Get The App

શાખ એટલે જીવનભરની કમાણી .

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
શાખ એટલે જીવનભરની કમાણી                             . 1 - image

- મારું માનવું છે કે માણસ ધન કે વિદ્યાથી નહિ ચારિત્ર્યથી જ સજ્જન બને છે. પૈસા ઉછીના લેનારને લેણદાર પાસેથી પૈસા લેતી વખતે જેવો આનંદ અને સુખની લાગણી થાય છે એવી નાણા પાછા આપતી વખતે થતી હશે કે કેમ તેની મને ખબર નથી.

કૌરવોથી છૂટા પડયા પછી ધર્મરાજ યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞા કરવો હતો. તેના માટે અઢળક ધનની જરૂર હતી. જે ફક્ત કુબેર પાસેથી મળે તેમ હતું. યુધિષ્ઠિરે ભીમને કુબેર પાસે પૈસા લેવા મોકલ્યો, કુબેર પૈસા આપવા રાજી હતા. પણ તેમણે પૈસાની સલામતીની ખાત્રી માટે ભીમને સવાલ પૂછયો. 'ભીમ, તું જે ઉત્સાહથી પૈસા લેવા આવ્યો છે એટલા જ ઉત્સાહથી પૈસા પાછા આપી જઈશ ?' ભીમે એક પળનોય વિચાર કર્યા વગર કહ્યું, 'હા. હા. એમાં વળી પૂછવાનું શું ? પૈસા લઈશું તો પૈસા આપી પણ જઈશું જ ને !' કુબેરે ભીમને પૈસા ના આપ્યા. ત્યારબાદ યુધિષ્ઠિરે બીજા ભાઈઓને વારાફરતી મોકલ્યા. કુબેર દરેકને એ જ સવાલ પૂછતા. પણ કોઈના જવાબથી કુબેરને સંતોષ ના થતો. પૈસા વગર યજ્ઞા થાય તેમ નહોતો. છેવટે યુધિષ્ઠિર જાતે કુબેર પાસે ગયા. કુબેરે તેને પણ એ જ સવાલ પૂછયો, 'યુધિષ્ઠિર તું જે ઉત્સાહ અને આનંદથી મારી પાસેથી પૈસા લઈ જઈશ, એટલા જ આનંદ અને ઉત્સાહથી પૈસા પરત કરીશ ને ?' યુધિષ્ઠિરે કહ્યું, 'ધર્મે તુ પરમ્ સુખમ્.' ધર્મમાં પરમ સુખ રહેલું છે અને હું રાજસૂય યજ્ઞા કરી ધર્મનું કામ કરી રહ્યો છું.' ના ધનો ધર્મકૃત્યાનિ...' પણ મારી પાસે હાલ ધન નથી. ધન વગર ધર્મકાર્ય બરાબર થઈ શકતું નથી. છતાં મારું માનવું છે કે માણસ ધન કે વિદ્યાથી નહિ ચારિત્ર્યથી જ સજ્જન બને છે. પૈસા ઉછીના લેનારને લેણદાર પાસેથી પૈસા લેતી વખતે જેવો આનંદ અને સુખની લાગણી થાય છે એવી નાણા પાછા આપતી વખતે થતી હશે કે કેમ તેની મને ખબર નથી. પણ હું ખાત્રીપૂર્વક કહું છું કે ઉત્સાહમાં હોઉં કે નિરાશામાં, આનંદમાં હોઉં કે દુઃખમાં, ખુશીમાં હોઉં કે ચિંતામાં - ગમે તે પરિસ્થિતિમાં હું આપના લીધેલા નાણાની પાઈએ પાઈ ચૂકતે કરી દઈશ. (યશઃ શરીરં ન વિનશ્યતિ) હું માનું છું કે માણસનું શરીર ભલે નાશ પામે પણ તેનો યશ, તેની કીર્તિ, તેની શાખ કદી નાશ પામતી નથી. તે કાયમ રહે છે. ધન તો આવે છે અને જાય છે. માણસે ચારિત્ર્યનું રક્ષણ કરવું જોઈએ.' કુબેરને યુધિષ્ઠિરનો નિખાલસ-પ્રામાણિક જવાબ સ્પર્શી ગયો. તેમણે માગેલ સોનામહોરો ગણી આપી.

The reputation through a thousand years may depend upon the conduct through a single moment. માણસ દરેક ક્ષણ કેટલી સાવધાનીપૂર્વક, જાગૃત રહીને સાચવી સાચવીને જીવે છે તેના પર તેની વર્ષો જૂની બનાવેલી શાખનો આધાર છે. અંતઃકરણ શુદ્ધ રાખીને, સંયમથી સદાચારથી માણસ જીવે ત્યારે પ્રતિષ્ઠા પામે છે. માણસ એકાદ પુણ્ય કરીને નિરાંતે બેસી ના શકે. ભૂલ કર્યા પછી પ્રશ્ચાત્તાપરૂપે 'સોરી' કહીને મનગમતું વર્તન કરી ના શકે. શાખ જાળવી રાખવી એ ફલેટના પંદરમા માળે ખુલ્લી પાળી પર ચાલવા જેવું કપરું કામ છે. આપણા વર્તનમાં એકાદ ખામી દેખાઈ જાય એટલે વર્ષો જૂની બંધાયેલી પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જાય છે. પણ એકવાર સદાચારી જીવન જીવવાની ટેવ પડી જાય પછી માણસની આબરૂની મહેંક ફેલાયા જ કરે છે.

