Get The App

ભગવાનને ભક્તિ અને સત્સંગ કરીને પ્રસન્ન કરવાનો માસ એટલે... ધનુર્માસ

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
ભગવાનને ભક્તિ અને સત્સંગ કરીને પ્રસન્ન કરવાનો માસ એટલે... ધનુર્માસ 1 - image

- 15 મી થી ધનુર્માસ... ધનુર્માસનું મહાત્મ્ય

- (ધનુર્માસ પ્રારંભ તા. 15 ડિસેમ્બર - પૂર્ણાહુતિ તા. 14 જાન્યુઆરી)

શિયાળાની ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. ઠંડી જોઈને ઘણા બધા માણસોને ઘરની બહાર નીકળવાનું મન થતું નથી. પરંતુ જે ભગવાનના શ્રદ્ધાવાળા ભક્તો છે તે આ ઠંડીમાં પણ તા. ૧૫ ડિસેમ્બરથી ધનુર્માસનો પ્રારંભ થતાં ધૂન-ભજન અને કીર્તન ગાનનો પ્રારંભ કરી દે છે. મંદિરોમાં અને પોતાના ઘરે ભક્તો દ્વારા આ ધનુર્માસમાં ધર્મગ્રંથોનું પઠન કરવામાં આવે છે. આ ધનુર્માસમાં ભક્તિ કરવાથી અનેકગણું ફળ વધુ મળે છે.

ધનુર્માસમાં સર્વત્ર ભક્તિ વૃદ્ધિ પામે છે. પરંતુ આ ધનુર્માસમાં લગ્ન-સગાઈ, ઘર ઓફિસોનો પ્રારંભ આદિનો વિધિ મોટાભાગે કોઈ કરતું નથી. કારણ કે, પૂર્વદિશા સૂર્યની છે. પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે. ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે. ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે. તેના કિરણો અતિવક્ર પડતાં હોવાના કારણે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. શાસ્ત્રો પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કે, મહાભારતનું મહાયુદ્ધ ધનુર્માસના દિવસો દરમિયાન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં નરસંહાર થયો હતો.

આ માસમાં સાંદિપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામે ૬૪ કળાઓ સાથે ધનુર્વેદનો અભ્યાસ કર્યો હતો. તેથી આ ધનુર્માસ વિદ્યાઅભ્યાસ માટે પણ માંગલ્યમય મનાય છે. ધનુર્માસમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક મંદિરોમાં પણ આ ધનુર્માસની ઉજવણી કરવામાં આવે છે. સૌ સંતો ભક્તો મંગળા આરતીના દર્શન કરીને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરે છે, ત્યારબાદ સંતો શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોનું ગાન કરે છે, ભગવાનની પાસે ધનુર્માસમાં હરિચરિત્રામૃત સાગર, સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, વચનામૃતમ્ રહસ્યાર્થપ્રદીપિકીટીકા, જીવનપ્રાણ બાપાશ્રીની વાતો, જીવનપ્રાણ સ્વામીબાપાની વાતો આદિ ગ્રંથો મૂકવામાં આવે છે અને ભક્તો પોતાના ઘરે બેસીને આ ગ્રંથોની પારાયણ કરે છે.

જીવનમાં સુખી થવા માટે આપણે પણ ભક્તિ અને સત્સંગ કરવો જોઈએ. તો, આપણે પણ ધનુર્માસમાં ધૂન-ભજન-કીર્તન અને ધર્મગ્રંથોનું પઠન કરીએ, અને આધ્યાત્મિક દિવ્ય સુખને પામવા પ્રયત્નશીલ બનીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