જંગલમાં ઉછળ-કૂદ કરતાં, કૂતુહલ વૃતિથી ચારેકોર નજર દોડાવતાં હરણાંના ટોળામાંથી જો કોઈ હરણ છૂટું પડી જાય. તે વખતે તે જે તલસાટ અનુભવે છે. વિહવળ બનીને આમ તેમ દોડયા કરે છે. તેમ આપણે ભગવાનનો પ્રેમ પામવાનો તલસાટ અનુભવીએ એવી ભક્તિની પરાકાષ્ટા સાચા ભકતમાં હોય છે.
પાણીમાંથી બહાર કાઢેલી માછલી પાણી માટે જે રીતે તરફડતી હોય છે. તે રીતે ભક્ત પરમાત્માના પ્રેમની અનુભૂતિ માટે વિહવળ થાય છે.
મેળો મ્હાલવા ગયેલી સખીઓ સાથે વાતોમાં મશગુલ થયેલી કોઈ સ્ત્રીનું બાળક તેનાથી છૂટું પડી જાય તે વખતે માતા-બાળક માટે અને બાળક માતા માટે જે તલસાટ અનુભવે છે. તેવો તલસાટ ભક્ત અને ભગવાન એક બીજા માટે અનુભવે તે ક્ષણ ભક્તિની પરાકાષ્ટા છે. ગાય-વાછરડાને જે રીતનો પ્રેમ કરે છે તેવો પ્રેમ ભક્ત-ભગવાનને કરે છે. એ રીતે દરેક સાધક ભક્તે પરમાત્માના અભેદ દર્શન માટે તલસવું પડે છે. તે માટે ઉપર ઉપરથી નહીં. ભીતરથી ખળભળાટ થવો જોઈએ.
પ.પૂ. ક્ષત્રિય બ્રહ્મનિષ્ટ સદ્ગુરુ શ્રી શંકરમહારાજ. ઊનાવાવાળા કહી ગયા છે. અંતરની તાલાવેલી જાગૃત કરો. એ રીતે સત્ય સ્વરૂપને પામી બ્રહ્માનંદનો અનુભવ સ્વયં કરો. મુક્તિ અને મોક્ષ હાલ આ ક્ષણે જ પામી લો.
બ્રહ્મનિષ્ટ સદ્ગુરુ પૂ.શ્રી આનંદનાથજી મહારાજ, શંકરતીર્થ આશ્રમ, સાણંદ વારંવાર કહે છે. સ્વયં જાગૃતિ કેળવીએ તો બ્રહ્મજ્ઞાાન મેળવવું સહેલું છે. 'પેગડે પગ અને બ્રહ્મ ઉપદેશ.'
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય


