ડિપ્રેસન એટલે... .


- કુશળ માળી ફૂલોના બગીચાની દેખરેખ રાખે એમ માણસે પોતાના મનની સંભાળ રાખવી પડે છે

ધૃ તરાષ્ટ્રના પુત્રમોહે નાનપણથી કુળનાશક દુર્યોધનની દરેક અધર્મી પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કર્યા હતા. એનું પરિણામ એ આવ્યું કે પાંડવો સામે યુદ્ધ કરવાની નોબત આવી ગઈ. એક તો એકએકથી ચઢિયાતા, શસ્ત્રનિપુણ, ખડતલ પાંચ પાંડવો ઉપરથી ખુદ કૃષ્ણ પાંડવોના પક્ષે મેદાનમાં હાજર રહેવાના... અને જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય નક્કી જ છે. (યત: કૃષ્ણસ્તતો જય) તો શું પોતાનો આખો વંશ નેસ્તનાબૂત થઈ જવાનો ? કશું જ નહિ બચે ? - આ વિચારે ધૃતરાષ્ટ્ર નિરાશાની ઘેરી અસરથી ફિક્કો પડી ગયો. આખું હસ્તિનાપુર જ્યારે સુખેથી નિદ્રાધીન હતું ત્યારે તે બેચેનીથી પડખાં બદલી રહ્યો હતો. ઊંઘ હરામ થઈ ગઈ હતી. હૈયું ઠાલવવા એને કોઈની જરૂર હતી. મધરાતે એણે વિદુરને બોલાવ્યો. વિદુરે આવીને ધૃતરાષ્ટ્રને આશ્વાસન આપ્યું. હતાશાથી ઘેરાયેલા રાજાને શાંતિથી નીતિ-વિષયક વાતો કહી. એ નીતિ-બોધ મહાભારતના ઉદ્યોગ પર્વમાં વિદુર નીતિના નામે આજેય પ્રસિદ્ધ છે.

પણ ડિપ્રેશનમાં ગળાડૂબ થયેલા માણસને ડાહ્યી-ડમરી વાતોની નહિ, હૈયાને ઠંડક આપે એવી હૂંફની જરૂર હોય છે. દરેક માણસના હૃદયમાં એક એવું રહસ્યમય દુ:ખ છુપાયેલું હોય છે કે જેને દુનિયા નથી જાણતી. એ છૂપું દર્દ જ ડિપ્રેસન ઊભું કરે છે. હતાશા કદી અચાનક નથી આવતી. જીવનમાં લીધેલા ખોટા નિર્ણયો સરવાળો થઈને ગમગીનીરૂપે મનના દરવાજે હાજર થઈ જાય છે. ડિપ્રેસનની દિમાગી કેમેસ્ટ્રી ભલભલાને નથી સમજાતી. કારણ કે તેના અનેક કારણો હોય છે પૈસા, પ્રતિષ્ઠા, પ્રેમ, દેવું, આદતો, ક્રોધ, કાયદા, પરીક્ષાઓ, અસ્વીકાર મૃત્યુ, સંબંધોમાં તંગદિલી... આમાંનુ એકાદ કારણ પણ જીવનની કિંમતી ક્ષણોને નિરાશાના નિભાડામાં શેકી નાખે છે. પ્રિય વ્યક્તિ માટે જ્યારે શંકા થાય ત્યારે એ શંકાની ઝાળથી મન અકારણ જ દાઝી જાય છે. ભીતર કશુંક ભડભડ બળતું હોય એવું લાગ્યા કરે છે.

આમ તો બટકી જાય એવી ડાળી પર પક્ષી પણ માળો નથી બાંધતું પણ લોભી માણસ લાલચમાં આવી જોખમ લઈ સામેથી ડિપ્રેસન વહોરી લે છે. જીવન-સાગરમાં હતાશા કે ગમગીનીથી ભરેલી હોડી સમજશક્તિના હલેસાં વગર સામે પાર થઈ શકતી નથી. જરૂર છે હિંમતની.

