Get The App

શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર પ્રકૃતિનું વર્ણન

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
શ્રીમદ્ દેવી ભાગવત અનુસાર પ્રકૃતિનું વર્ણન 1 - image

શ્રીમદ્ દેવી ભાગવતના નવમા સ્કંધમાં પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મનંદન નારાયણે પ્રકૃતિનું વર્ણન કરતાં દેવર્ષિ નારદજીને વર્ણવ્યું કે, પ્રકૃતિમાં જે 'પ્ર' શબ્દ છે એ શ્રૃષ્ટિ વાચક છે અને 'કૃતિ' શબ્દ છે એ શક્તિનું સ્વરૂપ છે. પ્રકૃતિનો અર્થ એ થાય છે કે, બ્રહ્મને સૃષ્ટિના સર્જન સમયે સંયોગ કરતી શક્તિ એટલે પ્રકૃતિ. 

પંચ પ્રકૃતિનું વર્ણન કરતાં ધર્મનંદન નારાયણ વર્ણવે છે કે, 'ગણેશ જનની દુર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી ચ શ્રુષ્ટિ વિધૌ પ્રકૃતિ પંચ ધામતા.' જગદંબાનું જે પ્રકૃતિ સ્વરૂપ છે તેમાં પહેલું સ્વરૂપ છે ગણેશ જનની દુર્ગા. જે વ્યક્તિ દુર્ગાનું સ્મરણ કરે તેની ક્યારેય દુર્ગતિ થતી નથી. દુર્ગા દેવીની ઉપાસના મંગળ નામના ગ્રહે કરી. માતાજીની કૃપાથી તેને ગ્રહોમાં સ્થાન મળ્યું. એને માતાજીના જે સ્વરૂપની ઉપાસના કરી એ સ્વરૂપ હતું 'મંગળ ચંડિકા'. દુર્ગાદેવીની પ્રસન્નતા માટે દુર્ગા સપ્તસતિનો પાઠ નિત્ય કરવો જોઈએ. 

સરસ્વતી માતાજી પણ પ્રકૃતિ સ્વરૂપા છે. સરસ્વતી માતાજીનું પહેલું પુજન ગોલોકમાં થયું. તમામ દેવોએ સરસ્વતી માતાજીની પુજા કરી. તે પછી સરસ્વતી માતાજીની ઉપાસના યાજ્ઞાવલ્ક્ય નામના ઋષિએ કરી. માતાજીની કૃપાથી તેમને યજુર્વેદનું જ્ઞાાન મળ્યું. સરસ્વતી માતાજીનું કવચ એ પણ નવમા સ્કંધમાં વર્ણવ્યું છે. જેના ઉપર માતા શારદાની કૃપા થાય તે વ્યક્તિ બૃહસ્પતિજી જેવો વિદ્વાન બને. 

રાધાજીની ઉપાસના એ શ્રી કૃષ્ણ ભગવાન સુધી પહોંચાડવાવાળી છે. કૃષ્ણ કૃપા મેળવવા માટે રાધાજીની કૃપા થવી જરૂરી છે. લક્ષ્મી માતાજી એ પણ પ્રકૃતિ સ્વરૂપા છે. લક્ષ્મી માતાજીની ઉપાસના દેવરાજ ઈન્દ્રએ કરી. માતાજીની કૃપાથી તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ. લક્ષ્મી માતાજીની વંદના કરતાં દેવરાજ ઈન્દ્રએ સ્તોત્ર ગાયું તે સ્તોત્રનું નામ મહાલક્ષ્મી અષ્ટક પડયું. 'નમો દેવી મહામાયે શ્રી પીઠે સુર પુજીતે, શંખ ચક્ર ગદા હસ્તે, મહાલક્ષ્મી નમો સ્તુતે.' મહાલક્ષ્મી માતાજીના સ્વરૂપની વંદના દેવરાજ ઈન્દ્રએ કરી. મહાલક્ષ્મી માતાજીનું જે સ્વરૂપ છે એ કોલ્હાપુરમાં બિરાજે છે. કોલ્હાપુર સ્થાન એ માતાજીને અત્યંત પ્રિય છે. 

સાવિત્રી માતાજી એ સાક્ષાત બ્રહ્મવિદ્યાનું સ્વરૂપ છે. સાવિત્રી માતાજીની ઉપાસના એ જ્ઞાાન તો આપે છે પણ સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવવાવાળી છે. મનસા દેવી ને નાગમાતા કહેવામાં આવે છે. મનસા માતાજીની ઉપાસના જે વ્યક્તિ કરે તેને સર્પના વિશ નો ભય રહેતો નથી. મનસા દેવીનું સ્થાન એ હરિદ્વારમાં છે. જ્યારે જ્યારે પણ બધા ભક્તજનો હરિદ્વાર જાય ત્યારે મનસા દેવીના દર્શન કરે. એ તમામ ભક્તજનોની મનોકામના પુરી કરવાવાળા છે. 

આ પ્રકૃતિના સ્વરૂપોનું વર્ણન નવમા સ્કંધમાં ખુબજ વિસ્તાર પૂર્વક કરવામાં આવ્યું છે. દેવી ભાગવતમાં સૌથી મોટામાં મોટો સ્કંધ એ નવમો સ્કંધ છે. જેના પચાસ અધ્યાય છે. આ જગત એ પ્રકૃતિમય છે. જ્યારે બ્રહ્માંડમાં કંઈ નહોતું ત્યારે જગદંબા હતા. અહીં એક ગરબાની પંક્તિ મને સ્મરણ થાય છે કે, 'ધન્ય મા તું જોગણી, ધન્ય મા ભવાની, પૃથ્વી પહેલાં તમારો વાસ, જુગ પહેલાં પ્રગટી મા જોગણી. પંચ તત્ત્વનું માએ પુતળું બનાવ્યું એમાં પુર્યાં માએ પ્રાણ. જુગ પહેલાં પ્રગટી મા જોગણી. નહોતા ચાંદલીયા અને નહોતા તારલીયા, નહોતા દેવોના દરબાર, જુગ પહેલાં પ્રગટી મા જોગણી.' અર્થાત્ જ્યારે બ્રહ્માંડમાં કંઈ નહોતું ત્યારે શક્તિની હાજરી હતી. એટલે જ તો શિવાનંદ સ્વામીએ આરતીમાં પ્રથમ પંક્તિ લખી છે કે, 'જ્ય આદ્યા શક્તિ.' આ બધા સંદર્ભોથી અહીં સ્પષ્ટ થાય છે કે જગતમાં આદિ શક્તિ પહેલાં હતાં અને એમણે જ આ જગતનું સર્જન કર્યું છે.

જીવનો જગત સાથેનો સંબંધ એ જુઠો છે. પણ જગદંબા સાથેનો સંબંધ એ જ સાચો છે. અને એટલે જ તો કહ્યું કે, 'જાણી લીધું મા તુજ પ્રતાપે, સત્ય અંબા એક છે, તેથી જ કહું છું કરગરી મા અમર પદવી આપજો. સંસારમાં સઘળે ફર્યો પણ કોઈ બેલી ના થયું, ડુબતો બચાવવા બાળને હંસે ચઢીને આવજો.' પ્રકૃતિ સ્વરૂપા જગત જનની જગદંબા એ સૌનું મંગલ કરે. 

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી