Get The App

તમસ જોડાં - રાગ રાજા, દ્વેષ રાણી

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
તમસ જોડાં - રાગ રાજા, દ્વેષ રાણી 1 - image

- જે માનવમનમાં રાગ-દ્વેષની માત્રા વધુ તેટલી અશાંતિ વ્યથા-દુ:ખ-ઉન્માદ વધુ સમજવા. 'જગતનાં સૌ જીવો-માનવો પ્રત્યે ઇર્ષ્યા ઓગળે, અદેખાઈ કૂણી પડે - નષ્ટ થાય ત્યારે સમજો રાગ-દ્વેષ પરાજિત થયા

રાગ-દ્વેષ એ માનવમનની નકારાત્મકવૃત્તિ છે સાથે સાથે રાગ-દ્વેષ એ લૂંટારા જેવા છે જે માનવીના જીવનની શાંતિ હણી લે ! માનવ સહજ સ્વભાવ છે - કોઈ જરા સુખિયો થયો - સંસારમાં અને સમૃદ્ધિની રૂએ એટલે અન્ય સંબંધિત દ્વેષી માનવ દુ:ખી દુ:ખી - રાગ અને દ્વેષનાં ઉદ્ભવે ! અહીં એક વ્યક્તિની પ્રગતિ, સિદ્ધિ-સફળતા અન્ય વ્યક્તિ માટે મનનાં ઝેરનું કારણ બની રહે છે. જે ઉદ્ભવે સરખામણી દ્વારા ! વાસ્તવમાં રાગ-દ્વેષ એ મનુષ્યનાં દોષો છે - મનુષ્યની નબળાઈ છે જે એકબીજાનાં પૂરક અને સહસંબંધ દ્વારા જોડાં સ્વરૂપે જોવા મળે. અહીં રાગ એ રાજા છે તો દ્વેષ એ રાણી સ્વરૂપધારણ કરે છે. જે માનવમનમાં રાગ-દ્વેષની માત્રા વધુ તેટલી અશાંતિ વ્યથા-દુ:ખ-ઉન્માદ વધુ સમજવા. કોઈપણ ધર્મ સંપ્રદાયમાં દ્રષ્ટિરાગ, કોઈપણ માનવીના દ્રષ્ટિરાગ જે રાગ-દ્વેષે અધોગતિ તરફ લઈ જાય. વળી ધર્મગ્રંથો કહે છે - 'રાગ નામે ઝેરીલા દોષને દૂર કરો, જ્યાં દ્વેષ કર્મબંધનનું પ્રબળ કારણ બને છે. આજની દોડતી-ભાગતી દુનિયામાં ભૌતિકતાનાં વિજયે આજનો તાણગ્રસ્ત આધુનિક માનવ પૂર્વગ્રહોનાં હઠાગ્રહોનાં ઢગલાબંધ પોટલાં લઈને ભટકતો જાય છે. વળી-ઘૃણા-તિરસ્કાર-અણગમો-નફરત-અપમાન એ આખરે રાગ-દ્વેષનું જ સ્વરૂપ છે.

માનવીએ રાગ-દ્વેષથી દૂર રહેવાં 'આંતરિક બળ-શક્તિ-સજાગતા-જાગૃતિ દ્વારા, પ્રાર્થના સહારે, સદ્ભાવ સદ્ચિંતન-મનન દ્વારા તેમજ પ્રભુ સ્મરણે રાગ-દ્વેષ મોળા પડે-કૂણાં પડે. વિશેષ લખુ તો જ્યાં સર્વ જીવો-માનવો પ્રત્યે શુદ્ધભાવ-સમતાભાવ જોવા મળે ત્યાં 'રાગ-દ્વેષનું શમન-દહન' થવું સમજવું.ળ

ધર્મના અનુકરણે રાગ-દ્વેષ પરાજિત થાય તેથી ધર્મ આચરણ કરતાં રાગ-દ્વેષથી મુક્તિ મળે. ધર્મભાવે અંતરમન અને ચિત્ત શુદ્ધ રહેતાં શાંતિની સ્થાપના થાય. વિશેષ રાગ-દ્વેષનું માપદંડ રજૂ કરું તો 'જગતનાં સૌ જીવો-માનવો પ્રત્યે ઇર્ષ્યા ઓગળે, અદેખાઈ કૂણી પડે - નષ્ટ થાય ત્યારે સમજો રાગ-દ્વેષ પરાજિત થયા અને વિપરિત સંજોગોમાં - અન્યાય, અપમાન, તિરસ્કાર-નફરત કરતાં છો ભલે કોઈ, નાખુશી ના જન્મે માનવમનમાં તો સમજો માનવીનાં રાગ-દ્વેષ શમ્યાં.' આવો આપણે સૌ વિષ સમાન રાગ-દ્વેષથી અલિપ્ત રહી શાંતિભર્યું-શુદ્ધ સુંદર જીવનનાં સ્વયં ઘડવૈયા બનીએ. શુભમ્ ભવતું-સૌનું કલ્યાણ હો - મંગલ હો !

- કમલેશ હરિપ્રસાદ દવે