ગૃહિણી જ્યારે રસોઈ કરતી હોય ત્યારે મોબાઈલ પર વાત કરતાં કરતાં પણ દાળ-શાકમાં કેટલું મીઠું, મરચું નાખવું તેનો તેમને અલગથી વિચાર કરવો પડતો નથી. મન ભલે વાતોમાં મશગૂલ હોય પણ હાથ બરણીમાં જાય અને મસાલો બરાબર જ પડે ! આ બધું ઓટોમેટિક થઈ જાય છે. એમ આબરૂદાર માણસ તેના અંતઃકરણના ગર્ભમાં તેની પ્રામાણિકતા એવી રીતે સંગોપી રાખે છે કે તેને દુનિયાને સારા દેખાડવા માટે ત્રાગું કરવું પડતું નથી. દંભનો મેકઅપ કરવો પડતો નથી. તેના વર્તન પરથી જ તેની શાખનો રણકાર સંભળાઈ જાય છે.

શેઠ ભામાશા રાણા પ્રતાપને શોધીને મદદ કરે એમાં દેશભક્તિ તો ખરી પણ તે ઉપરાંત રાણા પ્રતાપમાં કંઈક એવું હતું કે ભામાશા સર્વસ્વ અર્પણ કરી દે. આમ તો અંગ્રેજો રાજકીય ધોરણે ગાંધીજીના દુશ્મન ગણાય પણ અંગત રીતે તે ગાંધીજીની જીવન શૈલી આગળ ઝૂકીને મિત્ર બની જતા. નરસિંહ મહેતામાં એવું શું હતું કે શ્રીકૃષ્ણને બધું છોડીને તેમની હુંડી સ્વીકારવા આપવું પડે !

ગાંધીજીનો સત્યાગ્રહ ચાલતો હતો. તેના માટે નિષ્ઠાવાન કાર્યકર્તાઓની પસંદગી થતી. એ વખતે મુંબઈ, સિક્કાનગરની એક બહેને સત્યાગ્રહી થવાની તૈયારી બતાવી. તેણે લેમિંગ્ટન રોડ, પોલિસ સ્ટેશન સામે જ અંગ્રેજો વિરૂદ્ધ ભાષણ કર્યું. ધરપકડ થઈ. કાયદો એવો હતો કે જેની ધરપકડ થાય તે ઘરે જઈ સામાન લઈ આવે. તેને અદાલત લઈ જવાય અને પછી જેલમાં ધકેલાય. જોકે, આ બહેનને સીધા અદાલતમાં લઈ જવાનું નક્કી થયું. આ ઘટના જોનાર એક ખાદીધારી ભાઈ ટોળામાં હતો. પેલા સત્યાગ્રહી બહેન તેની પાસે ગયાં. પોતે પહેરેલી સોનાની બંગડીઓ, મોતીનો હાર, હીરાની બુટ્ટી - બધું જ એ ભાઈને આપી, સરનામું આપ્યું. પેલા ભાઈ તો દંગ રહી ગયા. તેમણે પૂછયું, 'બહેન, આટલાં કિંમતી ઘરેણા ! તમે તો મને જાણતાં ય નથી. આ દાગીના લઈને હું ભાગી જાઉં તો...?' ત્યારે એ બહેને કહ્યું, 'એવું ના બને ! તમે શરીર પર ગાંધીજીની ખાદી પહેરેલી છે. મને આ ખાદી અને ગાંધીજી પર ભરોસો છે.' એ બહેનને આટલો વિશ્વાસ, આટલી શ્રદ્ધા, આટલી નિરાંતનું કારણ શું હોઈ શકે ? એ હતી ગાંધીજીના વ્યક્તિત્વની આબરૂ. તેની શાખ.

શાંતિથી વિચાર કરીએ. જો આપણે આપણા ઇષ્ટદેવની કંઠી ગળામાં પહેરીને આટલો ભરોસો, આટલો વિશ્વાસ, આટલી શ્રદ્ધા, આટલી શરણાગત ભાવના કેળવીએ તો જીવનમાં કેટલું સુખ-ચેન, કેટલી શાંતિ, કેટલી નિરાંત મળી જાય ! ગુણોના સરવાળાથી જે સંખ્યા મળે તે છે શાખ. ધન, રૂપ, શક્તિ, પદ કે વૈભવ-સદ્ગુણોની હાજરીથી જ શોભે છે. ભગવાન શંકર પાસે નથી ધન, નથી રૂપ, નથી વસ્ત્ર, નથી ઘર, નથી તેજ વાહન-છતાં દેવોના દેવ મહાદેવ કહેવાય છે. જગતના સર્વ સદ્ગુણોને ઘૂંટીને જીવનપાત્રમાં એકરસ કરી જે પીણું બનાવાય તે છે શાખ. શાખ એટલે જીવનભરની કમાણી.

- સુરેન્દ્ર શાહ