''ભક્તો હૃદય ચોખ્ખું રાખજો'' .
- શ્રી સ્વામિનારાયણ ભગવાનના હૃદયની વાત...
આ જના સમયમાં આપણે બધા સ્વચ્છતા જાળવવી જોઈએ, તેમાં માનીએ છીએ, તેથી જ વર્ષો પહેલા જેવી ગંદકી હતી. તેમાં ઘણો બધો સુધારો જોવા મળે છે. સ્વાસ્થ્ય માટે પણ ''ચોખ્ખાઈ'' રાખવી તે સૌના હિત માટે જ છે. તેથી આપણે આપણું ઘર, આંગણું, શહેર અને દેશ પણ ''સ્વચ્છ'' અવશ્ય રાખવો જ જોઈએ, એ આપણી પવિત્ર ફરજ છે...
આજે ડોક્ટરો પણ શરીર ચોખ્ખું રાખવા માટે માર્ગદર્શન આપે છે કે, વસ્ત્રો નિત્ય ધોયેલા પહેરો, ભોજન ગ્રહણ કરો એ પહેલા હાથ સાબુથી ધોવા જોઈએ. તેમ કરવાથી ખરેખર આપણે વિવિધ પ્રકારના લાગતાં ઈન્ફેક્શનથી બચી જઈએ છીએ.
પરંતુ આ આજથી ૨૦૦ વર્ષ પહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણા ઘર કે શરીરને સ્વચ્છ રાખવા કરતાં પણ તેથી આગળ વધીને આપણા મન અને હૃદયને સ્વચ્છ રાખવાની અદ્દભુત વાત કરેલી છે. જો આપણું મન અને હૃદય સ્વચ્છ નહિ હોય તો, આપણે અચૂક માનસિક અને શારીરીક બિમારીના ભોગ બનીશું....
તો, આવો આપણે જાણીએ કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને ''હૃદય'' ને ચોખ્ખું રાખવા માટે શું કહ્યું છે ? અને તે કેવી રીતે રાખી શકાય ? એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાન કચ્છ - ભૂજ પધાર્યા હતા.
શ્રી હરિના દર્શન માટે અનેક ભક્તો ગામે ગામથી ભૂજ આવવા લાગ્યા. સૌ દર્શન - પૂજન અને કથાવાર્તાનો લાભ લેવા લાગ્યા.
થોડા દિવસ થયા એટલે ભક્તોએ શ્રી હરિને કહ્યું કે, પ્રભુ! તમો અમારા ઉપર ''દયા રાખજો.'' હવે અમો ઘરે જઈએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સામે ભક્તોને કહ્યું કે, તમો પણ અમારા ઉપર ''દયા રાખજો.''
પોતાના ઘરે જવાની ઉતાવળમાં હરિભક્તોને આ શબ્દો સમજાયા નહિ, અડધે પહોંચ્યા અને પછી વિચાર આવ્યો કે, આપણે ભગવાનને કહીએ કે, દયા રાખજો, એ તો બરબાર. પરંતુ પ્રભુ ! આપણને કહે કે, ''દયા રાખજો.'' એટલે શું સમજવું.... ભક્તો શ્રદ્ધાવાળા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે આવીને કહ્યું કે, પ્રભુ ! ''અમારા ઉપર દયા રાખજો દયા રાખજો'' એવું તમોએ અમને શા માટે કહ્યું ? અમો તમારી ઉપર શું દયા રાખીએ. દયા તો તમારે અમારા ઉપર રાખવાની હોય ને...
શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે, હે ભક્તો ! સાડાત્રણ હાથનું આ શરીર છે. તેમાં મૂઠી જેવડું હૃદય છે. એ હૃદયમાં મારો વાસ છે. હું ત્યાં રહું છું. તમો એ ચોખ્ખું જો ના રાખો, તો હું કેવી રીતે રહી શકું ?
ભક્તોએ ફરી પૂછયું કે, પ્રભુ ! ''હૃદય ચોખ્ખું'' કેવી રીતે રાખી શકાય. શ્રી હરિએ કહ્યું કે, સંસારની વાસનાઓ, કામ ક્રોધાદિ દોષો, છળ, કપટ, અનીતિ આ બધું તમો હૃદયમાં ના રાખશો. તો હું તમારા હૃદયમાં વાસ કરીને રહીશ... જો તમો એ રાખશો તો હું નહિ રહું... શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું હતું કે, ''હૃદય ચોખ્ખું રાખજો.'' એ વાક્ય હવે ભક્તોને સમજાયું...
આપણને સૌને સમજાયું ને કે, ''હૃદય ચોખ્ખું કેમ રહે ?''
જો આપણે પણ આપણા હૃદયમાં ભગવાનને રાખવા હશે તો, ''હૃદય ચોખ્ખું રાખવું'' જ પડશે... આપણા શાસ્ત્રોમાં વર્ણવેલા નિયમો પ્રમાણે આપણું જીવન નીત્તિમય - સદાચારમય - વ્યસનમુક્ત - સંસારની આસક્તિથી રહિત હોય તો જ ભગવાન આપણા હૃદયમાં વાસ કરીને બિરાજશે. ચાલો, પ્રારંભ કરીશું સફાઈ અભિયાન, હૃદયને ચોખ્ખું બનાવવાનું....
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