Get The App

આષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો મહિમા

Updated: Jul 3rd, 2019

GS TEAM

Google News
Google News
આષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનો મહિમા 1 - image



પૂર્વ ભારતના ઉડીસા (ઓરિસ્સા) રાજ્યના પુરી ક્ષેત્રને પુરુષોત્તમ પુરી, શંખ ક્ષેત્ર કે શ્રીક્ષેત્ર પણ કહેવાય છે. આ ભગવાન જગન્નાથની દિવ્ય લીલાભૂમિ છે. વૈષ્ણવ ધર્મ માને છે કે રાધા- કૃષ્ણની યુગલ મૂર્તિનું પ્રતીક જ 'જગન્નાથ' છે. આ પ્રતીક રૂપ જગન્નાથમાંથી જ આખું જગત ઉદ્ભવ્યું છે. જગન્નાથ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ જ છે. ભગવાન જગન્નાથનો મહિમા સ્કંદપુરાણ, નારદપુરાણ, પદ્મપુરાણ અને બ્રહ્મપુરાણમાં વર્ણન કરાયેલો છે. 

'મહામ્ભોઘેસ્તીરે કનકરુચિરે નીલ શિખરે

વસન્ પ્રાસાદાન્ત: સહજ બલભદ્રેણ બલિના ।

સુભદ્રા મધ્યસ્થ: સકલ સુર સેવા વસરદો

જગન્નાથઃ સ્વામી નયન- પથ- ગામી ભવતુ મે ।।'

'રથારુઢો ગચ્છન પથિ મિલિત ભૂદેવ પટલૈ:

સ્તુતિ પ્રાદુર્ભાવમ પ્રતિપદમુપાકર્ણ્ય સદયઃ ।

ધ્યાસિન્ધુર્બન્ધુ: સકલ જગતાં સિન્ધુ સુતર્યા

જગન્નાથઃ સ્વામી નયન-પથ- ગામી ભવતુ મે ।।'

'મહાન સમુદ્રના કિનારે આવેલા, દૈદીપ્યમાન સોનેરી શિખરોવાળી નીલાચલ પર્વતની ટેકરી પર બળવાન ભાઈ બલરામની સાથે, વચ્ચે બહેન સુભદ્રા રહેલા છે એવા દૈવી આત્માઓને સેવાનો અવસર પ્રદાન કરતા ભગવાન જગન્નાથ મારા નયનના પથ પર ઉપસ્થિત રહો ( મારી દૃષ્ટિની સામે રહો)'. 'જ્યારે ભગવાન જગન્નાથ રથ પર આરુઢ થઈને નગરયાત્રા કરવા નીકળે છે ત્યારે ડગલે-પગલે વિદ્વાન બ્રાહ્મણ સમુદાય એમની સ્તુતિ કરી પ્રાર્થના કરતા હોય છે. એ સાંભળી કૃપાનાથ જગન્નાથ એમના પર કરુણા વરસાવે છે. ભગવાન જગન્નાથ અમૃત સમુદ્રમાંથી ઉદ્ભવેલ લક્ષ્મીજી સાથે મારા નયન પથ પર ઉપસ્થિત રહો. (મારી દૃષ્ટિની સામે રહો.)

- ભગવાન શંકરાચાર્ય

ભારતના ધાર્મિક ઉત્સવોમાં રથયાત્રાનું અનેરું સ્થાન છે. પુરીના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા પરમ પાવનકારી અને મુક્તિપ્રદાયિની છે. એના દર્શન કરનાર અને એમાં સહયોગ આપનાર પુનરાવૃત્તિ (પુનર્જન્મ)થી છૂટકારો મેળવી લે છે. સ્કંદ પુરાણમાં કહેવાયું છે-' જે વ્યકિત જગન્નાથપ્રભુના નામનું સંકીર્તન કરતાં કરતાં ગુંડીચા નગર સુધી જાય છે તેનો મોક્ષ થઈ જાય છે. રથયાત્રા દરમિયાન જે વ્યકિત ભગવાન જગન્નાથના દર્શન કરતાં, એમને પ્રણામ કરતાં, રસ્તામાં ધૂળ- કીચડમાં આળોટતાં આળોટતાં ગુંડીચા નગર સુધી જાય છે. તેને ભગવાન વિષ્ણુનું ઉત્તમ ધામ પ્રાપ્ત થાય છે.'

પૂર્વ ભારતના ઉડીસા (ઓરિસ્સા) રાજ્યના પુરી ક્ષેત્રને પુરુષોત્તમ પુરી, શંખ ક્ષેત્ર કે શ્રીક્ષેત્ર પણ કહેવાય છે. આ ભગવાન જગન્નાથની દિવ્ય લીલાભૂમિ છે. વૈષ્ણવ ધર્મ માને છે કે રાધા- કૃષ્ણની યુગલ મૂર્તિનું પ્રતીક જ 'જગન્નાથ' છે. આ પ્રતીક રૂપ જગન્નાથમાંથી જ આખું જગત ઉદ્ભવ્યું છે. જગન્નાથ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ જ છે. ભગવાન જગન્નાથનો મહિમા સ્કંદપુરાણ, નારદપુરાણ, પદ્મપુરાણ અને બ્રહ્મપુરાણમાં વર્ણન કરાયેલો છે. રથયાત્રાના દર્શન અને એ માટે આપેલો સહયોગ સો યજ્ઞા કરવા જેટલું પુણ્ય આપે છે.

