Get The App

ભક્તિમતી શ્રી કરમાબાઈનો ધનુર્માસનો ખીચડી મનોરથ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ભક્તિમતી શ્રી કરમાબાઈનો ધનુર્માસનો ખીચડી મનોરથ 1 - image

દ્વાપર યુગની સમાપ્તિમાં ભારતના ભાગ્ય વિધાતા બની અધર્મના વિનાશ તથા ધર્મની સંસ્થાપના કરવા પ્રગટેલા પૂર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વરૂપે મથુરાથી શ્રી ગોકુલના નંદાલયમાં પધાર્યા. વાત્સલ્યમૂર્તિ મા યશોદાજીએ લાલાને લાડ લડાવવામાં કોઈ કમી નથી રાખી. ગોકુલની લીલા બાદ પ્રભુ મથુરા અને ત્યાંથી દ્વારિકામાં બિરાજ્યા.

બીજી બાજુ મા યશોદાજીનું જ્યારે પ્રારબ્ધ પૂરું થવા આવ્યું અને લાલાની યાદ પ્રબળ બની ગઈ. ના ખાવું પીવું ભાવે, નયનોમાં નીંદ ન આવે, તારી યાદ મને બહુ આવે. ત્યાં જ વૃક્ષ: સ્થળ ઉપર લાલો પ્રગટ થયો. મા યશોદાજીને ઝાંખી આપી સાથે એક વરદાન આપ્યું અને તે પ્રમાણે કલિયુગમાં કાનુડાને ફરીથી લાડ લડાવવા પુરી ક્ષેત્રે કરમાબાઈ થઈને મા એ ફરી અવતાર લીધો. ધનુર્માસમાં વહેલી પરોઢે જાગી લાલા માટે ખીચડી બનાવે અને મંદિરનો બાલ ભોગ ત્યજી પ્રભુ જગન્નાથજી બાલ સ્વરૂપે કરમાબાઈની ગોદમાં બિરાજી તેના હસ્તે ખીચડી આરોગે. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. વૃદ્ધાવસ્થામાં એક દિવસ સ્નાન કરીને ખીચડી બનાવતા વિલંબ થયો. પ્રભુ પધાર્યા ને થોડીવારમાં મંદિરમાં શંખ-ઘંટ વાગ્યા અને પ્રભુ તો મંદિરે પધાર્યા. મા કરમા વ્યાકુળ બની હાથમાં ખીચડી લઈ મંદિરમાં પહોંચી. બેટા, અચાનક કેમ દોડીને જતો રહ્યો. લે આરોગી લે. એમ કહેતાં જ મંદિરની વેદી ઉપર ઢળી પડી. પ્રભુમાં સમાઈ ગઈ. ત્યારથી ખીચડી ભોગની પરંપરા શરૂ થઈ. શિયાળામાં મેવા-મસાલા પધરાવી વૈષ્ણવો નિત્ય પ્રભાતે ખીચડો ધરાવે છે. ધન્ય છે મમતાના મહાસાગર સમી મા યશોદાજીને તથા તેના પ્રેમના બંધનને. અસ્તુ.

- મુકેશભાઈ ભટ્ટ