૨૦૧૩ માં એશિઝ જંગની પ્રથમ ટેસ્ટ વખતે ઈંગ્લેન્ડનો પરાજય થયો હતો. ત્યારે જોનાથન ટ્રોટ નામનો ખેલાડી માનસિક રીતે એટલો ભાંગી પડયો હતો કે મેદાન છોડીને જતો રહ્યો હતો. સચિન તેંડુલકરે એકવાર કબૂલ્યું હતું કે જ્યારે કોઈ નિર્ણય તેની વિરૂદ્ધમાં જાય કે મેચ ખરાબ રીતે હારી જવાય ત્યારે તે હતાશ થઈ જતો. અને ડ્રેસિંગ રૂમમાં જઈને પોતાની જાત પર ગુસ્સે થઈ રડી પડતો. આમ તે આંસુ કાઢીને હળવો થઈ જતો. વિખ્યાત લેખક સિડની શેલ્ડનને હતાશાવશ આપઘાતના વિચારો આવતા. તેના પિતાને આ વાતની ખબર પડી. એક સાંજે બન્ને લટાર મારવા નીકળ્યા. તેના પિતાએ કહ્યું - (our greatest glory is not in never falling but in rising every time we fall) આપણી આબરૂ પડી જવામાં નહિ, પડીને ફરી પાછા ઊભા થઈ જવામાં રહેલી છે અને સિડનીએ હતાશા ખંખેરી કાઢી.

બોફોર્સ મામલમાં અમિતાભ લોકોના આક્ષેપોથી એટલો અપમાનિત થયો હતો કે ફોન ઉપર પણ કોઈની સાથે વાત કરવાનું ટાળતો. તેની આવી હતાશા જોઈને પિતાએ તેને જોડે બેસાડીને એક સવાલ પૂછયો - "શું તેં કંઈ ખોટું કર્યું છે ? જો હા, તો કબૂલ કરી લે. અને જો ના, તો પોતાને પીડવાનું બંધ કરી દે અને જાતને નિર્દોષ સાબિત કર." પિતા હરિવંશરાયે હતાશામાં ડૂબેલા પુત્રને હિંમત આપીને ડિપ્રેસનમાંથી ઉગારી લીધો. ડિપ્રેસનમાં લાચાર બની પીડા ભોગવવા કરતાં ભીતર રહેલી શક્તિને કામે લગાડી મુક્ત થવું સારૃં.

કુશળ માળી ફૂલોના બગીચાની દેખરેખ રાખે એમ માણસે પોતાના મનની સંભાળ રાખવી પડે છે. મન ફૂલની છાબડી જેવું છે. ભલે છાબડી ખાલી રહે, ચાલશે. પણ એમાં ગમે એવો કચરો તો ન જ ભરાય. કોઈના અપમાનનો ડંખ સાચવીને એનું અપમાન કરવાની રાહ જોવામાં વિષાદ જ મળવાનો ! શું અપમાન સામે અપમાન કરી બદલો લેવાથી છૂટકારો મળી જાય ? ના, ...સંબંધોમાં આવું ગણિત નથી ચાલતું.

જો આપણામાં બીજા પર શંકા કરવાની કે દુર્ગુણો શોધવાની ટેવ પડી જશે તો એ વ્યક્તિના સારા ગુણો, સારા ઈરાદા કે સારા વિચારોથી આપણે વંચિત રહી જઈશું. ખોટા વિચારોના દબાણથી મન કહ્યાગરૃં થઈ જાય એ પહેલાં એના પર નિયંત્રણ જરૂરી છે. જો વિવેકનો ચોકી પહેરો નહિ હોય તો આપણું વ્યક્તિત્વ, આપણી આબરૂ નજર સામે લૂંટાઈ જશે. હતાશાને લીધે કૂણો સંબંધ તોડી નાખવો એ ઉધઈ જોઈને ભીંત તોડવા જેવી વાત છે. આપણા અતડા-બેહૂદા વર્તન છતાં કોઈ પ્રિયજન આપણી સાથે લાગણીસભર વાત કરે તો એવા શુદ્ધ સંબંધને જતો ના કરાય. એમની સાથે વાત કરીને વિષાદામાંથી મુક્ત થઈ જવાય.

ઈસાઈઓના એક સંપ્રદાય 'ઈસેન'માં આનંદની ક્ષણોની વાત આવે છે. જીવનમાં જ્યારે જ્યારે આનંદની ક્ષણો આવે ત્યારે એને મનના સેઈફ ડિપોઝીટ વોલ્ટમાં મુકી રાખો. અને ક્યારેક હતાશા ઘેરી વળે ત્યારે વોલ્ટમાંથી એને કાઢી એ ક્ષણોને ફરી યાદ કરી વર્તમાનમાં માણો. કારણ કે દુ:ખથી બચવું એ જ જીવન જીવવાની કલા છે. (The art of life is the avoiding of the pain).

- સુરેન્દ્ર શાહ

City News

Sports

RECENT NEWS