Get The App

ભગવાન 'ધન્વન્તરી'ની જન્મ જ્યંતિ એટલે ધનતેરસ

- ''હે ભગવાન ધન્વન્તરિ ! હે મહાભાગ, આપ વૃદ્ધાવસ્થા (જરા) અને રોગોને મટાડનારા છો. એટલે સહકુટુમ્બ-મારી રક્ષા કરો...

Updated: Nov 12th, 2020

GS TEAM

Google News
Google News
ભગવાન 'ધન્વન્તરી'ની જન્મ જ્યંતિ એટલે ધનતેરસ 1 - image


વિ શ્વમાં દરેકનાં આરોગ્યની સ્થાપના કરનાર અને રોગમુક્ત કરનાર જો કોઈ પ્રથમ મહાપુરુષનું અવતરણ થયું હોય તો તે ભારતનાં ''વૈદ્ય ધન્વન્તરિ' છે. તે ભગવાનનો અવતાર હોવાથી તેને ''ભગવાન ધન્વન્તરિ' તરીકે ઓળખાય છે. વિશ્વનું કોઈપણ તબિબી શાસ્ત્રનો વિદ્વાન, ડોક્ટર, વૈદ્ય કે હકિમ 'ધન્વન્તરિ'થી અજાણ્યો નહિ હોય. શલ્યતંત્ર સર્જરીની પહેલી વાત કરનાર ભગવાન ધન્વન્તરિ છે. પ્લાસ્ટિક સર્જરીની વાત પણ પહેલીવાર તેના ઉપદેશાત્મક સુશ્રુતસંહિતામાં દર્શાવી છે.

ધનતેરસનો દિવસ તેનો પ્રાગટય દિવસ છે. આથી ધનતેરસને વૈદ્યો 'ધન્વન્તરી જ્યંતી' તરીકે ઉજવે છે. તેની પૂજા કરે છે. 'ધનુ' શબ્દ એટલે શલ્યશાસ્ત્ર માટે વપરાય છે. તેમજ જગતનાં કલ્યાણનાં સાધન હોવાનાં કારણે ધર્મને 'ધનુ' કહે છે. આરોગ્યનું સ્થાપન કરનારા ધર્મના પારંગત હોવાથી તે આરોગ્યના દેવતાને ધન્વન્તરિ કહે છે. અને કાશીરાજ એટલે વારાણસી દેશનાં રાજા હતા એટલે 'કાશિરાજ-દિવોદાસ ધન્વન્તરિ પણ ઓળખાય છે.

લોકોની વૃદ્ધાવસ્થા, રોગો, અને મૃત્યુનો નાશ કરનાર હું 'ધન્વન્તરિ' આયુર્વેદનાં અન્ય અંગોની સાથે શલ્યતંત્ર (સર્જરી)નો ઉપદેશ આપવા માટે આ પૃથ્વી ઉપર ફરીથી અવત્તીર્ણ થયો છું. પહેલાં દેવો અને દાનવોથી થયેલા સમુદ્રમંથન વખતે અમૃત કળશ લઈ સમુદ્રમાંથી પ્રગટ થયાં હતાં. આથી તેને આદિદેવ તથા અપૃતોદ્લવ શબ્દથી પણ વિદ્વાનો ગણે છે.

તેના શિષ્યમાં ખાસ 'સુશ્રુત' હતાં તેથી તેનો આયુર્વેદ સંબંધ તમામ ઉપદેશનો ગ્રંથ 'સુશ્રુત સંહિતા'નામથી ઓળખાય છે.

તેમણે વિશ્વને આરોગ્યનું જ્ઞાાન-પ્રચાર-અભ્યાસ ફેલાવ્યું. તેમનો અંતિમ સમય જૂનાગઢની બાજુનાં માળિયા હાટિના પાસે 'ધણેજ' નામનું ગામ છે. ત્યાં 'ધન્વન્તરી આશ્રમ છે ત્યાં જ તેની સમાધિ સ્થળ છે. પાસે જ મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે નદીનાં તટ પર કશ્યપ ઘાટ છે ત્યાં આજે પણ ધન્વન્તરિ વટવૃક્ષ છે.

પૂજન : 'ધનતેરસ'નાં દિવસે ઘરનાં ઉંબરે દિવો પ્રગટાવી ધન્વન્તરિ ભગવાનનો ફોટો મૂકી સાંજનાં સંધ્યા સમયે તેની પૂજા કરવી. અથવા 'શ્રી ધન્વન્તરૈ: નમ: અગીયાર વાર કે એકવીસ વાર મંત્ર જાપ કરવો જેથી ઘરમાં અકાળ મૃત્યુ, કે ભયંકર રોગો આવતા નથી. તેમજ જો શક્ય હોય તો ત્રણવાર આ શ્લોક બધાએ બોલવો જેથી ઘરમાં દરેકનું આરોગ્યનું રક્ષણ થાય છે. આ એક દૈવિક શક્તિ પ્રદાન કરે છે. દરેક ધર્મો, દરેક દેશો અને દરેક પ્રજાજનો માટે આરોગ્યનાં દેવતા માત્ર એક જ આ ધન્વન્તરિ છે. દરેકે તેનાં પૂજાનાં મંદિરમાં પણ આનો ફોટો રાખવો જોઈએ.

પૂજાનો શ્લોક

''ધન્વન્તરે મહાભાગ જરારોગ નિવારક ।

દોર રુપેણ માં પાહિ સકુટુમ્બં દયાનિધે ।।

આધિ વ્યાધિ જરા મૃત્યુ ભયાદસ્મહર્નિશમ્ ।

પીડયમાનં દેવદેવં રક્ષ માં શરણાગતમ્ ।।

''હે ભગવાન ધન્વન્તરિ ! હે મહાભાગ, આપ વૃદ્ધાવસ્થા (જરા) અને રોગોને મટાડનારા છો. એટલે સહકુટુમ્બ-મારી રક્ષા કરો. હું દિવસ-રાત શારીરિક રોગો માનસિક રોગો વૃદ્ધાવસ્થાનાં રોગો તથા અકાળ મૃત્યુનાં ભયથી ત્રાસેલો છું. હે દેવ ! આરોગ્યનાં દેવતાં ! આપને શરણે આવેલાં મારી હવે આપ રક્ષા કરો, રક્ષા કરો ।

આ મંત્ર બોલી પૂજન કરવું, આ ધન્વન્તરિની પૂજાનો વિશેષ મહિમાં આયુર્વેદ શાસ્ત્રોમાં ખાસ ધનતેરસનાં દિવસનો બતાવ્યો છે.

સર્વેસુખિન:સન્તુ: ।

સર્વે સન્તુ: નિરામયા: ।।

ની હૃદયની શુદ્ધ પ્રાર્થના સાથે જય ધન્વન્તરિ.

- ઉમાકાન્ત જે. જોષી

Tags :