Get The App

અલૌકિક પરિક્રમા ; ઠાકોરજી સાથે હેન્ડ શેક: શ્રી ગિરિરાજ પરીક્રમા- જતીપુરા

Updated: Jul 24th, 2019

GS TEAM

Google News
Google News
અલૌકિક પરિક્રમા ; ઠાકોરજી સાથે હેન્ડ શેક: શ્રી ગિરિરાજ પરીક્રમા- જતીપુરા 1 - image


હિંદુ સંસ્કૃતિમાં પરિક્રમાનું ખૂબ જ મહત્વ છે. તેમાં પણ વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી ગિરિરાજજીની પરિક્રમાનં્ એક અલાયદુંજ મહત્વ છે. શ્રી ગિરિરાજ એ જ ગોવર્ધન પર્વત. મથુરા જિલ્લામાં (યુ.પી.) ગોવર્ધન ગામથી ત્રણ-ચાર કિ.મી.ના અંતરે શ્રી ગિરિરાજજીની તળેટીમાં જતીપુરા ગામ આવેલું છે. તે વૈષ્ણવ વલ્લભ સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર છે. શ્રી વિઠ્ઠલનાથજી (શ્રી ગોંસાઈજી) ના પ્રથમ લાલ શ્રી ગિરધરજીને સૌ 'જતીજી' કહેતા. આથી આપશ્રીના નામ પરથી 'જતીપુરા'નામ પડયું. જતીપુરા ગામે તેની ૨૧ કી.મી. શ્રીગિરિરાજજીની પરિક્રમા માટે પ્રખ્યાત છે.

જતીપુરા ગામમાં શ્રી ગિરિરાજજીનું મુખારવિંદ મંદિર આવેલું છે.  જે સુંદરશિલા અથવા પૂજનીય શીલાના નામે પણ પ્રસિધ્ધ છે. તે પરમ સુંદર મનોહર છે. તેનાં દર્શન કરવાથી ધન્ય થઈ જવાય છે. ભાવિક ભક્તજનો અહીં નિત્ય દૂધથી સ્નાન કરાવે છે. પૂજન કરે છે અને ભોગ ધરે છે. દિવાળીના દિવસોમાં અહીં સૌ પ્રથમ શ્રી ગોવર્ધન પુજા થાય છે. અને ત્યાર બાદ શ્રી ગીરીરાજજીને અન્નકુટ ધરાવાય છે. ગોવર્ધન પરિક્રમા અહીંથી શરૂ થાય છે.

શ્રી મુખારવિંદની સન્મુખ શ્રી મહાપ્રભુજીની બેઠક બિરાજે છે. જતીપુરાનો આસપાસનો વિસ્તાર વ્રજભૂમિ કહેવાય છે. આજથી હજારો વર્ષ પહેલાં યશોદાનંદન શ્રી કૃષ્ણે ઇન્દ્રના કોપથી આવેલા તોફાન અને વરસાદથી વ્રજવાસીઓની રક્ષા કરવા માટે પોતાની ટચલી આંગળી ઉપર છત્રીની જેમ ૭ દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો. અને પર્વતની પુજા કરવા માટે વ્રજવાસીઓને પ્રેરીત કર્યા હતા. 

વલ્લભ સંપ્રદાયના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ઉઠાવી રાખ્યો છે તેની પૂજા કરે છે. તેથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો પોતાના જીવનકાળમાં આ પર્વતની ઓછામાં ઓછી એક વખત પરિક્રમા અવશ્ય કરે છે. એવી પણ માન્યતા છે કે જે ઇચ્છા મનમાં રાખીને આ ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવામાં આવે છે તેની ઇચ્છા જરૂર પુરી થાય છે.

ગોવર્ધન પર્વત ભગવાન શ્રીકૃષ્ણનું રૂપ છે. ચમત્કારી છે. અહીં તો વૃક્ષ, વેલી, પાન, ફળ, રજ, જળ બધું જ કૃષ્ણ સ્વરૂપ છે. જેઓ બધી મનોકામનાઓ પુરીપૂર્ણ કરે છે. રોજ હજારો શ્રદ્ધાળુઓ શરદી, ગરમી, વરસાદની પરવા કર્યા વગર પરિક્રમા કરે છે. વહીવટી તંત્રે પરિક્રમા માટે ખાસ કાચા રસ્તા બનાવ્યા છે. એકલ દોકલ માણસ પણ પરિક્રમા કરે તો તેને કોઈ જ ડર હોતો નથી.

ગોવર્ધન પરિક્રમા ૨૧ કિલો મીટરની છે. કોઈ પણ સમયે પરિક્રમા શરુ કરવામાં આવે છે. ખુલ્લા પગે પરિક્રમા કરવામાં આવે છે, અને તે પૂરી કરતાં લગભગ ૬ કલાક જેટલો સમય લાગે છે. પરંતુ તે હસતાં હસતાં પુરી થાય છે પરિક્રમા ખાલી હાથે કરો કારણકે વજન સાથે હશે તો ખુબ જ ભારી લાગશે. પોતાના ગ્રુપમાં કોઈ એવા ઉમરલાયક હોય કે જેમને ચાલવામાં તકલીફ હોય તો લગભગ રૂ. ૩૦૦ ની રીક્ષા કરી લેવી. આ રીક્ષા સાથે સાથે ચાલે છે.