અષાઢ સુદ ૨ના દિવસે આ દસ દિવસીય મહોત્સવનો પ્રારંભ થાય છે અને અષાઢ સુદ ૧૧ના દિવસે એનું સમાપન થાય છે. એકવાર સુભદ્રાજીને નગર જોવાની ઇચ્છા થઈ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે એમને રથમાં બેસાડી, પોતાની સાથે મોટાભાઈ બળરામને પણ રાખી નગરયાત્રા કરી હતી. એ ઘટનાની યાદમાં દર વર્ષે આ રથયાત્રા કાઢવામાં આવે છે. 'સબ મનિસા મોર પરજા- બધા મનુષ્યો મારી પ્રજા છે. એમ કહીને ભગવાન જગન્નાથ સ્વયં સામે ચાલીને બધાની વચ્ચે આવે છે. 

એકવાર શ્રીકૃષ્ણ નિદ્રાધીન હતા ત્યારે એમના મુખમાંથી રાધા...રાધા... શબ્દો નીકળવા લાગ્યા. પટરાણીઓને થયું કે અમે આટલી સેવા કરીએ છીએ તોય શ્રીકૃષ્ણ અમારા બદલે રાધાનું નામ બોલે છે ! એટલે રાધા વિશે વધારે જાણવા તેમણે એમની સાસુ અને નણંદનો સંપર્ક કર્યો રોહિણીએ તેમને જણાવ્યું કે હું તમને રાધા વિશે કહીશ પણ આ વાત કૃષ્ણ કે બલરામના કાનમાં પડવી ન જોઈએ.

એ આ સાંભળી લે અને એમને વ્રજ યાદ આવી જાય તો ત્યાં પાછા ચાલ્યા જાય ! એ આશંકાએ આવી શરત મૂકી. સુભદ્રા પહેરો ભરવા બેઠા અને પટરાણીઓ રોહિણી પાસે રાધાજીનો મહિમા સાંભળવા બેઠા. એટલામાં અનાયાસે શ્રી કૃષ્ણ અને બળરામ ત્યાં આવી પહોંચ્યા. નારદજી પણ કોઈ કારણસર ત્યાં આવી પહોંચ્યા. સુભદ્રાએ કોઈને અંદર તો ના જવા દીધા પણ બધાએ રોહિણીએ કરેલી વાત સાંભળી લીધી. કૃષ્ણ દિવાની રાધાના પ્રેમની વાતોમાં બધા એવા રસસમાધિમાં ઉતરી ગયા કે જાણે લાકડાના પૂતળાં ના બની ગયા હોય ! નારદજી કહેવા લાગ્યા-' હે પ્રભુ ! મારી ઇચ્છા છે કે આજે મેં જે રૂપ જોયું છે તે આપના ભક્તજનોને ચિરકાળ સુધી પૃથ્વી પર જોવા મળે. આપ આ રૂપે પૃથ્વી પર વાસ કરો.

ભગવાને કહ્યું- તથાસ્તુ. કળિયુગમાં આ રૂપમાં જે નીલાંચલ ક્ષેત્રે મારું સ્વરૂપ પ્રકટ કરીશ રોહિણીજીના વર્ણન દરમિયાન તમે મને જે બાળભાવવાળા રૂપમાં અંગહીન જોયો છે. એવું જ મારું કાષ્ઠનું સ્વરૂપ પ્રકટ કરીશ.' ભગવાન એ રીતે જ પ્રકટ થયા હતા. રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન જગન્નાથને શબર રાજાને ત્યાં લઈને આવ્યા હતા.

બારમી સદીમાં ચોલગંગ દેવ અને અનંગ ભીમદેવે ૬૫ મીટર ઊંચા મંદિરનું નિર્માણ કર્યું હતું. સોળ પૈડાવાળા ભગવાન જગન્નાથના રથને'ગરુડધ્વજ' 'કપિલધ્વજ' કે નંદીઘોષ કહેવાય છે. તે લાલ અને પીળા વસ્ત્રથી સુશોભિત હોય છે. ચૌદ પૈડાવાળા બળરામના રથને 'તલધ્વજ' કહેવાય છે. તે લીલા અને લાલ વસ્ત્રથી સુશોભિત કરાય છે. બાર પૈડાવાળા સુભદ્રાના રથને 'પદ્મધ્વજ' કે 'દેવદબન' કહેવાય છે. તે લાલ અને કાળા વસ્ત્રથી સુશોભિત કરાય છે.

- દેવેશ મહેતા

Tags :