ભક્તિમય જીવન... .
શ્રી મદ્ ભગવદ્ગીતાના 'ભક્તિયોગ' નામના બારમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ભક્તિ વિશે કહે છે કે' સર્વ ઇન્દ્રિયોનો સંયમ રાખી, સર્વમાં સમભાવ જોનારા, સર્વના હિતમાં લાગેલા જે મનુષ્યો મારા અચલ અને અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ મને જ પ્રાપ્ત કરે છે. જે ભક્ત કદી દ્વેષ કરતો નથી. શોક કરતો નથી, સ્પૃહા કરતો નથી. જેણે શુભાશુભ કર્મના ફળનો ત્યાગ કરેલો છે. તે ભક્તિયુક્ત પુરુષ મને પ્રિય છે.'
ભક્તિનો અર્થ છે- ભાવનાઓની પરાકાષ્ઠા અને પરમાત્માના તથા તેમના અસંખ્ય રૂપો પ્રત્યે પ્રેમ. જો કોઈ પીડિતને જોઈ અંતરમાં કરુણા જાગે, ભૂખ્યાને જોઈને તેને પોતાનું ભોજન આપવાની ઇચ્છા થાય અને પંથભૂલેલાને સન્માર્ગ પર લઈ આવવાની ઇચ્છા થાય એજ સાચી ભક્તિ. સંસારીજનો માટે ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. ભક્તિથી માનવધર્મ ટકી શકે. ભક્તિનો અર્થ ગહન છે. ભજન ગાતાં આવડી ગયું. ધૂપ-દીપ- આરતી કરવાની અનુકૂળતા મળી કે માળા ફેરવવાનો અવકાશ મળ્યો. એટલે ભક્તિ સિદ્ધ થઈ ગઈ એમ ન મનાય, ભક્તિ તો લોહીમાં ઉતરી જવી જોઈએ, સહજ થઈ જવી જોઈએ. કારણકે ભક્તિનું લક્ષ્ય પરમતત્ત્વના સર્વવ્યાપક સ્વરૂપની અનુભૂતિ કરવાનું છે. એ અનુભૂતિથી જીવનમાં હરિયાળી આવે છે. જીવનબાગમાં નમ્રતાનાં પુષ્પો ખીલે છે અને જીવન સુરભિત બને છે. ભક્તિથી માણસનો અહમ્ ઓગળી જાય છે. અને તેનો આત્મા સ્ફૂટિક સમાન નિર્મળ અને કાંચન સમાન શુદ્ધ બને છે.
ભગવાન પાસે પહોંચવાનો રાજમાર્ગ છે ભક્તિ. ભક્તિની મુખ્ય શરત છે- સમર્પણ. કોઈ આશા, ઝંખના કે સ્વાર્થ વગરનું સમર્પણ. નરસિંહ મહેતા ભક્તિનો મહિમા ગાતાં કહે છે કે' ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહિ રે' ભક્તિ જ ભક્તનું જીવન છે. શ્રીરામે રામાયણમાં શબરીને- શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એમ નવધા ભક્તિ કહી છે. માણસ સર્વગુણસંપન્ન હોય કિંતુ જો તેનામાં નવધા ભક્તિ ન હોય તો તેનું જીવન નિરર્થક છે.
ભગવાનને મેળવવાના ત્રણ માર્ગો છે. જ્ઞાાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. આ ત્રણમાંથી સરળમાં સરળ માર્ગ છે ભક્તિયોગ. પ્રેમપૂર્ણ ભક્તિથી ભગવાન સદા પ્રસન્ન રહે છે. જેમ વર્ષા જોઈને મોર રાજી થાય, ચાંદની જોઈને સાગર રાજી થાય, માતાના ખોળામાં બાળક રાજી થાય, બાગમાં ફૂલો ખીલેલાં જોઈને માળી રાજી થાય તેમ આપણી ભક્તિ જોઈને ભગવાન રાજી થાય છે. ભક્તિરૂપી વહાણ દ્વારા આપણે ભવસાગર તરી શકીએ છીએ. ભક્તિ દ્વારા કેટલાય ભક્તો ભવસાગર તરી ગયા છે. ભક્તિ દ્વારા શબરી તરી, ગૃહ તર્યા, મીરાં તર્યા, નરસિંહ તર્યા. અરે ! પથ્થરો પણ તર્યા છે. ભક્તિમય જીવન મનુષ્યને નરમાંથી નારાયણ બનાવી દે છે. સુજ્ઞોષુ કિમ્ બહુના ?
- કનૈયાલાલ રાવલ