યાત્રા દરમિયાન આરામ કરવા તથા નાસ્તો કરવા માટે ના સ્થળો પણ છે.આ પરિક્રમા દંડવત્ પણ કરી શકાય છે. પરંતુ તે ખુબ જ અઘરી છે. તે પુરી થતાં લગભગ ૧૦ થી ૧૫ દિવસ લાગે છે. આગળ હાથે ફેલાવી જમીન પર દંડવત સુઇ જવાનું હોય છે. અને ત્યાં હાથની નિશાની કરી તે જગ્યાએથી ફરી છે.

આગળ હાથ ફેલાવી જમીન પર દંડવત સુઈ જવાનું હોય છે. અને ત્યાં હાથની નિશાની કરી તે જગ્યાએથી ફરી દંડવત્ આગળ વધવાનું હોય છે. ઘણા સાધુ પુરુષો દિવસમાં ૧૦૮ દંડવત્ કરે છે. જે લગભગ ૩૦ દિવસમાં પુરી થાય છે.  ભારતના બધા ભાગોથી  લોકો અહીં પરિક્રમા કરવા આવે છે. તહેવારોના દિવસે, ગુરુ પૂર્ણિમા, અધિકમાસના દિવસે લાખો લોકો અહીં આવે છે. 

ગોવર્ધનની પરિક્રમા કરીએ તો આપણું ધ્યાન ગોવર્ધનમાં કેન્દ્રિત થાય છે. પર્વતની ચારે બાજુ શ્રીકૃષ્ણે લીલા કરી છે. મુખમાં ભગવાનનું નામ હોય, હૃદયમાં ભગવાનની છબી હોય, જો મનોકામના પૂર્ણ કરવાની હોય તો એકવાર પરિક્રમા જરૂર કરવી. કોઈ ખાલી હાથે નથી જતું. એટલે જ રોજ હજારોની ભીડ રહે છે.

ભગવાનને હૃદયમાં રાખી ભક્તજનો ચાલી નીકળે છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા કરનાર ભક્તજનને પરિક્રમા કરતાં કરતાં ગિરિરાજ સાથે જન્મો જન્મનો સંબંધ હોય તેવો અહેસાસ થયા વિના રહેતો નથી. તથા જેણે એકવાર પરિક્રમા કરી તેને વારંવાર પરિક્રમા કરવાની ભાવના થયા વિના રહેતી નથી.

પરિક્રમા દિવસે થાય છે, કારણકે જેની પરિક્રમા કરીએ તેનાં દર્શન પણ થવા જોઈએ. શ્રી ગિરિરાજજીની તળેટીમાં શ્રી ઠાકોરજીના અનેક લીલાસ્થળો અને બેઠકો આવેલાં છે. દર્શનીય સ્થળોમાં દંડોતી શીલા, માનસી ગંગા, રાધાકૃષ્ણ, કુંડ, કુસુમ સરોવર, પુંછરીના લોઠા (પવનપુત્ર હનુમાનજી), દાનઘાટી વિ.મુખ્ય છે. તે બધાંના દર્શન અને સેવા પ્રાપ્ત થાય. ગરમીના સમયમાં ભાવિકો રાત્રે પણ પરિક્રમા કરે છે.

હિન્દુ ધર્મના લોકોની એવી પણ માન્યતા છે કે ચારે ધામની યાત્રા ના કરી શકતા લોકો એ ગોવર્ધનની પરિક્રમા જરૂર કરવી જોઈએ. ભક્તોની આસ્થા જ અનોખી છે. શ્રીકૃષ્ણ રાધાની ચરણરજ શરીરને લાગી જાય તો જન્મ ધન્ય બને છે. ઉદ્વવજી અને અક્રુરજી તથા મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી અને ચૈતન્ય મહાપ્રભભુજી પણ વ્રજરજમાં આળોટીને કૃતાર્થ થયા હતા.

વ્રજરજ બીજી ભૂમિની રજ જેવી લૌકિક નથી. વ્રજની રજમાં શ્રી ઠાકોરજીના ચરણવંદ સદા ફરે છે. પરિક્રમા કરતાં અન્ય ભક્તોના અને આપણાં ચરણથી વ્રજની રજ ઉડે તે આપણાં અંગે અંગમાં લાગે તે દ્વારા શ્રી ઠાકોરજીના સુખદ અલૌકિક સ્પર્શની અનૂભૂતિ થાય છે. આ પરિક્રમા પાછળનો મુખ્ય ભાવ પણ આજ રહેલો છે.

- યજ્ઞોશચંદ્ર હીરાલાલ દોશી

Tags :