Get The App

શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર ગુણોનું વર્ણન

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર ગુણોનું વર્ણન 1 - image

શક્તિના સ્વરૂપો ત્રણ છે. એટલે જગતમાં ત્રણ-ત્રણની ત્રિવેણી છે. આપણે જોઈએ તો આપણા પ્રધાન દેવો પણ ત્રણ છે. બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને મહાદેવજી. તેવીજ રીતે ગુણો પણ ત્રણ છે. સત્ત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. આ ગુણોનું વર્ણન શ્રીમદ્ દેવી ભગવતના તૃતિય સ્કંધના સાતા,આઠ અને નવ આ ત્રણ અધ્યાયમાં કરવામાં આવ્યું છે.  

શ્રીમદ્ ભગવત ગીતાજીના ચૌદમાં અધ્યાયમાં આ ગુણોનું વર્ણન છે. એટલે જ તો ચૈદમાં અધ્યાયનું નામ 'ગુણત્રય વિભાગ યોગ' છે. પિતામહ બ્રહ્માજી દેવર્ષિ નારદજીને ગુણોનું વર્ણન કરતાં કહે છે કે, 'દરેક વ્યક્તિની અંદર ત્રણ ગુણ છે. સત્ત્વ ગુણ ,રોજ ગુણ અને તમો ગુણ. સત્ત્વ ગુણનો રંગ સફેદ છે. રજો ગુણનો રંગ લાલ છે અને તમો ગુણનો રંગ એ કાળો છે. આ રંગો પણ ઘણા જ આધ્યાત્મિક અર્થો આપણને સમજાવે છે.'

ગુણોનું આશ્રયસ્થાન એ આપણી બુદ્ધિ છે. આ ત્રણેય ગુણો છે એકબીજાના વિરોધી પણ એકબીજા વગર ચાલતું નથી. જ્યારે સત્વ ગુણ હોય ત્યારે રજો ગુણ ન હોય અને જ્યારે રજો ગુણ અને તમો ગુણ હોય ત્યારે સત્વ ગુણ ન હોય. ગુણોનું લક્ષણ કહેતાં બ્રહ્માજીએ વર્ણવ્યું કે, 'સત્વ ગુણ જેની અંદર હોય તેનું પ્રથમ લક્ષણ એ અભય છે. જેની અંદર સત્વ ગુણ કહેતાં સાત્વિક વિચારો હોય તેને કોઈ ભય ન હોય તે નિર્ભય બને. આ ગુણનું બીજું લક્ષણ છે આર્જવતા. જેની અંદર સાત્વિક વિચારો હોય એનું હૃદય કોમળ હોય. સત્વ ગુણનું ત્રીજું લક્ષણ છે દયા. સત્વ ગુણ જ્યારે વ્યક્તિની અંદર આવે ત્યારે એને કાર્ય કરવાની ઉત્કંઠા થાય. સત્વ ગુણનું લક્ષણ છે પ્રેમ. જ્યારે સત્વ ગુણ આવે ત્યારે પ્રિતિ વધે. સત્વ ગુણનું લક્ષણનું છે કરુણા. જ્યારે સત્વ ગુણ વ્યક્તિની અંદર આવે ત્યારે તેનામાં સાધના વધે, પરમાત્માના ચરણ તરફ એને ગતિ કરવાની ઈચ્છા થાય. જેની અંદર સત્વ ગુણ હોય એ હંમશાં પ્રસન્ન હોય. આ બધા લક્ષણો સત્વ ગુણના છે. એનો રંગ સફેદ છે. સફેદ એટલે સાત્વિક્તા. હંમેશા માણસે  સારા વિચારો અને સારા કાર્યો કરવા એ આ સત્વ ગુણ આપણને પ્રેરણા આપે છે. 

રજો ગુણનો રંગ છે લાલ. આ ગુણનું લક્ષણ છે ક્રોધ. જ્યારે રજો ગુણ આવે ત્યારે વ્યક્તિની અંદર ક્રોધ આવે. જ્યારે રજો ગુણ આવે ત્યારે વ્યક્તિની અંદર દંભ આવે. જ્યારે રજો ગુણ આવે ત્યારે વ્યક્તિની અંદર ઈર્ષા આવે. જ્યારે રજો ગુણ આવે ત્યારે વ્યક્તિની અંદર રાગદ્વેશ આવે. જ્યારે રજો ગુણ આવે ત્યારે વ્યક્તિની અંદર અભિમાન આવે. રજો ગુણના ઘણા લક્ષણો છે. વ્યક્તિ અભિમાની હોય, ક્રોધી હોય, રાગદ્વેષથી ભરેલો હોય તો તે રજોગુણ નિયુક્ત છે એમ કહેવાય. 

તમોગુણનો રંગ કાળો છે અને તમો ગુણનું એક જ લક્ષણ છે  અને તે છે આળસ. તમો ગુણ જ્યારે વ્યક્તિમાં આવે ત્યારે આળસ આવે. આ ગુણો એ પ્રકૃતિને આધીન છે. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું તે સમયથી જ આ ગુણોનું સર્જન થયું. પ્રકૃતિ એ ત્રિગુણમયી છે. સત્વ ગુણથી પંચ મહાભૂતનું સર્જન થયું. આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. રજોગુણથી પંચ તન માત્રાઓ ઉત્પન્ન થઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તમોગુણથી પંચ જ્ઞાનેદ્રીય અને પંચ કર્મેન્દ્રીયોનું નિર્માણ થયું. એટલે જ તો મૃત્યુ સમયે મનુષ્યના જેવા વિચારો હોય એવી જ ગતી તેને પ્રાપ્ત થાય છે. સત્વ ગુણ હોય તો સાત્વિક ગતી, રજો ગુણ હોય તો વાસના માં વશીભુત થઈ જીવને ફરીથી ભુતળ ઉપર આવવું પડે અને તમો ગુણ એટલે અધોગતિ. તો આ ગુણોના આધારે જ દરેક વ્યક્તિએ વિચાર કરવો જોઈએ કે મારે દેવ થવું કે અસુર થવું. દૈવી ગુણો અને આસુરી ગુણો એ આપણા મનની અંદર છે. સાત્વિક વિચારો એ દેવત્વ પ્રદાન કરવાવાળા છે અને તામસી વિચારો એ આસુરી ભાવોને ઉત્પન્ન કરવાવાળા છે. અંતે પરમાત્માને એક જ પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા ! અમને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લાવો.

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી