ધ્યાન-ધૂન અને ધર્મની અભિવૃદ્ધિ કરવાનો માસ એટલે ધનુર્માસ
- તા. ૧૫ ડીસેમ્બર થી ધનુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ધનુર્માસમાં ભક્તિ કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોવાથી એક મહિના સુધી સંતો અને મુમુક્ષુ ભક્તો દ્વારા મંદિરો ધૂન - ભજન - કીર્તનથી ગુંજવા લાગશે.
ધનુમાર્સનું મહત્વ
(પ્રારંભ - તા. ૧૫ ડીસેમ્બર - પૂર્ણાહૂતિ - તા. ૧૪ જાન્યુઆરી)
હિન્દુ ધર્મમાં દરેક માસ અને તિથિનો આગવો મહિમા છે અને તેને આનંદ અને ઉલ્લાસથી શ્રદ્ધાળુ ભક્તો દ્વારા ઉજવવામાં પણ આવે છે. બાર મહિનામાં એક ધનુર્માસ પણ આવે છે અને તેની ધ્યાન - ધૂન - ભજન - કીર્તન અને ધર્મ સંબંધી ક્રિયાઓ કરીને તેની ઉજવણી પણ કરવામાં આવે છે.
તા. ૧૫ ડીસેમ્બર થી ધનુર્માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ધનુર્માસમાં ભક્તિ કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોવાથી એક મહિના સુધી સંતો અને મુમુક્ષુ ભક્તો દ્વારા મંદિરો ધૂન - ભજન - કીર્તનથી ગુંજવા લાગશે. ઘરોઘર સૌ ધાર્મિક ગ્રંથોનું પઠન કરશે.
ધનુર્માસનો પ્રારંભ થતાં જ માંગલિક કાર્યો એક મહિના માટે થશે નહી. લગ્નો, મકાનો અને ઓફિસોના શુભારંભ આદિ માંગલિક કાર્યો અટકી જશે. કારણ કે ધનુર્માસમાં પૂર્વદિશા સૂર્યની છે. પશ્ચિમ દિશા વિરોધી એવા શનિની છે.
ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે તેના કિરણો અતિવક્ર પડતા હોવાથી કોઇ માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.આ ધનુર્માસમાં એમ પણ માનવામાં આવે છે કે, મહાભારતનો મહાસંગ્રામ ધનુર્માસમાં થયો હતો. તેથી તેને અમાંગલિક ગણવામાં આવે છે.આ ધનુર્માસને વિદ્યાભ્યાસ માટેનો માસ ગણવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામ સાંદિપની ઋષિના આશ્રમમાં રહીને ૬૪ કળાઓ સાથે ધનુર્વેદનો અભ્યાસ કર્યો હતો તેથી વિદ્યાઅભ્યાસ માટે આ માસને સર્વોત્તમ માનવામાં આવે છે. આ માસમાં ભગવાન ભણવા જાય છે એમ માનવામાં આવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરોમાં ધનુર્માસનો પ્રારંભ થતાંની સાથે જ મંગલ પ્રભાતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવે છે. આ માસમાં ભગવાન અભ્યાસ કરવા માટે જાય છે, તેથી ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ શાસ્ત્રો, વિદ્યાઅભ્યાસની સામગ્રી મૂકવામાં આવે છે. શિયાળાનો સમય હોવાથી ધનુર્માસમાં ભગવાનને શીરો, અડદીયા પાક આદિ વિવિધ પ્રકારના થાળ ભગવાનને ધરાવવામાં આવે છે.
આમ, સમગ્ર ધનુર્માસ દરમ્યાન સૌ કોઈ ભગવાનની નવધા ભક્તિમાંરસતરબોળ બળીને ભગવદ્ પ્રસન્નતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે, તો આપણે પણ આ ધનુર્માસ દરમ્યાન ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય, ભક્તિને સિધ્ધ કરવા માટે ધ્યાન - ભજન - કીર્તન વધુ કરીએ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમ કુમ