ફર્નિચર બનાવવું, માટીમાંથી કલાત્મક વાસણોનું સર્જન કરવું અને કપાસના રૂ માથી વસ્ત્રો બનાવવા સુધીની પ્રક્રિયા એટલે સંસ્કાર પ્રક્રિયા.

૭) કુટેવોમાંથી મુક્તિ અને સદ્ગુણોનો વિકાસ : વર્તમાન સમયનો માનવી દારૂ, જુગાર, ગુટખા, તમાકુ, બીડી જેવા વ્યસનોમાં ઘેરાઈને સમય, શક્તિ, સંપત્તિ સામર્થ્ય અને સ્વાસ્થ્યનો નાશ કરી રહ્યો છે. આમાથી છૂટકારો મેળવવા તેમજ કામ ક્રોધ, લોભ, મોહ, મદ અને ઇર્ષા જેવા ષડરીપુઓથી ક્રમ: મુક્ત થવાની પ્રેરણા અને જીવનમાં પરોપકાર,દયા, કરુણા, પ્રેમ, શિસ્ત, શ્રધ્ધા, પાત્રતા તેમજ સુસંસ્કારીતા વગેરે જેવા ગુણો લાંબા ગાળાના સત્સંગ વગર વ્યક્તિમાં જાગૃત થતા નથી.

૮) નિર્ભયતા : સંસારના પ્રત્યેક માનવને મૃત્યુનો ભય સતત સતાવે છે. સત્સંગના સહારે જેની પાત્રતા વિકસીત થઈ ચૂકી છે તે વ્યક્તિને સત્સંગ નિર્ભય બનાવે છે. શુક્રદેવજી સાથેના સત્સંગે પાંડવોના રાજા પરીક્ષિતને માત્ર સાત જ દિવસમાં મૃત્યુના ભયમાંથી નિર્ભય બનાવી મુક્તિ અપાવી હતી.

૯) આત્મબળ : જેનામાં આત્મબળ- આત્મવિશ્વાસ નથી એ વ્યક્તિ લઘુતા ગ્રંથીમાં જીવે છે. આત્મબળ નથી તો સંયમ નથી સાહસ, શૌર્ય, પરાક્રમ, બહાદુરી કે પ્રશંસનિય કાર્ય નથી. અરે, જીવન સુધ્ધા નથી.

૧૦) ગૌરવ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ : હંસ અને બગલો, કાગડો અને કોયલ, સતી અને વારાંગના વચ્ચે જેટલો તફાવત છે. એટલો જ તફાવત સજ્જન અને દુર્જન વચ્ચે છે.  દુર્બુધ્ધિના કાર્યો કરનાર માનવીની કિંમત ફૂટી કોડી જેટલી પણ નથી. સદ્બુધ્ધિથી સત્કાર્ય, સેવા, સમાજ સેવા જેવા પુણ્યના કાર્યો કરનાર વ્યક્તિ અન્ય માટે વિશ્વાસપાત્ર, પ્રેરણારૂપ બને છે. આવી વ્યક્તિ સમાજ અને જ્ઞાાતિ માટે ગૌરવરૂપ ગણાય છે. સમાજમાં તેની ગણના, સજ્જન, આબરૂદાર, પ્રતિષ્ઠિત કે ભક્ત તરીકે થાય છે.

૧૧) સાચા ધર્મની સોચ : કળયુગના વર્તમાન સમયના માનવે સારા સારનો વિવેક ગુમાવી દીધો છે. ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ ભૂલાયો છે, પાખંડ પૂજાય છે. ધનની લાલચમાં ધર્મના નામે- ધર્મના ઓઠા હેઠળ ગોરખ ધંધા ફૂલ્યાફાલ્યા છે. આવા અસત્ય અને અધર્મના ચક્રવ્યૂહમાં ફસાયેલા જીવાત્માને શ્રીમદ્ ભાગવત રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભગવત્ 

ગીતા જેવા પવિત્ર ગ્રંથોનો સત્સંગ વ્યક્તિની અજ્ઞાાનતાને મૂળમાંથી કાપી સાચા ધર્મની સમજ આપે છે.

૧૨) પ્રેમનું પ્રાગટય : પોતાની જાત અને ઇશ્વર પ્રત્યે પ્રેમ કરનારી વ્યક્તિ જ માનવ, માનવ વચ્ચે પ્રેમભર્યો વ્યવહાર રાખી શકે. પ્રેમના આધારે જ જ્ઞાાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય અને ઊંચ-નીચના ભેદ દૂર કરી શકાશે. આવા ભેદ તુટયા વગર વ્યક્તિ, પરિવાર, સમાજ કે રાષ્ટ્રનું સુનિર્માણ શક્ય નથી. પ્રેમના અભાવે એકતા અને અખંડિતતાનું સ્વપ્ન સાકાર નહિ થાય.

૧૩) પુણ્યની પ્રાપ્તિ : પાપ અને પુણ્યનો ખ્યાલ સનાતન કાળથી માનવમાં પ્રસ્થાપિત થયેલો છે. પોતે કરેલા દુષ્કર્મ, પાપ પાપથી મળનારો દંડ અને દંડથી મળનારી સજાની ચિંતા પ્રત્યેક માનવને હરક્ષણે સતાવે છે. આમાંથી ચિંતામુક્ત થવાનો એક જ માર્ગ છે. જેનાથી પુણ્યની પ્રાપ્તિ થાય તેવા સદ્કાર્યો કરવા. આવા સેવાના સદ્કાર્યો કરવાની પ્રેરણા મળે છે. સત્સંગથી સદ્જ્ઞાાનથી.

૧૪) વ્યક્તિ નિર્માણ : રાષ્ટ્રના નિર્માણ માટે સમાજનિર્માણ, સમાજના નિર્માણ માટે આવશ્યક છે વ્યક્તિ નિર્માણ. વ્યક્તિનું નિર્માણ થાય છે. 'બદલાજાયે દૃષ્ટિકોણ તો ઇન્સાન બદલ શક્તા હૈ' આ ન્યાયે. દૃષ્ટિકોણ બદલવાથી મોહનદાસ ગાંધી મહાત્મા બને, શિવાજી છત્રપતિ બની શકે વાલીયા, લુંટારા અને અંગુલીમાલ જેવા હત્યારા, આતંકવાદીનો દૃષ્ટિકોણ બદલી તેનાં ચારિત્રનું નિર્માણ કરવાનું સામર્થ્ય સંતના સતસંગમાં રહેલું છે.

- હરસુખલાલ સી.વ્યાસ

Tags :